Team Chabuk-Editor View: સભાન બનીએ. મહેનતના મીડાસ ટચથી સુવર્ણમાં ફેરવાયેલ એ વસ્તુને અડકવા જઈએ અને ત્યાં તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું હોય. આપણી સાથે આવું જ થાય છે. આપણા કરતા દર બીજી વ્યક્તિની ચાહના આપણા કરતા વધારે હોય છે. એ બીજા પાસે ચાલ્યું જાય તો તો ફક્ત ઈર્ષ્યાની ટનલમાં ભેંકડા તાણીએ, મુઠ્ઠીઓ ભીંસી છાતી પર પ્રહાર કરીએ, પણ એ સાવ ચાલ્યું ગયું હોય તો હ્રદયને સાંત્વના કેવી રીતે આપીએ? હું મન્નુ ભંડારીની વાત કરું છું. હવે તેઓ આપણી વચ્ચે નથી. સમાચાર તો ન બન્યા પણ એક નાનો સરીખો શ્રદ્ધાંજલિનો લેખ તો થઈ જ શકે છે. જેમાં મન્નુ ભંડારીની સર્જક તરીકેની કલમ અને હિંમત છલકાતી હોય.
સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં હિન્દી પટ્ટી સિવાય ક્યાંય કોઈએ ચર્ચા ન કરી. શરીફાબહેન વીજળીવાળા સિવાય કોઈની પોસ્ટમાં મન્નુ ભંડારીનો ઉલ્લેખ ન વાંચી અંતરમનમાં એક મુંગી ચીસ પડાઈ ગઈ. આપણા સાહિત્યના નવોદિતો કેટલા નિરક્ષર છે. એમના કરતા પત્રકારોની સજાગતા અને તેમની સમાચાર પારખવાની ક્ષમતા પર ગાડા જેટલો વસવસો થાય છે. જોકે મન્નુ ભંડારીના સમાચાર ઓનલાઈન આવક રળી ન આપે તે વાસ્તવિકતા છે.
સોશિયલ મીડિયામાં બાકીનાઓને તો બીજી બધી ચર્ચાઓના અનહદ ઘુંટડા પીવા છે પણ મન્નુ ભંડારીનું એક વિધાન નથી મૂકવું. શાયદ એવું બની શકે કે ઈંડાની લારીમાં વ્યસ્ત એવા આપણા કથિત યુવાજનો મન્નુ ભંડારીને સમય ન આપી શક્યા. સારું જ થયું, નહીં તો એમના સમયનો વ્યય એ શોધવામાં પસાર થાત કે મન્નુ ભંડારીએ ઈંડા વિશે કંઈ કહ્યું કે નહીં?
3 એપ્રિલ 1939ના રોજ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના ભાનપુર નામક ગામમાં તેમનો જન્મ થયો. બાળપણનું નામ મહેન્દ્ર કુમારી હતું. લેખિકા બનવા તેમણે મન્નુ ઉપનામ અપનાવ્યું. એમ.એનો અભ્યાસ કર્યો. દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજમાં પ્રોફેસર રહ્યા. તેમણે કોઈ રસિક સાહિત્યજનની સાથે ઘનિષ્ઠ મિત્રતા નથી કેળવી. એવોર્ડ માટે તો બિલકુલ નહીં! તેમનું કામ લખવું હતું અને તેઓ અહનિર્શ લખતા રહ્યા.
આજની કૃતિઓમાં થીમની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. મન્નુ ભંડારીની થીમ આપણું મગજ ખોલીને રાખી દે છે. રાજેન્દ્ર યાદવની સાથે મળીને લખેલી નવલકથા એક ઈંચ મુસ્કાનમાં તેઓ આધુનિક પસંદ લોકોની દુ:ખભરી પ્રેમગાથા આપણી સમક્ષ રાખે છે. તેઓ વાચકોના માનીતા બન્યા, કારણ કે તેમના લેખનમાં એક સ્પષ્ટ શૈલી છે. સરળતા છે. આત્મિયતા છે. જીવનની કોઈ સ્પન્દિત ક્ષણને પકડવાની વિશેષતા છે. આવી જ કેટલીક વાતોએ તેમને વિવેચકોના મનપસંદ લેખિકા બનાવ્યા. માત્ર વિવેચકો કહેવાથી નહીં ચાલે. વાચકોના પણ રાખવા પડશે.
રાજેન્દ્ર યાદવનો ઉક્ત ઉલ્લેખ આવ્યો. હિન્દીના આ લેખક અને સંપાદકની સાથે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. દાયકાઓ સુધી સાથે રહ્યા બાદ વિખૂટા પડ્યા. ભંડારીએ પોતાના વિવાહના ઝુરાપાને સંલગ્ન એક નવલકથા પણ લખી. વિવાહનું કેન્દ્રબિંદુ એક બાળક હતું. નવલકથાનું શીર્ષક આપકા બંટી. આ નવલકથાએ તેમને સાહિત્યમાં પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ બંને અપાવી. અત્યાર સુધી સાહિત્યકારો અને ફેમિનિસ્ટો દ્વારા સ્ત્રીની વેદનાને ઝીલવાની ભરપૂર કોશિશ થઈ હતી. પણ અહીં ભંડારી બે વસ્તુ લઈ આવે છે. એક સ્ત્રી પોતે અને બીજું બાળક. હિન્દીમાં એક શબ્દ છે मील का पत्थर. આપકા બંટી નવલકથા એ मील का पत्थर છે.
1970માં આપકા બંટી લખાઈ. 1986માં આપકા બંટી પરથી સમય કી ધારા નામની ફિલ્મ બની. દિગ્દર્શક અને પટકથાકારે ઘરની ધોરાજી ચલાવતા ભરપૂર છૂટછાટ લીધી. મન્નુજીએ આ અંગે અદાલતમાં કેસ કર્યો હતો. મન્નુ ભંડારીનું કહેવું હતું કે, આપકા બંટી જેમાં શત્રુઘ્ન સિન્હા, શબાના આઝમી અને વિનોદ મેહરા છે તેને ખોટી રીતે પ્રસ્તૂત કરવામાં આવી છે. આ ફિલ્મના અંતમાં બન્ટીની મૃત્યુ દર્શાવવામાં આવી હતી જ્યારે નવલકથામાં એવું કંઈ હતું જ નહીં. નવલકથા પરથી ફિલ્મ બનાવવાના નામે દિગદર્શકો અને પટકથાકારો જોઈએ એવી છૂટ લઈ લે છે. નવલકથા વાંચનાર સારામાં સારો ભાવક અને બાદમાં ફિલ્મ જોનાર છેલ્લે એ નિષ્કર્ષ પર આવી જાય છે કે આ તો જાણે પારકી સ્ત્રીની સાથે ગમે તેમ છૂટ લઈ રહ્યો છે!
એક વાચકને પૂરેપૂરો હક હોય છે કે તેણે જે કૃતિનું પઠન કર્યું અને તેના મગજમાં જે ઘુમી રહ્યું છે, અદ્દલ તેવું તો નહીં પણ તેની નજીકનું દર્શાવવાનો દિગ્દર્શક પ્રયાસ કરે. આવો કોઈ પ્રયાસ નથી કરતું. મન્નુ ભંડારી લડ્યા તે બરાબર કર્યું. અંતે આપણે લેખક છીએ. લેખક છે તો બધું છે. સર્જકોએ મન્નુ ભંડારીની હિંમતને દાદ આપવી અને કંઈક બોધપાઠ લેવો. અલવિદા મેમ સાહબ.
તાજેતાજો ઘાણવો
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
- દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !