Homeસાહિત્યમમતા કાલિયા કવિતામાંથી વાર્તા લેખનમાં કેવી રીતે આવી ગયા?

મમતા કાલિયા કવિતામાંથી વાર્તા લેખનમાં કેવી રીતે આવી ગયા?

Team Chabuk-Literature-Desk: જેને ગુજરાતી સહિત હિન્દી સાહિત્યનો પણ શોખ હોય તો તેમના માટે મમતા કાલિયા એ કોઈ અજાણ્યું નામ નથી. હિન્દીમાં તેમની ઓળખ રવિન્દ્ર કાલિયાનાં પત્ની સિવાય સ્વતંત્ર પણ છે. મમતા કાલિયાના પિતા આકાશવાણીમાં નોકરી કરતા હતા. ઘરમાં સાહિત્ય અને કલાનું વાતાવરણ બની ગયું હતું. સંગીતકારોનું તેમના ઘરે ઉઠવા બેસવાનું રહેતું હતું. મમતાજીના પિતા સંગીતકારોની ઈજ્જત તો કરતા જ હતા પણ સાહિત્યકારોની વધારે ઈજ્જત કરતા હતા.  કોઈ વખત વાર્તાકાર આવે, કોઈ વખત નવલકથાકાર આવે અને સૌથી વધારે કવિઓ આવે.

મમતાનો ઉછેર પણ આવા જ વાતાવરણમાં થયો હતો. લેખકોનું તેમના ઘરે ઉઠવું બેસવું રહેતું એમાં એક કવિશ્રી ચડી આવ્યા. કવિનું નામ જૈનેન્દ્ર કુમાર. તેઓ મમતાનાં ઘરે કવિતાનું પઠન કરી રહ્યા હતા. એ કવિતા એવી તો લાકડાછાપ હતી કે મમતાના હ્રદયમાં સોંસરવી ઉતરી ગઈ. આ એ ક્ષણ હતી જ્યારે મમતાએ મનોમન સર્વસ્વ કામનાઓને ત્યાગી લેખિકા બનવાનું નક્કી કરી લીધું.

પિતાને નહોતું લાગતું કે મમતામાં કોઈ સાહિત્યકાર કે અન્ય કલાનો ગુણ હોય. એમની ‘આપકી છોટી લડકી’ નામની વાર્તા છે. આ વાર્તામાં લેખિકા લખે છે કે, ‘એક વખત એક મોટા ગજાનાં સાહિત્યકાર અમારા ઘરે આવ્યા.’ આ સાહિત્યકાર તેમની શૈશવની સ્મૃતિમાંથી જ ઉપજ્યાં હતાં. આ સાહિત્યકારે મમતાનો અવાજ સાંભળીને કહેલું કે, ‘અવાજ ખૂબ સરસ છે.’ મમતામાં કલાકારીનો ગુણ રહેલો છે તેવું પિતાને ત્યારે લાગ્યું.

મમતા કાલિયા આ અંગે કહે છે, ‘આ ખૂબ જ સહજ વાત છે કે તમે વાંચતા વાંચતા લેખક બની જાવ. સાંભળતા સાંભળતા વક્તા બની જાવ. શરૂઆતમાં મેં ખૂબ જ વાંચ્યું. અજ્ઞેયને વાંચ્યા. અજ્ઞેયને વાંચવો એ જાણે એક અનુભવ છે. તેમને હું વાંચતી. તેમની ઘણી કવિતાઓ મને સમજમાં ન આવતી છતાં હું વાંચતી કારણ કે અજ્ઞેયને વાંચવાની મજા આવતી હતી. નિરાલાની કવિતાઓ મારી અંદર રહસ્ય પેદા કરતી હતી. એમને પણ મેં ખૂબ વાંચ્યા.’

એ જમાનો એબ્સર્ડ સાહિત્યનો હતો. મમતા કવિતાઓ વાંચતા હતા. કવિતામાં પણ એબ્ઝર્ડ વસ્તુ આવી ગઈ. એબ્ઝર્ડ કવિતા, વાર્તા, નવલકથા… આ તમામ વસ્તુઓ યુરોપ અને અમેરિકામાંથી આવી હતી. યુવા સાહિત્યકારો એબ્ઝર્ડના વમળમાં ફસાઈ ગયા હતા. મમતાએ જ્યારે આ શૈલીમાં લખવાની શરૂઆત કરી, ન માત્ર મમતા પણ અન્ય ઉન્મેષોએ પણ તો વિવેચકોમાં ઉહાપોહ મચી ગયો. તેમણે આ નૂતન સાહિત્યકારોની રચનાને અકવિતા કહી દીધી અને સાહિત્યકારોને અકવિ.

70નાં દાયકામાં કવિતા ક્ષેત્રે પરિવરર્તન આવી રહ્યું હતું. મમતાને ખ્યાલ આવ્યો કે કવિતા હવે ધીમે ધીમે સ્ત્રીના દેહ સુધી સમિતિ થઈ ચૂકી છે. તેમાં સ્ત્રીના દેહ સંબંધી ક્રાંતિકારીતા દર્શાવવામાં આવી રહી છે. મમતાને એ સમયમાં અટવાઈ જવાનો ડર લાગી રહ્યો હતો. તેમને લાગ્યું કે આ સમય તો જધન્યતાની તરફ જઈ રહ્યો છે. તેમણે કવિતા છોડી વાર્તા તરફ જવાનું નક્કી કર્યું. પદ્યમાંથી ગદ્યમાં આવી ગયા. જોકે કવિતાથી તેઓ સાવ વિમુખ તો ન જ થઈ શક્યા.

મમતા કાલિયાએ નાટક, અનુવાદ, સંસ્મરણ, નવલકથા, કવિતા બધું લખ્યું પણ તેમાં સૌથી યાદગાર તેમના વાર્તાસંગ્રહો છે. મમતા પાસેથી છૂટકારા, એક અદદ ઔરત, સીટ નંબર છ, ઉસકા યૌવન, જાંચ અભી જારી હૈ, પ્રતિદિન, મુખૌટા, નિર્મોહી, થિએટર, રોડ કે કૌએ, પચ્ચીસ સાલ કી લકડી જેવા વાર્તાસંગ્રહો મળ્યા છે.

બે વસ્તુ હતી જે તેમને કવિતામાંથી વાર્તા તરફ લઈ ગઈ. સંપાદકોના આવતા વારંવાર પત્ર કે તમે વાર્તાઓ કેમ નથી લગતા અને બીજું રવિન્દ્ર કાલિયાનો સંપર્ક. મમતાને વાર્તા લખતાં થયું કે વાર્તાંઓ થકી આપણે વિસ્તૃત રીતે આપણો ભાવ રજૂ કરી શકીએ છીએ.

મમતા અને રવિન્દ્ર બંને વાર્તાઓ લખતા હતા. 30મી જાન્યુઆરી 1965નાં રોજ એક વાર્તા ગોષ્ઠીમાં તેઓ ભાગ લેવા ગયા હતા અને સાથે પરત ફર્યા. મમતા ત્યાર સુધીમાં તેમની રચનાઓ વાંચી ચૂકી હતી અને તેમને રચનાઓ પસંદ પણ આવી હતી. જોકે રવિન્દ્રની અંગત જિંદગી વિશે તેમને વધારે કંઈ ખ્યાલ નહોતો.

મમતા તેમનાથી પ્રભાવિત હતા. ખાસ તેમના વાંચન અને લેખનથી. મમતા લખતા અને વાંચતા તેમાં પણ રવિન્દ્ર અંગત રીતે રુચી લેતા હતા. રવિન્દ્રનું મમતા વિશે એવું માનવું હતું કે તેઓ એક સાહસિ છોકરી છે. મમતાએ પણ જીવન જીવવાનું સાહસ તેમની પાસેથી જ શીખ્યું હતું. સાહિત્યની વાતો થતાં થતાં મમતા અને રવિન્દ્રને લાગ્યું કે હવે આપણે એક થઈ જવું જોઈએ. પરિવારને પણ ગમ્યું. 12 ડિસેમ્બર 1965નાં રોજ તેમના વિવાહ થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments