લેખક-ખલીલ જિબ્રાન
અનુવાદની ભાષા – અંગ્રેજી
અનુવાદક –Team Chabuk
દર્પણ વિસર્જન
રાજ્યાભિષેક બાદ બાઈબ્લેસનો રાજા પોતાના સોનાના કક્ષમાં ચાલ્યો ગયો. જે તેના માટે ત્રણ એકાન્તવાસી જાદુગરોએ તેયાર કર્યો હતો. તેણે પોતાનો મુકુટ અને શાહી વસ્ત્રો ઉતારી દીધા અને કક્ષની વચ્ચે ઊભો રહી ગયો. પોતાના વિષય પર વિચારવા લાગ્યો, ‘હવે હું બાઈબ્લેસનો શક્તિશાળી શાસક બની ગયો છું.’
એકાએક તેણે જોયું કે, ‘તેની માતા દ્વારા આપવામાં આવેલા ચાંદીના ચમકતા અરીસામાંથી એક નગ્ન માણસ બહાર આવી રહ્યો છે.’
રાજા આશ્ચર્ય ચકિત થઈ ગયો. તેણે એ માણસને રાડ પાડીને પૂછ્યું, ‘તું શું ઈચ્છે છો?’
નગ્ન માણસે જવાબ આપ્યો, ‘કંઈ પણ નહીં. પણ એ લોકોએ તને મુકુટ શું કામે પહેરાવ્યો છે?’
રાજાએ કહ્યું, ‘કારણ કે હું સમગ્ર દેશમાં સૌથી મહાન છું.’
ત્યારે નગ્ન માણસે કહ્યું, ‘જો તું આનાથી પણ વધારે મહાન હોત તો પણ રાજા બનવાને લાયક નહોત.’
તો રાજાએ કહ્યું, ‘હું દેશનો સૌથી બુદ્ધિશાળી માણસ છું. એટલા માટે તેમણે મને તાજ પહેરાવ્યો છે.’
નગ્ન માણસે ફરી કહ્યું, ‘જો તું આનાથી પણ વધારે બુદ્ધિશાળી હોત તો પણ રાજા પસંદ કરવાને લાયક નહોતો.’
રાજા જમીન પર ઢગલો થઈ ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. નગ્ન માણસે તે નમી ગયેલા માણસની સામે જોયું. પછી મુકુટ ઉઠાવ્યું. તેને હળવેથી રાજાના મસ્તક પર રાખી દીધું. રાજાને અમી ભરેલી નજરથી એકીટશે જોતો તે ફરી અરિસામાં દાખલ થઈ ગયો.
રાજા ચોંકી ઉઠ્યા. તેણે અરિસા સામે જોયું. તો ત્યાં હવે તે ખૂદને મુકુટ પહેરીને દેખાયો.
નિર્માતા
એન્ટીઓક શહેરના ભાગને બીજા ભાગ સાથે જોડવા માટે આસી નદી પર પુલ બનાવવામાં આવ્યો. આ કામ માટે પ્રયોગમાં લાવવામાં આવેલા વિશાળકાય પથ્થર પહાડો માથે ગધેડાઓની પીઠ પર લાદીને લાવવામાં આવ્યા હતા.
પુલ તૈયાર થતાં જ એક સ્તંભ ખોદીને લખવામાં આવ્યું હતું, ‘સમ્રાટ એન્ટીઓક્સ દ્વિતીય દ્વારા નિર્મિત’ તમામ લોકો પુલ દ્વારા આસી નદીને પાર કરતા હતા. એક રાત્રે એક યુવક, જેને લોકો પાગલ કહેતા હતા, નીચે ઉતરીને સ્તંભ પર લખાયેલા શબ્દોને હટાવી લખી નાખ્યું, ‘આ પુલ પર પથ્થરો પહાડોથી ખચ્ચર દ્વારા લાવવામાં આવ્યા છે. આ પુલ નથી… આ પેલા ગધેડાઓની પીઠ છે. જે સાચા અર્થમાં પુલના નિર્માણકર્તા છે.’
જ્યારે લોકોએ આ વાંચ્યું, તો કેટલાક લોકો હસવા લાગ્યા, કેટલાકને આશ્ચર્ય થયું અને કેટલાકે કહ્યું, ‘ઓ… તો આ પેલા પાગલ છોકરાનું કામ છે.’
ત્યાં એક ગધેડાએ બીજા ગધેડાને હસતા હસતા કહ્યું, ‘તને યાદ છે કેટલી મુશ્કેલીથી આ ભારે ભરખમ પથ્થરોને આપણે ચડાવ્યા હતા ? પણ આજ સુધી લોકો એમ જ કહે છે કે, આ પુલનું નિર્માણ સમ્રાટ એન્ટીઓક્સે કર્યું હતું.’
અસ્તિત્વ
લાંબા સમયથી હું મિસ્ત્રની ધૂળમાં જીવનની ખબર રાખ્યા વિના નિષ્ક્રિય પડ્યો હતો. સૂર્યએ પોતાના સ્પર્શથી મને જન્મ આપ્યો. હું ઉઠ્યો અને જીવનના ગીત ગાતો ગાતો નાઈલ નદીના કિનારે ઘુમવા લાગ્યો. અને હવે એ જ સૂર્ય બાળી નાખતી કિરણોથી મને હેરાન કરે છે. જેથી હું ફરી માટીમાં ભળી જાઉં. પણ આ કેવી આશ્ચર્ય ભરેલી વાત છે. જે સૂર્યએ મને જન્મ આપ્યો એ જ મારું નામશેષ કરવામાં અસમર્થ છે.
ઉંઘમાં ચાલવાની બીમારી
મારા ગામમાં એક સ્ત્રી અને તેની દીકરી રહેતી હતી. જેમને ઉંઘમાં ચાલવાની બીમારી હતી. એક શાંત રાત્રિમાં. જ્યારે બગીચામાં અંધકાર હતો ત્યારે ઉંઘમાં ચાલતી મા-દીકરીનો આમનો સામનો થઈ ગયો.
માં તેની બાજુ જોઈને બોલી, ‘તું ? મારી દુશ્મન. મારી જવાની તારું પાલન પોષણ કરવામાં જ ખર્ચાય ગઈ. તે વળવાઈ બનીને મારી ઉમંગના વૃક્ષને સુકાવી નાખ્યું. કદાચ…. મેં તને જન્મતા જ મારી નાખી હોત.’
તેના પર દીકરીએ પ્રત્યુતર આપતા કહ્યું, ‘એ સ્વાર્થી ડોસી! તું મારા સુખના રસ્તાની વચ્ચે દીવાલ બનીને ઊભી છો. મારા જીવનને પણ તેના જેવું જ બનાવી દેવા માગે છો. કદાચ તું મરી ગઈ હોત.’
ત્યાં જ કૂકડાએ બાંગ પોકારી અને બંને ઉઠી ગઈ.
માતાએ આશ્ચર્યની મુદ્વામાં આવી જતા કહ્યું, ‘અરે, મારી વ્હાલી દીકરી તું.’
દીકરીએ પણ આદર સાથે કહ્યું, ‘હા મારી માં હું.’
રાજદંડ
રાજાએ પોતાની પત્નીને કહ્યું, ‘વાસ્તવમાં તો તું રાણી બનવાને લાયક જ નથી. તું એ રીતે અશિષ્ટ અને ગંદી છો કે તને મારી રાણી કહેતા પણ મને શરમ આવી રહી છે.’
પત્નીએ કહ્યું, ‘તું રાજા બનીને આંટાફેરા મારે છે, પણ તું વાતો કરનારા હરામી માણસ સિવાય કંઈ નથી.’
આ સાંભળીને રાજાને ગુસ્સો આવી ગયો અને પોતાનો સોનાનો રાજદંડ રાણીના માથા પર મારી દીધો. એ સમયે જ ન્યાયમંત્રીએ ત્યાં પ્રવેશ કર્યો અને બોલ્યો, ‘ખૂબ જ સરસ મહારાજ આ રાજદંડને દેશના સૌથી મોટા કારીગરે બનાવ્યો હતો. એ કડવું સત્ય છે કે એક દિવસ રાણી અને આપને પણ લોકો ભૂલી જશે. પણ આ રાજદંડ સૌંદર્યના પ્રતીક સ્વરૂપે પેઢી દર પેઢી સંભાળીને રાખવામાં આવશે. મહારાજા હવે આ રાજદંડ તો વધારે મહત્ત્વપૂર્ણ અને રાજાની અમૂલ્ય વસ્તુ કહેવાશે, કારણ કે તમે રાણીના માથાના લોહીથી તેનું તિલક જો કરી દીધું.’
મહાત્મા
યુવાનીના દિવસોમાં પહાડીઓની પેલે પાર શાન્ત અરણ્ય પ્રદેશમાં હું એક સંતને મળવા માટે ગયો હતો. અમે સદગુણ પર વાત કરી રહ્યા હતા કે એક ડાકુ લથડતો લથડતો આવી પહોંચ્યો. કુટિરની નજીક પહોંચતા જ તે સંતની આગળ ઘૂંટણીયે પડી ગયો અને બોલ્યો, ‘મહારાજ હું ખૂબ મોટો પાપી છું.’
સંતે ઉત્તર આપ્યો, ‘હું પણ ખૂબ મોટો પાપી છું.’
ડાકુએ કહ્યું, ‘હું ચોર અને લૂંટારો છું.’
સંતે કહ્યું, ‘હું પણ ચોર અને લૂંટારો જ છું.’
ડાકુએ કહ્યું, ‘મેં ઘણા લોકોના ખૂન કર્યા છે. તેમની ચીસ મારા કાનમાં પડઘાતી રહે છે.’
સંતે પણ ઉત્તર આપ્યો, ‘હું પણ એક હત્યારો છું. જેમને મેં માર્યા છે. એ લોકોનો અવાજ પણ મારા કાનમાં સંભળાયા કરે છે.’
પછી ડાકુએ કહ્યું, ‘મેં અસંખ્ય અપરાધ કર્યા છે.’
સંતે ઉત્તર આપ્યો, ‘મેં પણ અગણિત અપરાધ કર્યા છે.’
ડાકુ ઊભો થયો અને એકધારો સંતને તાકવા લાગ્યો. તેની આંખોમાં વિચિત્ર ભાવ હતા. પરત ફરતી વખતે તે ઉછળતો કૂદતો પહાડી પરથી નીચે ઉતરી રહ્યો હતો.
મેં સંતને પૂછ્યું, ‘તમે ખોટે ખોટા ખૂદને અપરાધી શા માટે કહ્યા ? તમે જોયું ને કે જતા સમયે તે માણસની તમારામાં આસ્થા નહોતી રહી.’
સંતે જવાબ આપ્યો, ‘એ ઠીક છે કે હવે તેની મારામાં આસ્થા નહોતી, પણ એ અહીંથી બિલકુલ નિશ્ચિત થઈને ગયો છે.’ ત્યાં દૂરથી ડાકુના ગીત ગાવાનો અવાજ અમારા કાનમાં પડ્યો. તેના ગીતના અવાજે સમગ્ર અરણ્યને ખુશીથી ભરી દીધું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત