Homeતાપણુંદીદી મુખ્યમંત્રી ન હોત તો સાહિત્યકાર કે ચિત્રકાર હોત

દીદી મુખ્યમંત્રી ન હોત તો સાહિત્યકાર કે ચિત્રકાર હોત

Team Chabuk-Special Desk : પહેલા ચાબુકના પોસ્ટરના હેડિંગને સમજી લઈએ. CAAનો વિરોધ થઈ રહ્યો હતો અને અચાનક એક વીડિયો વાઈરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર તે ખૂબ શેર થયો. મંચ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપસ્થિત હતા. તેમની સાથે કેટલાક નેતાઓ પણ હતા. કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી રહ્યા હતા. મમતાએ બોલવાની શરૂઆત કરી… કા-કા-છી-છી અને તેમની પાછળ તેમના મંત્રીઓ પણ સ્લોગનની જેમ બોલવા લાગ્યા. થોડીવારમાં ભીડમાંથી પણ એ શબ્દો ગુંજવા લાગ્યા. એમાં કા-કા નો અર્થ થાય છે CAA-CAA અને છી છી એટલે બેકાર. ગંદુ. ગમે નહીં એવું.

5 જાન્યુઆરી 1955ના રોજ કલકત્તામાં મમતા બેનર્જી, જેને હુલામણા નામ દીદી તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ થયો. ઈતિહાસ વિષય પર સ્નાતક થયેલા છે. જેથી ઈતિહાસ વિષય પર શું બોલવું ? ક્યારે બોલવું ? કયા સમયે બોલવું ? અને ભાજપ ઈતિહાસને લઈ કંઈ ભૂલ કરે છે તો પકડવી એ તેમને બખુબી આવડે છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં છે. દીદીને હરાવવા માટે. એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે. આ સ્થિતિ એક વાત યાદ અપાવી જાય છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ વખતે પ્રધાનમંત્રી બનશે તેવી દૂર દૂર સુધી વાતો નહોતી થઈ રહી. 2012ની ચૂંટણી આવતા ગુજરાતને ગમે તે ભોગે મેળવવા માટે કેન્દ્રના એક એક નેતાઓ મેદાને ઉતરવા લાગ્યા. ગુજરાત કેન્દ્રના કોંગ્રેસી નેતાઓના કારણે દિલ્હીમાં તબ્લિદ થઈ ગયું. સભા તો નરેન્દ્ર મોદી પણ કરતા હતા. એક સભામાં તેમણે કેન્દ્રના નેતાઓની ગુજરાતમાં ઉઠક બેઠક પર પ્રહાર કરતા કહેલું કે, ‘એક મોદીને હટાવવા માટે આખું દિલ્હી ગુજરાતમાં ખડકી દીધું છે.’

આજે આ જ સ્થિતિ બંગાળની છે. મમતા બેનર્જીને હટાવવા માટે કેન્દ્રના કદાવર નેતાઓ ધામા નાખીને બેઠા છે અને મમતા પણ તેમને બરાબરનો જવાબ આપી રહ્યા છે. કોઈ વખત પ્રધાનમંત્રીના નવા બીઅર્ડ લુકની રવીન્દ્રનાથ ટાગોર સાથે તુલના કરી મકરસંક્રાંતિ પહેલા ફિરકી લઈ લે છે. કોઈ કોઈ વખત અમિત શાહને સંભળાવી દે છે કે, તમે જે બિરસા મુંડાની પ્રતિમાને નમન કર્યું એ તો કોઈ બીજાની હતી. આ તો અપમાન કહેવાય. આ શું જાણે આપણી સંસ્કૃતિ.

બે તસવીરો આંખ સામે આવે છે. એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ગુડ લુકિંગમાં માને છે. સારા કપડાં પહેરે છે. યથા રાજા તથા પ્રજા. અરૂણાચલ પ્રદેશમાં જાય તો ત્યાં પણ અલગ કપડાં અને મિઝોરમમાં જાય તો ત્યાં પણ. બીજી બાજુ મમતા બેનર્જી છે. સફેદ વસ્ત્રોમાં અને એક જ ચશ્મા.

હવે તો ફેમિનીઝમની વાતો ખૂબ થવા લાગી છે. મહિલાઓ સોશિયલ મીડિયા પર પણ ખુલીને મહિલા સશક્તિકરણની વાત કરે છે એટલે કોને ખબર હોય ? મમતા બેનર્જી દેશના પ્રથમ મહિલા રેલવે મંત્રી રહી ચૂક્યા છે. બે વખત આ પદને તેમણે શોભાવ્યું છે. કોલસા અને માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી, યુવાનો અને રમત જગત સાથે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2011માં તેમણે પશ્ચિમ બંગાળમાં 34 વર્ષથી સત્તા પર અડીંગો જમાવીને રહેલા વામપંથી મોર્ચાને ઉખાડીને ફેંકી દીધો. મમતા વંટોળમાં વામપંથીઓ ઉડ્યા એ પછી વર્ષ 2012ના ટાઈમ મેગેઝિને તેમને 100 પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું.

એ 70નો દાયકો હતો. શાળાકાળથી દીદી રાજકારણ સાથે જોડાઈ ગયા હતા. વખત જતા તેમને કોંગ્રેસના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા. સચિવ બનાવ્યા ત્યારે તેઓ કોલેજમાં હતા. પણ સચિવ બન્યા કઈ રીતે ? એક કદાવર નેતાને હરાવીને. મમતાના પિતા સ્વતંત્રતા સેનાની હતા જેથી લડવું તેમના લોહીમાં છે. દીદી ખૂબ નાના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું. પિતા ન હોવાથી એમણે દૂધ વેચવાનો ધંધો શરૂ કર્યો. તેમનાથી બે નાના ભાઈ બહેન હતા. તેમને પણ ઉછેરવાના હતા. મમ્મીની મદદ કરવાની હતી. દીદીએ હાલ કલકત્તાને જે રીતે ખભ્ભા પર ઉઠાવ્યું એ રીતે પરિવારને નાની ઉંમરે ઉઠાવી લીધું.

દક્ષિણ કોલકત્તાની જોગમાયા દેવી કોલેજથી દીદીએ ઈતિહાસમાં ઓનર્સની ડિગ્રી લીધી. એ પછી કલકત્તા વિશ્વ વિદ્યાલયથી તેમણે ઈસ્લામિક ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી લીધી. ભણવામાં એ રોકાયા નહીં. કલકત્તાની જ જોગેશ ચંદ્ર ચૌધરી લો કોલેજમાંથી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો.

1970ની સાલમાં જે ચાબુકે પહેલા કહ્યું, તેઓ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા બન્યા. 1976-1980 સુધી તેઓ મહિલા કોંગ્રેસના મહાસચિવ રહ્યા. 1984માં મમતાએ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને જાદવપુર લોકસભા સીટ પરથી હરાવી દીધા. એ પછી તેમને દેશના સૌથી યુવા સાંસદ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું. અને બેનર્જીને તેમની આવડત પ્રમાણેનો હોદ્દો આપ્યો. કોંગ્રેસના મહાસચિવ.

જોકે 1989માં કોંગ્રેસ વિરોધી લહેર હોવાના કારણે તેમને પરાસ્ત થવું પડ્યું. તેમની વિરૂદ્ધ માલિની ભટ્ટાચાર્ય ઊભા હતા. જેમનો વિજય થયો. 1991ની ચૂંટણીમાં કલકત્તાની દક્ષિણ સંસદીય સીટથી જીત મેળવી લીધી. દક્ષિણ કલકત્તાની લોકસભા સીટથી સીપીએમના બિપ્લવ દાસગુપ્તાને પરાજીત કર્યા પછી 1996, 1998, 1999, 2004 અને 2009 અને સતત આ જ સીટ પરથી તેઓ જીત મેળવતા આવ્યા છે.

1991માં પુન:વિજેતા બનતા તેમને નરસિમ્હારાવની સરકારમાં સ્થાન મળ્યું. નરસિમ્હારાવે તેમને રાજ્ય મંત્રી બનાવ્યા. જેમાં તેમણે મહિલા અને બાળવિકાસ સાથે માનવ સંસાધન મંત્રાલય પણ સંભાળ્યું.

તેઓ હંમેશાંથી પરંપરાગત બંગાળની સૂતરની સાડી પહેરે છે. જેને તંત કહેવામાં આવે છે. એ સિવાય એમના ખભા પર સુતરનો થેલો પણ જોવા મળે છે. આજ સુધી તેમને કોઈ શૃંગારિક પ્રસાધનનો ઉપયોગ કરતા નથી જોવામાં આવ્યા. ત્યાં સુધી કે તે હવાઈ ચપ્પલ જ પહેરે છે. તેમનો આ લુક કલાકારનો લુક છે. એ છે પણ ચિત્રકાર. તેની વાત આગળ ઉપર.

1993ની સાલ હતી. મમતા બેનર્જી ખેલ મંત્રી હતા. સરકાર સાથે તેમને વિવાદ થઈ ગયો. મમતા બેનર્જી રમતોની દશા સુધારવા માગતા હતા. માથાકૂટ લાંબી ચાલી અને પછી તેમને એ મંત્રાલયમાંથી અલવિદા કરી દેવામાં આવ્યા. 1996-97નું વર્ષ. તેમણે કોંગ્રેસને પાણી પાણી કરી નાખ્યું. આરોપ લગાવ્યો કે બંગાળમાં કોંગ્રેસ સીપીએમની કઠપૂતળી છે. અને એ પછી કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો. 1 જાન્યુઆરી 1998ના રોજ તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી બનાવી. પાર્ટીના તેઓ અધ્યક્ષ બન્યા. એટલું જ નહીં 1998માં નવનિર્વાચિત પાર્ટીએ લોકસભાની 8 સીટ જીતી લીધી.

અહીં સુધી આવતા આવતા 1999ની સાલ આવી ગઈ હતી. તેમની પાર્ટીએ બીજેપી સાથે ગઠબંધન કરી લીધું. એ બીજેપી જેની તેઓ આજે મંચ પરથી ટીકા કરતા હોય છે. અટલજીનું નેતૃત્વ હતું. 2002ની સાલમાં તેમણે પોતાનું પ્રથમ રેલવે બજેટ રજૂ કર્યું. એ બજેટ વિવાદમાં રહ્યું, કારણ કે મમતાએ બંગાળને કંઈક વધારે જ સુવિધાઓ આપેલી હતી. તેમણે પોતાના પ્રથમ બજેટમાં કહ્યું કે સુવિધાઓથી બાંગ્લાદેશ અને નેપાળને પણ જોડવામાં આવશે.

2000ની સાલમાં જ તેમની સાથે અનહોની બની હતી. તેમણે પોતાના સહાયક અજિત કુમાર પાંજા સાથે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. જોકે પછી કોઈ કારણ વિના તેમણે રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું. ખૂદ સરકાર પણ મમતાના આ કારનામાંથી વિસ્મયમાં પડી ગઈ હતી.

2009ની સાલમાં મમતા બેનર્જીએ ફરી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું. ગઠબંધનના હિસાબે તેમને લોકસભાની 26 સીટો મળી હતી. એમને બીજી વખત રેલવે મંત્રી બનાવવામાં આવ્યા. મમતા બેનર્જીએ જ્યારે વામપંથીઓને સત્તા પરથી હટાવ્યા અને કલકત્તાના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની જગ્યાએ દિનેશ ત્રિવેદીને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા. જોકે એમને પણ દીદીના દબાણના કારણે ખુરસી છોડવી પડી. કદાચ દીદીને એ વખતે રેલવેનો ભારે મોહ હશે.

દીદીના ખભા પર રહેલા થેલાની વાત કરેલી. એમને કવિતા અને પેન્ટિંગ કરવાનો ખૂબ જ શોખ છે. ગૂગલ કરશો તો ખ્યાલ આવી જશે કે આ તો દીદીના બનાવેલા ચિત્રો છે. તેમને ક્રિકેટનો ખૂબ શોખ છે. કલાની બિલકુલ નજીક કહે છે. મમતા બેનર્જી જો મુખ્યમંત્રી ન હોત તો સ્પષ્ટ છે કલકત્તાના હોવાના કારણે સારા સાહિત્યકાર કે ચિત્રકાર હોત. વ્યસ્તતા વચ્ચે તેઓ નવું સર્જન નથી કરી શકતા. અન્યથા દીદી રાજનીતિની જેમ જ પેન્ટિંગનું બ્રશ પણ ફેરવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments