ચિરાગ જાદવઃ એક સામાન્ય પરિવારમાં રેહતો જગદીશ સરકાર દ્વારા ચાલતા પર્વત ખોદકામમાં મજૂરી કરીને પોતાનાં ઘરનાં સભ્યોનું ભરણપોષણ કરતો અને તેમનું ગુજરાન ચલાવતો. એક દિવસ ખોદકામ દરમિયાન ઉપરથી ભેખડ પડતા માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યો, પણ થોડી ગંભીર ઇજા તો થઈ. તેથી જગદીશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અને સારવાર પૂરી કરીને ઘરે પહોંચ્યો. તેમની પત્નીએ દરવાજો ખોલતા જગદીશનાં હાલ જોઈને જ ગભરાઈ ગઈ અને રડવા લાગી. માને રડતા અને પિતાની હાલત જોઈને તેમનાં બંને નાના બાળકો પણ રડવા લાગ્યાં.
પત્ની: (રડતાં રડતાં) તમને આ શું થયું?
જગદીશ: કામગીરી દરમિયાન અચાનક ઉપરથી ભેખડ પડતાં ઈજા પહોંચી છે.
પત્ની: તમને કાઈ થઈ ગયું હોત તો અમારું શું થાત?
પત્નીના આ સવાલથી જગદીશ ઊંડા વિચારોમાં પડી ગયો અને આખી રાત ઊંઘી પણ ના શક્યો. આખી રાત વિચારવામાં કાઢી નાખી કે મારા મૃત્યુનું કારણ શું હશે?
એક દિવસ તે સાધુ પાસે ગયો. સાધુ માળા કરતાં હતા.
જગદીશ: પ્રણામ સાધુ મહારાજ.
સાધુ: ચિરંજીવી થાવ બેટા.
જગદીશ: મહારાજ તમે આપેલા આશીર્વાદ થી મને ખુશી તો થાય જ છે પણ થોડી ચિંતા પણ થાય છે.
સાધુ: ચિંતા?(સાધુએ આશ્ચર્યથી પૂછ્યું.)
જગદીશ: હા મહારાજ ચિંતા.
સાધુ: કઈ વાતની ચિંતા બેટા?
જગદીશ: થોડી ગંભીરતાથી તેની સાથે બની ગયેલી ઘટના વિશે વાત કરી.
સાધુ: તો આમાં ચિંતા જેવી શું વાત છે? ઉલટાનું તારે ભગવાનનો આભાર માનવો જોઈએ કે તારો જીવ બચી ગયો.
જગદીશ: હા, આભાર તો હું માનું જ છું. પણ ચિંતા એ વાતની થાય છે કે મારા મૃત્યુ પછી મારા બાળકો અને પત્નીનું શું થશે? મારા ગયા પછી એમનું ભરણ પોષણ કોણ કરશે?
સાધુ: તને કેમ ખબર કે પેહલા તારું જ મૃત્યુ થશે?
જગદીશ: (એકદમ ચૂપચાપ સાધુ સામે જોતો રહ્યો અને બોલ્યો.) હું મારા બાળકો અને પત્ની વગર જીવી જ ના શકુ.
સાધુ: મેં એમ પણ નથી કહ્યું કે તારા પહેલાં એ લોકો મૃત્યુ પામશે.
જગદીશ: તો મહારાજ તમારી દિવ્યદ્રષ્ટિથી જણાવો કે મારા મૃત્યુનું કારણ શું હશે?
સાધુ: તારો પ્રશ્ન જ એવો છે કે એમાં મારા દિવ્યદ્રષ્ટિની જરૂર જ નહીં પડે.
જગદીશ: કેમ મહારાજ?
સાધુ: તારા પ્રશ્નનો સરળ જવાબ છે એટલા માટે.
જગદીશ: તો જણાવો મહારાજ, હું જાણવા માંગુ છુ મારા મૃત્યુનું કારણ.
સાધુ: તારા મૃત્યુનું કારણ તારા માતાપિતા છે.
જગદીશ: (આશ્ચર્યચકિત થઈને) આપ શું બોલો છો મહારાજ? મારા માતાપિતાએ તો મને જ્ન્મ આપ્યો છે તો એ કઈ રીતે મારા મૃત્યુનું કારણ બની શકે?
સાધુ: એકદમ સાચી વાત કરી તે, પણ એ સત્ય છે કે તારા જન્મદાતા જ તારા મૃત્યુ થવાનું કારણ બનશે.
જગદીશ: (આંખમાં આંસુની સાથે) મને વિસ્તૃત સમજાવો મહારાજ, તમે શું કહેવા માંગો છો એ હું સમજી નથી શકતો.
સાધુ: ધ્યાનથી સંભાળ મારી વાત. તારા જન્મથી જ તારું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું હતું, કારણ કે જે જન્મ લે છે તેને એક દિવસ તો મરવાનું જ છે અને તને જન્મ આપનાર તારા માતાપિતા છે. જો તારા માતાપિતાએ તને જન્મ જ ના આપ્યો હોત તો તારું મૃત્યુ થાત જ નહીં.
જગદીશ: (ધીમા અવાજે) મહારાજ હું મારા મૃત્યુ માટે મારા માતાપિતાને કઈ રીતે દોષ દઈ શકું, કારણ કે એમનો તો એવો ઉદ્દેશ્ય જ નહીં હોય કે મારું મૃત્યુ થાય.
સાધુ: એકદમ સાચી વાત. તેને જન્મ એટલા માટે આપ્યો છે કે તું આ ધરતી પર રહીને સારા કર્મો કરી શકે, બીજા લોકોને ઉપયોગી થઈ શકે, તારા બાળકો અને પત્ની સાથે આનંદિત પળ પસાર કરી શકે, બાળકોનું ભવિષ્ય સારું બનાવી શકે, બે ચાર ભગવાનના નામ લઈ શકે અને સમગ્ર સૃષ્ટિનો ઉદ્ધાર કરી શકે. મૃત્યુનો ભય રાખ્યા વગર તું જીવનમાં મળેલી હરએક પળને આનંદથી પસાર કર. જન્મ મરણ કુદરતના હાથમાં છે, એ નિશ્ચિત સમયે જ થશે. એટલે કોઈપણ પ્રકારની ચિંતા કર્યાં વગર જીવન જીવવાનું ચાલુ કરી દે અને ચિંતા મુક્ત થઈ જા.
જગદીશ: (સાધુના જવાબથી સંતોષ થયો અને બે હાથ જોડીને આભાર માનતા.) તમારો ખૂબ ખૂબ આભાર મહારાજ. તમે આપેલા આ જ્ઞાનથી હું જીવનનું તાત્પર્ય સમજી શક્યો છું અને ભય મુક્ત થયો છું.
(ત્યારપછી સાધુ પાસેથી રજા લઈને જગદીશ હસતાં મોઢે પોતાના ઘર તરફ વળ્યો અને સાધુ મહારાજ ફરીથી માળા કરવાં લાગ્યાં.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત