Homeતાપણુંઉત્તર પ્રદેશની રાજનીતિમાં ઢચુપચુપણું: સત્તા માટે વિચારધારા નેવે મૂકી જ્યારે આડેધડ ગઠબંધનો...

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ઢચુપચુપણું: સત્તા માટે વિચારધારા નેવે મૂકી જ્યારે આડેધડ ગઠબંધનો થયા

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અસ્થિરતાનો અસ્ખલિત પ્રવાહ ધીમે ધીમે વહેતો રહ્યો. અયોધ્યા આંદોલન અને મંડલ આયોગની રિપોર્ટ લાગુ થયા બાદ પ્રદેશમાં ઢચુપચુપણાનો નવો સમય શરૂ થયો હતો. મેદાનમાં નવા ખેલાડી આવી ચૂકયા હતા. 1989માં મુલાયમ સિંહ યાદવ પ્રદેશમાં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. જોકે તેઓ પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા. 1991માં પૂર્ણ બહુમતની સાથે પ્રદેશમાં ભાજપની પ્રથમ વખત સરકાર બની. કલ્યાણસિંહ મુખ્યમંત્રી બન્યા.

6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ તેમની સરકાર નિલંબિત કરી દેવામાં આવી. પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. 1993માં ચૂંટણી થઈ. મુલાયમ સિંહ યાદવે બસપાની સાથે મળી ગઠબંધન સરકાર બનાવી અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ વખતે પણ યાદવ પાંચ વર્ષ ખુરશી પર ન ટકી શક્યા. માયાવતી સાથેના વિવાદ બાદ મુલાયમની જગ્યાએ ભાજપના સમર્થનથી માયાવતી પ્રદેશમાં મુખ્યમંત્રી બની. જોકે તેઓ પણ પાંચ વર્ષ પૂર્ણ ન કરી શક્યા. હવે સમય એવો હતો કે વિચારધારાની ઐસી કી તૈસી. ગમે તે ભોગે સત્તામાં રહો. અધૂરા કામ પતાવો.

સરકાર આવતી રહી જતી રહી. 1997થી 2002 સુધીની સરકારમાં એક બાદ એક એમ ત્રણ નેતા કલ્યાણ સિંહ, રામપ્રકાશ ગુપ્ત, રાજનાથ સિંહ મુખ્યમંત્રી બન્યા. કોઈ પણ મુખ્યમંત્રી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ નહોતો કરી શક્યો. વર્ષ 2002માં રાજનાથ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી. પરિણામ એ આવ્યું કે પૂર્ણ બહુમતથી વંચિત રહી ગઈ. ધારાસભ્યોની સંખ્યા સૌથી વધારે ભાજપની પાસે હોવા છતાં તેમને બસપા સાથે ગઠબંધન કરવું પડ્યું. માયાવતી ફરી વખત મુખ્યમંત્રી બની. કલહ થતા ભાજપે સમર્થન પરત ખેંચી લીધું, સરકાર પડી ગઈ અને માયાવતી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકી. ત્રીજી વખત મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા અને 2007 સુધી રહ્યા. જોકે અધવચ્ચેથી જ બન્યા હોવાથી પાંચ વર્ષનો કાર્યકાળ તેમનો પણ પૂર્ણ ન થયો.

અસ્થિરતા અને ઉઠક-બેઠકના સમયમાં જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. 2007માં જનતાએ બહુજન સમાજવાદી પાર્ટીને પૂર્ણ બહુમત આપી દીધું. માયાવતીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો. 2012માં ફરી ચૂંટણી થઈ. માયાવતી ફરી સત્તામાં ન રહી. જનતાએ 224 ધારાસભ્યો પસંદ કરી સમાજવાદી પાર્ટીને બહુમતિ આપી. અખિલેશ યાદવની સરકાર બની ગઈ. જોકે અખિલેશ પણ 2017માં ફરી સત્તામાં ન આવી શક્યા. નરેન્દ્ર મોદીની લહેરમાં તેમની હોડી તણાઈ ગઈ. માયાવતી અને અખિલેશ પાસે સતત બીજી વખત મુખ્યમંત્રી બનવાની તક હતી પણ એ તક તેમને જનતાએ ન આપી. યોગી આદિત્યનાથ પાસે હવે આ તક છે. જોઈએ કે ભાજપ તેમને એ તક આપે છે કે નહીં. 1991થી 2007 સુધી જે અસ્થિરતાનો માહોલ ઉત્તર પ્રદેશમાં સર્જાયો તેના કારણે જ ત્રસ્ત જનતાએ બાદમાં એક બાદ એક પક્ષને બહુમતિ આપી તેમના કામની ચકાસણી કરી લીધી હતી. યોગીને રામ મંદિરનો ફાયદો મળ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments