Homeસાહિત્યકૃત્રિમ ચંદ્ર-નિબંધિકા-મયૂર ખાવડુ

કૃત્રિમ ચંદ્ર-નિબંધિકા-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: અંધારાનું સામ્રાજ્ય સવારને અજગરની જેમ ખાઈને ખૂણામાં કોકડું વળીને પડ્યું છે. શિયાળાના કારણે પરોઢનો સમય આગળ નીકળી ગયો, છતાં ઓરડામાં લાઈટ મોડે સુધી ચાલુ રાખવી પડે છે. બલ્બનો એક શેડ કાચની બારી પર પડી રહ્યો છે. બારી સામે જોઉં તો તેમાં એક કૃત્રિમ ચંદ્ર ટીંગાયેલો દેખાય છે. બારીની સાવ નજીક જવા જઉં તો અલોપ થઈ જાય છે. જ્યાં સુધી લાઈટ બંધ નહીં કરું ત્યાં સુધી તેની પજવવાની ક્રિયા ચાલુ રહેશે. મારી આંખોને એ કૃત્રિમ ચંદ્રના મોહનો વળગાડ થઈ ગયો છે.

બારીની વાત નીકળે અને હું યજ્ઞેશ દવેની પાસે ન જાઉં એમ તો કેમ બને, ‘આ બારી જ મને ઘરના ખૂણામાંથી ફેલાવી ફંગોળી આકાશ સુધી વિહરવા માટે મોકળાશ કરી આપે છે. બારી એક ફ્રેઈમ બનાવી દે છે.’ દરેકની પોતાની એક બારી હોય છે. મારી બારીમાંથી હું ઝાઝું અવકાશ નિહાળી શકતો નથી. બારી મોટી હોવા છતાં સામે વિકરાળ કાયા ધરાવતા નખ્ખોદિયાં ત્રી-બીએચકે ફ્લેટ ઉપર ગગન વિશાળને નિરખવા નથી દેતા. મને દેખાય છે ભીનું માથું સૂકવવા આવેલી સ્ત્રીઓના વાળમાંથી ખરતા પાણીના એ બિંદુઓ, માલેતુજારોએ ખરીદેલા કૂતરાઓનાં અવાજ, બાળકની ચીચીયારીઓ, જાજરમાન પડદાં, ટીવી પર ચાલતા શૉ, વેતાળની જેમ ટીંગાતા કપડાં, કબૂતરોનું બારી પાસે આવી પાંખ ફફડાવી દેકારો બોલાવવું, છોકરાઓનું ક્રિડાગણમાં એકધારું અવાજ કરવું.

કન્ફ્યૂશિયસનું અવતરણ છે કે દરેક વસ્તુમાં સુંદરતા હોય છે પણ દરેક તેને જોઈ શકતો નથી. મને એ વીજળીના બલ્બમાં (કૃત્રિમ ચંદ્રમાં) પણ સુંદરતાના દર્શન થાય છે. એની અંદરથી આવતો ચોરસ પ્રકાશ ચિત્તને આકર્ષે છે. દૂરથી જોઉં તો પુનમ જ હોય અને નજીક જાઉં તો અમાસ થઈ જાય. આ બે સિવાય બીજા કોઈ પરાવર્તન થતાં નથી. એ ચાલુ કરતાં જ પેલા જીવો તેની આજુબાજુ વીંટળાવા આવી પડે છે. એક પ્રકાશનો તેને કેવો મોહ?

કબૂતરનું પીછું કબૂતરોની રોકવટ માટેની જાળીમાં અટવાયું છે. એના જેટલું કોમળ બનવું છે. ગમે ત્યાં સ્થાપિત થઈ જાઉં. નીચે પડું તોપણ વાગે નહીં. કોઈ જુએ તો સીધું પ્રેમમાં પડી જાય. જ્યાં પણ જાય આશરો જમાવી લે અને જો તે ખોવાઈ જાય તો એનો માલિક હતાશ થઈ જાય. બીજી સવારે ફરી કોઈ કબૂતર તેને આપણા માટે ફેંકે. કોઈ નસીબદારના હાથમાં એ પાછું આવી જાય. પીંછા સાથે કોણ કેવો વ્યવહાર કરે છે એ જોતું કબૂતર પણ હું ભાળી ગયો છું! મારી બારીએથી!

હમણાં હમણાં અંધારું તો નાસી જાય છે પણ પેલી ઝાકળ ખસવાનું નામ નથી લેતી. શિયાળાની કુંભકર્ણની ઉંઘની જેમ એ અલસ બનીને પડી છે. દૂર સુદૂર એની સફેદ ચાદર ફેલાયેલી દેખાય છે. આંખ આગળથી દૃશ્ય ઓઝલ થઈ ગયેલું લાગે છે. એની પાછળ શું શું હતું તેની કલ્પનામાં હું વિહાર કરવા લાગું છું. ભાગી ભાગીને હાંફી જતી મારી આંખોને છેલ્લે દેખાય છે તો બસ, મારી બારી આગળ લટકતો પેલો કૃત્રિમ ચંદ્ર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments