Team Chabuk-Special Desk: આજે તો રેલવે સ્ટેશનો આધુનિકતાના વાઘાથી સજ્જ છે. પણ જ્યારે રેલવે સ્ટેશનોની જૂની પૂરાણી તસવીરો આંખ સામે આવે છે ત્યારે ક્ષણિક વાર માટે મનને પાંખો ફૂટે છે. ઊડીને એ અજાણી જગ્યાની લટાર મારી આવે છે. આ લખાય છે ત્યારે કોરોનાનું સામ્રાજ્ય છે. રેલવે સ્ટેશનો પર માસ્ક વગર હરતા ફરતા મનુષ્યોને જોઈ ડર લાગી જાય છે. હવે તો પાછું એ યુગમાં ભાગી જવાનું મન થાય છે!
શાહબુદ્દીન રાઠોડના એકથી એક ચડીયાતા રેલવે ટૂચકાઓ સાંભળી આપણી જિંદગીઓ પસાર થઈ છે. શાહબુદ્દીન રાઠોડ ખૂદ રેલવે મુસાફરીના શોખીન. રેલવેની તો વાત જ નીરાળી છે. પણ જ્યારે સૌરાષ્ટ્ર અને રેલવેની વાત આવે ત્યારે હજુ પણ જૂના પરિધાનોમાં સજ્જ દેલવાડાની મીટરગેજ યાદ આવી જાય. પ્રકૃતિનું તન્મય કરી દેતું ચિત્ર આંખો આગળ ઉપસી આવે. રસ્તામાં રખડતો સ્હાવજ મળી જાય તેવી અપાર જિજ્ઞાસા આંખોમાં છલકાતી હોય. વધીને હરણ મળે, બીજું તો શું મળે? કેટલીક અફવાઓ કાનવગી થાય કે એ રહ્યો સિંહ? હવે આવી લલિતાત્મક વાતો કરવા કરતાં આજે આપણે જૂનાગઢના રેલવે સ્ટેશનની આછેરી વાત કરીએ. તેના ઈતિહાસ અને દોમદોમ સાહ્યબીને ફરી તાજી કરીએ.
જૂનાગઢમાં એરપોર્ટ નથી. કેશોદમાં હતું. જ્યાંથી પેલો નવાબ ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. કેશોદનું એ એરપોર્ટ ઠપ્પ છે. એટલે જૂનાગઢમાં પ્રવેશવાના બે માર્ગ છે. કાં તો રાજકોટ એરપોર્ટથી ઉતરો અને બસ કે ખાનગી વાહનમાં જૂનાગઢમાં પ્રવેશો અથવા તો આપણી જાજરમાન ટ્રેન. જૂનાગઢમાં રેલવે હોવી જોઈએ તેવો વિચાર આવ્યો હતો 1867માં નવાબ મહાબતજીખાનજી બીજાને. વિચાર આવ્યો અને અમલવારી થઈ ગઈ. તારીખ 11મી ડિસેમ્બર 1886નાં રોજ મુંબઈના ગવર્નર જનરલ લોર્ડ રેના હસ્તે તેની પાયાવિધિ કરવામાં આવી. ઈ:સ 1888 એટલે કે બરાબર બે વર્ષ બાદ રેલવે સ્ટેશનનું સૌ પ્રથમ બાંધકામ થયું. એ બાંધકામ પણ નવાબ મહાબતખાનજી બીજાના શાસન વખતે જ થયું હતું.
જ્યારે પણ તમે ઈન્ટરનેટની દુનિયામાં ડોકિયું કરી રેલવે સ્ટેશન એમ સર્ચ કરો એટલે જૂનાગઢના જાજરમાન ઈતિહાસને લઈને ચાલતી એક તસવીર આંખો સામે આવી ઊભી રહે છે. એ તસવીર આજથી બરાબર 127 વર્ષ જૂની છે. જ્યારે રેલવે સ્ટેશનનો રજવાડી ઠાઠમાઠ અને મોભો દેખાતો હતો. ઈન્ટરનેટ ઉપર એક ઓનલાઈન ગેલેરી નામની વેબસાઈટ છે. જે બ્રિટિશ લાઈબ્રેરી તરીકે ઓળખાય છે. જ્યાંથી માહિતી મળી છે કે ‘નેલ્સન એફ’ નામના ફોટોગ્રાફરે વર્ષ 1895માં આ તસવીર ખેંચી હતી. જેની ફોટોગ્રાફીક પ્રિન્ટ મીડિયમ છે.

પોસ્ટરમાં જે તસવીર તમે જુઓ છો એ નાની છે. અહીં જોઈ લેજો. ખજૂરીના બે ઊંચા ઝાડની વચ્ચે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના હોલ જેવું છાપરું દેખાય એ રેલવે સ્ટેશનનું છે. સદનસીબે તેની વચ્ચે એક કાઠિયાવાડીભાઈ પણ આવી ગયા છે. એ કોણ? એનો પણ ઈતિહાસ તપાસવા જેવો હશે. આ ગેટને ત્યારે રે ગેટ કહેવાતો હતો. પ્રવેશ કરતા પૂર્વે આવતા બે સિંહ એ સૌરાષ્ટ્રની ઓળખ છે. 19મી જાન્યુઆરી 1888નાં રોજ ગુરૂવારે જૂનાગઢના આંગણે પ્રથમ છૂકછૂક ગાડી ઊભી રહી હતી. એ પછી તો જૂનાગઢ રેલવેનો વિકાસ અને તેનો ઈતિહાસ આપણી આંખોની સામે છે. પહેલા કાન ફાડી નાખતા પાવા વાગતા પછી પાવા વાગતા બંધ થયા.

આ રેલવે સ્ટેશન એક અલગ કારણોસર પણ ચર્ચામાં છે. વર્ષ 1947માં નવાબને જવું હતું પાકિસ્તાન સાથે. તેણે તેની પૂરી તૈયારી કરી લીધી હતી. જૂનાગઢવાસીઓને પણ એક સમયે એમ જ લાગતું હતું કે જૂનાગઢ પાકિસ્તાનમાં ચાલ્યું જશે, પણ અંતે પરિવર્તનનો પવન ફૂંકાયો. જ્યારે કેટલાક નાગરિકોને એવું લાગ્યું કે જૂનાગઢ પાકિસ્તાનમાં ભળવાનું છે તો તેઓના ટોળેટોળા જૂનાગઢ રેલવે સ્ટેશને ઉમટી પડ્યા હતા. નરેશ શાહે પોતાની કોલમ અસામાન્યમાં લખ્યું છે, ‘જૂનાગઢની બહુમતી પ્રજાને અસહમતી દર્શાવવાનું માધ્યમ દેખાતું નહોતું. કોઇ નેતા આગળ વધ્યો નહોતો. હતાશ પ્રજા મૂળિયાં ઉખેડીને જાત પર ગુસ્સો ઠાલવતી હોય છે. જૂનાગઢમાંથી હિજરતનો દોર શરૂ થઇ ગયો. ૧૯૪૭માં લોકોથી જૂનાગઢનું રેલવે સ્ટેશન છલકાઈ ગયું. જૂનાગઢના દીવાન અને બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો અકળાયા. તેમણે હિજરતીઓનો માલસામાન જપ્ત કરવાનો અને ભાતાંનો સામાન સુદ્ધાં છીનવી લેવાનો આદેશ આપ્યો હતો, છતાં ‘પાકિસ્તાની જૂનાગઢ’માં ભારતીયોને રહેવું નહોતું.’ રેલવે સ્ટેશન આ વાતનું પણ સાક્ષી છે.
ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઇ ઈતિહાસ દર્શન ભાગ-પાંચમાં લખે છે કે, ‘સવારે નવ વાગ્યે જૂનાગઢના વણઝારી ચોક, દીવાન ચોક, કાળવા ચોક ખાવા ધાય તેવા ઉજજડ થઇ ગયા. જૂનાગઢના ચાળે ચઢીને માણાવદરના નવાબ પણ પાકિસ્તાનમાં જોડાવા તૈયાર થઇ ગયા હતા. બાંટવા, પ્રભાસપાટણ, ગિરનાર, ગાંડીગીર, માંગરોળ, લીલુડી નાધેર અને મદીસા ઘેડ જેવા બધા વિસ્તાર પાકિસ્તાનમાં જાય એ કલ્પના આજે કરી જોવા જેવી છે.’ એ સમયનું યાતાયાતનું સાધન તો એક જ અને એ આપણું રેલવે સ્ટેશન. ખબર નહીં કેટ કેટલા ઐતિહાસિક પગલાંઓની છાપ આ રેલવે સ્ટેશનની ધરતીએ ખમેલી હશે. આયુષ્યમાં કાચબાને હરાવી જનારો કોઈ કાળમીંઢ પથ્થર ક્યાંક ખૂણે લપાઈને તેના સાક્ષીપણા સાથે મરક-મરક હસતો હશે!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત