Team Chabuk-Special Desk: જીમ કોર્બેટનાં નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. હવે તો તેમના પુસ્તકો ગુજરાતી ભાષામાં પણ અનુવાદિત થઈ પ્રાપ્ત થવા લાગ્યા છે, જેથી જીમને નજીકથી ઓળખવાનો પુસ્તક પ્રિયજનો માટેનો આ લ્હાવો ચૂકવા જેવો નથી. જીમની શિકારી તરીકેની ઓળખ છે. માથે ટાલ પણ તે ટોપીના આવરણથી ઢંકાઈ જતી એટલે ટાલ હતી કે નહીં તેની ભાગ્યે જ કોઈને ખબર હશે. યુવાનીમાં કપાળ મોટું હતું એવું કહેતા, પણ પછી તો ટાલ થઈ.
ઓમ્નીમેન કટ પ્રકારની ભરાવદાર મૂછો. જંગલમાં જવા પોતાનો અલાયદો પોશાક પહેરે તો ઘડીભર માટે જીમ નહીં ચાર્લી ચેપ્લિનનું બીજું વર્જન આંખ સામે તરી આવે. પોતાનું સઘળું જીવન ભારતમાં પસાર કરનારો જીમ જિંદગીના છેલ્લા દિવસોમાં કેન્યા ચાલ્યો ગયો હતો. ચિત્તા અને સિંહની ભૂમિમાં લોટપોટ થવા માટે. ભારતનો પણ ત્યારે એટલો વિકાસ નહોતો થયો. જંગલ જંગલ કહેવાને લાયક હતું. ફેક્ટરીઓ અને કંપનીઓનાં ધૂમાડાથી દૂર એક પ્યારી નગરી વસવાટ કરતી હતી. ઓક્સિજન ભરપૂર હતો!
જીમ માત્ર શિકારી નથી. વીસ વર્ષથી વધારે સમય સુધી તેમણે રેલવેમાં નોકરી કરી હતી. રેલવેમાં જીમ કામ કરતા એ વાતને લઈ રેલવે પ્રશાસન પોતાની પીઠ અવાર-નવાર થાબડતું રહે છે. અલબત્ત ગુજરાત રેલવેમાં કામ કરતા રેલવે કર્મચારીઓમાંથી કેટલાને આ વાતની ખબર છે? ભણવાનું છોડીને 18 વર્ષની ઉંમરમાં જીમ બંગાળ એન્ડ નોર્થ વેસ્ટર્ન રેલવેમાં ફ્યૂલ ઈન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. મોકામાં સ્ટેશન ખાતે તેમણે જિંદગીના કેટલાય સારા નરસા વર્ષો વિતાવ્યા છે.
આ બધી વાતોના આલિશાન સંગ્રહાલયની વચ્ચે જીમ સ્મરણમાં રહી જાય છે ફક્ત તેના શિકાર અને શિકાર સાથે સંલગ્ન કિસ્સાઓનાં કારણે. 31 વર્ષની ઉંમર હતી જ્યારે ચમ્પાવતમાં તેમણે પ્રથમ નરભક્ષી વાઘને માર્યો હતો. પરફેક્ટ સમય છે 31 મે 1907. 1938માં ટોક ગામમાં શિકાર કરતા સમયે કોરબેટની ઉંમર 63 વર્ષની હતી. આ તેમનો અંતિમ શિકાર હતો. 63 વર્ષની આયુ પૂર્ણ કર્યા બાદ અને શિકારની જોબમાંથી નિવૃત્તિ લીધા પછી તેમણે છ પુસ્તકો લખ્યાં. 1944માં તેમણે લખેલી ‘મેન ઈટર્સ ઓફ કુમાઉ’ જાનવરોને જાણવાની ભગવદગીતા છે. જે ગુજરાતીમાં પણ હવે પ્રાપ્ય છે. જીમનું જ્યારે પણ જીક્ર આવે ત્યારે કુમાઉના આદમખોરો પર લખાયેલું તેનું આ પુસ્તક યાદ આવ્યા વિના નથી રહેતું. 1955માં તેમનું અંતિમ પુસ્તક ટ્રી ટોપ્સ તેમના નિધન બાદ છપાયું હતું.
પુસ્તકો ન વાંચનારાઓ અથવા તો પુસ્તકો વિશે પહેલાથી મનમાં એક ગ્રંથી બાંધી રાખનારાઓ માટે કહેવું ઉચિત રહેશે કે કોર્બેટની કથાઓ માત્ર વાઘના શિકાર ઉપર આધારિત નથી. કોઈ જાનવરના શિકાર સિવાય તેમાં પ્રકૃતિનું દુર્લભ વર્ણન છે. જાનવરોની ચેષ્ટાઓ અને ક્રિયાકલાપો ભરાયેલા પડ્યા છે. પ્રકૃતિ વચ્ચે રહી જાનવરોની પ્રકૃતિનો નખશીખ અભ્યાસ કોર્બેટે આ પુસ્તકમાં ઉતાર્યો છે. વાઘ માણસનો શિકાર કર્યા પછી માણસથી નથી ડરતો, પણ દીપડો માણસનો શિકાર કર્યા પછી માણસથી ડરે છે. વાઘ માણસનો શિકાર દિવસમાં કરે છે. દીપડો રાતના કરે છે. જોકે વાઘનો શિકાર કરવો સરળ છે. દીપડાનો શિકાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. આવા તો કંઈ કેટલાય નિરીક્ષણો જીમે કર્યા છે અને શબ્દબદ્ધ કર્યા છે.
જ્યાં સુધી તમે જાનવરને છંછેડતા નથી ત્યાં સુધી જાનવર તમને છંછેડતું નથી. આ વાતનો અનુભવ કોર્બેટે ખૂદ કર્યો હતો. કોર્બેટ એક રાતે એક ઝાડની નીચે ચત્તાપાટ ઊંઘી ગયા. સૂકી લાકડીઓ સળગાવી હતી. આ સિવાય તેમની પાસે કોઈ વસ્તુ નહોતી. રાતમાં વાઘ આવ્યો અને ચાલ્યો ગયો. કોર્બેટે જોયું કે અગ્નિનું શમન થઈ ગયું છે તો તેમણે લાકડીઓ ફરીથી સળગાવી અને ગાઢ નિંદ્રામાં ચાલ્યા ગયા. એમને પહેલાથી ખ્યાલ હતો કે વાઘ એમની આસપાસ છે, પણ કોર્બેટ એ વાતનો અનુભવ કરવા ઈચ્છતા હતા કે વાઘને છંછેડવામાં ન આવે તો તે મારે કે ન મારે? જવાબ છે ન મારે.
શેરની ફિલ્મનો સંવાદ છે. જંગલમાંથી તમે નીકળો તો તમને વાઘ એક વખત દેખાય પણ વાઘે ત્યાં સુધીમાં તમને સો વખત જોઈ લીધો હોય છે. વાત જાણે એવી બનેલી કે જંગલી મુરઘીઓનો પીછો કરતા કરતા જીમ કોર્બેટ ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ઝાડીની પાછળના ભાગેથી સળવળાટનો અવાજ આવ્યો. શ્વાસ ઊંડો લેવાયો અને છોડી દેવામાં આવ્યો. રેચક-પૂરકની આ ગતિવિધિ કોઈ નાના જાનવરની નહોતી. થોડીવારમાં ઝાડીઓની પાછળથી એક ભીમકાય વાઘ જીમની સામે આવી ઊભો રહી ગયો. થોડીવાર જોયું અને પછી નીકળી ગયો.
તેમને ગમતી બે રાઈફલો હતી. જેમાંથી જ્હોન રિગબી એન્ડ કંપની પાસે જીમ કોર્બેટની એ રાઈફલ છે, જેનાથી તેમણે ચમ્પાવતના નરભક્ષી દીપડાને 1910ની સાલમાં હણ્યો હતો. કોર્બેટે પોતાની વસિયતમાં આ રાઈફલ ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ પ્રેસને આપી હતી. જ્યાંથી આ રાઈફલ રિગબીની પાસે પહોંચી ગઈ. કોર્બેટની આ રાઈફલ રિગબી કંપનીએ પોતે જ બનાવી હતી અને અંતે તેની પાસે જ પાછી આવી ગઈ. કોર્બેટની 450-400 દુનાલી રાઈફલ વર્ષ 2015માં અમેરિકામાં વસવાટ કરતા વ્યક્તિ બિલ જોન્સની પાસે છે. તેમને રાઈફલ સંગ્રહ કરવાનો શોખ છે.
રિગબી કંપનીની હજુ એક ખાસ વાત. કમ્પની પાસે કોર્બેટ દ્વારા લખવામાં આવેલી જંગલ સ્ટોરીઝની એક માત્ર પ્રત છે. કોર્બેટે પોતે લખેલું આ પુસ્તક પોતે જ પ્રકાશિત કરાવ્યું હતું. કુલ 100 પુસ્તકો છપાવ્યા હતા. આ પુસ્તક તેઓ વેચવા નહીં, પણ પોતાના મિત્રોને ભેટમાં આપવા માગતા હતા. એક આદમખોરની ખાલ એમની વસિયતમાં જણાવ્યા પ્રમાણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસની ન્યૂયોર્ક શાખાની માલિકીની છે. એમણે શિકાર કરેલી જાનવરોની બીજી ખાલનું શું થયું તેની કોઈને ખબર નથી.
શિકારીઓને રોષભરેલી નજરે જોવામાં આવે છે. જીમ એ બધાથી વિપરિત છે. જીમને ‘જેન્ટલમેન હન્ટર’ તરીકેની ઉપાધિ કાંઈ એમ નેમ નથી મળી. એમણે આખી જિંદગી પોતાના સ્વાર્થ માટે એક પણ શિકાર નથી કર્યો, જ્યારે કોઈ જાનવર હદ કરતા વધારે કનડગત કરતું ત્યારે જ જીમે પોતાની રાઈફલ ઉઠાવી છે. નહીં તો આ શિકારીના નામ પર એક ઉદ્યાન એ પણ ભારતમાં કેમ હોય? ઉતરાખંડ. જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જ્યાં કોર્બેટે જોયા, જાણ્યાં અને લખ્યાં એવા જ વાઘના આટાફેરાં જોવા મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત