Team Chabuk-Political Desk: કોંગ્રેસની રાજનીતિ ભાજપના કેન્દ્રમાં આવ્યા પછી હાસ્યામાં ધકેલાઈ ગઈ હતી. એવામાં તેમના દિગ્ગજ નેતાઓના અવસાને પણ પાર્ટીને હચમચાવીને રાખી દીધી હતી. પાર્ટીને નવું લોહી જોતું હતું. નવું લોહી ઉભરી રહ્યું હતું અને ભાજપના વિરૂદ્ધમાં જ હતું. એક કન્હૈયા કુમાર અને બીજા જીજ્ઞેશભાઈ મેવાણી. ગુજરાતમાં તો છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ શાસન કરવા માટે વલખા મારી રહી છે. 2017ની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપ્યા પછી તો રાહુલ ગાંધીને પણ લાગવા માંડ્યું હતું કે પાર્ટી હવે ફેણ ઉંચી કરશે પણ બાદમાં એક પછી એક કદાવર નેતાઓએ ભાજપમાં પક્ષપલ્ટો કર્યો અને કોંગ્રેસ ખાલી ખમ થતી ગઈ. કોંગ્રેસને કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ એક શક્તિશાળી ભરતીની જરૂર હતી.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટ બદલાવ્યું તે પૂર્વેથી મેવાણીની કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી હતી. તેઓ જે સમાજમાંથી આવે છે, એવામાં તેમનું કોંગ્રેસમાં સામેલ થવું વધું મહત્વપૂર્ણ થઈ ગયું છે. ભાજપના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં પોતાનો પડછાયો વધારે મોટો કરી રહી છે. કોંગ્રેસની રણનીતિ પણ એસસી અને એસટી સમુદાયને પોતાની તરફ આકર્ષિત કરવામાં છે. એવામાં કોંગ્રેસની સાથે મેવાણી સંકળાય છે એટલે રણનીતિનો માપદંડ ફિટ બેસે છે. ગુજરાત કોંગ્રેસના કેટલાય નેતાઓ તેને સમય પર ઉઠાવનારું પગલું માને છે.

શનિવારના રોજ હાર્દિક પટેલે પણ જીજ્ઞેશને પોતાના જૂના મિત્ર ગણાવી કહ્યું હતું કે, કામ કરવા અને કોંગ્રેસને મજબૂત કરવા ઈચ્છુક તમામ ક્રાન્તિકારી નેતાઓનું સ્વાગત છે. પોતાની વ્યક્તિગત મહાત્વાકાંક્ષાઓ અને પડકારોની ચિંતા કર્યા વગર આવું કરવું જોઈએ. હાર્દિક પટેલનું માનવું છે કે જિજ્ઞેશના કોંગ્રેસ પ્રવેશથી પાર્ટીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર મજબૂતી મળશે.
ઉનાકાંડ બાદ ઉદ્દભવ
11 જુલાઈ 2016માં ઉનામાં એક શરમજનક ઘટના બની હતી. એક ગાયના મૃતદેહને ઉઠાવ્યા બાદ એસસી સમાજના ચાર લોકોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ યુવા દલિતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ટૂંકા સમયમાં જ પોતાના સમાજનો અવાજ બની ગયા હતા. એસસી સમુદાયની સાથે જિજ્ઞેશને મુસ્લિમોનો પણ ટેકો મળ્યો હતો.

ઉનાકાંડના લાંબા સંઘર્ષ બાદ જિજ્ઞેશ ગુજરાત રાજ્યમાં એક યુવા એસસી નેતા તરીકે ઉભર્યા હતા. આ કારણે આ ઘટનાનો પડઘો સંસદમાં પણ ગુંજ્યો હતો. મેવાણી ગુજરાત બહાર પણ લોકપ્રિય થતા ગયા. 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વડગામમાંથી ઉભા રહ્યા અને જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા.
જિજ્ઞેશનો એસસી અને મુસ્લિમ સમુદાય પર પ્રભાવ
રાજનીતિક વિશ્લેષકોનું એવું માનવું છે કે પંજાબમાં એસસી સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવ્યા બાદ ગુજરાતમાં એસસી સમુદાયના નેતાને પાર્ટીમાં સામેલ કરવા પર કોંગ્રેસ એસસી સમાજમાં ફરી એક વખત વિશ્વાસનો સંચાર કરી શકે છે. મેવાણી ભાજપ અને તેના નેતૃત્વના પહેલાથી વિરોધી રહી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભામાં તેમનું પ્રવચન એ વાતનું સાક્ષી છે. કોંગ્રેસને એક આક્રમક નેતાની જરૂર છે અને તે ખોટ જિજ્ઞેશ પૂર્ણ કરી શકે એમ છે. રાજ્યમાં સાત ટકા એસસી સમુદાયની વસતિ છે અને જિજ્ઞેશના પ્રભુત્વને નકારી ન શકાય.

લાલ સલામ
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીમમાં કેટલાક પૂર્વ વામપંથી નેતાઓ પણ સામેલ છે. જેથી મેવાણી અને કન્હૈયાને પાર્ટી માટે ફિટ માનવામાં આવે છે. જેમ કે પ્રિયંકા ગાંધીની ટીમમાં એક પ્રમુખ સભ્ય સંદીપ સિંહ છે, જે જેએનયૂનો પૂર્વ આઈસા નેતા રહી ચૂક્યો છે. આઈસાએ ભાકપા લિબરેશનની વિદ્યાર્થી શાખા છે. આઈસાના અન્ય પૂર્વ જેએનયૂએસયૂ અધ્યક્ષ મોહિત પાંડે, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રહી ચૂક્યા છે. જેને પ્રિયંકા હવે એઆઈસીસી મહાસચિવના રૂપમાં જુએ છે.

જિજ્ઞેશ ઉત્તર પ્રદેશમાં ઉતરશે!
ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક રહી શકે છે. બસપાના એસસી વોટ બેંકમાં ધાડ પાડવા માટે એસસીની સીટો પર તેમને ચૂંટણી પ્રચાર અને ઉમેદવારોની મદદ માટે ઉતારવામાં આવી શકે છે. આ પહેલા જિજ્ઞેશે 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાય પરથી મિત્ર કન્હૈયા કુમાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં