Team Chabuk : બપોર વચ્ચે તાપવૃદ્ધિ થઈ જતા શિયાળાની વિદાય થઈ ચૂકી છે અને ઉનાળાનો અણસાર આવવા લાગ્યો છે. અમદાવાદ જેવા મહાનગરમાં તો અત્યારથી જ તાપે પોતાના વિરાટકાય સ્વરૂપનો ધીમી ગતિએ પરચો આપવાની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે આજે મતદાનની વાતો થઈ રહી છે. તો મતદાનની વચ્ચે માતૃભાષા દિવસ પણ આજે જ હોવાના કારણે સમાચારોમાંથી એ સમાચારનું વિલુપ્ત થવું એ કોઈ નવી નવાઈની વાત નથી.
વીજાણું માધ્યમમાં માતૃભાષા પર ડિબેટ કરી રહેલા મહાનુભવોનું પણ જ્યારે ધ્યાન નથી પડતું કે ટીવીની સ્ક્રિન પર જ ખોટી જોડણી જઈ રહી છે. લાઈવમાં ડિબેટકર્તા દ્વારા ઊંચુનીચું પણ નથી થવાતું અને ડિબેટમાં જ્યારે બોલાવ્યા જ હોય છે ત્યારે જે તે સમાચાર ચેનલનું માન પણ સાચવવાનું હોય છે.
આપણે ભાષાના કારણે છીએ. આપણી પાસેથી લખાણ અને બોલવાની કળા છીનવી લેવામાં આવે તો આપણે કશું છીએ જ નહિ. આ દુનિયામાં કરવામાં આવેલી સૌથી મોટી શોધ કોઈ હોય તો એ ભાષા જ છે. માતૃભાષા દિને હવે સોશિયલ મીડિયા પર જ લોકો પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે.
આ સોશિયલ મીડિયામાં જ કોઈ છાપાનું એક કટિંગ સામે આવી ગયું, જેમાં પાઠ્યપુસ્તકની જોડણી ખોટી લખેલી હોવાનું એક ઉપયોગકર્તા દ્વારા કહેવું હતું. ખૂબ લાંબા સમાચાર હતા અને દરેક જગ્યાએ પાઠ્યપુસ્તકની જોડણી ખરી ન હતી. ઠ અને યનાં છૂટાછેડા કરી નાખવામાં આવેલા હતા. એ પણ આજે માતૃભાષા દિવસ નિમિત્તે જ થયું.
બધા ગુજરાતીઓ પુસ્તકો નથી વાંચતા, પણ બધા ગુજરાતીઓ અખબાર જરૂર વાંચે છે. જેથી જોડણી સાચી લખવી એ પત્રકારની જ પહેલી ફરજ છે. આપણે જેવું લખશું તેવું વાંચનારો પોતાના મગજમાં ઉતરાશે. છેલ્લા કેટલાય સમયથી ખોટી જોડણી લખનારાઓનાં મુખે સાંભળેલી આ સત્ય વાત છે કે, ફલાણા છાપાની અંદર તો આ પ્રકારે લખેલું હતું.
હમણાં ગુજરાતીના જ એક વૃતાંતપત્રમાં એ પાછું પૂર્તિમાં મઘમઘતુંની જગ્યાએ મધમધતું લખેલું આવી ગયું હતું. ભાષાવિદોએ સોશિયલ મીડિયામાં એ કટિંગને ફેરવી વાર્તાલાપ કરેલ અને આવો વાર્તાલાપ થવો એ અત્યંત જરૂરી છે. આજે કોઈ નહિ બોલે તો લખનાર જે તે વ્યક્તિ તેને સત્ય માની ચાલ્યા રાખશે. શક્ય છે કે પોતાના આવનારા વૃતાંતમાં કે આવનારા લેખમાં પણ તે શબ્દત્રુટીનો પુન: ઉપયોગ કરે.
માતૃભાષા હવે મિક્સર જેવું કામ કરી રહી છે. પહેલાથી તેમાં હિન્દી શબ્દોનો માતબર ઉપયોગ થતો હતો. ઘણી વખત તો આ શબ્દ હિન્દીમાંથી આવેલો છે કે ગુજરાતીનો છે તેવું પૂછવામાં આવતાં લખનાર દિગ્મૂઢ થઈ જતો હતો. હવે તો અંગ્રેજીના શબ્દો ખાસ્સા ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. વચ્ચે એક એવી પણ ફેશન નીકળી હાલી હતી કે ગુજરાતીમાં ઉર્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે તેનું આયુષ્ય મર્યાદિત રહ્યું. કારણ કે ગુજરાતી અને હિન્દી કરતાં પણ ઉર્દુ એ આકરી ભાષા થઈ પડે છે.
રહ્યું સહ્યું અંગ્રેજી. તેના પર આપણી ભણેલી ગણેલી પ્રજા તૂટી પડી. આજે ગુજરાતી અખબારનો કોઈ લેખ ભાગ્યે જ અંગ્રેજી શબ્દના ઉપયોગ વિનાનો જોવા મળે છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને અંગ્રેજી દેખાય. ગુજરાતમાં ખાલી પડેલી જગ્યા માટે ફોર્મની વિગત ગુજરાતીમાં ભરવાની જગ્યાએ અંગ્રેજીમાં ભરવાની હોય છે ! બોલો હવે ?
ગુજરાતી ભાષાને જીવતી રાખી અને બગાડવાનું કામ હવે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે. ફેસબુકને હજુ સમજી શકીએ પણ વોટ્સએપ અને ટ્વીટર પર ભાષા સાથે રીતસરનો બળાત્કાર થઈ રહ્યો છે. નો,ની,નુ,ના મેરો પીયુ ગયો પરદેશ જેવી સ્થિતિમાં હોય છે!
આજે ટ્વીટર પરથી સાબિતી મળે છે કે માતૃભાષાને પ્રેમ કરવાનો ઉત્સવ આવી ગયો છે. ગુજરાતી કવિઓની કવિતાઓ મૂકી અને ઘણી જગ્યાએ તો ટ્વીટર ઉપયોગકર્તાઓ દ્વારા કવિઓના નામનો પણ છેદ ઉડાવી દઈ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરવામાં આવી રહ્યો છે. આ લોકો શું આવતીકાલે પણ માતૃભાષાને પ્રેમ કરતાં દેખાશે ? કે પછી આ બધા તો દેખાડા છે ?
માતૃભાષા દિવસ પર આજે લેખક અને અનુવાદક રાજ ગોસ્વામીએ જે વાત કરી તે અહીં મુકીએ છીએ. ‘‘મને ગુજરાતી ભાષા આવડે છે અથવા મારાં સંતાનો ગુજરાતીમાં ભણે છે, તેનું ગૌરવ લેવા કરતાં હું કે મારાં સંતાનો એ ભાષામાં કેવા હલકા અને બેજવાબદાર વિચારો કેળવીએ છીએ, તેની શરમ આવવી જોઈએ (માતૃભાષા દિવસને બાદ કરીને, આખું વર્ષ ખાલી ફેસબૂક વાંચી લેવું, સમજાઈ જશે.) અક્ષરજ્ઞાન એ ભાષાજ્ઞાન નથી. ભાષા આવડી જવી અને વિચાર કરતાં આવડવું, એ બંને અલગ બાબત છે. અંગ્રેજી ભાષા દુનિયાની શ્રેષ્ઠતમ અને સફળતમ ભાષા છે, કારણ કે એ ભાષામાં ઐતિહાસિક અને ક્રાંતિકારી વિચારો પેદા થયા છે, જેણે સમુચી માનવ સભ્યતાને એક નવી ઊંચાઈ પર મૂકી દીધી છે. ગુજરાતી ભાષા બચાવવી હોય, તો દુનિયાના લોકોને ઈર્ષ્યા થાય તેવા વિચારો કરવા પડે. ફેન્ટાસ્ટિક અક્ષરો હોય, પણ વિચારો ભંગાર હોય તો વાંચો કે ન વાંચો શું ફરક પડે છે! ભાષાનું વ્યાકરણ ના આવડે તો ચાલે, વિચારોની શુદ્ધતા હોવી જોઈએ, પછી ચાહે એ ગમે તે ભાષામાં હોય. ભાષા એ શરીર છે અને વિચાર એ જીવાત્મા છે. ખોળિયાને નહીં, જીવાત્માને પ્રેમ કરવાનો હોય. ભાષા (બીજી ભાષામાં જવા માટે સક્ષમ) આઈડિયામાં જીવે છે, અક્ષરોમાં નહીં.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત