Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન કરી માત્ર એક જ સીટમાં પલોઠી વાળી બેસી ગયેલ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ (Mayawati) પરિણામ આવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણીમાં મળેલા જડબાતોડ પરાજય બાદ માયાવતીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં મુસ્લિમોથી ભારે ભૂલ થઈ છે, કારણ કે તેમણે ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીને વોટ આપી દીધો અને તેની સજા બસપાને મળી. ઠીક એ રીતે જ વિભિન્ન સમાજના કાસ્ટનો મતદાતા ભાજપ તરફ એ માટે શિફ્ટ થઈ ગયો, કારણ કે સમાજવાદી પાર્ટીની સરકાર પુન: ન આવે અને ફરી પ્રદેશમાં જંગલરાજ કાયમ ન થાય.
માયાવતીએ (Mayawati) પોતાની પાર્ટીની પ્રશંસા કરતા કહ્યું કે, આ તમામે સમજવાની જરૂર હતી કે ભાજપની સરકારને સત્તામાં આવતા કોઈ રોકી શકતું હોય તો તે બસપા જ છે. માયાવતીએ લખનઉમાં કહ્યું કે અપર કાસ્ટ અને ઓબીસીમાં પણ આ ડર હતો કે સમાજવાદી પાર્ટીના સત્તામાં આવતા જ સમગ્ર રીતે અવ્યવસ્થાનું શાસન થઈ જશે. જંગલરાજ થઈ જશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ જે બસપા પર ભરોસો કરે છે, આ વખતે તેમનાથી ભૂલ થઈ. બસપાથી પણ ભૂલ થઈ. બસપા આગામી સમયમાં પોતાની રણનીતિમાં પરિવર્તન લાવશે.
માયાવતીએ કહ્યું હતું કે બસપાને જો મુસ્લિમ અને દલિત વોટ પ્રાપ્ત થઈ જાય છે તો ભાજપની હાર નક્કી છે. સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટીની વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો. માયાવતીએ કહ્યું કે સૌથી મહત્વની એ વાત છે કે સમાજનો દલિત વર્ગ મારી સાથે મજબૂતીથી પહાડની માફક ઊભો રહ્યો, જ્યારે દલિતોનો બીજો એક વર્ગ બીજી તરફ શિફ્ટ થઈ ગયો. તેમણે પોતાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે મનોબળ ગબડવા દેવાનું નથી, સફળતા એક વખત જખ મારીને પણ આપણા પગ ચૂમશે.
માયાવતીએ વર્ષ 1977નું કોંગ્રેસનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે એ સત્તામાંથી બહાર થઈ ગઈ હતી, પણ કોંગ્રેસે ફરી સત્તામાં પુનરાગમન કર્યું. એ રીતે બસપા પણ સત્તામાં ફરી આવશે. જનાધારને વધારવાનું કામ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ