कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
રૂપલ મહેતા : એક માણસ સુખી થવા બહુ રખડ્યો, પણ અંતે તેને સુખ પોતાની અંદર પડેલું મળ્યું. જો કે આ એક નહીં, દરેક માણસની કથા છે! આપણે બધા જ સુખી થવા માંગીએ છીએ, પણ એ સુખ માટે જે દુ:ખોને ભૂલવા પડે એને ભૂલતા હોતા નથી. અરે આપણે તો કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ એ વ્યક્તિના આત્માને શાંતિ મળે એ માટે કેટલી બધી વિધિઓ કરતાં હોઈએ છીએ. જીવતા હતા ત્યારે જે વ્યક્તિને આપણે સુખ ના આપી શક્યા એને આપણે મૃત્યુ બાદ શાંતિ આપવાની કોશિશ કરતાં રહીએ છીએ!
થોડા થોડા વિચિત્ર તો આપણે બધા જ છીએ! આપણાં સૌની સુખ પ્રાપ્ત કરવાની ક્ષમતા આપણે મુશ્કેલીઓ સામે કેવી રીતે લડીએ છીએ, તેના પર રહેલી છે. અને જ્યારે જિંદગીમાં હતાશ, નિરાશ કે કન્ફ્યુઝ થઈ જઈએ, ત્યારે શું કરવાનું? જો એવું કોઈ પૂછે તો આપણે કહીશું આપણે થોડા અર્જુન છીએ કે આપણને કૃષ્ણ મળે! પણ આપણે એ નથી સમજાતું કે કૃષ્ણ જેવા મિત્ર મેળવવા માટે આપણે પણ અર્જુન જેવુ બનવું પડે, હકીકત તો એ છે કે આપણે સૌએ લડ્યા વિના જ હથિયારો હેઠા મૂકી દિધા છે! જે સિસ્ટમ જેવી છે, જે સમાજ જેવો છે, તેને એ સ્વરૂપે સ્વીકારી લેવાની આપણી આદતે આપણને પ્રશ્ન વિહીન બનાવી દીધા છે.
આપણને કદી પ્રશ્નો ઉદભવતા જ નથી ને પરિણામે આપણે જવાબો શોધવાથી બચી જતાં હોઈએ છીએ. કે પછી જવાબો ટાળતા રહીએ છીએ. હવે વિચારો આપણે કોઈની સાથે સંવાદ જ નહીં કરીએ તો આપણને અર્જુનની જેમ જવાબ આપનારું કે આપણી હતાશામાંથી બહાર કાઢનારું કોઈ મળશે ખરું!
આપણે તો જે છે તેવું સ્વીકારી જ લીધું છે. આપણે તો એટલું પણ નથી કહેતા કે મારે લડવું નથી, કે મારા ગાત્રો શિથિલ થઈ જાય છે કે પછી મારું શરીર કંપી રહ્યું છે કે મારું મો સુકાય ગયું છે. અરે આપણે જેવુ છે તેવું સ્વીકારી ખુદ એક સિસ્ટમનો ભાગ બની ચૂક્યા છીએ. જ્યાં સવાલ જ નથી ત્યાં વળી કેવા જવાબો! અને જ્યાં કશું આપણને ખૂંચતું જ નથી ત્યાં વળી કોણ આપણને અર્જુનની જેમ કૃષ્ણ મેળવી આપે?
મિત્રો અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થતાં પહેલા કૃષ્ણને મધ્યમાં લઈ જવાનું કહે છે, જેથી તે બંને પક્ષોને જોઈ શકે, આપણે ક્યારેય કોઈ પ્રશ્નને કે પરિસ્થિતિને આવી રીતે જોવાનો પ્રયત્ન નથી કરતાં હોતા. અને પરિણામે આપણે ભગવદ-ગીતા જેવા સુપર્બ ગ્રંથને જીવતા હોઈએ ત્યારે વાંચવાને બદલે મૃત્યુ બાદ વાંચવાનો ગ્રંથ બનાવી દીધો છે. આપણામાંથી એવા કેટલા હશે? જેણે આ સવાલ-જવાબને સમજવાની કોશિશ કરી હશે? ધર્મગ્રંથો એટલા માટે વાંચવાના હોય છે કે તેઓ આપણને જીવન જીવવાનો રસ્તો દેખાડતા રહે છે, પણ આપણે તો જીવન જીવવાને બદલે માત્ર મોક્ષ જ જોઈતો હોય છે, અને પરિણામે આપણે ના તો કૃષ્ણને સમજી શક્યા કે ના તો ભગવદ-ગીતાને!
આપણે પ્રશ્નો પૂછતા જ નથી, કારણ કે જે જેવું છે, તેને તેવું સ્વીકારી લેવાની આપણને આદત પડી ગઈ છે. અરે અમુક સમય બાદ તો આપણને પ્રશ્નો ઉદભવવાનું જ બંધ થઈ જતું હોય છે. એટલા બધા રૂટિન આપણે થઈ જતાં હોઈએ છીએ. આ ગ્રંથ કે જેની મહાનતા વિશ્વના મોટાભાગના તત્વ-ચિંતકોએ સ્વીકારી છે, વિશ્વની ઘણી યુનિવર્સિટીઓ જે ગ્રંથને ભણાવી રહી છે, તેને સમજવાને બદલે આપણે તેને ઘરમાં રાખી મૂકતાં હોઈએ છીએ.
કહે છે, દુનિયાની કોઈ એવી સમસ્યા નથી જેનું સમાધાન આ ગ્રંથમાં ના હોય, વિશ્વ-ભરના તત્વ-ચિંતકો જે ગ્રંથને રેફરન્સમાં લઈ જીવન જીવવાની રીતો ખુદ શીખે છે અને આપણને પણ શિખડાવવાનો પ્રયાસ કરે છે, ગ્રંથને આપણે ભારતીય યુવાઓ અને યુવતીઓ સુધી નથી પહોચાડી શક્યા, કશુક ખૂંટે છે, મિત્રો! ખરું ને?
જીવનમાં જ્યારે આપણે નિરાશ કે હતાશ થઈ જઈએ, આપણને એ નકારાત્મકતામાંથી બહાર લઈ આવવાનું કામ આ ગ્રંથ જ કરી શકે એમ છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય એકદમ સરળ રીતે આ ગ્રંથ આપણને સમજાવે છે. કેટલીક સમજવા અને જીવનમાં ઉતારવા જેવી બાબતો અહી લખું છું, બાકી જીવનમાં ઉઠતાં પ્રશ્નોનાં જવાબ માટે આ ગ્રંથનો સંપર્ક કરવો: જવાબ ના મળે તો ફરીથી વાચજો.
- સામેવાળી વ્યક્તિને સમજવા તેને પૂરેપૂરી સાંભળો.
- જે સુખ અને દુ:ખને એક દૃષ્ટિથી જુએ છે, તે આ દુનિયામાં અમર થઈ જાય છે.
- કર્મ કરવું, ફળ મળશે કે નહીં તેની ચિંતા ના કરવી.
- અસત્ય કદી ટકતું નથી.
- આત્મા અમર છે, તેનો અંત જ નથી.
- નવા જન્મે આત્મા નવું શરીર ધારણ કરે છે.
- જિંદગીમાં કદી કોઈ વાતનો શોક ના કરવો.
- જીવ શરૂમાં અવ્યક્ત, મધ્યમાં વ્યક્ત અને મૃત્યુ પછી ફરી અવ્યક્ત થઈ જાય છે.
- સ્વ-ધર્મથી મોટો કોઈ ધર્મ નથી.
- કર્તવ્ય-પાલન વિના મોક્ષ મળતો નથી. જે કામ અત્યારે આપણને ઈશ્વરે સોંપ્યું છે, તેને પૂરે-પૂરી નિષ્ઠાથી નિભાવીએ.
- જે પોતાને મળેલું કામ છોડી જ્ઞાનની વાતો કરે છે, તે પાપમાં પડે છે.
- વર્તમાન જ શ્રેષ્ઠ સમય છે.
- જે કાર્ય પૂરી કુશળતાથી કરવામાં આવે છે તે જ યોગ છે.
- તમારા મનની લગામ તમારા હાથમાં હોવી જોઈએ.
આવું સુંદર જ્ઞાન આપનાર ગ્રંથનું વાંચન નહીં કરીને આપણે શું ગુમાવી રહ્યા છીએ? તે તમોને સમજાય ગયું હશે. આ ગ્રંથ આપણા દૂ:ખો દૂર નથી કરતો પણ આપણને દૂ:ખ અને સુખ બંનેને સમાન ગણી આગળ વધી જવાનું કહે છે. જીવનમાં લડતા રહો, પ્રયાસો કરતાં રહો, કોઈપણ મુશ્કેલી જિંદગીથી મોટી નથી હોતી. અને હા,
- વિષમ પરિસ્થિતિથી ભાગો નહીં, પણ તેનો સામનો કરો.
- કર્મ કરતાં રહો, ધીરજ રાખો અને ક્યાય પણ અટક્યાં વિના આગળ વધતાં રહો!
- એક મસ્ત જાણીતું વાક્ય રહી ગયું,
- પરીવર્તન સંસારનો નિયમ છે.
આખો ગ્રંથ વાચી, જીવનમાં અને મનમાં ઉતારજો. અને હા તેમાં જિંદગી કેમ જીવવી એનો ઉલ્લેખ છે, મૃત્યુ પછી શું છે? એ તો હજી કોઈ નથી જાણી શક્યું. અને અમુક બાબતો ના જાણીએ એમાં જ ખુશીઓ સમાયેલી હોય છે. માટે જો જીવંત રહેવું હોય તો ‘ભગવદ-ગીતા’ ને વાચવાનું ભૂલતા નહી. જે ગ્રંથને ગાંધીજી,મહર્ષિ અરવિંદ, અને વિશ્વભરના વિશ્વને બદલી નાખનારા લોકો પોતાના જીવનનો અમૂલ્ય ગ્રંથ માને છે, એ ગ્રંથમાં જરૂર એવું કઈક હશે, જે આપણામાં રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવામાં મદદરૂપ થશે.
એકવાર આ ગ્રંથમાં કૃષ્ણ એ બતાવેલા રસ્તે ચાલીને જોજો, જિંદગી મસ્ત બની રહેશે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા