Homeવિશેષરામોજી રાવ ફિલ્મ સિટી : જેની મુલાકાત દર વર્ષે 1.5 મિલિયન લોકો...

રામોજી રાવ ફિલ્મ સિટી : જેની મુલાકાત દર વર્ષે 1.5 મિલિયન લોકો લે છે

Team Chabuk : હરવા ફરવાનો શોખ અધૂરીયા જીવ જેવો છે. મને તો થાય છે કે કોરોનામાં રખડપટ્ટીના શોખીનો ઘરમાં કેવી રીતે રહી શક્યા હશે. એમના જીવમાં તો વારંવાર ઉચાટ થતો હશે ને. વેકેશન પડતાની સાથે જ લોકો ફરવા જવા નીકળી જતા હોય છે. ત્યારે કેટલાકની પસંદ દેશ બહાર હોય છે જ્યારે કેટલાકની પસંદ દેશમાં જ હોય છે. પરંતુ આ વચ્ચે જો તમારે દેશમાં જ એક સારી જગ્યા અને લાંબા રૂટ પર જવું હોય તો તેલંગણા રાજ્યનું હૈદરાબાદ સિટી બેસ્ટ છે. નિઝામોના શહેર તરીકે ઓળખાતા આ હૈદરાબાદમાં ફરવા જેવું ઘણું છે. તેમાંથી જ એક છે રામોજી ફિલ્મ સિટી. જેની વાત તેલંગણા રાજ્ય સાથે તાંતણો ન ધરાવતા લોકો પણ સાંભળતા હોય છે.

વિશ્વના કેટલાક મોટા ફિલ્મ સ્ટુડીયોમાં નામના મેળવનારૂ ભારતનું એક માત્ર ફિલ્મ સિટી એટલે કે રામોજી ફિલ્મ સિટી. ભારતમાં એક લોકો માટે ઘણી સારી જગ્યા છે જે લોકો અલગ-અલગ જગ્યા પર ફરવાનો શોખ ધરાવે છે. ગુજરાતમાં કેવડિયા ખાતે જે સુવિધા હવે ઊભી થઈ છે બસ એવું જ તમને આ ફિલ્મ સિટીમાં જોવા મળશે. પહાડ અને કુદરતી સૌંદર્યની વચ્ચે અહીં તમને મેન મેડ બ્યુટી જોવા મળશે.

રામોજી ફિલ્મ સિટી એક એવી જગ્યા છે જ્યાં તમે એક જ જગ્યા પર રહીને, ઘણી જગ્યાએ તમારી રખડુ નજર મારી લીધી હોય તેવું લાગે, કારણ કે અહીં વિવિધ દેશોની જાણીતી ઈમારતોની એવી નકલ કરવામાં આવી છે કે તમે જોઈને દંગ રહી જશો. આ ઉપરાંત વર્ષો પૂર્વે શુટ થયેલી ફિલ્મોના સેટ આજે પણ અહીં રખાયા છે. અહીં બાળકોથી લઈને મોટેરા બધાના મનોરંજન માટેની વ્યવસ્થા કરાયેલી છે.

રામોજી ફિલ્મ સિટીની જો વાત કરીએ તો 1666 એકરમાં ફેલાયેલા આ ફિલ્મ સિટીનું નામ આજે પણ વિશ્વમાં સૌથી મોટા ફિલ્મ સિટી તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલુ છે. જેને તેલુગુ ફિલ્મ નિર્માતા રામોજી રાવે 1966માં બંધાવ્યું હતું. આ સ્થળની મુલાકાત દર વર્ષે આશરે 1.5 મિલિયન પ્રવાસીઓ લે છે.  

ફિલ્મ સિટીમાં પ્રવેશતાની સાથે જ ટીકિટ કાઉન્ટર આવે છે. જ્યાંથી ટિકીટ લઇ પ્રવાસીઓ બસ દ્વારા ફિલ્મના સેટ, થીમ પાર્ક, મનોરંજન રાઇડ્સની મુલાકાત લઇ શકે છે. ફિલ્મ સિટીમાં સ્ટાર હોટલ પણ આવેલી છે. જેથી પ્રવાસીઓને રહેવાની પણ અગવડ પડી શકે તેમ નથી. આ વચ્ચે સ્ટાર અને લક્ઝરીયસ હોટલમાં એક તારા અને સીતારા હોટલ પણ આવેલી છે. 2003માં કોમેડી ફિલ્મ એક ઓર એક ગ્યારાનું શૂટિંગ અહીં થયું હતું. જેમાં ગોવિંદા અને સંજય દતનું અનુક્રમે તારા અને સિતારા નામ છે. જેના પરથી આ હોટલના નામ પણ આજે તારા અને સિતારા છે.  

માત્ર ફિલ્મ સિટી જ નહીં મીડિયા હાઉસ પણ

તમે રામોજી ફિલ્મ સિટીમાં ફરવા માટે જાવ તો ત્યાં માત્ર ફિલ્મ સિટી જ નહીં પરંતુ મીડિયા હાઉસ પણ આવેલા છે. જેમા સૌથી જૂના પેપર તરીકે પ્રખ્યાત ઇનાડુ પેપર પણ ત્યાં જ આવેલુ છે. જે ત્યાંની લોકલ ભાષામાં છે. આજે પણ તેનો ફેલાવો તેલુગુ રાજ્યમાં સારો એવો છે, કહેવાય છે કે સૌથી જૂના પેપર તરીકે ઉભરી આવનારૂ પેપર એટલે કે ઇનાડુ પેપર. આ ઉપરાંત ETV BHARAT નું મીડિયા હાઉસ પણ ત્યાં જ આવેલું છે. જે તમામ ભાષાના સમાચાર પર ડીઝીટલ મીડિયા એપ સ્વરૂપે પ્રસ્તુત કરે છે. ETV BHARATના હાઉસને આજે પણ મીની ઇન્ડિયા તરીકે ઓળખાય છે, કારણ કે ત્યાં તમોને તમામ ભાષાના અને તમામ રાજ્યોના લોકોની મુલાકાત થશે. આ હાઉસ અને ઇનાડુ પેપરના ચેરમેન પણ રામોજી રાવ જ છે. આ ઉપરાંત અહીં NEWS 18 નું મોનિટરિંગ હાઉસ પણ આવેલુ છે. જ્યાંથી તમામ રાજ્યોનું મોનિટરિંગ આજે પણ થાય છે. અધૂરામાં પૂરું ત્રણ રાજ્યોના સ્ટુડિયો પણ આજે ત્યાં જ છે.

રામોજી ફિલ્મ સિટીની સફર

મૂવી મેજિક પાર્ક

મૂવી મેજિક પાર્કમાં તમે ઘણું એન્જોય કરી શકો છો. અહીં તમને જાદુઈ અનુભવ થશે. અહીં તમે ભૂકંપનો અનુભવ કરી શકશો, ઝડપથી નીચે પડવાનો અનુભવ કરી શકશો. આ સિવાય ઘણાં એડ્વેન્ચર્સ પણ અહીં આવેલા છે.

કિડ્સ પાર્ક

જો તમે બાળકોને લઈને ફિલ્મ સિટી ગયા છો તો તેમને આ જગ્યા યાદ રહી જશે. કારણ કે અહીં બાળકોના મનોરંજન માટે કિડ્સ પાર્કની ડિઝાઈન કરવામાં આવી છે. બાળકો માટે રાઈડ્સથી લઈને અલગ-અલગ મનોરંજન માટેના સાધનો ગોઠવવામાં આવ્યા છે.

બાહુબલી સેટ

સાઉથની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીનું શૂટિંગ પણ અહીં જ થયું હતું. આજે પણ તમે જો ફિલ્મ સિટીનું મુલાકાત લો તો આ સેટ ત્યાં જ છે.

મહાભારત સેટ

મહાભારત અને રામાયણ તો તમે લોકોએ અચુક જોઇ જ હશે. જે મહાભારત તમે જોઇ હતી તેનો સેટ આજે પણ રામોજી ફિલ્મ સિટીમાં જ છે. જે દર્શકો માટે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે.  

પેરિસ સ્ટ્રીટ

અહીં રામોજી ફિલ્મ સિટીનો એ ભાગ છે જ્યાં દુનિયાભરથી લોકો ફરવા માટે આવે છે. અહીં પેરિસ અને બેંકોકની શેરીઓ જેવી જ શેરીઓ ડિઝાઈન કરવામાં આવી છે. જેથી વિદેશ પ્રવાસે આવી ગયાની અનુભૂતિ થાય. અહીં અલીફલૈલાની પેટા સિરીયલના ભાગરૂપે બનેલી અલીબાબા અને ચાલીસ ચોરનો સેટ પણ તમે નજીકથી જોઈ શકશો.

કૃપાળુ કેવ

જો તમે પ્રકૃતિ પ્રેમી અને શાંત જગ્યાનો અહેસાસ કરવા માગતા હોવ તો રામોજી ફિલ્મ સિટીમાં આવેલા કૃપાળુ કેવમાં જરુર જજો. અહીં ભગવાન બુદ્ધની એક મોટી મૂર્તિ લગાવવામાં આવી છે. આ કલાનો એક અદભુત નમુનો છે.

બટરફ્લાય પાર્ક

અહીં તમને દુનિયાના અલગ-અલગ સુંદર રંગબેરંગી પતંગિયા જોવા મળશે. પાર્કની અંદર તમારી આસપાસ અલગ-અલગ પતંગિયા ઉડતા દેખાશે.

ટિકીટનો દર

ફિલ્મ સિટીમાં ફરવા માટે ટિકીટનો દર દરેક વ્યક્તિ દીઠ 1150 છે. જેમાં બાળકો માટે આ ટિકીટના દરમાં ફેરફાર છે. વ્યક્તિ દીઠ બાળક માટે 950 રૂપિયા છે. આ ઉપરાંત જો તમે આ ટિકીટને ઓનલાઇન બુક કરો તો તમને તેમા સમય મુજબનો બેનિફિટ મળી શકે છે.

કઈ રીતે પહોંચશો?

હૈદરાબાદ ખાતે પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આવેલુ છે. જે રામોજી ફિલ્મ સિટીથી લગભગ 40 કિલોમીટર દૂર છે. એરપોર્ટથી બસ મુસાફરી દ્વારા એલ.બી નગર અને બાદમાં ત્યાંથી રામોજી ફિલ્મ સિટી જઇ શકો છો. પ્રાઇવેટ કાર દ્વારા પણ તમે એરપોર્ટથી સીધા ફિલ્મ સિટી જઇ શકો છો. આ ઉપરાંત રેલવે સેવા પણ ઉપલબ્ધ છે જેમાં સૌરાષ્ટ્રથી જનારા પ્રવાસીઓ માટે રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ અઠવાડીયામાં બે વખત આવા ગમન કર છે. ટ્રેન મેટ્રો સિટી મુંબઇ, દિલ્હી, છતીસગઢ, ચેન્નઇ અને કોલકત્તા જેવા શહેરથી પણ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતથી આવનારા પ્રવાસીને સિકંદરાબાદ છેલ્લા સ્ટોપ પર ઉતરવાનું રહેશે ત્યાંથી પ્રવાસી કાર અને બસ મારફતે ફિલ્મ સિટી પહોંચી શકે છે.

ઉપરાંત બીજે ક્યાં ફરી શકાશે?

હૈદરાબાદમાં પ્રવાસ દરમિયાન કુતુબ શાહી મકબરા, ગોલકોન્ડા ફોર્ટ, બિરલા મંદિર, સાલારજંગ મ્યુઝિયમ અને ચૌમુલ્લા પેલેસ ફરી શકાશે. તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ પણ કરાવી શકો છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments