Team Chabuk-Special Desk: ભારત દેશને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અહીં ગલી અને નાકે એકાદ મંદિર જોવા મળી જ જાય છે. ભક્તોની ત્યાં ભારે ભીડ ઉમટતી હોય છે. દેશમાં આસ્થાના પ્રતીક સમા અગણિત મંદિરો છે. જેમાંથી કેટલાક મંદિરો એવા છે જેઓ તેની સ્થાપત્ય કલાના કારણે અલગ ચીલો ચાતરેલા છે. તેની સ્થાપત્ય શૈલીને જોવા માટે દેશ વિદેશથી લોકોનું ઘોડાપૂર ઉમટે છે. એવામાં કેટલાક મંદિરો એવા પણ છે જે વિજ્ઞાનમાં અવ્વલ છે. ધર્મ અને વિજ્ઞાનમાં કોણ અવ્વલ તેના વિશે મતભેદો પ્રવર્તયા છે અને પ્રવર્તતા રહેશે. જોકે આ મંદિરની મુલાકાત તો વૈજ્ઞાનિકોએ પણ એટલી જ વખત લીધેલી છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવું જ એક વિજ્ઞાનને અસમંજસમાં મૂકતું મંદિર આવેલ છે. જે ચોમાસાની સટીક સૂચના આપે છે. ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષિત સ્મારકોમાં સામેલ આ મંદિર દેશભરના વૈજ્ઞાનિકો માટે કુતુહલનો વિષય બન્યું છે. કેવી રીતે એક મંદિર હવામાન વિભાગની માફક કામ કરી શકે? આવો જાણીએ.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં આ વિશિષ્ટ મંદિર આવેલું છે. હવામાન વિભાગ જેવું કામ કરે છે. કાનપુરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલ બેહટા બુજુર્ગ ગામડામાં બનેલા આ જગન્નાથ મંદિરને ‘મોનસૂન મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત છે. મંદિરની છત પર ચોમાસનો પથ્થર લાગેલો છે. આ પથ્થરમાંથી ટપકનારા ટીપાંથી ક્યાસ કાઢવામાં આવે છે કે આ વર્ષે વરસાદ કેવો પડશે. જો વધારે ટીપાં પડે તો વધારે વરસાદ પડવાનો હોવાની આગાહી કરવામાં આવે છે.

આ માત્ર એક માન્યતા નથી. તેમાં પૂરું વિજ્ઞાન સમાયેલું છે. મંદિર બનાવતા સમયે જ સંભવત: આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હશે. મંદિરની દિવાલો અને છત એ રીતે બનાવવામાં આવી છે કે તે વરસાદનો આરંભ થવાના 5-7 દિવસ પહેલા જ સંકેત આપવાનું શરૂ કરી દે છે.
આ મંદિર અસંખ્ય વધત તૂટ્યું છે. અસંખ્ય વખત તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યારે દેશમાં બૌદ્ધધર્મ તેની ચરમ પર હતો. એ વખતની સ્થાપત્ય કલા પણ મંદિરના નિર્માણમાં જોવા મળી હતી. મંદિરના પથ્થરોની કાર્બન ડેટિંગથી ખ્યાલ આવે છે કે આ મંદિર 4200 વર્ષ જૂનું છે. મંદિર ત્રણ ભાગોમાં વિભાજીત થયેલું છે. ગર્ભગૃહ એક નાનો ભાગ છે. એ પછી એક મોટો ભાગ આવે છે. અહીં ભગવાન વિષ્ણુની પ્રતિમા આવેલી છે.

અહીં વિષ્ણુના 24 અવતારોની, પદ્માનાભ સ્વામીની મૂર્તિ સ્થાપિત છે. મંદિરની દેખરેખ કરનારા કેપી શુક્લાએ જણાવ્યું કે મંદિરના ઈતિહાસને લઈને અગણિત મતભેદ છે. પ્રાચીન સમયમાં અલગ અલગ રાજાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મંદિરમાં પથ્થરનું પદ્મચિન્હ પણ લાગેલું છે. એવી માન્યતા છે કે ચિન્હો અને પ્રતીકોની પૂજા સિંધુઘાટી સભ્યતાના સમયે કરવામાં આવી હતી.
મંદિરને જ્યાં વરસાદની ભવિષ્ણવાણી માટે ઓળખવામાં આવે છે ત્યાં મંદિરના શીખર પર લાગેલા સૂર્ય ચક્રનું પણ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ સૂર્ય ચક્રનાં કારણે આ સમગ્ર વિસ્તારમાં કોઈ દિવસ વિજળી નથી પડતી. આ મંદિરને રથના આકારનું બનાવવામાં આવ્યું છે.

માત્ર એ વિસ્તારનાં જ નહીં પણ દૂર દૂરના શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. ભારતીય પુરાતત્વ વિભાગની તરફથી મંદિરની દેખરેખ માટે રાખવામાં આવેલા લોકોનું કહેવું છે કે, બે ત્રણ વર્ષ પહેલા સતત અહીં વૈજ્ઞાનિકોનું આવવું જવું રહ્યું હતું. અસંખ્ય વખત અહીં વૈજ્ઞાનિકો સંશોધન માટે આવી ચૂક્યા છે. જોકે કંઈ ખાસ જાણકારી પ્રાપ્ત નથી કરી શક્યા. કોરોનાના કારણે આ મંદિર સવારે અને સાંજે એમ એક કલાક માટે જ ખુલે છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા