Team Chabuk Ghumeshwar Desk: જો તમને નવી નવી જગ્યાઓ પર ફરવા જવાનું ગમે છે તો આજે આપણે કેટલાક એવા ગામની વાત કરવાના છીએ જ્યાં તમને એકવાર તો જવાનું મન થઈ જ જશે. આપણે અગાઉના એક લેખમાં વિદેશના 25 સારા સ્થળો વિશે વાત કરી હતી. તો આપણા ભારતની વાત કેમ રહી જાય ? એટલે જ આજે આપણે ભારતમાં જ આવેલા અદભૂત, રમણીય અને આંખોમાં વસી જાય તેવા ગામની વાત કરવાના છીએ. શહેર તો ઘણા જોયા હશે પરંતુ આ ગામડા શહેરને પણ ઝાંખા પાડે એવા છે.
પ્રકૃતિની સુંદરતા જોવા અને તેને માણવા માટે લોકો તેમના દેશથી દૂર જતા હોય છે, પરંતુ ક્યારેક લોકોની જાણકારીથી બહાર એવા શહેરો હોય છે જે તમને દેશમાં વિદેશનો અહેસાસ કરાવી દે છે. લોકોને ખબર નથી હોતી કે ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ છે, જેને વિદેશના સુંદર સ્થળો કરતા જરા પણ ઓછી આંકી ન શકાય. જ્યાંનું કુદરતી સૌંદર્ય લોકોને મોહિત કરે છે.
કૌસાની, ઉત્તરાખંડ
કૌસાની ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલું છે, આ ગામ ભારતના એક સુંદર પર્વતીય પર્યટન સ્થળોમાંનું એક છે. પિંગનાથ શિખર પર સ્થિત આ ગામ હિમાલયની સુંદરતાની ઝલક દર્શાવે છે. ગામમાંથી બરફથી ઢંકાયેલા નંદા દેવી પર્વતની ટોચનું ભવ્ય દૃશ્ય જોઈ શકાય છે. આ જ કારણ છે કે આ ગામને ‘ભારતનું સ્વિત્ઝરલેન્ડ’ પણ કહેવામાં આવે છે. કૌસાનીને ભારતનું સ્વિત્ઝરલેન્ડ નામ મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું. ગાંધીજીએ પોતાના પુસ્તક ‘યંગ ઇન્ડિયા’માં પણ કૌસાનીના અલૌકિક સૌંદર્ય અને કુમાઉની પહાડીઓ વિશે જાણકારી આપી છે. અહીં કૌશિક મુનીએ તપ કર્યું હોવાથી ગામનું નામ કૌસાની રાખવામાં આવ્યું હોવાનું મનાય છે.

સ્મિત, મેઘાલય
મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 11 કિલોમીટર દૂર પર્વતો પર વસેલું ‘સ્મિત’ ગામ પ્રકૃતિની સુંદર ચાદર ઓઢેલું જોવા મળે છે. શહેરના પ્રદૂષણથી દૂર ‘સ્મિત’ની શુદ્ધ હવા આપને તાજગીનો અનુભવ કરાવશે. સાથે જ જીવનમાંથી તણાવ દૂર કરવામાં પણ મદદ કરશે. આ જ કારણે આ ગામને પણ પ્રદૂષણ મુક્ત ગામનો દરજ્જો મળી ચુક્યો છે. સ્મિત ગામ એટલું સુંદર છે કે અહીંના દૃશ્યો તમને આશ્ચર્યચકિત કરશે. આ ગામમાં રહેતા લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.

મલાણા, હિમાચલ પ્રદેશ
હિમાચલની કુલ્લુ ખીણની ઉત્તરમાં મલાણા પાર્વતી ખીણના લીલીછમ વાતાવરણમાં આવેલું છે. નદી કિનારે અને સુંદર ટેકરીઓ વચ્ચે વસેલા આ ગામની સુંદરતા લોકોને આકર્ષે તેવી છે. અહીં આવનારા પર્યટકો આ ગામની બહાર કેમ્પ લગાવીને રહે છે. અહીં બહારના લોકોને ગામની અંદર જવાની અને ત્યાં જઈને કંઈપણ સ્પર્શ કરવાની મનાઈ છે. આ ગામના લોકો ભારતીય બંધારણને નથી માનતા પરંતુ પોતાની વર્ષો જૂની પરંપરાને અનુસરે છે. કહેવાય છે કે દુનિયાનું સૌપ્રથમ લોકતંત્ર અહીંથી જ મળ્યું હતું. આ ગામમાં પોતાની સંસદીય વ્યવસ્થા પણ છે.

મીરિક, પશ્ચિમ બંગાળ
મીરિક એક નાનું ગામ છે જે દાર્ઝિલિંગની પશ્ચિમમાં સમુદ્રની સપાટીથી લગભગ 4 હજાર 905 ફૂટની ઉંચાઇ પર આવેલું છે. હિમાલયમાં મેદાનની વચ્ચે દેવદારથી ઘેરાયેલું મીરિક તળાવ અહીના નજારાને વધુ સુંદર બનાવે છે. અહીં ચાના બગીચા, જંગલી ફૂલોની ચાદર, ક્રિપ્ટોમેરિયા વૃક્ષો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

ખોનોમા, નાગાલેન્ડ
જે લોકો પ્રકૃતિને પ્રેમ કરે છે તે લોકોને કદાચ ખબર હશે કે, ખોનોમાને એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ તરીકે જાહેર કરાયું છે. આ ગામ કોહિમાથી 20 કિલોમીટર દૂર ખીણના મેદાનોમાં સ્થિત છે. આ ગામમાં 100થી વધુ વિવિધ જાતિના લોકો રહે છે. જો તમે આ ગામનું બારિકાઈથી નિરીક્ષણ કરશો તો, તમે જોશો કે ખોનોમામા બનાવેલું દરેક ઘર એક બીજાથી જોડાયેલું છે. આ સિવાય અહીં બનાવેલા દરેક ઘરના દરવાજા પર એક ખાસ પ્રકારનું હોર્ન લટકાવવામાં આવ્યું છે. જેને ગામના લોકોની સુરક્ષા માટે લટકાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. અહીં 250 જેટલી જાતિના છોડ જોવા મળે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત