Homeસાહિત્યલલિત નિબંધ: કોનું સંપાદન કોના કરતા ચડિયાતું?

લલિત નિબંધ: કોનું સંપાદન કોના કરતા ચડિયાતું?

whatsapp group join link

Team Chabuk-Literature Desk: લલિત નિબંધો વાંચવા હોય તો એકત્ર ફાઉન્ડેશને તેનો રસથાળ મૂકી દીધો છે. જે ભાવતી વાનગી જોઈતી હોય તે આંખોથી ભરી ભરીને ‘ખાઈ’ લેવી. જ્યાં હોય ત્યાં, જ્યારે પણ વાંચવાનું મન થાય ત્યારે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. તોપણ કેટલાક રસિકજનોને પુસ્તક સ્પર્શિયા વગર ચાલતું નથી. ખાસ તો પીડીએફથી જેમના નાકનું ટેરવું ચડી જતું હોય. ચાબુકની પાસે લલિત નિબંધના સંપાદન કરેલા બે પુસ્તકો છે. એકનું સંપાદન ભોળાભાઈ પટેલ અને રમેશ ર.દવેએ, જ્યારે બીજા પુસ્તકનું સંપાદન મણિલાલ.હ.પટેલે કર્યું છે. બંને પુસ્તકો સરસ છે, પણ તુલના કરીએ તો ભોળાભાઈ પટેલ અને રમેશ ર.દવેનું સંપાદન કેટલીય વખત બાઝી મારી જાય છે. બેઉંમાં કેટલાય લેખકો સમાન હોવા છતાં આવું શા માટે થયું? તે પ્રશ્નનો જવાબ અમારી પાસે નથી. જોકે મણિલાલ પટેલે તો એકત્રમાં શ્રેષ્ઠ નિબંધકારોની આખી પંગત બેસાડી દીધી છે. સંપાદકને ઓનલાઈન જેટલી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે એટલી પુસ્તકમાં નથી થતી. તેને કેટલુંય ગમતું છાતી પર પથ્થર મૂકી હટાવવું પડે છે.

1) આ બંને નિબંધ સંગ્રહોની પ્રસ્તાવના માત્ર પ્રસ્તાવના ન બની રહેતા નિબંધ કેવી રીતે લખવો અને નિબંધમાં શું શું હોય તે શીખવે છે. મણિલાલ તેમના સંપાદનમાં એક સરસ વાત મૂકે છે, ‘કવિતા જો પરાગ જેવી સૂક્ષ્મ અને નાજુક વસ્તુ છે તો વાર્તા રૂપગત રીતે પુષ્પ જેવી રચના છે, નવલકથા છોડ જેવી ગણીએ તો નિબંધ એ પર્યાવરણનું ચિત્ર છે.’

2) ભોળાભાઈ અને રમેશભાઈએ ઉમાશંકર જોશીના આબુના પ્રવાસ નિબંધને કેન્દ્રસ્થાને રાખી એક સામાન્ય માણસ અને નીવડેલા સર્જક વચ્ચેનો ભેદ આપણી સામે રાખ્યો છે. એક નદીને હું જોઉં છું, તમે જુઓ છો અને કાલેલકર જુએ છે તો કેટલો તફાવત રહેવાનો? આજે સ્મરણ નથી પરંતુ પશ્ચિમની કોઈ એક ફિલ્મમાં સ્ત્રી નગ્ન થઈ વચ્ચે બેઠી હોય અને તેની ચારે તરફ ચિત્રકારો બેઠા હોય. સ્ત્રીઓ તો હોય તો જ હોય, પણ પુરુષોનો મેળો જામ્યો હોય. એમાંથી કોઈ સ્ત્રીના સ્તનને જુએ, કોઈ તેની નાભીને, કોઈ તેના સુંવાળા પગને, કોઈ કોમળ હાથને, તો કોઈ વળી પુરુષની આંખોમાં સાંપોલિયા રમાતા જોતી સ્ત્રીના નેત્રોમાંથી અશ્રુઓ વહી રહ્યાનું નિરીક્ષણ કરી લે. આવું જ કંઈક ભોળાભાઈ અને રમેશભાઈ ઉમાશંકરના નિબંધને લઈ કહે છે, ‘હવે ઘડીભર આ પ્રશ્નોત્તરથી વેગળા થઈને એમ વિચારીએ કે ઉમાશંકરને બદલે કોઈ સામાન્ય માણસે પેલી, અમુકતમુક અક્ષાંશ-રેખાંશ પર આવેલી બનાસ નદીને વૈશાખના ધોમધખતા બપોરના તડકે રાજસ્થાન પરિવહન નિગમની ધડધડાટ દોડતી બસથી ધમધમી ઉઠેલા પુલ ઉપરથી પસાર થતાં જોઈ હોય તો?’

3) આપણે ત્યાં મહિલાઓ દ્વારા નિબંધો ઓછા લખાયા છે અને લખાયા છે તોપણ કાલેલકર કે સુરેશ જોષીની કક્ષાના નથી લખાયા. બંને નિબંધ સંગ્રહોને ભેગા કરો તો કુલ પાંચ લેખિકાઓ છે. ભોળાભાઈ અને રમેશભાઈએ સંપાદન કરેલા નિબંધમાં ત્રણ લેખિકાઓ છે. મીના દવે, વિનોદિની નીલકંઠ અને પન્ના અધ્વર્યુ, જ્યારે મણિલાલ.હ.પટેલમાં બે છે. એક શરીફાબહેન અને બીજા ભારતીબહેન રાણે.

4) નિબંધનું સંપાદન હોય એટલે કાલેલકર અને સુરેશ જોષી વગર તો બસ ચાલવાની જ નથી. એમાં બાકીની સીટો પર કોણ બીરાજમાન થશે તેનો અનુભવીઓ અને નિબંધના વાચકો અનુમાનથી તાગ કાઢી શકે છે. ભોળાભાઈ અને રમેશભાઈએ જૂન 1937માં કાલેલકરે લખેલ મોજાંઓનો તાંડવયોગ નિંબધ મૂક્યો છે, જે જીવનનો આનંદ પુસ્તકમાં સમાવિષ્ટ છે. અહીં મણિલાલ.હ.પટેલ સાધુઓનું પિયર લે છે. સુરેશ જોષીમાં ભોળાભાઈ અને રમેશભાઈને જનાન્તિકે નિબંધ ગમ્યો, તો મણિલાલ.હ.પટેલને વર્ષાવેદન ગમ્યો. બંને સંગ્રહોમાં દિગીશ મહેતાનો મેળો નિબંધ છે. તેમના બહુપ્રતિષ્ઠત નિબંધ સંગ્રહ દૂરના એ સૂરમાંથી લીધેલ. દિગીશ મહેતા દૂરના એ સૂરમાં લલિત નિબંધકાર તરીકે ઉઘડ્યા એવા શેરી સંગ્રહમાં નથી ઉઘડ્યા. એ રીતે જ સ્વામી આનંદનો માછીનાચ બંનેમાં છે. ભોળાભાઈ અને રમેશભાઈએ ઉમાશંકરનો વાર્તાલાપ નિબંધ લીધો તો મણિલાલ દાદાએ આબુ નિબંધ લીધો. વરિષ્ઠો ચાબુક સાથે અચૂક સૂર મિલાવશે કે આબુ એ વાર્તાલાપ કરતા સારો નિબંધ છે. ભોળાભાઈ અને રમેશભાઈ પાસે વાડીલાલ ડગલી છે જેની મણિલાલ.હ.પટેલના સંપાદનમાં અનુપસ્થિતિ છે. વાડીલાલ એટલે ‘શિયાળાની સવારનો તડકો’ નિબંધ જ લેવો એવો બહુમતિમાં મત પ્રવર્તે છે. પરંતુ અહીં ‘ચાલતાં ચાલતાં’ નિબંધ વાંચવા મળશે.

5) વાત ખરીદવાની આવે ત્યારે બંને નિબંધ સંગ્રહો આપણે ખરીદવા પડે, કારણ કે ભોળાભાઈ અને રમેશભાઈએ કેટલાય અજાણ્યા નામ આપણી સામે રાખ્યા છે. આવું જ સંપાદક મણિલાલભાઈનું છે. દુ:ખની વાત એ છે કે આપણે ત્યાં નવલકથા, વાર્તા કે પ્રેરણાત્મક પુસ્તકો વારંવાર રિ-પ્રિન્ટ થાય છે, તેવું નિબંધ મુદ્દે થતું નથી. નિબંધનું એક વખત પ્રકાશિત થયેલું પુસ્તક નવી પેઢીને તો આકાશ-પાતાળ એક કરતા મળે છે. કેટલીક વખત એવું બને છે કે ફોટોકોપી કરાવવી પડે.

6) આ જુઓ ને… ભોળાભાઈ અને રમેશભાઈના સંપાદનમાં પન્ના અધ્વર્યું, જે લેખિકાની એક પણ કૃતિ અમે નથી વાંચી, એમનો નિબંધ અમારા ચિત્તને આકર્ષી ગયો. એક ફકરો મૂકી તેમની નિબંધકળાનો પરચો કરાવું, ‘આ આખાયે બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ ‘સાગર’ મેં ‘ખસખસ’ જેવું છે એનું મને ભાન છે. સમયના વિસ્તીર્ણ જળરાશિમાં, મારા ભૂતકાળનો ટુકડો એક ‘સસ્પેન્ડેડ’ ગલ જેવો છે, જેમાં વર્તમાનની માછલીઓ આવીઆવીને ચોંટી જાય છે ને ગલ વધુ ને વધુ ભારે થતો જાય છે. મારી લાચારી એ છે કે મારી વર્તમાન ક્ષણોને હું ફ્રિઝ કરી શકતી નથી. એને ભૂતકાળ બનતી અટકાવી શકતી નથી. સાથે સાથે જ, મારવાડીને ત્યાં ગીરવે મૂકેલાં ઘરેણાંની જેમ ભૂતકાળ બની ગયેલી ક્ષણોને, કોઈપણ કિંમતે, કાળની તિજોરીમાંથી છોડાવી શકતી નથી. મારો ભારે થયેલો ભૂતકાળ એટલે કેટકેટલા ખૂણેથી આવી પડેલાં અસંખ્ય ઋણોનો ભાર!’

7) ખાસ તો મણિલાલ.હ.પટેલે જેટલા પણ નિબંધ પસંદ કર્યાં તેમાં પ્રકૃતિ કેન્દ્રસ્થાને છે. નિબંધકારોમાં કોઈ એક વસ્તુનો વિયોગ પણ દેખાય છે. નિબંધ એટલે ઝૂરાપાને યાદ કરવો. મણિલાલ.હ.પટેલે લખેલ પ્રસ્તાવનામાંથી જ નિબંધના પિતામહ મોન્ટેઈને કહેલું વાક્ય અહીં ટાંકું છું, ‘નિબંધમાં હું મને આલેખું છું.’ એક વાત સાચી કે ભોળાભાઈ અને રમેશભાઈએ પસંદ કરેલા નિબંધોમાં મણિલાલ.હ.પટેલના નિબંધ કરતા વિવિધતા છે. જોકે વાંચવાની તો બંનેને મજા આવે છે. આપણા પ્રથમ નિબંધકાર શ્રી નર્મદે નિબંધ મુદ્દે એવું વાક્ય ઉચ્ચારેલું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. નર્મદ તલવારની ધાર જેટલો સાચો પણ એને ક્યાં ખબર હશે કે ગુજરાતી સાહિત્યમાં નિબંધ લેખનની અઘરી કસોટીને પાર કરવા માટે ગુજરાતીઓ તલવારની ધાર પર ચાલશે. નર્મદથી લઈ રમેશ ઠક્કર સુધી કેટલાય નિબંધ લેખકો આવ્યા અને હજુ ચાલુ જ છે. એ બધાને વાંચવા અને તેમાંથી શ્રેષ્ઠ પસંદ કરવું એ તો નર્કની આગમાં તપવા જેવું કામ રહ્યું. નિબંધ લેખન જેવી તેવી વાત નહીં તો સંપાદન કરવું પણ જેવી તેવી વાત નહીં. ભોળાભાઈ અને રમેશભાઈની બેલડી માટે તો હજુ એ સરળ હતું પણ મણિલાલ પટેલ માટે તો એનાથી પણ આકરું રહ્યું હશે, અને શું ખબર ભવિષ્યમાં નિબંધનું કોઈ ગુજરાતી સંપાદન કરશે તો એના માટે એનાથી પણ કષ્ટદાયક કાર્ય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments