Homeસિનેમાવાદસૈફ અને કરિનાને ત્યાં બીજા પુત્રનું અવતરણ થતા મનોરંજન માધ્યમોમાં આનંદોત્સવ

સૈફ અને કરિનાને ત્યાં બીજા પુત્રનું અવતરણ થતા મનોરંજન માધ્યમોમાં આનંદોત્સવ

ઝાલાવાડી જલજીરા : પેટ્રોલ અને ડિઝલના આકાશે પહોંચેલા ભાવ. ખેડૂત આંદોલન. આજે મતદાન જેવા સમાચારોમાં જનતાને પહેલા જેટલો રસ ન હોવાથી મીડિયા હવે ફરી કોવિડ કેસમાં વધારો જેવા બે મહિના પહેલાનાં રાબેતા મુજબના સમાચાર તરફ વળી ગયું છે.

આજે સવારમાં દેશની મહત્વની કહેવાતી વેબસાઈટો પર એ જ સમાચારો ટ્રાફિક લાઈટની જેમ લબુકઝબુક થતા હતા. આ વચ્ચે રવિવારના રોજ પ્રભાતમાં જ મનોરંજન મીડિયા માટે એક સુખકાયી સમાચાર આવ્યા અને અમને લાગી રહ્યું છે કે, મનોરંજન મીડિયામાં આનંદોત્સવ ચાલી રહ્યો હશે. આ સમાચાર છે સૈફ અલી ખાન અને કરિના કપૂરને ત્યાં બીજા પુત્રરત્નનો જન્મ થયો.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મામાં પણ મનોરંજન મીડિયાને લડી લેવું હતું. જોકે હજુ પણ આ બેઉં દંપત્તિના પુત્રનાં મુખદર્શનનો લાભ મળ્યો ન હોવાથી તેઓ માઉન્ટ એવરેસ્ટની ઠંડીમાં ગમે તે વસ્તુ થીજી જાય એમ થીજી ગયા છે. માની લો એમના ગાત્રો શીથીલ થઈ ગયા છે. આથી મનોરંજન ક્ષેત્રે તેમના માટે  અન્ય કોઈ સમાચારો હતા નહિં.

પણ હવે કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનને ત્યાં પુત્રનું અવતરણ થતાં ફરી તેમનામાં આશાનું ઉદ્દીપન થયું છે. આ સમાચારનાં કારણે મનોરંજન મીડિયા વર્તુળે મનમાં જ ચારે દિશામાંથી ફુલોની વર્ષા કરી લીધી હશે. દેવો તો થોડા કરે!! હવે તેઓ પુન: કેટલાક સમાચારો પ્રદર્શિત કરશે. જે ન જાણવા જેવા હોવા છતાં પણ ભારતની આ ભવ્ય અને વિશ્વગુરૂ બનનારી ભૂમિના કેટલાક સોશિયલ મીડિયાકર્તાઓ શા માટે તેમાં ક્લિક કરી આનંદભૂતિ મેળવશે તેની આજે પણ ખબર નથી.

આ આનંદ મેળવવા પાછળનું કારણ તો મીમ જ માનવાનું !

હવે કેટલાક સમાચારો તમારી આગળ આવશે. શું નામ રખાયું ? નામ કોઈ પૂર્વ મુઘલ કે ફલાણા શહેનશાહ ઉપરથી હશે તો ચર્ચા વધારે થશે. ડિબેટ કરવામાં આવશે. કેટલાક લોકો તો પૂર્વ શાસક કેટલો ક્રૂર હતો તેની માહિતી લાવશે. અરે રાજકીય પ્રતિક્રિયાઓ આવશે. બિચારો શેક્સપિયર ! નામમાં શું રાખ્યું છે!! જોકે આ વખતે આવું નામ રાખવામાં નહિ આવે તેવું અત્યારથી જ મનોરંજન મીડિયાના વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે.

એ પછી વાત આવે છે એ પુત્રને સાચવનારી આયાની. તે કોણ છે ? વારંવાર કેમેરામાં કેમ આવી જાય છે ? તેનો પગાર કેટલો ? અગાઉ કયા કયા ‘તારાપુત્રો’ ને તે સાચવી ચૂકી છે ? શા માટે સફેદ વસ્ત્રોમાં સજ્જ છે ? પૂર્વ જન્મમાં તેનો કોઈ સંબંધ ખરો ? આવા પણ કેટલાક સમાચારો બનશે.

એ પછી પુત્ર મનોરંજન મીડિયા વર્તુળોનાં કેમેરાનો ભોગ બનશે. જેમાં તેનાં અવનવા હાવભાવો કેદ કરવામાં આવશે. હવે બાળક તો બાળક જેવું જ હોય. તેને ક્યાંય એકલો નહિ મુકવામાં આવે. તેની પાછળ પાછળ પાપારાઝીઓની ફોજ હશે. કરિના દૂર રહેવાનું કહેશે પણ આ નહિ માને. એ કેમેરાની એટલી બધી ફ્લેશ લાઈટ મારશે કે બાળક અકળાઈ ઉઠશે. ને પછી બીજા દિવસે હિન્દી અને અંગ્રેજીની વેબસાઈટોમાં સમાચાર છપાશે કે તૈમૂરના ભાઈને નથી ગમતી ફ્લેશ લાઈટ! મોઢું કર્યું આવું! માતા કરિના પણ આવો ચહેરો કરતાં તમતમી ઉઠી!

ગુજરાતી વેબસાઈટવીરો પણ પાછા નહિ પડે. એ હિન્દી અને અંગ્રેજીમાંથી કોપી કરશે અને એમના તંત્રી પણ કહેશે તૈમૂરનો ભાઈ ચાલે છે હો. આ ચાલ્યા રાખશે અને આપશ્રી સાચા મુદ્દાઓથી ક્ષિતિજને પાર હશો.

આ વખતે તક મળી છે. આવા ભ્રમિત કરતા સમાચારોથી દૂર રહેજો. એ છોકરાને એનું બાળપણ જીવવા દેજો. તૈમૂર ન બનાવી દેતા. હે મનોરંજન માધ્યમો. જો ઉપર જણાવ્યું એવું થાય છે તો એક સમાચાર તો એવા પણ છપાશે કે નવા સૈફપુત્રની એટલી પ્રસિદ્ધિ નથી જેટલી તૈમૂરની હતી અને તૈમૂરની એટલી પ્રસિદ્ધિ નથી જેટલી નરગીસ અને સુનીલ દત્તના પુત્ર સંજય દત્તની હતી!  આ સમાચાર એક વખત તો પ્રગટ થઈ જ ચૂક્યા છે. બીજી વખત. બીજું શું ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments