Homeસિનેમાવાદમિન્નલ મુરલી: મલયાલમ સિનેમાએ ભારતનો સૌથી બેસ્ટ સુપરહીરો બનાવ્યો છે

મિન્નલ મુરલી: મલયાલમ સિનેમાએ ભારતનો સૌથી બેસ્ટ સુપરહીરો બનાવ્યો છે

ઝાલાવાડી જલજીરા: સુપરહીરો ફિલ્મ બનાવવામાં ભારતનો ટ્રેક રેકોર્ડ અત્યંત ખરાબ છે. ભવ્યાતિભવ્ય ભંગાર ભૂતકાળના ભોંયરામાં ‘ઝાલાવાડી જ્હોન્સ’ બની પ્રવેશીએ તો મળી આવે છે અરેબિયન નાઈટ્સની કથાઓમાંથી ઉઠાવેલી અજુબા નામની ફિલ્મ. શહેનશાહ નામનો રાતના બેટમેન બની ઘુમતો નગર સેવક. દ્રોણા નામેરી ગોલ્ડી બહેલનું ખૂબ જ ભયજનક ચિત્રપટ. ક્રિશ અને ક્રિશ-3 એ વિઝ્યુઅલ અને સુપરહીરોની ટ્રીટમેન્ટની દૃષ્ટીએ આપણને થોડા આગળ લઈ જાય છે. પણ સાચેક જ્યારે વાત આવે સુપરહીરોની તો આપણે શક્તિમાન બોલી, 90’Sને યાદ કરી, નોસ્ટાલ્જીયા ફિલ કરી લઈએ છીએ. જ્યાં જૂનિયર G પણ છે, આર્યમાન પણ છે અને કેપ્ટન વ્યોમ પણ છે. એ બધા ગમે છે, કારણ કે હોલિવુડ સાથે આપણો પનારો હજુ સુધી પડ્યો નથી.

સમય જતા ભારતની સુપરહીરો ફિલ્મ થોડો વળાંક લે છે. મળે છે ભાવેશ જોશી. કરાટે જાણે છે. મિત્રની મોતનો પ્રતિશોધ લે છે. કોસ્ચ્યુમ જન્નાટેદાર છે. બાઈક પણ દિવાળીની લાઈટની જેમ ઝળહળે છે. દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવાણી છે. પાણી માટે યુદ્ધ કરતો પાણીદાર સુપરહીરો! આ ફિલ્મ વિશ્વાસ અપાવે છે કે સામાન્ય માણસમાં પણ સુપરહીરો બનવાનું કૌવત પડેલું છે. મર્દ કો દર્દ નહીં હોતા નામની બીજી એક સુપરહીરો ફિલ્મ આવે છે. જેમાં સુપરહીરો કરતા અન્ય તત્વો ઠાંસી ઠાંસીને ભર્યાં છે. એ રોમેન્ટિક છે, પ્રેમભાવના ધરાવે છે, મદદ કરે છે અને એવું બધું. આ ફકરામાં જે બંને સુપરહીરો વિશે લખ્યું તે સુપરહીરોના કબાટમાં રાખવા ગમે છે. હવે મલયાલમ ફિલ્મ ઉદ્યોગે સુપરહીરો બનાવ્યો છે. ભારતનો બેસ્ટ સુપરહીરો.

ફ્રિ પ્રેસ જર્નલ લખે છે: ‘India finally gets a cool and original superhero movie with splendid acting by Tovino Thomas and Guru Somasundaram.’ ઈન્ડિયન એક્સપ્રેસ લખે છે : ‘The best superhero movie of the year could teach Marvel how to solve its villain problem.’

મિન્નલ મુરલી ફિલ્મ ભારતની અત્યાર સુધીની બેસ્ટ સુપરહીરો ફિલ્મ છે. તોપણ એ ન ભૂલવું જોઈએ કે ટૂંકી વાર્તા જેમ યુરોપમાંથી આવી એમ સુપરહીરો અમેરિકામાંથી આવ્યા છે. આ ફિલ્મ દરેક રીતે અમેરિકન્સનો ભુક્કો બોલાવે છે. અભિનેતા ટોવિનો થોમસને પહેરાવવામાં આવેલા ટીશર્ટમાં અમેરિકન્સ કંપનીઓની ઠેકડી ઉડાવવામાં આવી છે. એક વખત નહીં કુલ પાંચ પાંચ વખત. સુપરહીરો તાકાત કોઈ એવા વ્યક્તિને નથી મળી જેને તેની આવશ્યકતા છે. એ કમજોર પણ નથી. કોઈ એવા વિલનને નથી મળી રહી જેનો મનસૂબો સૃષ્ટીનો સત્યાનાશ કરવાનો છે. સાવ કોમન મેનને મળે છે. આખરે ભારત એ કોમન મેનનો દેશ છે યાર.

દિગ્દર્શક બસીલ જોસેફે પૂરતું ધ્યાન રાખ્યું છે કે સુપરહીરો ફિલ્મમાં વારંવાર સુપરહીરોપણું છવાઈ ન જાય. નહીં તો દક્ષિણની ફિલ્મો તેની એન્ટ્રીથી વખાણાય પણ છે અને વગોવાય પણ છે. એક સામાન્ય એન્ટ્રી સાથે સામાન્ય પાત્ર પડદા પર ઉતરે છે. તેની પાસે સાઈકલ છે. અમેરિકામાં જઈ સ્ટાર બનવાનું તેનું સ્વપ્ન છે. પોલીસની છોકરીના પ્રેમમાં પાગલ છે, પણ કંઈ ભેગું થતું નથી. ફિલ્મ મિન્નલ મુરલીના પ્રોટોગોનિસ્ટ જેસનની એ બધી સમસ્યાઓ છે જે આપણી છે.

ગઈકાલે જેના વિશે લખ્યું એ કુરુપ તો 80ના દાયકામાં લઈ જાય એ સમજ્યા, કારણ કે એ સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. પણ મિન્નલ મુરલી આપણને 90sમાં લઈ જાય છે. આ હીરો તો મલયાલમનો છે પણ તેને આમિર ખાન, સલમાન ખાન, અનિલ કપૂર વગેરે વગેરે ગમે છે. શા માટે ગમે છે? કારણ કે તેનો લૂક એવો છે.

દિગ્દર્શક માટે તાળીઓ થઈ જાય. તેણે જેટલું વજન હીરોને ઘડવામાં આપ્યું છે એટલું જ વિલનને ઘડવામાં આપ્યું છે. ત્રાજવું સમતોલ રહ્યું છે. એવી કઈ વસ્તુ વિલનને વિલન બનાવે છે? સમાજનો શત્રુ બનાવે છે? વેર લેવાની વૃતિનું આરોપણ કરે છે? તે હોલિવુડની માર્વેલ અને ડિસીની તમામ સુપરહીરો ફિલ્મ કરતા મિન્નલ મુરલીમાં તમને સ્પષ્ટ દેખાશે. જેમ જશોદાને કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડ દેખાયું હતું.

વિલનને એક ડાઈલોગથી દિગ્દર્શકે ખતરનાક ચિતર્યો છે. સાંભળો : ‘જ્યારે એની પ્રિય વસ્તુ ખોવાઈ જાય છે ત્યારે એ પાગલ બની જાય છે. એ નાનો હતો ત્યારે તેના કોઈ મિત્રને આખલાએ અડફેટે લઈ મારી નાખ્યો હતો. પછી એણે આખલાને જ સળગાવી દીધો.’ દર્શકમિત્રો આને ભયરસ ઉત્પન્ન કર્યો કહેવાય. ફિલ્મમાં તમને વિજ્ઞાનનું શાર્પ ડિટેલિંગ જોવા મળશે. વીજળી લાલ રંગને આકર્ષે, જ્યારે વીજળી પડે છે ત્યારે બે લોકોએ લાલ કપડાં પહેર્યાં છે.

સુપરહીરો તો શહેરમાં હોય, તેવી કિવદંતીનું પણ મિન્નલ મુરલી ભાંગીને ભુક્કો બોલાવે છે. અહીં તો એક ગામડું છે. કેરળની સુંદરતા આંખોને જોવી આટલી ગમતી હોય તો તેનું ગામડાનું લોકેશન તો ગમવાનું જ છે. એક અન્ય વાત, લુંગી પહેરતા આ સુપરહીરોનું માસ્ક એ કોરોના સામે રક્ષણ આપતા માસ્ક જેવું છે. એટલે જો તમારે મિન્નલ મુરલી લુકમાં આવવું હોય તો ખાલી એક જ કામ કરવાનું છે. કોરોના સામે રક્ષણ આપતું એક માસ્ક પહેરવાનું છે, કારણ કે કોરોનાદૈત્ય ગયો નથી. ચાલો મળીએ પછી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments