Team Chabuk-Political Desk: પંજાબ બાદ હવે રાજસ્થાનમાં રાજકારણનો દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. રાજસ્થાનમાં ગેહલોતના મંત્રીમંડળ વિસ્તરણની કવાયત તેજ થઈ ગઈ છે. આ વચ્ચે રાજસ્થાનના પીસીસીના અધ્યક્ષ અને શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરે આજે રવિવારે એક તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. જોકે આ બેઠકના આરંભ પૂર્વે જ પાયલટની પાટલીએ બેઠેલા નેતાઓએ કાગારોડ મચાવીને રાખી દીધી હતી. બીજી બાજુ રાજસ્થાનના પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલટને સીએમ અશોક ગેહલોતની જગ્યાએ નવા મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજસ્થાનના પ્રભારી અજય માકને પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં સામેલ થતા પહેલા ઉપમુખ્યમંત્રી પાયલટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પંજાબમાં સિદ્ધુ અને કેપ્ટનના વિવાદનો ઉકેલ આવ્યા બાદ રાજસ્થાનમાં લાંબા સમયથી પેન્ડીંગ પડેલો વિવાદ મંત્રીમંડળની વિસ્તરણની વાતો સામે આવતા ફરી ઊભો થયો છે. બાટલીમાં પેક રહેલો આ જીન કોંગ્રેસ માટે અગાઉ પણ માથાના દુખાવા સમાન સાબિત થઈ ચૂકયો છે. જેમાં અનુભવી ગેહલોતની જગ્યાએ યુવા પાયલોટને રાજસ્થાનના પાયલોટ બનાવી કોકપીટમાં બેસાડવાની જવાબદારી સોંપવાની ચર્ચાઓ તેમના પક્ષના નેતાઓ કરતા રહે છે.
અશોક ગેહલોતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન અને કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારનાં રોજ ચર્ચા બાદ આજે 12 વાગ્યાની આસપાસ દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના કેટલાક નામી મંત્રીઓના પત્તા કપાઈ શકે છે અને પાયલટ તંબુમાં બેસેલા નેતાઓને જગ્યા મળી શકે છે. જોકે આ તમામ નિર્ણયો કોંગ્રેસ હાઈકમાન્ડ હાથ ઊંચો કરે પછી જ લેવામાં આવશે. રાજસ્થાનની ગેહલોત સરકારમાં હાલની સ્થિતિને જોતા નવ વધારે મંત્રીઓનો ઉમેરો થવાની સંભાવના છે.
તો અજય માકને મંત્રીમંડળ વિસ્તરણને લઈ કહ્યું હતું કે, અમે જલ્દી જ નિર્ણયની ઘોષણા કરીશું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સિવાય જિલ્લા અને બ્લૉક સ્તરની કોંગ્રેસ ટીમોની નિયુક્તિ પર નિર્ણય લેવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને અલગ અલગ મળીશ. આ માટે 28 જુલાઈ અને 29 જુલાઈએ ફરી રાજસ્થાનનો પ્રવાસ કરીશ.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના પ્રભારી અજય માકન અને સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ આજે મંત્રીમંડળમાં ફેરબદલના અંતિમ નામોની સૂચિ સાથે દિલ્હી પરત ફર્યા હતા. હવે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સોનિયા ગાંધી જ આ નામ પર અંતિમ મહોર મારશે. એટલું જ નહીં સોનિયા ગાંધી જ્યારે લીલી ઝંડી આપશે ત્યારે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનારા અઠવાડિયામાં વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત