ઝાલાવાડી જલજીરા: ફિલ્મો કે કોઈ વાર્તા પાત્રનાં સંઘર્ષથી બને. એક પાત્ર પડે, ઊભું થાય, પાછું પડે, પાછું ઊભું થાય. આપણે આપણી પોતાની જિંદગીમાં ગમે એટલી વખત પડ્યાં હોઈએ અને ઊભા ન થયા હોઈએ, તો આપણે આપણા અહમને સંતોષવા માટે ફિલ્મ જોઈએ. એની વાર્તાનો તાંતણો આપણી સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ જતો હોય એવી આશા સેવીએ. તેમાંથી થોડી પ્રેરણા મળે. આવું વધારે પડતું ક્યારે થતું ખ્યાલ છે?
1980માં અમિતાભ બચ્ચનનો સૂર્યોદય થયો. રાજેશ ખન્ના ધીમે ધીમે અસ્ત થવા લાગેલાં હતાં. અમિતાભની બધી ફિલ્મોની સ્ટોરીમાં એક વસ્તુ કોમન હોય કે એ કોમન મેન માટે લડતો હોય. તેના પરિવારમાં કોઈ એક એવી વ્યક્તિ હોય જેની તેને ચિંતા થયા કરતી હોય. સામાન્ય લોકો માટે એ મસીહા બની જતો હોય. પરિવારને કોઈ કાંઈ કહે તો ગુસ્સે થઈ જતો હોય. તેના સાથીદારો પણ તેના જેવા જ હોય. આવી જ વિઠ્ઠલ તીડી છે. પણ થોડી અલગ રીતે.
પ્રતિક ગાંધીના કે અભિષેક જૈનના ફેન તરીકે આપણે ખુશ થઈએ પણ એટલુંય હરખાવાની જરૂર નથી. વન ટાઈમ વોચેબલ છે. આવું ગુજરાતીમાં આપણે નહોતું જોયું એટલે આપણી પોતાની ભાષામાં એ આપણને પોતિકુ લાગે છે. બાકી સિનેમેટિક ચોગઠામાં ગોઠવીને જુઓ તો આમાનું ઘણું બધું આપણે જોઈ ચૂક્યા છીએ.
શું ઘાતકના કાશીનાથ અને તેના પિતા શંભુનાથનો પ્રેમ તમે નહોતો જોયો? ચાર લોગો કી જરૂરત નહીં હૈ મુજે, મેરા અકેલા કાશી હી કાફી હૈ…. એક ગુજરાતીની ફિલ્મનું ગીત છે, કોણ ઝુલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપડી? આમાં બહેન અને ભાઈનો નિતાંત વહેતો પ્રેમ તમે નહોતો જોયો? વાસ્તવનો સંજય દત્ત જે પોતાના ભાઈ બનતા મોહનીશ બહેલ માટે સર્વસ્વ કુરબાન કરી દેવા તૈયાર હોય છે, પણ પેલો તો વિઠ્ઠલના ભાઈ જેવો સ્વાર્થી નીકળે છે. આ જ ફિલ્મમાં એક અજાણ્યો એવો મિત્ર મળી જાય છે જે ભવિષ્યમાં મદદ કરવાનો છે. વિઠ્ઠલ કાણિયા!
ગામડાનાં લોકેશન પર આફરીન પોકારાઈ જવાય છે. સૌરાષ્ટ્રનું ગામડું સિરીઝમાં જીવે છે અને ધબકે છે. શહેરના લોકોને એ ગામડું જોવાની મઝા આવી ગઈ. કાં તો તેમણે એ ગામડું પહેલી વખત જોયું હોવું જોઈએ અથવા તો વર્ષો પહેલા આવા જ એક ગામડાને છોડીને તેઓ શહેરમાં આવ્યા હોવા જોઈએ અને પછી પાછા જ ન ગયા હોઈ.
શરૂઆતમાં તો મને પણ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ગીત ખૂબ ગમેલું હતું. આજે વિઠ્ઠલ તીડીને અને ઓહો આવ્યાને ખાસ્સો સમય થઈ ગયો. હવે એ ગીત સાંભળવું નથી ગમી રહ્યું. કેદાર અને ભાર્ગવે સંગીત આપ્યું છે. આ બેઉંનું કરસનદાસ પે એન્ડ યૂઝનું સંગીત આજે પણ અને અત્યારે પણ સાંભળવાનું મન થઈ ગયું છે. એ સંગીતે જે મજા કરાવી હતી એ વિઠ્ઠલનાં સંગીતે નથી કરાવી.
સંવાદ મને ખૂબ ગમ્યા. સ્ટોરી મુજબ હતા. જ્યાં કથા વળાંક વળતી હતી ત્યાં એવો જ સંવાદ ફટકારવામાં આવતો હતો. મેં વાર્તા પણ વાંચી છે. એ વાર્તા સામાન્ય છે. કોઈ સાહિત્યનું તત્વ એ વાર્તામાં નથી. અહીંથી ત્યાં ફેલાયેલી છે. દિગ્દર્શક વાર્તા સંભળાવવાનું કહે અને સંભળાવી દઈએ અને તેના પરથી બાદમાં પટકથા ઘડાઈ એવું વિઠ્ઠલ તીડીની વાર્તાનું છે. એ વાર્તાનો અંત જ વિઠ્ઠલ તેનાં બીમાર જીજા માટે પૈસા એકઠાં કરે ત્યાં પૂર્ણ થઈ જાય છે.
રાગી જાની આ સિરીઝનો અસલી હીરો છે. પ્રતીક ગાંધી ભલે પ્રોટોગોનિસ્ટ હોય પણ તેનું નામ રાગી પછી જ મૂકવું પડે. એક પણ વખત તમને મહેસૂસ નથી થતું કે રાગી જાની અભિનય કરી રહ્યા છે. એ ગોર મહારાજ જ લાગે છે. એ ત્રણ સંતાનોની વચ્ચે ઝોલા ખાતા પિતા જ લાગે છે. એ પોતાના દીકરાની વાત સાંભળી ઉદાસ થાય ત્યારે તેમની સાથે ખરેખર એવું બન્યું હોય એવું જ લાગે છે.
ત્રીજા નંબર પર કોઈ પાત્રને મૂકવું હોય તો જગજીતસિંહ વાઢેરને મૂકી શકાય. એને ભાવનગરી હોવાનો ફાયદો થયો છે. એણે જે માવા ઘસવાનો સીન કર્યો એ પ્રતીક ગાંધી એના જેવો ન કરી શકેત, કારણ કે વાઢેર ડિટ્ટો માવો ખાનારો લાગે છે. એના ભાગમાં ખૂબ ઓછું કામ આવ્યું છે. મોટાભાગનું કામ ગામના પાદરે ઝાડ નીચે બેસી જુગાર રમવાનું. એ વાતે વાતે જૂનાગઢને યાદ કર્યા કરે છે. પટકથામાં એ બરાબર લખ્યું છે. 1980નો વખત હતો જ્યારે જૂનાગઢમાં કોઈથી કાંઈ ન થતું તો બાવા બની જતાં. લોકેશન, વસ્ત્રો, સંવાદ આ બધું તો થઈ જાય, પણ મૂળ એ વખતની ઘટનાને પકડી એટલે સેલ્યુટ મારવું પડે. વિશાલ ઠક્કર જેણે વિઠ્ઠલના નાનપણનું પાત્ર ભજવ્યું છે એ સોશિયલ મીડિયા પર ચમકી ગયો છે. છોકરાંમાં ટેલેન્ટ છે. ભવિષ્યમાં અભિષેક જૈનની આ સૌથી મોટી ખોજ સાબિત થાય તેવી આશા રાખવી.
આ આખી સિરીઝની ઘટનાનો એક કિસ્સો આંખમાં ચોંટી ગયો છે. દશાબાપુના ડેલે જુગાર રમવા આવતો એક અજાણ્યો ભાઈ. જે વિઠ્ઠલનાં હાથે હારે છે. પાણીમાં જંપ લાવે છે. લોકો બહાર કાઢે છે અને વિઠ્ઠલ તેની પાસે તેના બહેનનાં લગ્ન માટે એકઠી કરેલી કમાણી છોડીને ચાલ્યો જાય છે.
આ આખી ઘટનામાં – હાર્યો જુગારી બમણું રમે એ વાત છુપાયેલી છે. પત્તા પીસવાની એક વખત લત્ત લાગી ગઈ પછી વાત થઈ પૂરી. આજે જીતીશું, કાલે જીતીશું, પરમ દિવસે જીતીશું… એમ કરતાં કરતાં કડકીના થઈ જઈએ.
વિઠ્ઠલ તીડી સારી છે, યાદગાર નથી. લોકપ્રિય છે, શિષ્ટની શ્રેણીમાં આવતી નથી. ઓહોના શ્રીગણેશ કરવામાં પ્રતિક અને અભિષેકનું એકઠું થવું, એ ઓહો માધ્યમને ઉપાડવા માટે પૂરતું હતું. આગામી સમયમાં ઓહો આવી કેટલી ફિલ્મો અને સિરીઝો આપે છે તે જોવાનું રહેશે. ખાસ અભિષેક જૈનને અભિનંદન કે તેણે ગુજરાતી સિનેમાપ્રેમીઓને તેનું પોતાનું આગવું ગુજરાતી પ્લેટફોર્મ આપ્યું. અભિષેક ન હોત તો આ થાત જ નહીં. અભિષેક સિવાય કોણ? તો કે કોઈ નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત