Team Chabuk : 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. જેના વિચારો આજે પણ પ્રેરણા આપે છે. ધ ફર્સ્ટ ઈન્ડિયન મોટીવેશન સ્પીકર. તેમનું સ્થાન કોઈ નથી લઈ શક્યું. કોઈ નહીં લઈ શકે. રવીન્દ્રનાથ ટાગોરે કહેલું, જો તમે ભારતને જાણવા માગો છો તો વિવેકાનંદને વાંચો. રોમા રોલાંએ કહેલું, એ જ્યાં પણ ગયા સૌ પ્રથમ થયા. દરેક વ્યક્તિ તેમનામાં કોઈ નેતાના દર્શન કરતો હતો. રોમારોલાએ તેમના વિશેનો પ્રસંગ ટાકતા કહ્યું છે કે, ‘હિમાલયમાં એક યાત્રી એમને જોઈ બોલી ઉઠેલો, શિવ’ આજે એ વિવેકાનંદના જ કેટલાક કિસ્સાઓ જાણીએ. જે સ્વામી નિખિલાનન્દે વિવેકાનંદ અ બાયોગ્રાફીમાં લખ્યા છે. પુસ્તક કલકત્તાથી પ્રકાશિત થયું છે.
મુર્ખ
એક વખત સ્વામી વિવેકાનંદ રેલયાત્રા કરતા હતા. તેમની સામે બે અંગ્રેજ બેઠા હતા. અંગ્રેજોએ તેમને ભીખારી સમજી લીધા અને અંગ્રેજીમાં જ તેમના માટે અપમાનજક શબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા. સ્વામીજીએ વિરોધ વ્યક્ત ન કર્યો. એ બેઠા રહ્યા. સ્ટેશન પર ટ્રેન ઊભી રહી તો પેલા બંને અંગ્રેજોએ જોયું કે સ્વામી તો સ્ટેશન માસ્ટરની સામે અંગ્રેજીમાં જ પ્રત્યાયન કરી રહ્યો છે. બંને અંગ્રેજ સ્વામીજીની પાસે આવ્યા અને બોલ્યા, ‘તમે અંગ્રેજી જાણો છો તો વિરોધ વ્યક્ત કેમ ન કર્યો?’
સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘આ પહેલા પણ હું અગણિત મુર્ખો જોઈ ચૂક્યો છું.’
અછૂત
સ્વામીજી એક જગ્યાએ પ્રવચન આપવા માટે ગયા. ધર્મચર્ચા કરતા હતા. સતત ત્રણ દિવસ થઈ ગયા. કોઈનું ધ્યાન તેમના ભોજન અથવા તો વિશ્રામ તરફ નહોતું. તમામ લોકો ચાલ્યા ગયા ત્યારે નિમ્ન જાતિનો એક યુવક તેમની પાસે આવ્યો અને તેમને કાચુ ભોજન આપી ગયો. તે અછૂત હતો એટલે તેની પાસે પકાવેલું ભોજન તો ક્યાંથી હોય. સ્વામીજીએ તેને જવા ન દીધો. તેની સાથે જ પકાવીને ભોજન કર્યું. તેના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને વિચાર્યું કે, ‘આવા હજ્જારો સત્પુરુષ ઝુંપડીઓમાં વસવાટ કરી રહ્યા છે અને આપણે તેમને અછૂત કહીને તેમનો તિરસ્કાર કરીએ છીએ.’
સમાજ
હિમાલય ભ્રમણના દિવસોમાં એક દિવસ તેઓ તિબ્બત પરિવારના અતિથિ બન્યા. અહીં બહુપતિત્વનો રિવાજ હતો. આ જોઈ તેઓ વિસ્મય પામ્યા. છ ભાઈઓની વચ્ચે એક જ પત્ની હતી. સ્વામીજીએ આ પ્રથા પર આપત્તિ વ્યક્ત કરી તો એક ભાઈએ જવાબ આપ્યો, ‘કોઈ પણ વસ્તુને અમારા ભાઈઓ વચ્ચે વહેંચ્યા વિના ઉપભોગ કરીએ તો તેને સ્વાર્થપરતા માનવામાં આવે છે.’ આ વાત પર ઊડાણપૂર્વક ચિંતન કરતા સ્વામીજીને જ્ઞાત થયું કે, ઘણી તથાકથિત સારી અને નરસી પ્રથાઓનું મૂળ સામાજીક પરંપરામાં જ નિહિત છે. કોઈ પણ વસ્તુનો પક્ષ કે વિપક્ષ લઈને તર્ક કરી શકાય છે. એક વિશિષ્ટ સમાજની પ્રથાઓનું મૂલ્યાંકન તેના પોતાના માપદંડ પર જ આધારિત હોવું જોઈએ. આ અનુભવ પછી સ્વામીજીએ કોઈ પણ સમાજની પરમ્પરાઓ વિશે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરી.
પશ્ચિમમાં જાવ
સ્વામીજી ગુજરાત અને કાઠિયાવાડમાં આવ્યા. ગુજરાતના અમદાવાદમાંથી તેમણે જૈન ધર્મ વિશે વધારે જ્ઞાન મેળવ્યું. કાઠિયાવાડ નરેશે સ્વામીજીનું સ્વાગત કર્યું, તો સ્વામીજીએ જૂનાગઢમાં દિવાન સમક્ષ હિન્દુ સંદેશને વિશ્વભરમાં પ્રચાર કરવાની આવશ્યકતા ગણાવી. પોરબંદરમાં તેમણે અગિયાર મહિના પસાર કર્યા. અને ત્યાંના વિદ્રાન પંડિત શંકર પાંડુરંગનો સંગ કર્યો. પાંડુરંગ સંસ્કૃત ભાષાના મહાન પંડિત હતા અને એ દિવસોમાં વેદોનો અનુવાદ કરતા હતા. તેઓ સ્વામીજીની મેઘાશક્તિ અને મૌલિકતા પર મુગ્ધ થઈ ગયા અને કહ્યું, ‘સ્વામીજી મને તો લાગે છે કે તમે આ દેશમાં વધારે કંઈ નહીં કરી શકો. અહીં તમને કોણ સમજશે ? તમે પશ્ચિમના દેશમાં જાવ. ત્યાંના જ લોકો આપના વિચારો અને તમારી સાચી મર્યાદાને સમજી શકશે. પશ્ચિમી રાષ્ટ્રોમાં હિન્દુ ધર્મની વ્યાખ્યા તેમને એક નવું આલોક પ્રદાન કરશે.’
ઈશ્વરમાં સંશય
એક દિવસ નરેન્દ્ર રોજની માફક જ ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યો હતો. પ્રભુને પ્રાર્થના કરી તે નોકરી શોધવા માટે જવાનો હતો. તેની માતા તેને પાર્થના કરતા જોઈ ગઈ અને બોલી, ‘ચૂપ રહે મૂર્ખ! બાળપણથી જ તું ભગવાન ભગવાનનું રટણ લઈને બેઠો છે.’ સ્પષ્ટ છે કે ઘરની સ્થિતિ અને કઠોર નિર્ધનતાએ તેમની માતાની સહનશક્તિને પાછળ છોડી દીધી હતી. આ વાત નરેન્દ્રના હ્રદયમાં તીરની માફક ખૂંચી ગઈ. તેના મનમાં ઈશ્વરના અસ્તિત્વ અને તેના વિધાનને લઈ સંશય પેદા થવા લાગ્યો.
અદભુત દર્શન
એક દિવસ તેઓ ખાધા પીધા વગર નોકરી માટે ભટકતા હતા. રાતના તેઓ થાકીને મકાનની નજીક બેસી ગયા. ત્યાં તેમને ઉંઘ આવી ગઈ. તેમના મનમાં દરેક પ્રકારના વિચારોનો ઉદ્દભવ થવા લાગ્યો. જેને તેઓ નિયંત્રણમાં ન લાવી શક્યા. તેમને એક અદભુત દર્શન થયું જે રાતભર ચાલ્યું. તેમને લાગ્યું કે તેમની આત્મા પરના તમામ આવરણ એક એક કરીને ઉઠી રહ્યા છે. તંદ્રામાં જ તેમને લાગવા માંડ્યું કે તેમની અને ઈશ્વર વચ્ચેની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું છે.
તો શું મારું બોલવું સાર્થક ન થયું ?
એક સભામાં સ્વામીજીનું વ્યાખ્યાન સમાપ્ત થતા એક દાર્શનિકે તેમને પ્રતિભાવ આપતા કહ્યું, ‘તમારું વ્યાખ્યાન ખૂબ જ સુંદર રહ્યું. પણ તમે કોઈ નવી વાત તો કહી નથી.’ સ્વામીજીએ તુરંત ઉત્તર આપ્યો, ‘મહાશય, જે સત્ય છે એ જ મેં તમને બતાવ્યું છે. સત્ય એટલું જ પ્રાચીન છે જેટલા આ પર્વત, એટલું જ પ્રાચીન છે જેટલી આ માનવતા, એટલું જ પ્રાચીન છે જેટલું આ બ્રહ્માંડ અને એટલું જ પ્રાચીન છે જેટલા આ પરમેશ્વર. જો હું એ જ સત્યને એવી ભાષામાં પ્રસ્તુત કરી રહ્યો છું જે તમારી વિચારશક્તિને પ્રેરિત કરે છે અને તમારા ચિંતનને અનુરૂપ જીવન યાપનમાં મદદગાર થાય છે. તો શું મારું બોલવું સાર્થક ન થયું ? સ્વામીના આ શબ્દોનું જોરથી તાળીઓ પાડી સ્વાગત કરવામાં આવ્યું.
પંચ
સ્વામીજી યુરોપમાં પોતાનો અધિક સમય હાસ્ય વાંચનમાં વિતાવી રહ્યા હતા. પંચ નામનું સામાયિક વાંચતા હતા અને આંખોમાંથી પાણી નીકળી જાય એટલું હસતા હતા. વાંચ્યા પછી એ સભાઓમાં ખૂબ જ રસપૂર્વક એ ખ્રિસ્તી મિશનરીની વાર્તા સંભળાવતા જે નરભક્ષી જાતિઓની વચ્ચે ધર્મપ્રચાર કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આગન્તુક પાદરીએ નરભક્ષીઓના સરદાર પાસે આવીને પૂછ્યું, ‘સારું એ કહો મારી પહેલાના ભાઈ તમને કેવા લાગ્યા હતા ?’ સરદારે હોઠ પર જીભ ફેરવતા જવાબ આપ્યો, ‘ખૂબ જ સ્વાદિષ્ટ.’
સ્વામીજી પ્રવચનમાં જે બીજી વાર્તા સંભળાવતા એ એક ધર્મપ્રચારકની જ હતી. સૃષ્ટીતત્વ પર વ્યાખ્યાન આપતા તેણે શ્રોતાઓને દૃઢપૂર્વક કહ્યું- ‘જાણો છો? જ્યારે પરમેશ્વર આદમને બનાવી રહ્યા હતા. અને તેઓ તેમને માટીના લોંદાથી બનાવી રહ્યા હતા. અને બનાવ્યા પછી તેમણે એ પુતળાને દિવાલ પર સુકવવા રાખી દીધો….’
ત્યાં એક વિદ્રાન શ્રોતા ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો- ‘પાદરીજી એક ક્ષણ ઊભા રહો. તમે હમણાં એક દિવાલની વાત કરી. એને કોણે બનાવી હતી ?’
પાદરીએ રોષપૂર્વક ઉત્તર આપ્યો – ‘અરે, સેમ જોન્સ સાંભળ, આવા ઉલટા સીધા પ્રશ્ન ન કર. તું તો સમગ્ર ધર્મ તત્વને જ તોડી મરોડી રહ્યો છો.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત