Homeતાપણું20 ફૂટ પહોળો અને 15 ફૂટ ઉંડો વિકાસ દેખાતા ભાજપના સાંસદે વીડિયો...

20 ફૂટ પહોળો અને 15 ફૂટ ઉંડો વિકાસ દેખાતા ભાજપના સાંસદે વીડિયો શેર કર્યો

Team Chabuk-Gujarat Desk: દિલ્હીમાં એક મહાકાય ખાડો પડ્યો છે. ખાડાનું કદ છે 15 ફૂટનું. આ ખાડો શનિવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં પડી ગયો હતો. રસ્તા વચ્ચે જ મસમોટું ‘બ્લેક હોલ’ જોવા મળતા લોકોને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ રસ્તામાંથી પસાર થતા લોકો પણ ખાડાની લંબાઈ-પહોળાઈ જોઈને પસાર થાય છે. આ ખાડો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની નજીક આવેલા ફ્લાયઓવરની નીચે શનિવારની સવારે અચાનક જમીન ધસી પડતા પડ્યો હતો.

તસવીરમાં જે રાઉન્ડ દેખાય છે એ 20 ફીટ સુધી ફેલાયેલ છે. આ ખાડાની ઊંડાઈ 15 ફૂટની છે. આ રસ્તો એઈમ્સ સુધી લઈ જાય છે. એ પણ જોગાનુંજોગ જ સમજવું કે એન્જિનિયરીંગ શાખા બાજુ ખાડો પડ્યો અને રસ્તો મેડિકલ વિભાગ બાજુ જાય છે. જે સમયે ખાડો પડ્યો તે સમયે ત્યાં કોઈ વાહન ઉપરથી પસાર નહોતું થઈ રહ્યું, જેથી સદનસીબે જાનહાની ટળી હતી.

રસ્તામાં મસમોટો ખાડો પડ્યાની જાણકારી મળતા પોલીસ આવી પહોંચી હતી. લોકનિર્માણ વિભાગ અર્થાત્ પીડબલ્યુડીના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને રસ્તાનું પુન:નિર્માણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. જ્યાં આ ખાડો પડ્યો છે ત્યાં નીચે સીવરની લાઈન છે. પાઈપલાઈન સાફ સાફ દેખાય છે. સીવરમાં પાણીનું વહેણ ખૂબ ઝડપથી જતું હોવાથી ખાડો પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

ઘટનાસ્થળ પર આવેલા પીડબલ્યૂડીના અધિકારીઓએ જેસીબી બોલાવ્યું હતું અને રસ્તો ઠીક કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં શાસન કે પ્રશાસન તરફથી એક પણ જવાબ આવ્યો નથી. બીજી બાજુ ભાજપના વેસ્ટ દિલ્હીના સાંસદને મજા પડી ગઈ છે.

ભાજપના વેસ્ટ દિલ્હીના સાંસદ પ્રવેશ સાહિબ સિંહે આ ઘટનાનો વીડિયો પોતાના ટ્વવીટર હેન્ડલ પર પોસ્ટ કરી આમ આદમી પાર્ટીની સરકારની આલોચના કરી હતી. તેમણે લખ્યું છે કે, ‘દિલ્હી સરકારના PWD વિભાગે રોડમાં જનતા માટે મોતના કૂવાઓ ખોદીને રાખ્યા છે. કેજરીવાલનું વર્લ્ડ ક્લાસ દિલ્હી મોડલ.’ આ ખાડો ગુજરાતમાં પણ ગર્જના કરી ઊઠે તો નવાઈ નહીં.  ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પગ મજબૂત કરવાની ફિરાકમાં છે. સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને હોય છે. આવા સમયે ભાજપ દિલ્હી ન ગયેલા ગુજરાતીઓને ત્યાં કેવો વિકાસ છે, તેની છબી સોશિયલ મીડિયા દ્વારા દેખાડે તો નવાઈ નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments