Homeસિનેમાવાદચુરુલી: તમને સમજાય હોય તો મને પણ સમજાવો

ચુરુલી: તમને સમજાય હોય તો મને પણ સમજાવો

ઝાલાવાડી જલજીરા: એક સારા સર્જકને હંમેશાં પોતાના સર્જનને કોઈ સમજી જાય તેવી અપેક્ષા હોય છે. ક્રિસ્ટોફર નોલાનને જ લઈ લો. એટલી અઘરી ફિલ્મો બનાવતા હોવા છતાં લોકોની જોવા માટે ભીડ ઉમટી પડે છે. ફિલ્મ જોવા માટે હાથમાં કાગળ અને પેન રાખવી પડે અને લખ્યા રાખવું પડે કે આ વાત અહીં કનેક્ટ થઈ. પ્રતીક, અભિનય, છાયાંકન અને સંકલનની સહિતની વાત તો બાજુમાં રહી, પહેલા તો કથાવસ્તુ સમજાવું જોઈએ! ઘરે આવી ઠંડા પાણીએ સ્નાન કરી અમેરિકાની કેટલીક વિશ્વસનીય વેબસાઈટોમાંથી ફિલ્મનો મર્મ ગ્રહણ કરવો પડે. ભારતમાં આ પ્રકારની ફિલ્મો બને તેવી કલ્પના કરવી જ મુશ્કેલ છે પણ તમને કહું કે મલયાલમ સિનેમાએ આવું કરી બતાવ્યું હોય તો? તો તમે માનશો જ! કારણ કે વર્તમાન સમયે મલયાલમ સિનેમા દક્ષિણ સિનેમામાં ટોચનું સ્થાન ભોગવી રહ્યું છે. અલબત્ત એ ભારતની સર્વશ્રેષ્ઠ ફિલ્મો બનાવવાનું કારખાનું છે.

ગઈકાલે મેં OTT પ્લેટફોર્મ સોની લાઈવ પર સ્ટ્રીમ થઈ રહેલી મલયાલમ ફિલ્મ ચુરુલી જોઈ. લીજો જોસ પલીશેરી તેના દિગ્દર્શક છે. એ વ્યક્તિ જેણે જલ્લિકટ્ટુ ફિલ્મ બનાવી વાહવાહી ઉઘરાવી લીધી હતી. ફિલ્મ જોયા પછી એ સારી છે કે ખરાબ એ વિચારે બે ભાગમાં મારું મગજ વિભાજીત થઈ ગયું. કથાને સમજવામાં મારું મગજ એટલું ચગડોળે ચડી ગયું કે સિનેમાના અન્ય વિભાગ હાસ્યામાં ધકેલાઈ ગયા. બે પોલીસ ઓફિસર છે અને તે એક વ્યક્તિને પકડવા માટે ગામમાં આવ્યા છે. કથા પૂરી. હું વર્જીન પુષ્પસમા આ ફિલ્મની એક પણ પાંખડી નહીં ખોલું. હવે તમારે જોવાની છે. તમારે મગજને દોડાવવાનું છે. વિચારવાનું છે.

ઈન્ટરનેટ પર જોશો તો માહિતી મળી જશે કે આ ફિલ્મ સાયન્સ ફિક્શન છે. સાયન્સ ફિક્શન હોવા ઉપરાંત તેની અંદર સસ્પેન્સ છે. થ્રીલર છે. હોરર પણ છે. આ ફિલ્મમાં એક પણ ભૂત ન હોવા છતાં રહસ્ય એટલું ઘેરું કરી નાખે છે કે આપણને ડર લાગી જાય. દિગ્દર્શક એવો મંજાયેલો છે કે એ સામાન્ય માણસોથી બીજા માણસોને ડરાવે છે. જેમ કે અભિનેતા વિનય ફોર્ટની પાછળ મૂંગા મોઢે હાથમાં કુહાડી લઈ ચાલીને આવી રહેલી કાળમૂખી ડોસી. જેમ કે જવાબ ન આપતા ગ્રામ્યજનો. જેમ કે આકાશ. જેમ કે એની વિચિત્ર વાતો અને પ્રથાઓ. રાતના ઉડતા આગિયા અને દિવસનું અજવાળું પણ ડરાવે છે. આપણું ચિત્ત પ્રકૃતિની અકળલીલામાં વસવાટ કરવાનું વિચારતું હોય છે, કિન્તુ ચુરુલીનાં જંગલને જોયા પછી તમે થોડા દિવસો માટે પ્રકૃતિને પ્રેમ કરવાનું ભૂલી જશો.

ફિલ્મ એક જ વખત જોઈ છે જેથી ઘણા રહસ્યો વણઉકેલ્યા રહી ગયા છે. ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે એક નાનકડી વાર્તા આવે છે. આ વાર્તાને તમારે ધ્યાનથી સાંભળવાની અને જોવાની છે. ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં જે રીતે એક સાથે, એક ઘટનાના, બે બે પ્રસંગો ચાલતા હોય અને બંને પ્રસંગો ઘટનામાં ગૂંથાતા હોય, પણ આપણું ભેજું કહેતું હોય કે આ વાર્તામાં તો ક્યાં કંઈ કાઢી લીધા જેવું છે અને બીજા દિવસે વિવેચક એ જ વાર્તાની સરાહના કરે એવું ચુરુલી ફિલ્મની આરંભમાં આવતી એ વાર્તાનું છે. એ વાર્તાના પ્રેમમાં તો હું એટલો ગરકાવ થઈ ગયો કે વાત ન પૂછો. મને એમ હતું કે દક્ષિણમાં જે મસાલેદાર સસ્પેન્સ થ્રીલર હોય છે એ અહીં જોવા મળશે, પણ એવું કંઈ નીકળ્યું નહીં. મલયાલમ સિનેમા ચટપટા અને આકર્ષક સસ્પેન્સ થ્રીલર બનાવવામાં દેશભરમાં અવ્વલ છે, એવી મારી ચિત્તની સાઠીકડી બટકી ગઈ.

ચુરુલીની અસંખ્ય તસવીરો ઈન્ટરનેટ પર છે. એમાં એક ચક્ર ઘુમે છે. એ ચક્ર ફિલ્મના શીર્ષકને યથાર્થ ઠેરવે છે. ચુરુલીનો ગુજરાતીમાં અર્થ થાય ગોળાકાર. ચુરુલી એટલે કહું તો મચ્છર મારવાની અગરબત્તીના આકારનું હોય. ફિલ્મનું શીર્ષક ઘણી જગ્યાએ યથાર્થતાવાદી સિદ્ધ થાય છે, એક જગ્યાએ સળગતી મચ્છર મારવાની અગરબત્તી, જંગલમાં ખોવાઈ જવું અને ઘુમ્યા રાખવું, મગજ ભમવું સહિતની અસંખ્ય વસ્તુઓ છે.

હવે જો તમે ફિલ્મ જોવાના હો તો અહીંથી આગળ ન વાંચતા. ફિલ્મમાં એલિયનનું અસ્તિત્વ છે કે નહીં તેની કોઈને ખબર નથી. દર્શક તરીકે આપણે પણ ફિલ્મના સ્વરૂપને જાણ્યા પછી શોધીએ છીએ. સંવાદમાં તેને રજૂ કરવામાં આવ્યા છે તે પણ એક જ જગ્યાએ. કદાચ ચુરુલી એ એલિયનો દ્વારા બનાવવામાં આવેલી જગ્યા છે, જેને તેઓ ઈચ્છે તે મુજબ ચલાવે છે. એમની જગ્યામાં પ્રવેશ્યા પછી બહાર નીકળવા માટે પણ એમની માનસિક પરવાનગી જોઈએ. કદાચિત્ અહીંની માનવ સભ્યતા કોઈના વશમાં છે.

જ્યારે કોઈ મુશ્કેલ ફિલ્મ સાથે તમારો પનારો પડે તો તમારે ધ્યાનથી ડાઈલોગ સાંભળવા. ડાઈલોગ ઘણી વસ્તુ ઉજાગર કરી દેતા હોય છે. ચુરુલીમાં સજીવનને એવું લાગે છે કે એ ત્યાં આ પૂર્વે પણ આવી ચૂક્યો છે. કેટલાક લોકો પણ એમ કહે છે કે આને ક્યાંક જોયો હોય એવો લાગે છે. એ લોકોએ તો એવું સાંભળ્યું પણ છે કે કેવી રીતે બે પોલીસ ઓફિસર એક કેદીને પકડવા માટે આવે છે પણ ભાગી નથી શકતા. સજીવન પહેલા આવી ચૂક્યો છે અને એ બીજી વખત આવ્યો છે પોતાના સાથીદાર એન્ટોનીને લઈ. જીપને ધ્યાનથી જુઓ. એ જીપ પોલીસ જીપ લાગી રહી છે. જેનો ટેગ બોર્ડ પણ કાઢી નાખવામાં આવ્યો છે. એટલે કે ભૂતકાળમાં સજીવન કેટલાક પોલીસ ઓફિસરો સાથે અહીં આવ્યો હશે અને ફસાઈ ગયો હશે. પછી ગામના એલિયનોએ તેને પાછો બીજા શિકાર શોધવા માટે મોકલ્યો હશે. તેની તમામ યાદશક્તિ નષ્ટ કરીને. આવી અસંખ્ય વાતો તમારી આંખને રસ્તા વચ્ચે મળશે. ધ્યાનથી જોશો તો.

અંતે આ વાર્તાના મૂળ લેખકનો પરિચય આપી દઉં. લીજો જોસ પલીશેરીએ ફિલ્મ દિગ્દર્શિત કરી છે અને એસ.હરીશે તેનો સ્ક્રિનપ્લે લખ્યો છે. આપણે વખાણ કરવાના છે કેરળના લેખક વિનય થોમસના. એમને 2019માં કેરળ સાહિત્ય અકાદમી એવોર્ડ મળી ચૂક્યો છે. આ વિનયે જ લખેલી ક્લાસિક ટૂંકી વાર્તા છે. ચુરુલી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments