Team Chabuk-Literature Desk: 1987ની સાલમાં રૂપકથા નામે મધુ રાયનો વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે. યશવંત શુક્લને તે અર્પણ કરવામાં આવ્યો છે. મુખપૃષ્ઠ પર એક યુવતી છે. ઓશિકા ઉપર માથું ટેકવીને ઉંઘી રહી છે. હોઠ પર ગુલાબી કલરની લિપ્સિટિક લગાવી છે. સાહિત્યકારોને એ સુંદર લાગી શકે અન્યોને નહીં! એ પુસ્તકની પાછળના ભાગે આદિલ મન્સૂરીએ લેખકના માનમાં ‘મધુરાય ષષ્ટિપર્વની ગઝલ’ લખી છે. 2003માં રૂપકથાનું પુન:મુદ્રણ થાય છે.
પુસ્તકનું પાંચમું પાનું એક અંગ્રેજી પંક્તિએ રોકી રાખેલું છે. જેમાં લખેલું છે – Long have I fixed my gaze at her But my eyes know No satisfaction – Vidyapati. ને પછી અનુક્રમણિકા છે, જેમાં 28 વાર્તાઓનો ક્રમ આપેલો છે. મચ્છરની પાંખોનો અવાજથી શરૂ થાય છે અને એક સોમવારે પૂરી થાય છે. આ વાર્તાસંગ્રહ આપ ખરીદો છો અને ત્રેવીસ નંબરની વાર્તા પર તમારું ધ્યાન અટકી જાય છે.
ઘણું ભણવામાં આવ્યું, એમાંથી ખૂબ ઓછું યાદ રહ્યું, જેનું સ્મરણ છે તે પણ આછું આછું છે. કોઈ અનુભવી અખાને ફેસબુક પર મેસેજ કરી પૂછવું પડે છે. છકડો વિશે નથી પૂછવું પડતું. ઝેની અંગે નથી પૂછવું પડતું. ખતુડોશી નથી પૂછવી પડતી. બોળો પાઠની પૃચ્છા નથી કરવી પડતી. એવી રીતે હરિયો પણ કોઈને પૂછવો નથી પડતો. કેવી કપોળકલ્પિત વાર્તા? ઈંટોને ગણવાનું કામ! રૂપકથામાં એ ત્રેવીસ નંબરની વાર્તા છે ઈંટોના સાત રંગ.
હું અજ્ઞાની હતો. મને નહોતી ખબર કે વાર્તાઓનું વિવેચન થાય છે. આખા વાર્તાસંગ્રહો વિશે તો સાંભળેલું પણ એક જ વાર્તા વિશે ખોબો ભરી ભરીને લખાય તેની ખબર નહોતી. સુમન શાહનો ખેવનાપૂર્વક નામનો વિવેચન સંગ્રહ છે, જેમાં કથા પ્રત્યક્ષ વિભાગમાં ‘ઈંટોના સાત રંગ મિષે/વિષે’ લખવામાં આવ્યું છે. શરૂઆતમાં આવે છે કે હું કેવી રીતે ભણાવું છું. સરસ્વતીચંદ્ર કેવી રીતે ભણાવું છું અને વાર્તાઓ કે કોઈ અન્ય કૃતિ કેવી રીતે ભણાવું છું. ત્યાંથી વિવેચનપ્રક્રિયા બાજુ લખાણ આપણને દોરી જાય છે.
વાર્તાનું શીર્ષક છે ઈંટોના સાત રંગ. ઈંટોનો એક જ રંગ છે. જે તમને અને મને ખબર છે. આધુનિક જમાનામાં વિકાસ થયો હોય અને કેટલીક વિભિન્ન રંગરંગોનવાળી ઈંટો બજારમાં ઠલવાઈ હોય તો મને ખ્યાલ નથી. મેં તો એક જ રંગની ઈંટ જોઈ છે, જેમાંથી લાલ રંગની ભૂખરી ખર્યા રાખે. કરાટે કરનારાઓ તેને હાથ મારી તોડ્યા રાખે. ધૂળેટીમાં કોઈના ચહેરાનો શણગાર કરવામાં કામ આવે.
મેઘધનુષ્યમાં સાત રંગ હોય છે. મેઘધનુષ્યને જોઈ મન આનંદિત્ત થઈ જાય છે. નાના બાળકની જેમ ઉછળવા લાગે છે. જેમ છેવાડાના ગામના આકાશ માથેથી કેટલું નુકસાન થયું છે એ જોવા નેતાજીનું હેલિકોપ્ટર નીકળે અને ભયાવહ તારાજીની વચ્ચે ઉભેલા ઘરના મોભીના ચહેરા પર પણ ઘડી ભર માટે સ્મિત તરી આવે.
વાર્તાની શરૂઆતમાં હરિયાની મા હરિયાને ભણવાનું કહેતી હોય છે. તેના પર રોષે ભરાતી હોય છે. એણે અમદાવાદનું નામ ખૂબ સાંભળ્યું હોય છે. એટલે એક દિવસ અમદાવાદ બાજુ નીકળી પડે છે. વાર્તાના આરંભમાં મધુ રાય એક એવા બેરોજગાર છોકરાની વાત આપણી સમક્ષ મૂકે છે જેના મનમાં એમ ઘુસી ગયું છે કે મોટા શહેરમાં જઈશું, તો નોકરી-ધંધો ફટાક કરતો મળી જશે. હરિયો ક્યાં રહે છે એ વિષે આપણને ખ્યાલ નથી. વાર્તામાં લેખક ઘણું ઘણું આપણા પર છોડી દેતા હોય છે. માની લો એ ગામડામાં રહે છે. તો અહીં લેખકે સમાજશાસ્ત્રનો મુદ્દો છેડ્યો છે. શહેરીકરણનો. માએ હરિયાને મારેલો ટોણો, એ તો પેટા પ્રકાર છે. દરેક દીકરાને એની મા ટોણો મારતી જ હોય છે. પણ શું એ જે ભૂમિમાં રહે છે ત્યાં કોઈ કમાણીનો સ્ત્રોત નથી? વાર્તાનો આરંભ બેરોજગારીથી થાય છે.
બસમાંથી હરિયાની ખીમજીભાઈ સાથે મુલાકાત થાય છે. એ હરિયાને નોકરી અપાવે છે. વાર્તા અહીંથી એબ્સર્ડ વળાંક લે છે, ‘દુનિયા આખીમાં જેટલી ઈંટો છે, એ બધી જો ગણાઈ જાય, તો દુનિયાની બધી મુશ્કેલીઓ પૂરી કરવાનો ઈલાજ જડી જાય.’
નાયક હરિયાને આવા કોઈ કામનો અનુભવ નથી. નહીં તો ઈન્ટરવ્યૂમાં જાવ તો કોઈ પૂછે કે અગાઉ કેટલા વર્ષ ઘસાવીને આવ્યા છો? અહીંયા તો હરિયાને ખીમજીભાઈ ખાલી એટલું જ પૂછે છે ગણતરી આવડે છે? અને વાર્તા વાંચનારને ખ્યાલ છે કે હરિયો સાવ કાઢી નાખ્યા જેવો ઠોઠ તો નહોતો. હરિયાને ખબર નથી કે કામ શું કરવાનું છે, પણ જ્યારે ખબર પડે છે ત્યારે તો રીતસરનો લાગી પડે છે. આ વાર્તા લેખકે જે પણ રીતે લખી હોય પણ એમાં જ્યાં જ્યાં પાડોશીઓની ઈંટો ગણવાનું વર્ણન આવે છે ત્યાં ત્યાં કોઈની પાસે પાકા મકાન નથી, પણ ઈંટોથી ચણેલા મકાન છે એ તો સ્પષ્ટ થાય છે. કાં તો એ ઈંટોથી ઈમારત ચણાવાના દાડા હતા, કાં તો એ ગરીબાઈનાં દાડા હતા.
હવે જે ઘરે હરિયો ઈંટો ગણવાનું કામ કરે છે, એ ભારતીય સમાજ કેવી રીતે નાની નાની વસ્તુનો ઉપયોગ કરે છે, અને એક મધ્યમવર્ગીય પરિવાર કેવી રીતે જીવવા માટે ઝઝૂમે છે તેનું મધુ રાયે સૂક્ષ્મ અવલોકન કરી લખ્યું છે. ‘‘ઘરનો અડધો ભાગ દીકરાના બાપુજી જીવતા હતા ત્યારે ચણાવેલો, બાકીનો દીકરાએ કલોલમાં ઘાસલેટના ડીપોમાં કામ કરતાં કરતાં પૈસા બચાવી પૂરો કર્યો હતો, અને છેવટે દીકરાનાં લગ્ન વખતે ધન આવ્યું એમાં માળિયું સમું કરાવ્યું હતું, અને અગાશી જૂની હતી ત્યાં નવેસરથી ઈંટો મૂકાવડાવી પ્લાસ્ટર કરાવ્યું હતું.’’ કોઈ વખત તો આવું તમારી આંખની સામે થયું હશે. પિતાજી કામ અડધે પહોંચાડે અને આપણે એ કામ પૂરું કરીએ.
ઈંટો ગણવાનું કામ એ અસામાન્ય ઘટના છે. આપણે હજુ સુધી આવી કોઈ નોકરી વિશે સાંભળ્યું નથી.
બીજી બાજુ જે જે કામ થાય છે એ સાવ સામાન્ય છે. આપણા જીવનમાં બનતી રોજબરોજની ઘટના જેવું. અથાણા માટે કેરીની ચીર જેના પર રાખે છે તે કંતાન ઉપર ઈંટ મૂકવી, દાઢી માટે અરીસાને ટેકો આપવા ઈંટ રાખવી, ખાટલો ડચુમચુ થાય છે તો એ માટે ઈંટ રાખવી, કૂતરાને મારવા ઈંટ વાપરવી અને એવું ઘણું બધું.
હરિયાનો આખોય પરિવાર ઈંટોની ગણતરીના કામમાં જોતરાઈ ગયો છે. હરિયાને બાવનમું બેસે છે. ફ્રેન્ચ સાહેબ પાસે જાય છે. જેને એની ભાષા આવડતી જ નથી એ આફ્રિકન ગણકને કહે છે કે, મને ઈંટો ગણવાના કામમાં આનંદ આવ્યો. ને છેલ્લે એની મુર્ખાઈ. આ ટાવર ક્યાં ઈંટોનો બનેલો છે?
આખી વાર્તામાંથી હરિયાની જિંદગીના સાત રંગ કયા નીકળે છે? નોકરી મળી, જે કામ હતું તેને ગમતું કરી દીધું, કામમાં હૈયાસૂઝ રાખી, સંસાર જામી ગયો, પરિવારનેય ક્યાંય નોકરી શોધવા જવી ન પડી, કામમાં ચિત્ત પરોવાયેલું રહ્યું અને છેલ્લું એના સાહેબની જ સામે જે કહેવું હતું એ એણે દિલ ખોલીને કહી દીધું. તો પછી સાતમો રંગ દરેક કર્મચારીના દિવાસ્વપ્નનો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત