મયૂર ખાવડુ: ધૂમાડાઓ ગળચી ગળચીને ગોરંભાઈ ગયેલું આકાશ નિબિડ અંધકારમાં સોહિણીના મુખ સમાન ખીલી ઉઠે છે. દિવસભર મનુજના યાંત્રિક અત્યાચારોથી ખાલી જમીન નહીં આકાશ પણ હાંફી જાય છે. જમીન વજન ઉઠાવે છે અને આકાશ મનુષ્યની યંત્રવત જિંદગીનો ભાર ‘ખાતા-ખાતા’ ખમે છે. એના માટે તો ખાધે ખૂંટે નહીં એવું ભાણું આપણે તૈયાર કરી રાખ્યું છે.
જૂનાગઢનું આકાશ રાતના સુખાસનની મુદ્રામાં આવી જાય છે. પક્ષીઓનો કલબલાટ સૂર્યની જેમ આથમી ગયો હોય છે. ધીમે ધીમે રસ્તાઓ સન્નાટાને કાખમાં લઈ ચૂડેલની જેમ ઘુમતા હોય એવા ભયંકર દિસે છે. કૃષિ યુનિવર્સિટીમાંથી ઉડીને નીકળેલા ચામાચીડિયા અને જંગલના ઘુવડો રાતના રખોપિયા બને છે. દામોદર કુંડના સલિલમાં પ્રગટેલો બીજો ચંદ્ર એના મુખને જોઈ લજ્જા પામતો ઝડપથી માનવ વસાહત તરફ ભાગી છૂટે છે. રાત પવન સાથે વાત્સલ્યનો સંબંધ કેળવે એટલે ગટર જેવા ધુમાડાને એ કોઈ ખૂણે ધકેલી દે છે. પવન એવો પુરુષ છે, જે રાતની વાતમાં રોજે ફસાઈ જાય છે. અહીંની રાતની સુંદરતા જ એવી છે.
રાતની વાત કરીએ અને વિનેશ અંતાણી યાદ ન આવે તો જ નવાઈ. ‘નીરવ રાત્રિના એકાન્તની નિ:સ્તબ્ધ ક્ષણોમાં અચાનક મારી આંખ ઉઘડી જાય છે…’ હમણાંથી તેમનું આ વાક્ય મારી જીભે ગ્રામોફોન રેકર્ડની જેમ ચોંટી ગયું છે.
ગિરનાર પર્વતની બરાબર માથે હોય એટલે ચંદ્ર બે તારાઓના સમૂહને અપલક નેત્રે જુએ. એક પોતાની આસપાસના, બીજા અવનીના, જે મનુષ્યની યંત્રવત્ જિંદગીમાંથી પ્રસવેલા છે. ચંદ્ર વિચારે ચડ્યો છે કે ધરતીના ટમટમતા તારાઓ પણ રાતે દેખાય અને આ તારાઓ પણ રાતે જ દેદિપ્યમાન થાય છે. આ ધરતીના તારા પણ આકાશી તારા જેવા જ વિશાળકાય હશે?
પાણીમાં દેખાતા ચંદ્રના પ્રતિબિંબને ફળ સમજી ગળચવા ગયેલો પેલો વાંદરો સાચેક ચંદ્ર પર પહોંચી ગયો. કેવી રીતે એ એને અને ચંદ્રને ખબર! ચંદ્રએ એને એક ઢંગધડા વગરની એવી વાર્તા સંભળાવી છે કે, ‘ધરતી પરથી એને શોધવા માટે અહીં યાન આવ્યા રાખે છે. એ આવે છે ત્યારે તું ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હો છો.’ મર્કટરહસ્ય કીધા પછી ચંદ્રએ મીઠીઓ પણ મારેલી, ‘મેં માણસને ઉંઘતા જોયા છે, પણ મારું અનુમાન છે કે તું એના કરતા પણ સુંદર લાગે છે. તે જ તો કહ્યું હતું ને કે માણસોનો ઉદ્દભવ તારા ‘હું’ માંથી થયો છે. સાચું કઉં તો માણસ આ પૂર્વે આકર્ષક હતો. એણે ક્રમિક વિકાસ કરતા ધરતી બગાડી નાખી અને હવે સુખ રાત પૂરતું મર્યાદિત થઈ ગયું છે.’
‘આ વાંદરાનો જ ઉપયોગ કર્યો હોય તો?’ એકાએક વિચાર સ્ફુરતા ચંદ્ર મર્કટને કાગાનીંદરમાંથી જગાડે છે. ચંદ્રની ભૂમિ પર એક સફેદ રંગની દોરી છે. એ દોરી વાંદરાની પૂંછડીને બાંધવા આપે છે અને નીચે મોકલે છે. વાંદરો અવની પરના તારા કેટલા મોટા છે એની માહિતી લેવા ઉપડે છે. અને ત્યાં દોરી તૂટી જાય છે. વાંદરો પાણીમાંથી સફાળો બેઠો થાય એટલે એની આગળના ક્રમનો વાંદરો એના શરીરને હચમચાવીને કહે છે, ‘તું સપનામાં હતો કે શું? ક્યાં ખોવાઈ ગયો હતો? તારા કારણે બધા પાણીમાં પડ્યા.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત