Team Chabuk : એક મીલ છે. મીલમાં શ્યામજી નામનો ચોકીદાર કામ કરે. એ જ મીલમાં ઘનશ્યામ નામનો ચોકીદાર પણ કામ કરે. શ્યામજી મીલના મુખ્ય દરવાજા પર ચોકીદારી કરે અને ઘનશ્યામજી મીલના પાછળના ભાગમાં ચોકીદારે કરે. હવે ન થવાનું થઈ ગયું છે. વર્ષોથી આગળના દરવાજે ફરજ બજાવતા શ્યામજીને ઘનશ્યામજીની જગ્યાએ અને ઘનશ્યામજીને શ્યામજીની જગ્યાએ મોકલી દીધા છે. એકને થાય છે કે મારી સાથે કેમ આવું કર્યું ? બીજો કહે છે કે મારી સાથે કેમ આવું કર્યું ? બેઉં શીંગોડા લઈ બાકડા પર સામ સામે બેઠા હોય છે. બંને વચ્ચે જરા પણ દુશ્મનાવટ નથી. એકબીજાને સામસામે શીંગોડા ખાતા જોઈ નજીક આવે છે. અને બંને સાથે આવું શેઠજીએ કેમ કર્યું તેના સમીકરણો જોડવા માગે છે. અંતમાં બંને વચ્ચે રાજીખુશીથી આખી વાત પૂર્ણ થાય છે.
લેખક મોહન પરમાર પ્રિય વાર્તાકાર છે. તેમની વાર્તાઓ વિશે લખવું એ ચાબુક જેવાનું તો શું ગજુ ? છતાં તેમનાથી જ ઉપાડીએ છીએ. મોહનભાઈ દલિત વાર્તા ક્ષેત્રે ખૂબ મોટું નામ. સાહિત્યમાં વાર્તાઓના કારણે તેઓ ગુજરાતનું જાણીતું અને માનીતું નામ બન્યા છે. તેમની વાર્તાઓની પૃષ્ઠભૂમિ ઉત્તર ગુજરાતમાં હોય છે. એ બોલીના અને ઘટનાના વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં કોઈ ઘટના વિશેનું વર્ણન લાંબુ ચાલે છે અને પછી વચ્ચે ઉત્તર ગુજરાતની બોલીનો સંવાદ ઉમેરાય છે. દરેક વાર્તામાં આવું થતું નથી. શ્યામજી અને ઘનશ્યામજી એ મોહન પરમારની પણ પ્રિય વાર્તા છે. લેખકને આ વાર્તા ગમે છે એટલે જ તેની વાત ઉઘાડી કરવાનું વિચાર્યું.
હવે તમે કહેશો કે આ ચાબુકવાળાવને એવી તે કેવી રીતે ખબર પડી ગઈ કે મોહન પરમારની ગમતી વાર્તાનું નામ શ્યામજી-ઘનશ્યામજી છે. વાત એવી છે કે ગુજરાતી સાહિત્ય અકદામી દ્વારા કથાભવન શ્રેણી : પુસ્તક 8માં મોહન પરમારની વાર્તાઓ ગ્રંથસ્થ કરવામાં આવી છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે લેખકે પોતે જ 100 પાના થાય એટલી વાર્તાઓ સામેથી સંપાદિત્ત કરીને આપવાની. જેથી મોહન પરમારને ગમતી વાર્તાઓમાં શ્યામજી અને ઘનશ્યામજીનો સમાવેશ થાય છે. કથાભવન શ્રેણી પુસ્તકની તેરમી અને છેલ્લી વાર્તા છે. આ વાર્તા 2016ના હણહણાટી સંગ્રહમાં છપાઈ હતી.
આ વાર્તાના પાત્રો પર પહેલા નજર નાખીએ. શરૂઆતમાં શીંગોડા વેચવાવાળી એક બહેન છે. જે થોડા સમય પૂરતી આવે છે. એ શીંગોડાવાળી બહેનનું પાત્ર દુ:ખમાં પણ ઉપસ્થિત છે અને સુખમાં પણ. શ્યામજી અને ઘનશ્યામજી સિવાયના બે ચોકીદાર છે. કાનજી અને રણછોડજી. હવે લેખકે અહીં જેટલા પણ ચોકીદાર પસંદ કર્યા છે બધાના નામ ભગવાન કૃષ્ણ પરથી છે. શ્યામજીની પત્નીનું નામ કાન્તા અને ઘનશ્યામજીની પત્નીનું નામ પાર્વતી. શેઠ છે પણ તે વાર્તામાં કોઈ જગ્યાએ ડોકાતા નથી. એ માત્ર શ્યામજી અને ઘનશ્યામજીના સંવાદોમાં; ડાળખી પવનની લહેરખી આવે અને હલબલે પણ પવન ન દેખાય તેવી રીતે દેખાય છે.
વાર્તાનો મૂળ મુદ્દો આત્મવિશ્વાસના વિલોપનનો છે. કામઢા શ્યામજીને આગલા ડેલેથી કાઢી પાછળના ડેલે મૂકવાનું શેઠજી નક્કી કરે છે તો તેને અંદરથી સંશય થાય છે કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ કે શું ? સામેની બાજુ ઘનશ્યામજીને પાછળના ‘આળસુ’ ડેલેથી આગળના કામઢા ડેલે મૂકવાની વાત થાય છે તો તેના મગજની આજુબાજુ ચકલા ઉડવા માંડે છે. એ વારેઘડીએ બોલે છે કે, ‘શેઠને મારા પર આટલો બધો વિશ્વાસ કેમ આવી ગયો ?’ આ વાતનો બંનેને અજંપો ઘેરી વળે છે.
પત્નીને તો પતિદેવોના મૂંગામંતર થવાની ખબર તુરંત પડી જાય. આ વાતની જાણ પાર્વતી અને કાન્તાને પડી જાય છે. એ બંનેને થીએટરમાં લઈ જાય છે પણ ત્યાં પ્રેમનું દૃશ્ય આવવા છતાં બેઉંના શરીરનું રૂંવાડુ સુદ્ધા ફરકતું નથી. એક પુરુષ જ્યાં કામ કરતો હોય ત્યાં તેના ઉપરી દ્વારા નાની એવી હડબડી મચાવવામાં આવે, તો પણ પુરુષના મનમાં કેવો ફફડાટ વ્યાપી જાય તે વાતનું લેખકે આ વાર્તામાં નિરૂપણ કર્યું છે.
એક જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે મળે ત્યારે કંપનીની વાતો મચ્છર કરડતા નખથી ચામડી ઉખેડીએ એમ ઉખેડતા હોય. ‘એને કેમ આમ….? મને કેમ આમ નહીં…?’ શ્યામજી અને ઘનશ્યામજી પણ આવા જ છે. મોટાભાગે કશું ન થયું હોવા છતાં વાતનું વતેસર કરતા લોકોની વાત છે. અમથી અમથી વાતો થકી વ્યથાનો મધપુડો બનાવી, મગજના ગર્ભમાંથી ઝેરી માખીઓ પેદા કરી ડંખ લેનારા બે પાત્રોની વાત છે.
તફાવતનું વર્ણન કેવું કર્યું છે ? બે માણસને એક સરખી સમસ્યા છે. એકને આગળના દરવાજામાં મૂક્યો તો કે શેઠે મારા પર આટલો ભરોસો કરી દીધો એની અર્થાત્ પ્રમોશનની અને બીજાને પાછલા દરવાજામાં એટલે કે નીચલા પાયદાન પર મૂક્યો તેની. પગાર ધોરણમાં કોઈ પ્રકારનો ફર્ક લેખકે દર્શાવ્યો નથી. એટલે કે એટલા જ પગારમાં ખાલી જગ્યાઓ બદલી ગઈ છે. તફાવત એ છે કે ઘરે ગયા પછી શ્યામજીને કકડીને ભૂખ લાગી છે અને ઘનશ્યામજીને ભૂખ નથી લાગી. વાત તો જવાબદારીની પણ છે. અચાનક વધારે જવાબદારી આવી જતા વ્યક્તિની શાન કેવી ઠેકાણે આવી જાય તેની વાત છે. લેખક એક પણ શબ્દનો ઉપયોગ કર્યા વિના વાચકને કહે છે કે, દરેક કામ મન લગાવીને કરો. નહીં તો ઘનશ્યામજી જેવી સ્થિતિ થશે. આજે દેશમાં ઘનશ્યામજીઓ વધારે છે. શ્યામજી પણ કંઈ ઓછા નથી. જેમને આવડતું હોવા છતાં કામ ધ્યાનથી કરતા નથી.
મોહન પરમાર વાર્તામાં એ પણ દર્શાવે છે કે પત્નીઓને વાતની ખબર પડી જાય તો વાત સીધી ગામના પાદરે પહોંચી જાય. અનુક્રમે શ્યામજી અને ઘનશ્યામજીની વાતોની ભનક પણ તેમની પત્નીઓને લાગી જાય છે. ને પછી સ્વાર્થવૃતિનો પરપોટો ફુલે છે.
ઘનશ્યામજીના પરિવારના લોકો શું કહે છે એ પહેલા જાણીએ.
‘‘પહેલાં પાછલા દરવાજે હતા તાણઅ તમારો અત્તોપતો ન’તો. હવઅ આગલા ગરવાજે તો ટચીનઅ બેહવું પડસીં, અમે તો પાટણ લોકલમાં ઉતરીનઅ સીધા જ તમારી મીલમાં..’’ ખાલી દરવાજો બદલ્યો તો સંબંધીઓ કૂતરાના કાનની જેમ ઊંચા થઈ ગયા. એમને તો એક પૈસો પણ નથી મળવાનો છતાંયે!
હવે આ બાજુ શ્યામજીના સંબંધીઓને જુઓ.
‘‘હારું થ્યું કઅ તમનઅ આગલા દરવાજેથી પાછલા દરવાજે મૂક્યા. હવઅ તો નવરા જ નવરા. આંણ તો ટે’મ જ મળતો નથી ઈમ કહીનઅ બા’ના કાઢતા’તા. હવઅ ચ્યાં જવાના?’’
જોયું બધા પોતપોતાનો ફાયદો શોધી લે છે. લેખકે લખેલા ઉપરના બંને સંવાદો પરથી ખબર પડી જ જાય કે પ્રથમ દરવાજે જવાબદારી વધારે છે. બીજા દરવાજે એવું કંઈ નથી. ખુરશી પર નમાવીને ટાંટીયા લાંબા કરીને બેસવાનું છે. નવરાશ જ રહેવાની છે. શ્યામને લાગે છે કે શેઠજીના મતે હું કામનો નથી રહ્યો. ઘનશ્યામને લાગે છે કે શેઠે મારામાં શું એવો દાણો જોઈ લીધો.
આ બંનેને વિટંબણામાંથી કાઢવાનું કામ તેમના જ બે ચોકીદાર કાનજી અને રણછોડજી કરે છે. વાર્તા ખાલી એટલું જ કહેવા માગે છે કે કામ તમને ગમે તે સોંપે એ વફાદારીપૂર્વક કરો. આત્મવિશ્વાસથી કરો. બીજી વાત ઈશ્વરની આવે છે. મૂંઝાયેલા શ્યામજી અને ઘનશ્યામજી માટે કાનજી અને રણછોડજી તો ઈશ્વર થઈને જ આવ્યા ને ? આપણા જીવનમાં પણ આવા કાનજી અને રણછોડજી હોય છે. ફર્ક ખાલી એટલો કે આપણે શ્યામજી અને ઘનશ્યામજીની જેમ એમની વાત મગજમાં ઉતારી નથી શકતા, ખાલી એક કાનમાંથી લઈએ અને બીજા કાનેથી કાઢી નાખીએ. શ્યામજી અને ઘનશ્યામજી બંનેને ખબર છે કે તેમનામાંથી સારું અને ખરાબ કામ કોણ કરી જાણે છે ? જ્યારે કાનજી શ્યામજીને ઘનશ્યામજી કહીને બોલાવે છે ત્યારે જ શ્યામજીને આખી વાત ગળા નીચે ઉતરી જાય છે. બીજી બાજુ રણછોડજી પેલાને એક જ વાતથી ફુલાવીને કામ કરતો કરી દે છે કે, આ તો પેલો શ્યામજી લાગે છે કે…. મોહન પરમારની વાર્તાઓમાં જીવનલક્ષી પણ ઘણું હોય છે. જો આપણે કથા, રસ, ઘટનાતત્વ, ઘટનાનાં તિરોધાનમાંથી આંખ હટાવી જોઈએ તો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત