Editors View : વર્તમાન સમયે કોઈ પણ અખબારની ગુણવત્તાનો આધાર તેની વિજ્ઞાન કોલમ કેવી છે તેના પરથી લગાવી શકાય. ચિંતનાત્મક વાતો લખનારા, વાર્તા લખનારા, પરાપૂર્વથી ચાલી આવતી નવલકથાઓની માફક જ બીબાઢાળ પ્લોટ સર્જી પોતાની સર્જનકળાનું સર્કસ બતાવનારા, કવિતાનું વિવેચન કરનારા, વર્તમાન વિષયને અનુલક્ષીને લેખો લખનારા, રાજકારણ વિષયક વાતો કરનારા ખોબલે ને ખોબલે મળી જાય છે. એ નવી વાત નથી. પણ કોઈ અખબાર કે પૂર્તિની ક્વોલિટીનો આધાર હવે તો તેની વિજ્ઞાનની કોલમ પર જ રહેલો છે. ગુજરાત સમાચાર અન્ય અખબારોની તુલનાએ ભાગ્યશાળી છે. જોકે તેની પાસેય નગેન્દ્ર વિજય તો નથી જ.
જ્ઞાન વિજ્ઞાનની વર્ષોથી તપશ્ચર્યા કરતા નગેન્દ્ર વિજય એ ગુજરાતમાં વિજ્ઞાનના પર્યાય જ સમજી લો. આજે ગુજરાતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવી હોય તો મોખરે સફારીના સર્જનહાર નગેન્દ્ર વિજયને જ રાખવા પડે. જે રીતે તેમણે આપણી સામે વિજ્ઞાન પીરસ્યું છે તેવું ભવિષ્યમાં કોઈ પીરસી નહીં શકે, કારણ કે નગેન્દ્ર દાદાની નકલ કરનારો પણ થોડો અમથો તો નગેન્દ્ર હોવો જોઈએ.
આજની તારીખે સફારી સામે બે બે હાથ કરી શકે તેવું એક પણ સામાયિક નથી. અન્ય સામાયિકો કોપી કરીને ચાલી રહ્યા છે. ફલાણામાં આ પ્રકારની વિષય સામગ્રી છે તો મારામાં પણ આ પ્રકારની જ સામગ્રી હોવી જોઈએ. ત્યાં એ લેખક કૃષ્ણ પર લખે છે તો આપણી મેગેઝિનમાં પણ કૃષ્ણ પરની કોલમ હોવી જોઈએ. ત્યાં ધારાવાહિક નવલકથા તો આપણામાં કેમ નહીં ?
બીજી બાજુ કોઈ એવું સામાયિક નથી નીકળી રહ્યું જે સફારીની માફક અવનવી વાતો આપણી સામે રાખે. આ ઉદાહરણથી જ ખ્યાલ આવી જાય છે કે સામાયિકનો ધંધો તો અઘરો છે જ ઉપરથી વિજ્ઞાન વિષયને લઈને સામાયિક પ્રગટ કરવામાં આવે, તેમાં તો વિષયો શોધવા એ પણ જોખમભર્યું કાર્ય રહેલું છે.
કેટલાક વાચકો વારંવાર એક ને એક વાત ઉચ્ચારતા હોય છે કે સફારીમાં કેટલાક લેખો રિપીટ થાય છે. ગત્ત અંકમાં જ તેમણે એ વાતનો છેદ ઉડાવી દીધો અને આલોચકોના મોં પર થપ્પડ મારી. જો લેખ રિપીટ થાય છે તો તે ખરીદનારા પણ મોટી સંખ્યામાં છે.
સફારીની રસપ્રદ શૈલી. તેનું ઈર્ષ્યા પમાડતું લખાણ. તેમાં શબ્દોનું વૈવિધ્ય. એક સારા શિક્ષકની ગરજ સારતો સમજાવટનો ઘેઘુર દરિયો. લખાણની વચ્ચે આવતી કહેવતો. વિષયાંતર થયા વિના કરવામાં આવતી વાત. આજ તો છે જે સફારીને સફારી બનાવે છે.
આવનારા વર્ષોમાં ગુજરાતમાં આવો કોઈ વિજ્ઞાનનો વિરલો છે તે આપણે આજના નાના ટાબરિયાઓ મોટા થશે ત્યારે કેવી રીતે સમજાવી શકીશું ? કારણ કે જ્ઞાન વિજ્ઞાનની દુનિયા હાથમાં આવી ગઈ છે. વાંચવા કરતા લોકો મોબાઈલમાં ખાખાખોળા કરવામાં અત્યાધિક સમયનો વ્યય કરી રહ્યા છે. જોકે એક ફાયદો ખરો કે વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે લોકોનો જૂકાવ વધી રહ્યો છે.
આપણે આપણી જાતને ભાગ્યશાળી જ સમજવી રહી કે નગેન્દ્ર વિજય ગુજરાતમાં પેદા થયા છે. કોઈ અન્ય રાજ્યમાં વિજ્ઞાન પર જેટલું કામ નહીં થયું હોય એટલું ગુજરાતમાં સફારી મેગેઝિન દર મહિને કરી રહી છે. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. વિજ્ઞાનને આભડછેટની નજરથી નહીં પણ પ્રેમથી જુઓ એ વાતનો આરંભ કરનારા જ નગેન્દ્ર વિજય છે.
જ્વલ્લે જ બનતી ઘટના છે કે વિજય ગુપ્ત મોર્ય, નગેન્દ્ર વિજય અને તેમના પુત્ર હર્ષલ પુષ્કર્ણા ત્રણેને ગુજરાતી વાચકોએ એક સરખો પ્રેમ આપ્યો. એક નવી પેઢી પણ ઊભી થઈ છે. આ વાતની કદાચ દાદા-પિતા-પુત્રને નહીં ખ્યાલ હોય, કે કેટલાક લેખકો સાહસકથાઓ સહિતના વિષયો પર એટલા માટે લખે છે, કારણ કે તેઓ વિજયગુપ્ત મોર્યના આશિક છે. કેટલાક વિજ્ઞાન તરફ એટલે ઢળી ગયા, કારણ કે તે નગેન્દ્ર વિજયના દિવાના છે અને કેટલાક પ્રવાસના શોખીન હર્ષલ પુષ્કર્ણાના કારણે બન્યા છે.
કંઈ ન કર્યું હોય તો પણ આ ત્રિપુટીએ અલગ અલગ ક્ષેત્રમાં કેટલાક ઉન્મેષોને પ્રેરિત તો કર્યા જ છે. નગેન્દ્ર વિજય તેમાં ખાસ આવે છે. એમની સાધનાને ચાબુક નમન કરે છે. એમની મહેનતને એકવીસ તોપોની સલામી આપવી ઘટે. નગેન્દ્રદાદાએ તો બધુ આપણને આપી દીધું હવે વાચક તરીકે તો આપણી એક જ ઈચ્છા છે કે અત્યાર સુધીના ‘એક વખત એવું બન્યું’ ના તમામ લેખો એક મહાગ્રંથ સ્વરૂપે પ્રસિદ્ધ થાય. જો આ કાર્ય થાય છે તો તે વિજ્ઞાન અને ઈતિહાસના વિષયનો અત્યાર સુધીનો દળદાર અને દમદાર ગ્રંથ કહેવાશે. જેની તોલે કોઈ નહીં આવે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા