Team Chabuk-Special Desk: છેલ્લા પાંચ વર્ષથી ફિનલેન્ડ ખુશહાલ દેશની યાદીમાં પ્રથમ સ્થાને આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. ભારતીયો આ સિદ્ધિને અસમાન્ય રીતે જ જોઈ શકે. ભારતીયો કેટલા આશાવાદી કરતા કેટલા નિરાશાવાદી છે. આપણને રોજબરોજ તેના દાખલા મળી જાય છે. ભારતીયોને રોજ કોઈ વ્યક્તિ ગુડ મોર્નિંગનો સંદેશો મોકલતી હોય અને અચાનક બે દિવસ તેનો સંદેશો ન આવે તો આપણી અંદરના સાત રાક્ષસો એકાએક જાગૃત થઈ જાય છે. કોઈ ફેસબુક પર તાત્કાલિક પ્રતિભાવ કે પ્રત્યુતર ન આપે ત્યારે આપણે ઈર્ષ્યાથી સળગી ઉઠીએ છીએ.
સોશિયલ મીડિયા પર ભારતીયો કેટલા છલકાય ગયા છે તેનું મોટું ઉદાહરણ એ પણ છે કે અસંખ્ય લેખકોને હવે પ્રેરણાત્મકની પીપુડીઓ વગાડવા માટે ક્યાંક બહાર આટાફેરા મારવાની જરૂર નથી. એ ધ્યાનથી ઓબ્ઝર્વ કરે તો તેને ઘરે બેઠા રેડીમેડ માલ મળી જાય છે. આપણી ખુશીનો સ્ત્રોત શું છે? ખુશહાલ જિંદગી જીવવા માટે કોઈ બાબાના પ્રવચનો સાંભળવા અને એ બાબાની પ્રતિભાથી એટલા તો અંજાઈ જઈએ છીએ કે તેની તસવીર આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આપણી ઉધારની વિચારશૈલીની ચાડી ખાતી ચરતી હોય છે.
ભારતીયો પર બીજાના વિચારોનું પ્રભુત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જે તેના સુખની આડે આવે છે. કોઈ બીજું કંઈ કરી ‘કુલ’ થાય તો આપણને પણ એ કરી ‘કુલ’ થવાના અભરખા થાય છે. એક રેસ છે. જેમાં આપણે કોઈની પાછળ દોડીએ છીએ. તેનો પ્રમુખ ખેલાડી આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે તેની આપણને પણ ખબર નથી. સહમત અને અસહમતની વચ્ચે આપણું જીવન ઝોલા ખાઈ રહ્યું છે. અને આજે સમાચાર પ્રસિદ્ધ થાય છે કે વિશ્વ ખુશહાલી આંકમાં આપણો નંબર 139મો આવ્યો. પાકિસ્તાન કરતાં આપણે ખુશીના મામલે પાછળ છીએ.
ફિનલેન્ડમાં જીવન જીવવાની અને કેવું જીવન જીવવું તેની પસંદગી કરવાની ભરપૂર સ્વતંત્રતા રહેલી છે. તેની અર્થવ્યવસ્થા મજબૂત છે. મિત્રોનો સામાજિક ટેકો તેમને મળી રહી છે. ભ્રષ્ટાચાર ઓછો થાય છે. પણ આ સિવાયની એક મહત્વની વાત એ છે કે ફિનલેન્ડને આપણે ભાગ્યે જ સમાચારોમાં જોયું હશે. આપણે બ્રિટન, અમેરિકા, ચીન, પાકિસ્તાન, યુક્રેન અને રશિયાને સમાચારમાં જોઈએ છીએ, પણ કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે ફિનલેન્ડમાં કઈ દુ:ખદાયી ઘટના બની? કયા વ્યક્તિને દેશદ્રોહી ઠરાવવામાં આવ્યો? કયો મોટો બ્રીજ ધરાશાયી થઈ ગયો? ત્યાંની સરકારે શું ઉથલપાથલ મચાવી? ત્યાં કઈ કટોકટી સર્જાય? ત્યાં રસ્તા પર કયા સમુદાયે પ્રદર્શન કર્યું? એ પ્રદર્શનને લઈ કોણ રાજનીતિ રમી રહ્યું છે? જગત જમાદાર અમેરિકાનો તેમાં હસ્તક્ષેપ કેટલો? ફિનલેન્ડ છેલ્લા પાંચ વર્ષોથી તો સમાચારમાં એ રીતે જ આવે છે કે અહીંનું જીવન ખુશહાલ છે.
છેલ્લે 2015 એવું વર્ષ હતું જ્યારે ફિનલેન્ડમાં 50 લોકોની હત્યા થઈ હતી. પોલીસને નાગરિકો પર વિશ્વાસ છે. એમનું કામ ભારતની પોલીસ જેટલું વ્યસ્તતામાં પસાર નથી થતું. 55 લાખની વસ્તી ધરાવતા ફિનલેન્ડમાં 2015માં ક્રાઈમ રેટ 1.28 ટકા જેટલો જ હતો. તેની અર્થવ્યવસ્થા મજબૂત છે પણ મજબૂત જીડીપી નથી. તેમ છતાં આ દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં લોકોને ઘરનું ઘર છે.
સુખી સંપન્ન હોવા ઉપરાંત આ દેશની મહત્વની સિદ્ધી તેની વસ્તી પણ છે. ત્યાં વસ્તી વિસ્ફોટ નથી. વસ્તી વિસ્ફોટ ન હોવાના કારણે રોજગારીની તકો સર્જાય છે. પ્રતિવર્ગ કિલોમીટરમાં માત્ર 18 લોકો રહે છે. ફિનલેન્ડમાં હેલસિન્કી નામનું શહેર છે. જે તેની રાજધાની છે. જ્યાં ફિનલેન્ડની અડધી પોપ્યુલેશન વસવાટ કરે છે. આ ક્ષેત્ર એટલું લોકપ્રિય છે કે હાલમાં જ પૂર્ણ થયેલી સિઝન મની હાઈસ્ટના એક પાત્રનું નામ પણ આ શહેર પરથી રાખવામાં આવ્યું હતું. અને કોઈએ ગૂગલ સર્ચ કરવાની તસ્દી સુદ્ધાં ન લીધી કે હેલસિન્કી કઈ જગ્યાએ આવેલું છે? એ સૌથી સુખી પ્રદેશ છે અને પાત્રને પણ સૌથી સુખી જ બતાવવામાં આવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં! એ પુરુષને પણ કેટલો ચાહે છે.
યુરોપમાં વસવાટ કરતા અસંખ્ય લોકો એવું માનતા આવ્યા છે કે ઈટાલી અને ફ્રાન્સ એવા રાષ્ટ્રો છે જ્યાંની જનતા કોફી ખૂબ પીવે છે. પણ ના, ફિનલેન્ડના લોકો સૌથી વધારે કોફીપાન કરે છે. એક ફિનલેન્ડવાસી દિવસમાં 12 કિલો કોફી ગટગટાવી જાય છે. જેને પ્રવાહીમાં ગણવું હોય તો આઠ કપ થાય. કહેવાય છે કે જ્યાં કુદરતી સંપદા વધારે પ્રમાણમાં હોય ત્યાંની જીવનશૈલીનું અનુકરણ કરવું રહ્યું. આજે મહાસત્તાઓ વિકાસના નામે પ્રાકૃતિક સંપદાનો કચ્ચરઘાણ બોલાવી રહી છે. એવામાં ફિનલેન્ડની પાસે 187,888 તળાવો છે. બોટીંગ કરવું, તળાવના કિનારે બેસવું, પક્ષીઓને વિચરતા જોવા, હાથમાં ચોપડી લઈ વાંચવું, પ્રકૃતિનું નિરક્ષણ કરવું. આ બધું આપણે ત્યાં માંડ ચાર ટકા જેટલી જનતા કરતી હશે. આપણો આજનો રખડવાનો હેતુ પણ સેલ્ફી ખેંચી પોસ્ટ કરવાનો છે. તળાવો સિવાય દેશની પાસે 179,584 ટાપુ પણ છે.
એશિયા કરતા તદ્દન વિપરિત ફિનલેન્ડનો નજારો જોવા મળે છે. ઉનાળો હોય તો રાતના બાર વાગ્યે છેક અંધારપટ સર્જાય. ત્યાં સુધી દિવસનું શાસન બરકરાર રહે છે. રાતના દસ વાગ્યાની આસપાસ તો એવું લાગે છે જ્યારે હમણાં હમણાં સંધ્યા ટાણું થયું છે. ઠંડી હોય ત્યારે મોટાભાગનો સમય અંધારામાં પસાર થઈ જાય છે. બપોરના બાર વાગતા સૂર્યદેવતા થોડા દર્શન દે તો ઠીક છે, નહીં તો ઘોર અંધકાર. અંધકાર હોવા છતાં પણ અહીંની સ્થિતિ જોતા તેને અજવાળાનો દેશ કહેવો રહ્યો.
પશ્ચિમમાં સ્વિડન, પૂર્વમાં ખૂંખાર રશિયા, ઉત્તરમાં ઠંડુગાર નોર્વે એ ફિનલેન્ડનો સરહદી પ્રદેશ છે. ઈતિહાસ તરફ નજર કરીએ તો ફિનલેન્ડ પહેલા સ્વિડનનો જ એક ભાગ હતું. રશિયાને જેમ બધા સાથે વાંકુ પડે છે એમ સ્વિડનની સાથે પણ ભૂતકાળમાં વાંકુ પડેલું હતું. રશિયા સાથેના ગૃહયુદ્ધ બાદ ફિનલેન્ડે સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તમે દમ લગાકે હૈસા ફિલ્મ જોઈ હશે. આયુષ્માન ખુરાના પોતાના વજન કરતા ડબલગણી ભૂમિ પેડનેકરને ઉઠાવી દોડ લગાવે છે. આ દોડ કયા રાષ્ટ્રની છે? તમે બરાબર વિચાર્યું. ફિનલેન્ડની. ફિનલેન્ડમાં આ પ્રકારની દોડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં પુરુષ પોતાની પત્નીને પીઠ પર ઉઠાવી ભાગે છે. જે વિજેતા ઘોષિત થાય છે તેને પત્નીના વજન બરાબર બીયર આપવામાં આવે છે.
એક કોમિક કેરેક્ટરની આશ્ચર્યજનક વાત કરીએ. ડિઝનીના ડોનાલ્ડ ડકનું નામ તમે સાંભળ્યું હશે. ડોનાલ્ડ ડક પર ફિનલેન્ડે એટલા માટે પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે તેણે પેન્ટ નથી પહેર્યું! આ વાત કપોળકલ્પિત છે. અફવા છે. ભારત, જેને નોકિયાના 1108 મોબાઈલથી મોબાઈલનું ઘેલું લાગ્યું એ કંપની ફિનલેન્ડની છે. નીચે પડે તોપણ તૂટે નહીં અને બેટરી ખૂટે નહીં. એન્ગ્રી બર્ડ ગેમ બનાવનારી કંપની રોવિયો ફિનલેન્ડની છે. અહીં તમને કચરો જોવા નહીં મળે, 10માંથી 9 બોટલ રિસાઈકલ થઈ જાય છે. આવું છે ફિનલેન્ડ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત