ઝાલાવાડી જલજીરા: ન્યૂયોર્કની હોસ્પિટલમાં જ્યારે સ્ટેલોનનો જન્મ થયો ત્યારે ડોક્ટરોએ તેના પર એક ચીમટાનો પ્રયોગ કર્યો હતો. જે સ્ટેલોન માટે એટલો હાનિકારક સાબિત થયો કે, બાળપણમાં જ તેનું શરીર પક્ષઘાતની આંટી-ઘૂટીમાં વીંટાઈ ગયું. તેનું બોલવુ અશક્ય થઈ ગયેલું. બોલી શકે પણ થોડુ બોબળું. ડાબી બાજુનો હોઠ લટકી ગયેલો. ચહેરો કોઈને પસંદ ન આવે તેવો દેખાવા લાગ્યો. અત્યારે સ્ટેલોનની ઉંમર પ્રમાણે જુઓ તો ચહેરા પર પક્ષઘાતની અસર જેવું થોડું વર્તાયા વિના નહીં રહે.
અમેરિકન માતા પિતાઓનાં ઠોકી બેસાડેલા નીતિ નીયમો પ્રમાણે સ્ટેલોનને પણ તેના માતા પિતાથી કિશોર અવસ્થામાં અલગ થવું પડેલું. અમેરિકાની ક્વિન્સ સ્કુલમાં તે ભણતો જ્યાં અઠવાડિયે એકવાર મા-બાપ આટો મારી જાય. ત્યાં ફાવ્યું નહીં એટલે માતા-પિતા સાથે રહેવા લાગ્યો. એટલામાં સ્ટેલોનને એક આદત પડી ગયેલી, ભણવાનું પૂર્ણ થવાનું હોય ત્યાં એ ક્ષેત્ર છોડી દેવાનું. સૌથી પહેલા તેણે બ્યુટી સ્કુલમાં એડમિશન લીધું. ઘોડો વિજેતા થવા પહોંચ્યો ત્યાં તો…. ‘યાર મઝા નથી આવતી…’ એમ કહી છોડી દીધું, કારણ કે એટલામાં તેને નાટકમાં રસ જાગેલો. ડ્રામા સ્કુલમાં એડમિશન લીધું. સૌથી હોશિયાર એવા સ્ટેલોને આ ડ્રામા સ્કુલને પણ અલવિદા કરી નાખ્યું. મિયામીના આ થીએટર કલા વિશ્વવિદ્યાલયમાં તેણે ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરેલો. ખબર નહીં કેમ સ્ટેલોનને કોઈ પણ વસ્તુનો અંત આવતા લાગી જતું કે, હવે કંઈક બીજું કરવું છે. એક ખાસ વાત નોંધી લો, ગ્રેજ્યુએશન કમ્પલિટ થવામાં સાત કલાકની જ વાર હતી અને તેમણે ભણવાનું છોડી દીધેલું.
તેને લખવાનો ખૂભ ભભળિયો હતો. એટલે તેણે છદ્મનામે લખવાનું શરૂ કર્યું. છદ્મનામ હતાં ક્યુ મુનબલ્ડ અને જે.ડેડલોક. લખતાં લખતાં ફિલ્મોમાં કામ કરવાનાં પણ અભરખા જાગ્યાં. પણ એમ કંઈ હોલિવુડ રસ્તામાં ન હતું. પોતાના શોખને સંતોષવા સ્ટેલોને બ્લુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.
શાહરૂખ ખાને એક ઈન્ટર્વ્યૂમાં કહેલું, ‘બાળપણમાં મારી ઈચ્છા સ્ટેલોન બનવાની હતી. હું બ્લુ ફિલ્મોમાં કામ કરવા માગતો હતો અને પછી સ્ટાર બનવા માગતો હતો, જેથી લોકોને કહી શકું હું ભારતીય સ્ટેલોન છું, પણ તે અમેરિકા અને સ્ટેલોન જ કરી શકે કોઈ શાહરૂખ નહીં.’
1970માં ધ પાર્ટીં એટ કિટી એન્ડ સ્ટટ્સમાં તેને કારકિર્દીની પ્રથમ ભૂમિકા મળી. આ ફિલ્મને ઈટાલિયન સ્ટૈલિયન નામના નવા નામે રિ-રિલીઝ કરવામાં આવી હતી. આ વચ્ચે સ્ટેલોનની ઈચ્છા હોલિવુડ ફિલ્મમાં કામ કરવાની હતી. તેણે ઓડિશન દેવાના શરૂ કર્યા અને રિજેક્શનનો સમય પણ શરૂ થયો. પટકથા લખતા, તે પણ સિલેક્ટ ન થતી અને ઓડિશન પણ ફેલ જતાં. પરિસ્થિતિ એવી બની કે, ઘરમાં ખાવાના ફાંફા થઈ ગયા. માતા-પિતા હવે કમાઈ શકે તેવી હાલતમાં ન હતા તો પત્નીના ઘરેણા વેચી દીધા. અશ્લીલ ફિલ્મોમાં રોલ મળતા હતા, પણ સિલ્વેસ્ટરે મન બનાવી લીધું હતું, કે જગ્યા તો હોલિવુડમાં જ બનાવવી.
નવરા ઘરે બેસતા અને ટીવી જોતા. બસ, આમ જ હળવાશના સમયમાં ઘરે બોક્સિંગનો મેચ જોઈ રહ્યાં હતાં. વેપર અને મોહમ્મદ અલી વચ્ચે જોરદાર ટક્કર થઈ રહી હતી. એ સમયે મોહમ્મદ અલી વેપરની ધોલાઈ કરતા હતા અને આશ્ચર્યની વચ્ચે વેપર આ બધા હુમલાઓ સહન કરી રહ્યો હતો. સ્ટેલોને ટીવી ઓફ કર્યું અને કાગળ પેન લઈ લખવા બેઠો. 24 કલાક બાદ તેના હાથમાં જે હતું તે હતી રોકીની સ્ક્રિપ્ટ..
હવે પાછા પ્રોડ્યુસરના ધક્કા. દરેક પ્રોડ્યુસરનાં ઘરના બારણા ખટખટાવ્યા અને બદલામાં કંઈ હાથ ન લાગ્યું. સિલ્વેસ્ટરને મનમાં એવો વિશ્વાસ હતો કે, આ તો સિલેક્ટ થશે જ. એટલામાં ખિસ્સુ ખાલી થઈ ગયું. સિલ્વેસ્ટરને થયું હવે કૂતરો વેચવો પડશે. એટલે પોતાના કૂતરાને લઈ તેઓ સડક વચ્ચે ગયા. દારૂની દુકાન સામે જોર જોરથી બોલવા લાગ્યા, ‘મારો કૂતરો લેવો હોય તો…’ જેનું કારણ પૈસા ન હતા. આખી રાત ઉભા રહ્યાં પછી એક વ્યક્તિએ 25 ડોલરમાં કૂતરો ખરીદ્યો. સ્ટેલોન આજે પણ યાદ કરે છે, ‘તે મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો.’
એ 25 ડોલર પૂરા થયા પછી સ્ટેલોનને વધારે પૈસા ક્યાંથી મળ્યા તે મને ખબર નથી, પરંતુ અંધા કાનૂનના અમિતાભની માફક તે પટકથા લઈ ઘૂમતા હતા. એટલામાં એક પ્રોડ્યુસરને આ વાર્તા પસંદ આવી ગઈ. તેણે સ્ટેલોનને એક લાખ ડોલરની ઓફર કરી આ સ્ક્રિપ્ટ ખરીદી લીધી. સ્ટેલોનની ખૂશીનો કોઈ પાર ન હતો.
પણ કહાની મેં અભી ટ્વીસ્ટ હૈ, સ્ટેલોને પટકથા તેના હાથમાંથી ખેંચતા કહ્યું, ‘જૂઓ ફિલ્મમાં રોકીનો રોલ પણ હું જ કરીશ.’ એટલે સ્ટેલોનને ઘરના ભૂવા ને ઘરના ડાકલા વગાડવા હતા. પ્રોડ્યુસર માથાનો ભટકેલો, ‘રાઈટર જ એક્ટર, જુઓ આવું ઈન્ડસ્ટ્રીમાં નથી ચાલતું.’
‘હું ચલાવીશ.’ આટલું બોલી સ્ટેલોન બહાર ચાલ્યા ગયા.
જેના પૂરા બે અઠવાડિયા બાદ સ્ટેલોનને ફરી તે પ્રોડ્યુસરનો ફોન આવ્યો અને વધારે રૂપિયાની ઓફર કરી. સ્ટેલોન ટસ ના મસ ન થયા. આ તો રોજનું થયું. પ્રોડ્યુસર ઓફર વધારે અને સ્ટેલોન આનાકાની કરે. આ રકમ છેલ્લે ચાર લાખ ડોલરે પહોંચી ગઈ. સ્ટેલોને ફોન પર કહ્યું, ‘રોકી તો હું જ બનીશ.’
આખરે સ્ટેલોને બગડેલી કેરી ખરીદી એમ કહેવાય. પેલા પ્રોડ્યુસરે નમતું જોખ્યું. અને સ્ટેલોનને 25000 ડોલરમાં સ્ક્રિપ્ટ સહિત સાઈન કર્યો. પ્રોડ્યુસર માટે તો સ્ટેલોન વહુ સાથે આવેલ દહેજ હતું. જેને સાચવવું જ પડે.
પૈસા લઈ આ માણસે સૌથી પહેલા પોતાનો કૂતરો ખરીદ્યો. દારૂની દુકાને કૂતરો વેચવા ઉભો હતો ત્યાં જઈ ત્રણ દિવસ સતત ઉભો રહ્યો. ત્રણ દિવસ પછી કૂતરો મળ્યો. આ સિલ્વેસ્ટરનો જાનવર પ્રેમ. એ 25 ડોલરમાં વેચેલા કૂતરાના સ્ટેલોને 15,000 ડોલર ચૂકવ્યા. સ્ટેલોન પાગલ ન હતો, પણ પેલો માણસ હરરાજી હોય એમ પૈસા વધાર્યા કરતો હતો. સ્ટેલોન કૂતરો ખરીદીને રહ્યા અને પોતાની ફિલ્મ રોકીમાં કૂતરાને સ્થાન પણ આપ્યું. જે ફિલ્મમાં તમને દેખાશે.
રોકી રિલીઝ થઈ અને બેસ્ટ પિક્ચરનો એકેડેમી એવોર્ડ લઈ ગઈ. સિલ્વેસ્ટરે ત્યારબાદ કોઈ દિવસ પાછળ વળીને ન જોયું. દુનિયામાં નિષ્ફળતાથી જીતવાના ત્રણ નિયમો, લગન, મહેનત અને ક્યારેક હાર સહન કરવી પડે, તેમાં સ્ટેલોન જીતી ગયા. સફળ થવા માટે કેટલું બધું ગુમાવવું પડતું હોય છે. ગુમાવેલું સ્ટેલોનના કૂતરા જેટલું નસીબદાર પણ નથી હોતું કે પાછું મળી શકે. સમય તો બિલકુલ નથી હોતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત