Homeતાપણું‘આ તો થૂકેલું ચાટે તેવી પાર્ટી છે, જેટલા ધારાસભ્યોને જવું હોય તે...

‘આ તો થૂકેલું ચાટે તેવી પાર્ટી છે, જેટલા ધારાસભ્યોને જવું હોય તે જાય…’: જગદીશ ઠાકોર

Team Chabuk-Political Desk: હવે ધીમે ધીમે ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ જોર પકડી રહ્યું છે. તમામ પક્ષો ગુજરાતના ગઢને સર કરવા માટે પોત પોતાની રીતે કમર કસી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ સંગઠનમાં બે દિવસમાં મોટા ફેરફાર થશે તેવી રાહુલ ગાંધીની સાથેની બેઠક પછી જાહેરાત કરી હતી. પણ આ સિવાય ચર્ચામાં જગદીશ ઠાકોરનું નિવેદન છે. થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનેલા જગદીશ ઠાકોરે એવું બેફામ નિવેદન આપ્યું છે કે, ‘ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એવું કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને લઇશું નહીં, પણ આ થૂકેલું ચાટે તેવી પાર્ટી છે, જેટલા ધારાસભ્યોને જવું હોઇ તે જાય…’

તેમણે ભાજપની દુ:ખતી રગ દાબી દેતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાંથી ભાજપમાં દસ ધારાસભ્યો જાય કે પછી 15 ધારાસભ્યો જાય. જેમને જવું હોય તે જાય. ભાજપને કોંગ્રેસના નેતાઓ વગર ચાલતું નથી.’ ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી ગયા હતા. જ્યાં રાહુલ ગાંધીને મળીને આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમદાવાદમાંથી નિકળનારી 1200 કિ.મી.ની આઝાદી ગૌરવ યાત્રા બાબતે ચર્ચા કરી હતી.

જગદીશ ઠાકોરના નિવેદનનું અર્થઘટન કર્યાં જેવું છે. હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર એવા સંયમ લોઢાએ ટ્વીટ કરી ગુજરાત કોંગ્રેસને ચેતવણી આપી હતી કે સતર્ક રહો. કોંગ્રેસના દસ ધારાસભ્યો પર ભાજપની નજર છે. અહીં જગદીશ ઠાકોર પણ આવેશમાં આવી દસ નહીં પણ પંદર ચાલ્યા જવાની વાત કરે છે. એટલે કે ક્યાંક ધારાસભ્યો નવું એડમિશન લેવા તો નથી જવાના ને?

ટ્વીટ કરી હિન્દીમાં સંયમ લોઢાએ લખ્યું હતું કે,– ‘गुजरात विधानसभा चुनाव 2022, भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।, स्वस्थ रहें, सतर्क रहें’ જોકે સંયમ લોઢા છેલ્લા કેટલાય સમયથી પક્ષ વિરોધી નિવેદનો આપવા માટે પંકાયેલા છે. રાજસ્થાન વિધાનસભામાં પણ કોંગ્રેસના જ કેટલાય ધારાસભ્યોની નબળી કડીઓ ગણાવી પોતાના જ પક્ષને કડવો લાડવો ખવડાવ્યો હતો. હવે તેમણે ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે તેના અંગે ભવિષ્યવાણી કરી છે. એવામાં સંયમ લોઢા અને જગદીશ ઠાકોરનાં નિવેદનને પરસ્પર કંઈ સંબંધ છે કે નહીં તે વાત ચર્ચા માંગી લે તેવી છે.

ભૂતકાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસમાંથી ભરતી કરવાનું બંધ કરી દેવાનું નિવેદન ઉચ્ચાર્યું હતું. પરંતુ એવું થઈ ન શક્યું, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ પ્રવક્તા એવા જયરાજસિંહ અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્માનું ભાજપમાં વિલય થઈ ગયું. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2020માં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે કુલ 65 ધારાસભ્યો છે. આવનારા સમયમાં કંઈ નવાજૂની થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments