Homeતાપણુંસુરત ગ્રીષ્મા હત્યા કેસઃ ગોપાલ ઈટાલિયાએ કહ્યું, હર્ષ સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા...

સુરત ગ્રીષ્મા હત્યા કેસઃ ગોપાલ ઈટાલિયાએ કહ્યું, હર્ષ સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા નથી પડતાં

Team Chabuk-Political Desk: સુરતમાં ગઈકાલે શનિવારે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિનીની સરાજાહેર હત્યા કરી દેતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. ચપ્પુ વડે વિદ્યાર્થિનીનું ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી રાજ્યના કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. આ ઘટનાને લઈને રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ દીકરીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ એક ફેસબુક પોસ્ટ મૂકીને રાજ્યના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવી પોતાનો રોષ ઠાલવ્યો છે.

ગોપાલ ઈટાલિયાએ આ દુઃખદ ઘટનાના એક સમાચારના અહેવાલને ટાંકીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડેહાથ લીધા છે. ગોપાલ ઈટાલિયાએ ફેસબુક પર મૂકેલી પોસ્ટને શબ્દશઃ જોઈએ તો,

ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા નથી પડતાં. હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત.

રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે. જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી ૧૮૨ સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.

કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે.

નવીનવાઈના ગૃહમંત્રી હ(ર્ષ)ત્યાર સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મીડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.

નવી વહુ જેવા મંત્રીઓ આવતી ટર્મમાં કદાચ મંત્રી ન બને એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યુ છે તો થાય એટલું ઘરભેગું કરી લઈએ એવું માનીને ઘરભેગુ કરવામાં વ્યસ્ત છે. ભાજપના ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’થી ટીકીટ કપાઈ જશે એવા ડરે પ્રદેશ પ્રમુખને વહાલા બની જવા પોતાના વિસ્તારમાંથી ફડં ભેગુ કરી પ્રદેશ પ્રમુખના ચરણોમાં ધરવામાં વ્યસ્ત છે.

કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવતી અરજીઓમાં તોડબાજી કરવામાં અને ટકાવારી માંગવામાં વ્યસ્ત છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરોના કામોમાં હપ્તા ઉઘરાવવામાં, ભાજપના કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરનો શું આદેશ છે તે માનવામા અને સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કોણ શું લખે છે કે શું બોલે છે એવા ધણા બધા ફાલતુ કામોમાં વ્યસ્ત છે. ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભ્રષ્ટ નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હીરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે.

ગોપાલ ીટાલિયાની ફેસબુક પોસ્ટ

વિદ્યાર્થિનીની જાહેરમાં થઈ હત્યા

મહત્વનું છે કે, કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિની ગ્રીષ્મા વેકરિયાની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને પ્રેમ થઈ ગયો હતો. હત્યારો વિદ્યાર્થિનીનો વારંવાર પીછો કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ પણ તેને આમ કરવાની ના પાડી હતી. ગ્રીષ્માના મોટા પપ્પાએ પણ તેને ઠપકો આપી સમજાવ્યો હતો પણ ફેનિલ નહોતો માન્યો. શનિવારની સાંજે હત્યારાએ ગ્રીષ્માનાં ઘર પાસે પહોંચી જઈ તેણીને બંધક બનાવી હતી અને જાહેરમાં, પરિવારજનોની સામે જ તેનું ગળું ચાકુથી રહેંસી નાખ્યું હતું. હત્યારા સામે ગ્રીષ્માનો ભાઈ પડ્યો હતો પણ ફેનિલ તેની ઉપર પણ ચાકુ લઈ હુમલો કરવાની ચેષ્ટા કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે ઝેર પીધું હતું. હાલ તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments