Homeસાહિત્યમાળો-નિબંધ-મયૂર ખાવડુ

માળો-નિબંધ-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: નરસિંહ ટેકરીના રામદેવપીરના મંદિરની અડોઅડ એક માળિયું મકાન. એની છત ઉપર સિમેન્ટનું આડુતેડુ નકશીકામ કરેલું છે. ઢીંગલીઓ ભાંગી ગઈ છે. મંદિરની ડાબી અને જમણી બંને બાજુ એક એક દરવાજો છે. એક લોખંડનો દરવાજો અને એક લાકડાનો દરવાજો. લાકડાનો દરવાજો સમયની થપાટો ખમી ખમીને ખવાઈ ગયો છે. આ બંનેની વચ્ચેથી મોટો ઓટલો પસાર થાય. જ્યાં છોકરાઓ પગની પાનીને ઘસી લસરતા હોય. જમણી બાજુની દિવાલનું પોપડું ઉખડી ગયેલું છે. જોરથી વજન આપો તો પોપડાનો ઢગલો થઈ જાય. એની ઉપર લાકડાની બારી હવાની થપાટ ખમી ખમીને ડગમગી ગઈ છે, છતાં એ ઘરની જેમ એણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. દરવાજાની મુખ્ય ડેલી જમીન સાથે ચસોચસ ભીડાઈ ગઈ છે. એને ખોલવા માટે ડેલીને બેય હાથે ઝાલી ઊંચી કરવી પડે છે. ન કરો તો અંદરથી બાનો ઊભા ફાડીયા કરી નાખે એવો અવાજ આવે અને બે બે દોકડા જેવી સાંભળવી પડે એ તો નોખી. ઉત્તર દિશામાંથી આવો તો ઘરની ઉપર મયૂર અને પીયૂષ ઊભું અને આડું લખેલું દેખાય. બાપાને આવો ‘આઈડિયા’ અમારા જન્મ ટાણે જ આવેલો કે પછી એ કોઈ દિવસ પૃચ્છા નથી કરી.

પહેલા નળિયાવાળું મકાન હતું. નળિયા હતા ત્યારે રામદેવપીરનું ખોરડું પણ બચ્ચું હતું. ખાલી માથું ગરકી શકે એટલી જ જગ્યા. નળિયા ઉપર હુપાહુપ કરતા વાંદરાઓ આવે ત્યારે બા તેડીને વાંદરાઓ જોવા લઈ જતી તેવું આછું આછું સ્મરણ છે. વર્ષો પૂર્વે શેરીમાં ભગવાન રામની સેનાએ બનાવેલા રામસેતુની જેમ પથરાના પથરાં પાથરેલા રહેતા. એમાં ક્યાંક પગ ઢચકી જવાની બીક રહેતી. એ પથ્થરવૃંદોએ કેટલીય છોકરીઓનાં ટાંટીયા ભાંગ્યા છે.

અમારી આંગળીઓ ઝાલીને એક દિવસ બાપુજી ખખડધજ મકાનની સામું અનિમેષ નયને તાકતા ઊભા હતા. અમે અમારી કાલીઘેલી ભાષામાં પૂછ્યું તો કહે, ‘અમે અહીં રહેતા.’ મુઠ્ઠી જેવડું એ મકાન પછી તાલાલાની સાર્વજનિક મૂતરણીમાં ક્યારે હોમાઈ ગયું ખબર જ ન પડી. અને ત્યાંથી અહીં નરસિંહ ટેકરીમાં ક્યારે કેમ આવી ગયા એની મને ભાળ નથી.

બાપુજીને કાચામાંથી પાકુ મકાન ઊભું કરતા બઉં અગવડતા પડી હતી. એમાં કાંઈ દોમ દોમ સાહ્યબી ભરેલી નહોતી. ખિસ્સુ મોટું હોય પણ કાવડિયા ન હોય એવી એની હાલત. ધીમે ધીમે એમાં બા અને બાપુજીએ પરસેવો પાડ્યો ને ઘરનો અસબાબ વધતો ગયો. નવી નવી કંપનીનું આઈવા ટીવી મુખ્ય ઓરડામાં ગોઠવાયું. દરવાજાની બરાબર સામે લોખંડના ગોદરેજના કબાટે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. મારા અને નાના માટે ઠેકડા મારવા બે સેટી પલંગ આવ્યા. એ વખતે બ્લૂ કલરના સનમાઈકાનો જમાનો હતો એટલે એમાં પણ બાપુજીએ બ્લૂ કલર લગાવેલો. ટીવીની બાજુમાં બાપુજીનું નાનું એવું મંદિર. એ બે હાથ જોડી પ્રાર્થના કરતા હોય અને વચ્ચે કોઈ અવાજ કરે તો ખોંખારો ખાઈ ને ટોકે. બે વખત ખોખારો ખાધો એટલે સમજી જાવાનું કે બાપા પ્રાર્થના પૂરી કરી હમણાં ઢીબેડવા પ્રવૃતિને અંતિમ ઓપ આપશે. પછી તો ગમે એની મોટી બાયનો છોકરો હોય, માસ્તરના હાથનો માર ખાઈને જ ઘરે વેતો થાય. એ મુખ્ય ઓરડાની બારી પાસે જેના ઘરમાં ટીવી ન હોય, એ છોકરા ટીવી જોવા બારીયે ટીંગાતા. છેવટે દયા ખાઈને બા મુખ્ય ઓરડામાં બધાને બેસાડતી.

લાદી એ જ કાળા, પીળા અને તપખીરીયાં કલરની. સૂરાપૂરા બાપાનું શ્રીફળ ભાંગવા કોઈ દિવસ પથ્થરની જરૂર નથી પડી. જય માતાજી કરી મુખ્ય ઓરડા પર ધડિંગ ધેખાનું બાપુજી મારે એટલે ફોદેફોદા નીકળી જાય. કોઈ વખત શ્રીફળને વધેરવા એક પાણો પણ કામ આવતો. એ ક્યાંથી આવ્યો, ઘરના કોઈને ખબર નહીં. બસ, આવી ગયો અને અમારા ઘરનો કાયમીનો ભેરુ બની ગયો. ઘર છોડ્યું ત્યારે એનેય આજુબાજુ ક્યાંક છોડી આવેલા. શ્રીફળ તૂટે એટલે એક ફાડિયું સેટી પલંગની નીચે અને બીજું ફાડિયું હનુમાનબાપાની પૂંછડી કરતા મોટી એવી ઓસરીમાં.

એ ઓસરી જ અમારું શૈશવ. પછી તો કાવડિયા જાજા આવ્યા, નવા નવા મકાન બનાવ્યા, પણ આવી ભવ્યાતિભવ્ય ઓસરી એકેય મકાનમાં, ક્યાંય થઈ નથી. ઓસરીમાં પ્રવેશો એટલે સામે ગઢવીનું ઘર અને ખુલ્લું આકાશ દેખાય. રોજ આકાશમાં વાદળનો આકાર બદલતો રહે એમ ગઢવીન ઘરના રંગ પણ બદલતા રહે. કોઈ વાર ઠેકડો મારી હું પ્રતીકના ઘેર જાઉં અને મોટાભાગે પ્રતીક ઠેકડો મારી અમારે ઘેર આવે. ઓસરીમાં હું અને પ્રતીક બેટ અને દડો લઈ જમાવીએ. ઓસરીમાં અમે એટલું રમ્યાં કે પાણીયારા બાજુની દિવાલ બોદી કરી નાખેલી. પાણીયારાની બાજુમાં જ બાપુજીનો નાનો એવો ગોખલો. એમાં એ ભણાવીને આવે એટલે એક રૂપિયાવાળી બોલપેન મૂકે. નજીકમાં બુશકોટ ટાંગી લુંગી પહેરે, પાટલુન પણ એની જગ્યાએ મૂકી પાણીયારે રાખેલા માટલામાંથી પાણી પીવે. ગ્લાસ ઊંચો રાખીને જ પાણી ગટગટાવવું એવું એમણે અમને શીખવાડેલું.

બાપુજી ઊભા હોય તેની બરાબર સામે સીંદળીની દોરીથી ભરેલો ખાટલો ઊભો હોય. એ અમારા ઘરની જેમ ક્યારેય નીચે નમ્યો નથી. એને હાથ અડતા ત્યારે સીંદળીની દોરી બાવળના કાંટાની જેમ હાથમાં ખૂંચી જતી. એ ખાટલાની પાછળ ત્રિકમનો હાથો પડ્યો રહેતો. એનાથી હું ક્રિકેટ રમતો. ઘણાં આવ્યા અને ઘણાં ગયા પણ એ હાથાએ મારો સાથ નથી છોડ્યો, નહીં તો મેં એનો સાથ છોડ્યો. જૂનાગઢના માળિયે એ હજુય મારી પ્રતીક્ષા કરતો ખૂણામાં પડ્યો હશે.  

ખાટલાની ઉપર માળિયું. એમાં શું શું પડ્યું રહેતું એનાં સ્મરણનો પણ છેદ ઉડી ગયો છે. એને જ્યારે જોઉં ત્યારે તાલાળાના સીદી બાદશાહના છોકરાના વાળની જેવી જ એની સ્થિતિ હોય. પરસાળ શરૂ થાય એ પહેલા ઓસરીમાં બે મોટા મોટા હવા ઉજાસના ગોખલા. એ અમારા ઘરની આંખો. એણે આ ઘરમાં શું શું થતું એ બધું જોયું છે. પાણીની તંગી રહેતી, આઠ આઠ દિવસે પાણી આવે અને જ્યારે આવે ત્યારે નાનામાં નાનું વાસણ ભરીને એ ગોખલાની પાળ ઉપર રાખીએ. એક ટીપુંય વેડફાવા નહીં દેવાનું, જો વેડફો તો ડંકીએ ભરવા જવાનું. એ બે આંખોના જમણા ખાનાની બાજુમાં ટપાલ રાખવાનો સળિયો પડ્યો રહેતો. જૂનાગઢથી દાદા ટપાલ લખતા, એ ટપાલ પહોંચી જાય એટલે બાપુજી રવિવારે મારી કે નાના પાસે લખાવે. અક્ષર સારા ન થાય તો ટોકે. આ બધી ક્રિયાઓ ઓસરીની બાજુનાં રૂમમાં થતી.

બાપુજીને લખેલી ટપાલો સંઘરી રાખવાનો શોખ. એની ઉપર ધૂળના થર બાજી ગયા હોય, જે બાપુજી ધૂંજારા વખતે ઝાટકે. મન થાય ત્યારે કોક કોક ટપાલ ખોલી કામ બાજુમાં પડતું મૂકી વાંચવા બેસી જાય. એવા તલ્લીન થઈ વાંચતા હોય જાણે પરીક્ષામાં પૂછાવાનું હોય. કામની હોય તો બાજુમાં રાખી દે, બાકી ભીષ્મના શરીરમાં જેમ બાણ પરોવાતા ગયા, એમ ટપાલના એક ચોક્કસ શબ્દને સળિયો વીંધી આરપાર નીકળતો ગયો. આજે સમજણા થયે ખ્યાલ આવે છે કે ઘરના એ ખૂણામાં અમારી સાથે આખેઆખો ભૂતકાળ પણ જીવતો હતો. એમાં કેટલાય ઉઝરડા હતા. દુ:ખની વાતો હતી. એના એક એક શબ્દો તલવારની ધાર જેવા હતા. લખેલું પાછું વાંચીએ તો આરપાર નીકળી જાય છે. નરી વિક્ષુબ્ધતા છવાઈ જાય.

ઓસરીમાં જ બાપુજીની જે હોય તે ટુ વ્હિલ પડી રહેતી. રામદેવપીરના ઓટલે એ આખી ગાડીને નવડાવતા અને પછી જ અંદર લેતા, જો એવું કંઈ ન કરે અને ટાયરમાં ખીરધારથી તાલાલા ગિર સુધીનો ભરીને લાવેલો અધમણ ગારાનો ઘરમાં મંગળ પ્રવેશ કરાવે, તો બા ભરી ભરીને ગાળો કાઢે. એટલે રોજેય ટુ-વ્હિલ ધોવાતી. રામદેવપીરનાં મંદિરને એનુંય તંતોતંત સ્મરણ છે.

એની બાજુમાં અમારો ભણવાનો ઓરડો. બાપુજી શિક્ષક એટલે રવિવારની રજા તો ન જ આપે પણ વેકેશનમાં અગિયાર વાગ્યા સુધી પીદુડી લઈ નાખે એટલું ભણાવે. હું, પ્રતીક અને પીયૂષ પાટી લઈને લાઈનમાં બેસીએ અને પછી એકુદાનથી શરૂ થાય તે પૂરું જ ન થાય. અમારા ત્રણેની આંખો અને મન તો શેરીમાં રમવા માટે ક્યારના ભાગી છૂટ્યા હોય. એ ઓરડામાં ખાલી અમારું શરીર રહ્યું હોય. સામે ખાટલો પડ્યો રહે. એની ઉપર બાપુજીએ બેસવાનું. જ્યારે એ ભણાવે ત્યારે એમની નજીક બેસવા જઈએ તોય ખીજાય જાય. ઘઉંની બે મોટી પેટીયુંય ત્યાં. ઘઉં સાફ કરવાનું અને એરંડિયું લગાડવાનું કામ આ ઓરડામાં જ થાય. મોટા થયા અને બાપુજીને ટાઈમ ન રહે એટલે ટ્યૂશન લેનારા સાહેબો સામેથી આવે અને એ પણ આ ઓરડામાં જ ભણાવવા બેસે. પરીક્ષા નજીક આવે ત્યારે ગોદડું પાથરીને ભણવાનું એ ઓરડામાં જ. કોઈને લાગે કે ભણીએ છીએ એટલે બધા ચોપડા ગોદડાની આજુબાજુ ગોઠવી દઈએ. વિદૂષક પ્રવૃત્તિ!

ડામચીયાની ઉપર અમારા ગોદડા પડ્યા હોય અને ગોદડાની બાજુમાં નાનીયાના વ્યવસ્થિત ગોઠવેલા ચોપડા અને મારા આડેધડ. એની નીચે તેલના ડબ્બા પડ્યા રહે. ડામચીયાની નીચે જ સાઈકલમાં હવા ભરવાનો પમ્પ. પાછું ઉપર માળિયું અને એમાં શું શું હતું એ તો શું કઉં?

એ ઓરડામાં બાળ સાહિત્યના પુસ્તકો વાંચી હું મોટો થયો. એ રૂમમાંથી મને નરસિંહ ટેકરીનું આખું જગત હડિયાપાટી કરતું દેખાતું. ઘરની ડેલીમાં લક્ઝરી નહોતી. એક મોટો ટાંકો હતો જેમાં ઉતરી બાપુજી કલાકો સુધી ઉજળો કરવામાં ટાઈમ કાઢતા. એવુંય બનતું કે આવતીકાલે પાણી આવવાની મનમાં ગ્રંથી બાંધી રાખી, એ પાણી ઠલવી નાખે અને પછી આઠ આઠ દિવસ પાણીનું ટીપું ન હોય. હિરણ નદી સુક્કાઈ ગયેલી ત્યારે નાના એવા ખાબોચિયાંમાં જીવડાને જોઈ ટબમાં ભરી અમે ટાંકામાં એમ સમજી ઠલવેલા કે આ માછલીઓ છે, મોટી થાશે. બાજુમાં સંડાસ-બાથરૂમ અને બા સવારની ત્યાં જ ઠામડા ઉટકવા અને કપડાં ધોવા સહિતના કામમાં પડી રહે. એની ઉપરથી અગાશી જતી. જ્યારે જ્યારે હું અગાશીના પગથિયાં ચડતો ત્યારે ત્યારે ગણતો. એકવીસ પગથિયાં હતા. એકહારે આઠ પગથિયાં ટપી જાઉં એવું મારું શરીર. હું ને પ્રતીક આની શરતો માંડતા અને જીતતો હું. અગાશી ઉપરથી અનુબહેન, રંજનબહેન, બબબહેન, જીવીબહેન, લીલાબહેન, ભક્તિબહેન… આવી બધી બહેનોનાં ઘર દેખાતા. સાથે દેખાતો હિરણ નદીનો પુલ અને હિરણ નદી.

આજે રામદેવપીરના મંદિરના એ જમણી બાજુના દરવાજેથી સ્મરણ કરી અધીરભાવે જોઉં છું, તો ટફીને એક છોકરાએ સળી કરેલી અને તેણે બટકો ભરી લીધેલો, હરદાસભાઈનો દિલપો આવી અમારો વખત ભૂખ્યા અજગરની જેમ ખાઈ જતો, ગઢવી રાતના નગરપાલિકાની લાઈટની નીચે બેસી દુહા લલકારતો, રબારી જેઠી બહેનની અને આ બાજુ જીવી બહેનની છોકરીઓ વાસીંદામાંથી નવરી ન પડતી, જીગાકાકા રીક્ષા લઈ આટા ફેરા મારતા રહેતા અને એની જેમ જ કોલર ચડાવી વીનુમામા પાંચ વાગ્યે ક્યાંક લટાર મારવા નીકળતા, ચેતનભાઈ ગલોફામાં માવો ભરાવી ઘરની પાછળથી આવી ક્યારે ઘરમાં સરકી જતા ખબર ન રહેતી અને કોઈ કોઈ સીદકા શેરીને ગજવી મૂકતા.

અમદાવાદના યાંત્રિક ખટરાગ વચ્ચે છતના સફેદ ચંદરવાને તાકતા મ્લાન ચહેરે આ સ્મરણમાંથી દેવહુમાની જેમ પસાર થાવ છું. હું એ ઘરના મારા ગમતાં ઓરડાના બારણે ઊભો છું. ધીમે ધીમે રજની વ્યાપી ગઈ છે. બાપુજીની અગરબત્તીની સુવાસ મારી ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશે છે. એમનો અવાજ મારા કાને અથડાય છે, ‘હાલો મોટા, સભા બરખાસ્ત….’ ને હું વર્તમાનમાં આવી જાઉં છું. આસપાસ બસ, ધ્વનિ… ધ્વનિ… ધ્વનિ…

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments