Homeસાહિત્યવાર્તા વિશ્વ : મંગલા રામચંદ્રનની બે લઘુકથા

વાર્તા વિશ્વ : મંગલા રામચંદ્રનની બે લઘુકથા

લેખક – મંગલા રામચંદ્રન
અનુવાદક – Team Chabuk

લાંબી ઉંમર

ડોક્ટર માથુરની નજર તેમના દવાખાનામાં પ્રવેશી રહેલા એ વૃદ્ધ વ્યક્તિ પર પડી. તેમને ખબર પડી ગઈ કે હવે તેમનો ખાસ્સો સમય વૃદ્ધને સમજાવવામાં નીકળી જશે. એ શ્રીમાન રોજ બીજા કે ત્રીજા દિવસે આવીને પોતાની વિશિષ્ટ બિમારીના રોદણા રોતા હતા, ‘શું કઉં ડોક્ટર સાહેબ. રાતે ઠીકથી ઊંઘી પણ નથી શકતો.’

‘કેટલી ઊંઘ લો છો ? મારો અર્થ છે આસરે કેટલા કલાકની ?’ ડોક્ટર માથુરે પૂછ્યું.

‘બે-બે કલાકના અંતરે પાંચ છ કલાકની નીંદર થાય છે. રાતે બે વખત બાથરૂમ જવા ઉઠવું પડે છે.’

‘તમારી ઉંમર પ્રમાણે આટલી ઊંઘ બરાબર છે. આનાથી વધારે શું ઊંઘવું ?’ તેમની ચિંતાને હટાવતા ડોક્ટરે કહ્યું.

‘માણસે રોજ આઠ કલાક ઉંઘવાની જરૂર હોય છે. એટલે જ હું બપોરે પણ ઉંઘ લેવાનો પ્રયત્ન કરું છું.’ વૃદ્ધે પૂરી વાત સામે રાખી દીધી.

‘હવે તમને શું સમસ્યા છે? ઉંઘ તો પૂરી થાય છે ?’ ડોક્ટર થોડા ખીજાઈને બોલ્યા.

‘એક વાત હોય તો બતાઉં ? રાતે જ્યારે ઊંઘ ઉડી જાય છે તો ખરાબ વિચારો આવવા લાગે છે. મને ફલાણો રોગ થઈ જશે તો હું શું કરીશ. હું પડી જઈશ તો અપંગ થઈ જઈશ. પછી આગળની લાંબી જિંદગી કેવી રીતે પસાર થશે ?’ એ સજ્જનના માથામાં પડેલી કરચલીઓ જોઈને ડોક્ટર મનોમન ખીજાવા લાગ્યા.

તંગ થઈને ડોક્ટર બોલ્યા, ‘જો એવું કંઈ થશે તો અમે ડોક્ટર લોકો છીએ. તમારી યોગ્ય રીતે સારવાર કરીશું અને સંભાળ રાખીશું.’ લગભગ દાંત ભીંસીને આ વાત પૂરી કરી. મોઢા ઉપર હાસ્યનું મુખોટુ પહેરીને વ્યસ્ત થવા લાગ્યા કે વૃદ્ધ સજ્જન ત્યાંથી ઉપડે, પણ ક્યાં ?

‘આમ તો ડોક્ટર સાહેબ. આટલા વર્ષોમાં ન તો મારું માથું કોઈ દિવસ દુખ્યું છે. ન તો કોઈ બીજી તકલીફ. એટલો નિયમિત અને બરાબર રહું છું ને છતાં ડાયાબિટીસની બીમારી કેમ થઈ ગઈ ખબર જ ન પડી. કદાચ મારા નસીબને એ જ જોઈતું હતું કે મારા જીવનમાં કડવાશ ઉમેરી દે.’

ડોક્ટર માથુરની જીભની ટોચ ઉપર કડવાશ બેઠી હતી, પણ શિષ્ટતાને કારણે તેઓ ખૂદને રોકી લેતા હતા. છતાં બોલ્યા વીના ન રહી શક્યા, ‘તમે જાણો છો ભારતમાં સામાન્ય માણસ ‘લાઈફ સ્પેન’ એટલે કે કેટલી ઉંમર સુધી જીવી શકે છે? એ હિસાબે તો તમે પંદર વીસ વર્ષ બોનસ જીવી ચૂક્યા છો.’

ડોક્ટર માથુર આનાથી આગળ ચર્ચા કરવા નહોતા માગતા. ત્યાં જ પોતાના માતા પિતાની સાથે એક દસ-બાર વર્ષની છોકરી આવી. તેના માથા પર વાળ હતા જ નહીં. ગળા પર લાલ કલરના ચાઠા હતા. ડોક્ટરે તેના ગાલ હળવેકથી થપથપાવ્યા.

બાળકીએ ડોક્ટરના કાનમાં કંઈક કહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને કાન પાસે આવી ધીમેથી ગણગણી. તેના પિતા અશ્રુ ભરેલી આંખો સાથે બોલ્યા, ‘ત્રણ ચાર દિવસથી કહી રહી છે કે ડોક્ટર અંકલ પાસે લઈ જાવ. તેમને કંઈક કહેવું છે.’

ડોક્ટર માથુરની પણ આંખો ભરાઈ આવી. બાળકીની બંને હથેળીઓનો સ્પર્શ પોતાના માથાના ભાગે કરાવતા બોલ્યા, ‘તમારી દીકરીની વાત સાંભળીને તમને પણ ગર્વ થશે. આટલી નાની ઉંમરમાં બ્લડ કેન્સર જેવી બીમારી અને સામે ઊભેલા મોતથી ડરી નથી રહી. કહે છે, હું મારી આંખો અને કિડની દાન કરવા માગુ છું.’ એ વૃદ્ધ સજ્જન તરફ ડોક્ટરે માથું ઘુમાવ્યું. એમની આંખો નમી ગઈ.

રેગિંગનો ભય

બસમાં એ ત્રણે છોકરાઓ આધેડ વયના વ્યક્તિ સાથે પ્રેમ અને આદરપૂર્વક વાતો કરી રહ્યા હતા. એ સજ્જન ખુશી ખુશી પોતાના અનુભવોને વહેંચી રહ્યા હતા. પોતાના માતા પિતા અને વડીલોની વાતોને બે મિનિટ પણ સમય ન આપનારા આજના વિશ્વમાં મને એ દૃશ્ય લોભાવી રહ્યું હતું.

ત્યાં એક સ્ટોપ પરથી મારા એક પરિચિત બસમાં ચડ્યા અને મારી નવી નવી વાર્તાની પ્રશંસા કરવા લાગ્યા. હું તો સંકોચની મારી પ્રયત્ન કરી રહી હતી કે વાત ત્યાં જ આટોપાઈ જાય. ત્યાં એ ત્રણમાંથી એક છોકરાએ પૂછ્યું, ‘આન્ટી તમે વાર્તાઓ લખો છો.’

મારા જવાબ દેતા પહેલા જ એ સજ્જન બોલી ઉઠ્યા, ‘અરે, આમને નથી ઓળખતા, આ…’

ત્યાં બીજા છોકરાએ કહ્યું, ‘આન્ટી, અમે તમને વાર્તા લેખન વિશે કંઈક પૂછવા માગીએ છીએ.’

મેં પણ સહજતાથી કહી દીધું, ‘હા, હા, ચોક્કસથી પૂછો.’

ત્યાં એ આધેડ વ્યક્તિ પોતાના સ્ટોપ આવવા પર બસમાંથી ઉતરી ગયા. ત્રણે છોકરાઓ જોરજોરથી હસવા માંડ્યા, ‘યાર આજે પણ સારો ટાઈમ પાસ થઈ રહ્યો હતો અને એ ગલઢો પણ ખુશ.’ એક બોલ્યો.

બીજાએ કહ્યું, ‘અરે યાર આ ઘરડાવની ઉંમર થાયને એટલે ભેજુ બરાબર કામ ન કરે. સેન્ટિમેન્ટલ થઈ જાય.’

ત્રીજો જોરથી હસતા બોલ્યો, ‘અને કોઈ કોઈ વાર મેન્ટલ.’

એ પછી જ્યાં સુધી મારું સ્ટોપ ન આવ્યું હું બારીની બહાર જોતી રહી. દરેક ક્ષણે મને મારી રેગિંગનો ભય સતાવી રહ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments