Homeસિનેમાવાદજ્હોન લેનન: ‘અમે જીસસ કરતા પણ વધારે લોકપ્રિય છીએ’

જ્હોન લેનન: ‘અમે જીસસ કરતા પણ વધારે લોકપ્રિય છીએ’

ઝાલાવાડી જલજીરા: નાની વયે જગત જમાદાર અમેરિકાને જ નહીં પણ વિશ્વભરના લોકોને પોતાના સંગીતના ચક્રવ્યૂહમાં બરાબરના ફસાવી લીધા હોય અને લોકપ્રિયતાના એવરેસ્ટ પર જેનો કિર્તિ ધ્વજ લહેરાતો હોય તેનું મૃત્યુ કોઈને પણ સ્તબ્ધ કરી જવાનું છે. ઉપરીયામણમાં મૃત્યુ એ કોઈએ ગોળી ધરબીને કર્યું હોય તો વધારે આંચકાજનક રહેવાનું છે. આજના દિવસે, બરાબર ચાલીસ વર્ષ પહેલાં, 1980માં બિટલ્સના મુખ્ય ગાયક જ્હોન લેનનને તેના જ પ્રશંસકે મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના પ્રશંસકનું નામ માર્ક ડેવિડ ચેપમેન હતું. માર્ક પણ જ્હોનની જેમ ઈતિહાસમાં નામ નોંધણી કરવા ઈચ્છતો હતો, પણ મહેનત કરી ખુવાર થવાની જગ્યાએ તેણે જ્હોન લેનનને ચિર નિંદ્રામાં પોઢાડી દેવાનો હલકટ મનસૂબો ઘડ્યો.

હત્યા સમયે માર્ક ડેવિડ ચેપમેનની વય 25 વર્ષની હતી. લેનનની પાસે તે ઓટોગ્રાફની અપેક્ષાએ આવ્યો હતો. લેનન પણ તેને ઈન્કાર ન કરી શક્યો. તેણે ઓટોગ્રાફ આપ્યો અને માર્કના યુવાન ખભા પર હાથ રાખ્યો. લેનનને ખ્યાલ નહોતો કે તે જેના ખભા પર હાથ રાખી રહ્યો છે તે જ તેને જમીનદોસ્ત કરવા આવ્યો છે. તેણે એક પછી એક એમ એકધારી ચાર ગોળીઓ છોડી અમેરિકાના રાજ્ય ન્યૂયોર્કના ડકોટામાં જ્હોન લેનનનું ઢીમ ઢાળી દીધું.

લેનનને કાયમ માટે ઉંઘ આપી દેનારા માથા ફરેલાં માર્કે એક સૂચિ બનાવી હતી. જેમાં એલિઝાબેથ ટેલર, રોનાલ્ડ રિગન જેવા દિગ્ગજોના નામ સામેલ હતા. તેણે શરૂઆત લેનનથી કરી. કેમ કે જ્હોનની નજીક જવું પણ આસાન હતું. માર્કને લાગતું હતું કે જ્હોનને માર્યા બાદ તે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લેશે પણ એવું કંઈ થયું નહીં. ધ ગ્રેટ જ્હોન લેનનને માર્યાં પછી તે ફક્ત એક હત્યારા તરીકેની ખ્યાતિ પામ્યો. જેને હંમેશાં જનતાએ ધુત્કાર્યો. આજે પણ ધુત્કારે છે.

એક છબી તમારી સામે રાખું છું. કાળા અને કોઈ કોઈ વખત ઘટ્ટ પીળા ચશ્માની આડે સંતાયેલી રહેતી બે કરિશ્માઈ આંખો. ગાંધી અને સ્ટીવ જોબ્સની વચ્ચેની શ્રેણીમાં આવતા 80sનાં એ ચશ્મા. ખભાને અડતાં અડતાં રહી જતાં લાંબા વાળ. કોઈ પણ સ્ત્રીના હ્રદયને આંચકો આપવા પૂરતો ત્રિકોણાકાર અને લાંબો ચહેરો. કોઈ ચિત્રકારે સીફતપૂર્વક નાક અને દાઢીની વચ્ચે માફકસરનો લીટો પાડ્યો હોય તેવા હોઠ. અને ગુજરાતી રહસ્ય નવલકથાઓના વર્ણનમાં, નાયકનું જે સોઈ જેવું તીણું નાક હોય છે, એવું જ નાક. શાયદ ગુજરાતી નવલકથાકારોને પુરુષોના ધારદાર નાકની પ્રેરણા જ્હોન લેનનના ચહેરા પરથી જ મળી હોવી જોઈએ!

એક સાથે અગણિત પ્રતિભાઓનો ઉમળતો પયોનિધિ એટલે જ્હોન લેનન. એક ચિંતક, એક વિચારક, એક લેખક, એક સંગીતકાર એક ગાયક. તમારી આજુબાજુ દૃષ્ટી ફેંકજો. કેટલાય હશે જે આ તમામ વસ્તુઓ કરવા ઈચ્છતા હશે. કેટલાય તેમાં માહિર થવા સુધી પહોંચી ગયા હશે. આવા કેટલાય ભેજા ડબલ્સનું નિર્માણ ધરતી પર થતું આવ્યું છે, થતું રહેશે, પણ એમાંથીય કૂદકો મારી જે જીનિયસ બની જાય તેવી પ્રતિભા ગણ્યાં ગાઠ્યાની પાસે જ છે. લેનનની ખીલેલી પ્રતિભાની પાછળ તેના કાકાનો હાથ હતો. જેણે નાનપણથી જ તેને એક અલગ કરવટ આપી.

શાળા કાળનો એક બહુચર્ચિત કિસ્સો જ્હોન લેનનની સાથે સંકળાયેલો છે. તેની શિક્ષિકાએ તેને ક્લાસની વચ્ચે પૂછ્યું કે મોટો થઈ તું શું બનવા ઈચ્છે છો? ટેણીયા જ્હોનનો જવાબ હતો કે હું ખુશ થવા ઈચ્છું છું. ટીચરને ડોક્ટર-એન્જિનિયર કે નાસાનો જીનિયસ બનીશ એવા ઉત્તરની અપેક્ષા હતી. શિક્ષકોને આવી જ અપેક્ષા હોય છે. એમણે જ્હોનને ફરી કહ્યું, તું મારા સવાલને સમજ્યો નથી. જ્હોનનો જવાબ હતો, તમે જિંદગીને સમજી નથી શક્યા.

પોતાની સફળતાના શીખર પર હતો ત્યારે બિટલ્સના આ લીડ સિંગરે કોઈની પણ સાડી બારી રાખ્યા વગર વિરોધીઓનાં મોઢા પર રોકડું પરખાવી દીધું હતું કે – જીસસ તો જીનિયસ હતો પણ તેમના અનુયાયીઓ મૂર્ખ. બોલવામાં બેફામ એવા લેનને વધુ શું કહ્યું તે સાંભળો: અમે જીસસ કરતા પણ વધારે લોકપ્રિય છીએ. હવે જોઈએ કોણ ટકે છે!  મનમાં જેમ આવે તેમ બોલવાની તેની કળાએ જ તેને કેટલાય સામે અળખામણો કરી દીધો હતો. પણ વાસ્તવિકતા એ હતી કે જ્હોનનું દરેક ગીત તેને શીખર પર લઈ જતું હતું. ભલે તેને તેના ઉપરોક્ત નિવેદન માટે માફી માગવી પડી હોય, પણ તેના ગીતમાં રહેલો નાસ્તિકતાવાદ અને અસ્તિત્વવાદનો પ્રધાન રણકો એક ગૂઢ અર્થ છોડી જતો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments