Team Chabuk-Political Desk : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષથી વધુનો સમય બચ્યો છે પણ પાર્ટીઓ અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે તૈયારીઓનો આરંભ પ્રચંડ કર્યો છે જેના તેને ફળ મળશે કે નહીં ? બીજી બાજુ ઉત્તર પ્રદેશ માટે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પૂર્વાંચલમાં પોતાના ક્ષેત્રને મજબૂત કરવા માટે કમર કસી દીધી છે. મંગળવારે તેઓ આઝમગઢ પહોંચશે. ઓવૈસીના પૂર્વાંચલના પ્રવાસમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર પણ હાજર રહેશે.
મિશન યૂપી 2022ની શરૂઆતમાં જ ઓવૈસીએ અખિલેશ યાદવના ગઢ આઝમગઢની પસંદગી કરી છે. જોકે ઓવૈસી કોઈ પણ પ્રકારની સભા નહીં કરે. વારાણસીના બાબતપુર એરપોર્ટથી આઝમગઢ જવાના રસ્તા તરફથી જોનુપુરનો રસ્તો પસંદ કર્યો છે. જેની પાછળ AIMIMની રાજનીતિક ઈચ્છાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.
નાની પાર્ટીઓને એકઠી કરી
બિહારની ચૂંટણીમાં જે રીતે ઓવૈસીએ જાદુ કર્યો હતો બસ એવી જ રીતે પૂર્વાંચલમાં પણ જાતિગત સમીકરણોને સમજવાના પ્રયત્નમાં લાગી ગયા છે. આ જ કારણ છે કે ઓમપ્રકાશ રાજભરની આગેવાનીમાં ભાગીદારી સંકલ્પ મોર્ચા મારફતે નાના-નાના દળોના જોડાયા બાદ હવે ઓવૈસી પૂર્વાંચલની રાજનીતિક ગરમીને માપવા માટે વારાણસીથી જોનપુર, માહુલ, આઝમગઢ થઈને ફૂલપુરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
મદરેસા અને મસ્જિદમાં પણ જશે
વારાણસીના જોનપુરના રસ્તામાં આઝમગઢ જવાના રસ્તા પર ઓવૈસીએ જે રસ્તાની પસંદગી કરી છે એ યાદવ અને મુસ્લિમ બહુમત ધરાવતો રસ્તો છે. આ સમયે ઓવૈસીનું પાર્ટીના કાર્યકર્તાઓ જગ્યાએ જગ્યાએ સ્વાગત કરશે અને માનવામાં આવી રહ્યું છે કે બપોરે જોહરની નમાજ તેઓ જોનપુર ખાતે ખ્યાતનામ ગુરૈની મદરેસાની મસ્જિદમાં પઢશે. એવામાં સ્પષ્ટ છે કે નમાજ વખતે ઉમટી પડેલી ભીડને ઓવૈસી રાજનીતિક દૃષ્ટીથી પણ લેશે. લોકપ્રિયતાના ધોરણે ભીડના મતો એકત્રિત કરવાની દિશામાં ઓવૈસીનું આ પ્રથમ પગલું હશે.
મસ્જિદ અને મદરેસામાં જશે
AIMIMના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ શૌકલ અલીએ જણાવ્યું હતું કે પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓને મળવા માટે અસદુદ્દીન ઓવૈસી આઝમગઢ જઈ રહ્યા છે. જેથી કોઈ રેલી કે જનસભા નહીં રાખવામાં આવે. જોકે પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તામાં જગ્યાએ જગ્યાએ તેમનું સ્વાગત કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મદરેસાની સાથે સાથે મદરેસા બૈતુલ ઉલૂમ સરાયમીર જશે. એ મદરેસાના નાજિમ આલા મુફ્તી અહમદુલ્લાહ ફૂલપુરીની સાથે મુલાકાત કરશે. મદરેસામાં ચા પીશે અને સાથે જ અસરની નમાજ પણ પઢશે. આ સમયે ઓમપ્રકાશ રાજભર પણ સાથે રહેશે.
અખિલેશ અને ઓવૈસી ફક્ત 40 કિલોમીટર દૂર
મહત્વની વાત એ છે કે ઓવૈસી પૂર્વાંચલના પ્રવાસ દરમિયાન વારાણસી એરપોર્ટ પર ઉતરશે અને આ વચ્ચે જ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ ત્યાં જ લેન્ડ કરશે. ખાસ વાત એ છે કે અખિલેશ યાદવ પણ જોનપુરમાં જ રહેશે. ઓવૈસી જોનપુર જિલ્લામાંથી પસાર થતા હશે ત્યારે માત્ર 40 કિલોમીટર દૂર નિગોહ સ્થિત શ્રીરામ ડિગ્રી કોલેજમાં સપાના પૂર્વ કેબિનેટ મંત્રી પારસનાથ યાદવની જયંતિ સમારોહમાં તેઓ લોકોને સંબોધિત કરી રહ્યા હશે. આ વચ્ચે બંને પાર્ટીઓ પોત પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન અચૂક કરશે.
સંકલ્પ મોર્ચામાં કોણ કોણ ?
ઓવૈસી બિહાર બાદ હવે યુપી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે. ગત્ત મહિનામાં લખનઉમાં ઓમ પ્રકાશ રાજભર અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની મુલાકાત થઈ હતી. જે પછી સાફ થઈ ગયું હતું કે બંને પાર્ટીઓ મળીને યુપીમાં એક સાથે ચૂંટણી લડશે. રાજભર યુપીમાં નાના દળોને એકઠા કરીને સંકલ્પ મોર્ચો બનાવવામાં લાગી જશે. જેમાં પૂર્વ મંત્રી બાબુ સિંહ કુશવાહની જન અધિકારી પાર્ટી, બાબુ રામ પાલની રાષ્ટ્રીય ઉદય પાર્ટી, અનિલ સિંહ ચૌહાણની જનતા ક્રાંતિ પાર્ટી અને પ્રેમચંદ પ્રજાપતિની રાષ્ટ્રીય ઉપેક્ષિત સમાજ પાર્ટી સામેલ થશે. એ સિવાય ઓવૈસીની AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે. ઓવૈસીએ લખનઉમાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.
સમાજવાદી પાર્ટી માટે ઓવૈસી માથાનો દુખાવો
ઓવૈસીની યુપીમાં એન્ટ્રીથી સૌથી મોટી ચિંતા સમાજવાદી પાર્ટીને થઈ રહી છે. જે છેલ્લા બે દાયકાથી વધારે સમયથી મુસ્લિમ મતો મેળવી જીતી રહી છે. બિહારમાં ઓવૈસીની પાર્ટીએ જે રીતે મુસ્લિમ વિસ્તારમાં પાંચ સીટ જીતી લીધી હતી. આ કારણે જ હવે સમાજવાદી પાર્ટીને થઈ રહ્યું છે કે ક્યાંક ઓવૈસીની એન્ટ્રીથી તેના મુસ્લિમ મતો તૂટી ન જાય. સમાજવાદી પાર્ટીના મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 20 ટકા છે. જે ઓવૈસીની એન્ટ્રી પહેલા અખિલેશની સાથે છે હવે કોઈ મુસ્લિમ નેતા એન્ટ્રી મારે છે તો એ મત ફંટાઈ જશે. ઉપરથી બ્યૂંગલ પણ અખિલેશના ક્ષેત્રથી જ ફૂંકાય રહ્યું છે. જેથી ઓવૈસીની શરૂઆતમાં સીધી ટક્કર ભાજપ જેવી મોટી પાર્ટી સાથે નહીં પણ ભાજપના કારણે જ હાસ્યામાં ધકેલાય ગયેલી સમાજવાદી પાર્ટી સાથે થશે. જો સમાજવાદી પાર્ટીને ઓવૈસીની AIMIM સામે પરાસ્ત થવાનો વારો આવે છે તો સ્પષ્ટ છે કે પાર્ટીનું અસ્તિત્વ હવે જોખમમાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત