Homeવિશેષગિરનાર પાસે આવેલા અશોકના શિલાલેખમાં કોતરેલી 14 ધર્માજ્ઞાઓ કઈ કઈ છે ?

ગિરનાર પાસે આવેલા અશોકના શિલાલેખમાં કોતરેલી 14 ધર્માજ્ઞાઓ કઈ કઈ છે ?

ગિરનારની તળેટીએ જતા જતા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર અશોકનો શિલાલેખ બને છે. જંગલની વચ્ચે!! હવે તો રોડ બની ગયો છે એટલે જંગલ કેવી રીતે કહેવું ? પ્રવાસીઓની સંખ્યા પણ અગણિત રહે છે. પણ તે જ્યાં છે તેની પાછળના ભાગમાં વૃક્ષોથી આચ્છાદિત પહાડ છે. એક સફેદ કલરનું મકાન છે. અને તેની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ક્યાં તેવું ગૂગલ મેપ કર્યા વિના પણ સરળતાથી શોધી શકો છો.

સી.જમનાદાસ દ્રારા પ્રકાશિત ગુજરાતનો ઈતિહાસ પુસ્તકમાં પણ ગુજરાતના ઈતિહાસનો પ્રારંભ જ્યાં મૌર્ય અને ગુપ્તયુગથી થાય છે ત્યાં સૌ પ્રથમ અશોકના શિલાલેખનો ઉલ્લેખ આવે છે. 1822ની એ સાલ હતી જ્યારે કર્નલ ટોડે અશોકના શિલાલેખને શોધ્યો હતો.

1837ની સાલમાં કર્નલ જેમ્સ પ્રિન્સેપે તેના લખાણને ઉકેલવાનું કામ કર્યું. એ પ્રતને બાદમાં ભગવાનલાલ ઈન્દ્રજીએ સુધારા વધારા કરી ફરી પુન: તૈયાર કરી. હવે કેટલાક લોકોને એવું લાગે છે કે આ શિલાલેખ પર માત્ર અને માત્ર અશોકની જ આજ્ઞાઓ કોતરાયેલી છે. નહીં. તેના પર સ્કંદગુપ્ત અને રુદ્રદામનના લેખો પણ આ એક શિલાલેખ પર જ કોતરાયેલા છે. જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રીજી સદીથી પાંચમાં સૈકાના મધ્યભાગ સુધી મૌર્ય અને ગુપ્તયુગની આણ પ્રવર્તતી હતી તે સાબિત થાય છે. હવે ગિરનાર પાસેના શિલાલેખમાં અશોકે કોતરાવેલી 14 ધર્મઆજ્ઞાઓ વિશે જાણીએ.

પ્રિયદર્શીની 14 ધર્મઆજ્ઞાઓ

  1. યજ્ઞ કે શિકાર માટે પશુહિંસા નહીં કરવાની. રાજાના રસોડામાં થતો અનેક પ્રાણીઓનો સંહાર બંધ કરીને ફક્ત ત્રણ પ્રાણીઓ રસોડા માટે મારવા અને તેને પણ ભવિષ્યમાં બંધ કરી દેવું.
  2. પ્રિયદર્શીએ મનુષ્ય અને પશુઓ માટે ઔષધાલયો સ્થાપ્યા છે. વિદેશથી ઔષધીઓના છોડ મંગાવી રોપવામાં આવ્યા છે. વૃક્ષારોપણ, કૂવાનાં ખોદકામ, રસ્તાઓનાં બાંધકામ વગેરે જેવા સત્કાર્યો પણ કર્યા છે.
  3. લોકો પોતાના ધર્મનું આચરણ કરે. અયોગ્ય માર્ગે ન વળે. સદગુણો ખીલવે, વડીલો તથા મા-બાપનું માન રાખે. સાધુઓનો સત્કાર કરે. નોકરો તરફ દયાભાવ બતાવે. નાણાનો દુર્વ્યય ન કરે. અયોગ્ય સંગ્રહ ન કરે વગેરે માટે ધર્માધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તેમને સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાં ફરતા રહેવાના તથા લોકોને સદુપદેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  4. દેવોના પ્રિય એવા પ્રિયદર્શીની આવી આજ્ઞાઓથી લોકો સદભાવ તરફ વળ્યા છે તથા ધર્મની મહત્તા સમજતા થયા છે.
  5. ધર્મમહાપાત્ર નામે અધિકારીઓએ દરેક સંપ્રદાયને માન આપવાનો લોકોને ઉપદેશ આપતાં લોકો કલ્યાણનો દુષ્કર માર્ગને સમજતા થયા છે.
  6. દેવોને પ્રિય હોય એ હંમેશાં લોકોનાં કલ્યાણનું કાર્ય કરે છે. તેનાં કરતાં અન્ય બીજું કોઈ મોટું કામ નથી. તે કદી આવા કામો કરતાં ધરાતો નથી.
  7. ભાવશુદ્ધી અને સંયમ દરેક સંપ્રદાયમાં મુખ્ય છે. માટે દરેક તે કેળવે તેવું પ્રિયદર્શી ઈચ્છે છે.
  8. પ્રિયદર્શી અગાઉના રાજાઓની જેમ મોજશોખની યાત્રાઓ કરતો નથી. પરંતુ ધર્મદાન માટે ધર્મયાત્રા કરે છે.
  9. સ્ત્રીઓ દ્વારા થતી ધર્મની ઉપરછલ્લી વિધિઓ અને ક્રિયાઓ ફોગટ છે. પ્રિયદર્શી તે છોડી દેવા જણાવે છે. ધર્મનું ખરું આચરણ ફળ આપનારું હોઈને પ્રિયદર્શી તે આચરવા આગ્રહ સેવે છે. ગુલામો અને સેવકો તરફ દયાભાવ તથા વૃદ્ધો, ગુરૂજનો, બ્રાહ્મણો અને શ્રમણો પ્રત્યેના આદરભાવને પ્રિયદર્શી સાચું આચરણ માને છે.
  10. દેવોના પ્રિયને ધર્મના સેવનથી પ્રાપ્ત થતી કીર્તિ સિવાયની બીજી કોઈ કીર્તિની ઝંખના નથી.
  11. ધર્મદાન મોટામાં મોટું દાન છે.
  12. દેવોનો પ્રિય દરેક સંપ્રદાય તરફ સન્માનથી જુએ છે. એક સંપ્રદાયની પ્રશંસા તથા બીજા સંપ્રદાયની નિંદા પ્રત્યે તે સખત નારાજગી દર્શાવે છે. એકબીજા સંપ્રદાયના અરસપરસના સમન્વયને આવકારે છે.
  13. કલિંગ દેશની જીતથી થયેલી ભારે ખુવારીથી પ્રિયદર્શીને ઘણો અફસોસ થયેલો છે. તે ભવિષ્યમાં કોઈ યુદ્ધ કરશે નહીં. પડોશી રાજ્ય સાથે તે સારા સંબંધ રાખશે અને હંમેશાં તે ધર્મવિજય માટે પ્રયત્ન કરશે.
  14. પોતાના વિશાળ રાજ્યમાં તેણે એવી આજ્ઞાઓ ઠેર ઠેર લખાવી છે. પુનરુક્તિ થશે તો પણ તે ફરી આવા આદેશો કોતરાવશે તથા અધૂરાં લખાણો પૂરાં કરાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments