Team Chabuk-Literature Desk: હિન્દીનો પ્રચાર-પ્રસાર ગુજરાતમાં પ્રોફેસરો અને હિન્દીના કેટલાક સાહિત્યરસિકો સિવાય કોઈ નથી કરતું. ખુશીથી, છાતી પહોળી કરી, ગર્વથી ગળું ફાડી ફાડી ને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હિન્દીના કોઈ એક લેખકની કૃતિનું શીર્ષક બોલીએ તો કોઈ શું તમારી આજુબાજુ ઘેરો વળી જવાનું? તે તો ખૂબ ઊંચી વાત કરી દીધી એમ પણ કોણ કહેવાનું? કોઈ નજીક આવી કાનમાં કહેશે, ઊંચા માયલા માણસનું નામ બોલ્યા શ્રીમાન? ગુજરાતી ભાષામાં કેટલાક લેખકો તો એવા છે જેમને પારિતોષિક મળે ત્યારે ભાવકો અને વાચકોને ખબર પડે કે લે આય લેખક છે. એમાં હિન્દીમાં તો શું જોવું? પણ એક લેખક છે. સસ્પેન્સ નહીં રહે, કારણ કે તસવીર તમે જોઈ ચૂક્યા છો. આજે એ લોખંડી લેખકનો જન્મદિવસ છે.
સૌમ્ય જોશીએ નવા કલાકારો અંગે કોઈ સાક્ષાતકારમાં કહ્યું હતું કે, ‘રિશી કપૂર અને અમિતાભ બચ્ચનને હિન્દીની દેવનાગરીમાં લખાયેલી પટકથા આપો તો તેમને વાંચતા આવડે છે. નવા કલાકારોને તો અંગ્રેજીમાં જ આપવી પડે છે. હવે તો ગુજરાતીમાં પણ.’ તિગ્માંશુ ધુલિયા તો માત્ર હિન્દીની દેવનાગરીમાં જ લખાયેલી પટકથાનો સ્વીકાર કરે છે, બાકી ઘા કરી ખૂણામાં ફેંકી દે છે. આજે આ લોકોને યાદ કરવા પાછળનું કારણ પણ મુન્શી પ્રેમચંદ જ છે. અંગ્રેજીના શબ્દો દ્વારા લખાતું હિન્દી કેટલું ખરાબ લાગે છે.
પ્રેમચંદ ઉન્મેષોને પ્રેરિત કરે છે કે વર્તમાન પરિસ્થિતિને કાગળા પાના પર આલેખો, ખૂદને કે કોઈ અન્યને જીવનમાં જ્યારે તકલીફ થઈ હોય તો એ તકલીફ એક સર્જક તરીકે તમારા કાગળ પર માત્ર ચિતરકામ કરવી ન જોઈએ, પારિતોષિક માટે ન હોવી જોઈએ, પ્રસિદ્ધિ માટે ન હોવી જોઈએ, એ સાક્ષાત્ ઉપસવી જોઈએ, આંખમાં આંસુ આવવા જોઈએ. પોતાની તકલીફ પોતાના સુધી સિમિત ન રહેતા અન્યો માટે પણ ચિંતાનું કારણ બની જાય એવું જ સાહિત્ય પ્રેમચંદે સર્જ્યું છે. જ્યારે સિનેમાના પડદા ઉપર કોઈ વાર્તા કે નવલકથા ઉતરે તો લાગે કે ફક્ત પાત્રો અને કથા જ નહીં પ્રેમચંદ પણ બોલી રહ્યા છે.
ઉપન્યાસસમ્રાટ તરીકે જાણીતા પ્રેમચંદ 31 જુલાઈ 1880માં બનારસના લમહી ગામડામાં જન્મ્યા. પ્રેમચંદ એટલે કથાઓનો ભંડાર. એ માણસે પોતાના જ નહીં પણ આસપાસના કેટલાય લોકોના જીવનને ધારી ધારીને જોયું હશે ત્યારે આટલી સબળી કૃતિઓ નીકળી હશે ને? ખેર, બાળપણનું નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. જો ગોદાન કૃતિ ઉપર આ નામ લખી નાખવામાં આવે, તો પ્રેમચંદને સાંગોપાંગ ન જાણનારાઓ પ્રેમચંદની કૃતિની ઉઠાંતરી થઈ છે એવું એક તબક્કે માની લે! આ વ્યક્તિ વિના હિન્દી સાહિત્યની કલ્પના થઈ જ ન શકે. આજે તો અંગ્રેજી માધ્યમમાં ભણવાના ધખારા છોકરાઓને જાગ્યા છે. પણ અંગ્રેજી આકરું લાગતું અને તેના બદલામાં હિન્દીને ગૌણ વિષય તરીકે લઈ ભણનારાઓ પ્રેમચંદને ભણી ન્યાલ થઈ જતાં. અંગ્રેજીના વિદ્યાર્થીઓને ત્યારે ખબર નહોતી કે તેઓ શું શું ગુમાવી રહ્યા છે.
પ્રેમચંદની બાયોગ્રાફી ગૂગલમાં ઉઘાડવામાં આવે તો તેમણે ઉર્દુમાં પ્રથમ ઉપન્યાસ લખ્યો હોવાની માહિતી મળી જશે. તેની ઝીણી ઝીણી વિગતો સામે આવી જાય. હવે તો હિન્દી સાહિત્યના વિવેચકો અને અભ્યાસુઓ પણ પ્રેમચંદ વિશે લખી ઓનલાઈન મૂકે છે એટલે તેમના જીવનથી તો પરિચિત થઈ જાવ પણ તેમના કિસ્સાઓથી અમે પરિચિત કરાવીએ.
આપણા સમયે રમવાના એટલા સાધન નહોતા, તો મુન્શીભાઈના સમયે તો શું હોય? છોકરીઓ ઘરઘોકલા રમીને કે રાજા રાણી રમીને દિવસો વિતાવતી અને બીજી બાજુ મુન્શી જેવા છોકરાઓ વાળ કાપવાની રમત રમતા. વાળમાં કાતરનો ઉપયોગ નહીં કરવાનો. વાસના લાકડાને ચીરી દેવાનું અને તેનાથી વાળ કાપવા-વાળ કાપવા રમત રમવાની. મુન્શી વાળંદ બન્યા હતા. છોકરો બેઠો હતો અને વાસના લાકડાથી વાળ કાપવાની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી હતી. ભૂલથી મુન્શીએ વાસના લાકડાની બંને કિનારીઓ છોકરાના કાનમાં જોરથી ભેગી કરી દીધી. કાન થોડો કપાઈ ગયો.
મુન્શી શિક્ષા વિભાગમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટરના પદ પર હતા. મુખ્ય ઈન્સ્પેક્ટર શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યા. જેને આપણી ભાષામાં ઈન્સ્પેક્શન કહીએ છીએ. મુન્શીએ નિરીક્ષણકર્તાને આખી શાળા બતાવી દીધી. બીજા દિવસે મુન્શી શાળાએ ન ગયા અને પોતાના ઘર પર છાપું વાંચતા હતા. એ ખુરશી પર પીઠ ટેકવીને છાપું વાંચી રહ્યા હતા અને ઘરની બાજુથી ઈન્સ્પેક્ટર સાહેબની ગાડી પસાર થઈ. પણ પ્રેમચંદ ખુરશી પરથી ઊભા ન થયા. સલામ ન ઠોકી. આ વાત ઈન્સ્પેકેટરની આંખમાં કણાની જેમ ખૂંચી ગઈ. તેણે પોતાના એક કર્મચારીને પ્રેમચંદને બોલાવી લાવવાનું કહ્યું. મુન્શી આવ્યા એટલે સાહેબ ગુસ્સામાં બબડ્યા, ‘તારી સામેથી તારો સાહેબ નીકળે છે અને તું ખુરશી પર બેઠો બેઠો છાપું વાંચે છે. સલામ પણ નથી કરતો. આ એ વાતની સાબિતી છે કે તું કેટલો ઘમંડી છો.’
પ્રેમચંદ: ‘જ્યારે હું શાળામાં હોઉં છું ત્યાં સુધી જ નોકર હોઉં છું. પછી હું મારા ઘરનો બાદશાહ બની જાઉં છું.’ 1919માં બી.એ પાસ થયા પછી મળેલી આ નોકરી મુન્શીએ ગાંધીજીના કહેવા પર છોડી દીધી હતી.
1924ની આ વાત છે. માધુરી ઓફિસના કેટલાક પુસ્તકો બોર્ડ પાસેથી મંજૂર કરાવવા માટે બેદાર નામના એક સાહેબ પ્રયાગ ગયા હતા. શરાબના શોખીન માણસ હતા. સાથે મુન્શી પ્રેમચંદ પણ હતા. પોતે તો દારૂ ગટગટાવ્યો પણ મુન્શીને પણ પાયો. તેઓ મોડેથી ઘરે લથડતા પગે આવ્યા તો બાળકોએ દરવાજો ન ખોલ્યો. બાળકોએ માતાને પહેલા જ કહી દીધું હતું કે, બાપુજી દારૂ ઢીંચીને આવ્યા છે. ખબર કાને પડતા જ પત્ની શિવરાની દેવી ઉંઘ નહોતી આવતી છતાં ઉંઘી ગઈ. ઉંઘતા ઉંઘતા કહ્યું, ‘ફરી દારૂ પી ઘરમાં આવવાની કોશિશ કરી તો દરવાજો નહીં ખોલું.’ એ રાતે તો દરવાજો ન ખૂલ્યો, પણ વધુ એક વખત વચન તૂટ્યું અને ફરી દારૂ પી આવેલા મુન્શી માટે દરવાજો ન ખુલ્યો. એ છેલ્લી વખત હતું. મુન્શીએ એ પશ્ચાત જીવનમાં કોઈ દિવસ દારૂને હાથ ન અડકાવ્યો.
તેમણે એક લેખ લખેલો જેનાથી હિંદુ સભા નિરાશ થઈ ગયેલી. પત્નીએ કહ્યું, ‘આવું લખો છો શું કામે? કે લોકો તમારા દુશ્મન બની જાય. તમારા જીવ પાછળ પડી જાય.’ મુન્શીએ કહ્યું, ‘લેખકને જનતા અને સરકાર પોતાનો ગુલામ સમજે છે. આખરે લેખક પણ કોઈ વસ્તુ છે. એ બધાની મરજી પ્રમાણે લખે તો લેખક ક્યાંનો? લેખકનું અસ્તિત્વ છે. સરકાર જેલમાં નાખે છે. જનતા મારવાની ધમકી આપે છે. તેનાથી લેખક ડરી જાય તો શું લખવાનું બંધ કરી દે?’
એક વખત પત્નીએ ભગવાનનું નામ લીધું તો તેમણે કહ્યું કે, ‘ભગવાન મનનું ભૂત છે. જે માણસને નબળો બનાવી દે છે. સ્વાવલંબી મનુષ્યની જ દુનિયા છે. અંધવિશ્વાસમાં પડવાથી તો જે અક્કલ છે એ પણ ચાલી જાય છે.’
પત્નીએ કહ્યું, ‘ગાંધીજી તો દિવસ રાત ભગવાન-ભગવાન કરે છે.’
પ્રેમચંદે કહ્યું, ‘એ એક પ્રતીક છે. એ જોઈ રહ્યા છે કે જનતા હજુ વધારે સચેત નથી. જનતા તો સદીઓથી ભગવાન પર વિશ્વાસ કરી રહી છે. જનતા એકાએક પોતાનો વિચાર બદલી નથી શકતી. જો એકાએક જનતાને કોઈ ભગવાનથી અલગ કરવા ઈચ્છે તોપણ સંભવ નથી. જેથી તેઓ પણ કદાચ ભગવાનનો જ ટેકો લઈ ચાલી રહ્યા છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત