Homeસાહિત્યનરસિંહ ટેકરીના પથ્થર-નિબંધિકા-મયૂર ખાવડુ

નરસિંહ ટેકરીના પથ્થર-નિબંધિકા-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: બારી બહાર નમતી સંધ્યાને પકડવા આંખો ભાખોળિયા ભરે છે. ઠંડી અને ઝાકળના કારણે ભીંજાયેલો તડકો આજે સૂકાયો નહીં. અરેબિયન નાઈટ્સની કથાઓના જીનની જેમ અંધારું આકાશમાંથી ઉતરી આવ્યું છે. રાત્રે નાકના શોખ પૂરા કરવા લોબાન કે અગરબત્તી કરવાની આદત છે. આજે લોબાન કર્યો છે. દિવાલો ધીમે ધીમે તેના ધૂમાડાને પી રહી છે. દિવાલ તરફ જોઉં છું. ચકલીની જેમ મારો પડછાયો રખડીને દિવાલમાં પાછો આવી ગયો છે. આપણા પડછાયા જેટલું વફાદાર બીજું કોઈ નથી! ખબર નહીં એ પડછાયો ક્યાં રખડતો હશે? કદાચ નરસિંહ ટેકરીની એ શેરીમાં.

રામદેવ પીરના મંદિરની બાજુમાં આવેલા સત્તરેક ઘરે જમીનનો કાઠલો પકડી એક શેરી બનાવી હતી. પછી એ શેરીએ અમારી કરતૂત સામે બંડ પોકારતા અમને શ્રાપ આપેલો. એના ઉદરમાંથી વારેઘડીએ પથ્થરો પ્રસવ પામતા અને અમારા અંગૂઠામાંથી લોહી કાઢી ચૂંસતા. મોઈ દાંડીયો રમવા જ્યારે જમીનનો એક ભાગ ખોદ્યો ત્યારે ખબર પડી કે અમારું લોહી પી-પી એ જનાવર અંદરથી કેટલા ગંજાવર થઈ ગયા છે.

સાઈકલ શીખતી વખતે ઢીંચણમાં લાગેલો કરપીણ માર ઉંમરની સાથે મોટો થઈ ગયો. વિન્સેન્ટ વાન ગોગની અમર કૃતિની જેમ મારા ડાબા ઘૂંટણમાં શેરીના બળવાખોર પથ્થરે કરેલું રાક્ષસી ચિત્રકામ અંકિત છે. અમારી નરસિંહ ટેકરીના કૂતરાંઓ વારેવારે હડકાયા થતા. કરડવા માટે એમના દાંત હડી કાઢતા. શેરીના જાણ્યા છતાં અજાણ્યા એવાને કરડી ખાતા અને એનાં દાંતમાંથી ટપકતાં બહિષ્કૃત રક્તને પથ્થરો પીતાં.

શેરીના ભૂલકાઓને ભોળવી એના હાથમાં પારેવાની જેમ બેસી જઈ તેનું માનસ વિચલિત કરી પશુઓ પર વીંઝાતા. રોડનો મલમ લગાવ્યા છતાં કોઈ ભ્રષ્ટાચારીના પરોપકારથી એ પથ્થરો ચોમાસામાં પાછા બેઠા થયેલા. આ વખતે તીક્ષ્ણ. નિરંકુશ એવા. જાણે સામ્બના પેટમાંથી નીકળેલા સાંબેલાના ચૂરેચૂરા થઈ અમારી નરસિંહ ટેકરીની શેરીમાં વેરાયા હોય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments