Homeસિનેમાવાદબાતો બાતો મેં: कहते सुनते बातों बातों में प्यार हो जाएगा

બાતો બાતો મેં: कहते सुनते बातों बातों में प्यार हो जाएगा

ઝાલાવાડી જલજીરા: રજનીગંધા, છોટી સી બાત, ચીત્તચોર, બાતો બાતો મેં, ખટ્ટા મીઠા, શૌકીન. આ તમામ ફિલ્મો ગમે છે. આધુનિક ફિલ્મ સર્જકને રિમેક બનાવવાનું સૂરાતન ચડે એવી ફિલ્મો છે. પણ આજકાલ એવી સાદાઈ ક્યાં છે? પાત્રોના અભિનયમાં એવી સહજતા ક્યાં શોધીશું? આજે લોકેશન ભલે વિકસ્યા પણ એ લોકેશનનો પરફેક્ટ એન્ગલ ક્યાંથી લાવીશું? ખટ્ટા મીઠા ને બાતો બાતો મેં, આ બંને ફિલ્મમાં પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો અંગે એમના પરિધાનો, એમની ચાલઢાલ, એમના લૂકથી જ ખબર પડી જાય. ચર્ચનો એક પણ સીન દર્શાવ્યા વિના! અને આ બંને ફિલ્મો પારસી અને ખ્રિસ્તી સંલગ્ન છે જ એવી આપણને કેવી રીતે ખબર પડે છે? લગ્ન માટે થતી વિધિ થકી.

બાસુની બાતો બાતો મેં ફિલ્મ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સુખદની સાથે દુ:ખદ અંત પણ લાવે છે. અમોલ પાલેકરની ફિલ્મોમાં અંત સુખદાયિની જ હોય એવું આપણે માનીએ છીએ. એ અમોલ પાલેકર માટે, બીજા પાત્ર માટે નહીં. બાતો બાતો મેંમાં નેન્સીને અનહદ પ્રેમ તો તેનો પાડોશી હેન્રી કરે છે, પણ એ એક તરફા પ્યાર છે. રાંઝણાના મુરારીના સંવાદનું સ્મરણ આવી જાય છે, ‘મોહલ્લે કે લોન્ડો કા પ્યાર અક્સર ડોક્ટર ઔર એન્જિનિયર ઉઠાલે જાતે હૈ!’ આ વાક્યને વર્ષો પહેલા બાસુ ચેટર્જીએ બાતો બાતો મેં ફિલ્મમાં સાર્થક કરી બતાવ્યું હતું.

પાડોશમાં રહેતો હોવા છતાં, ગમતીલી છોકરીને નજર સામે જોતા જ જેની હિંમતનો સ્વર્ગવાસ થઈ જાય એવો, છોકરીના મુખને જોવા તેના ભાઈ સાથે દોસ્તી કેળવતો, છોકરીની માતાને નાપસંદ અને તોપણ તેના ચહેરા પર સાચા પ્રેમનું સત્ય સતત ઝગમગતું રહે, એવા છોકરાઓ દેશની દરેક નુક્કડ પર સરકારી બસની જેમ મળી જતાં હોય છે. અફસોસ આવા છોકરાઓને સરકારી બસ તાત્કાલિક મળે છે, સરકારી નોકરી અને છોકરી નહીં!

ફિલ્મની શરૂઆત એક મૂંઝવણથી થાય છે. ક્રેડિટ સીન પડે છે અને અભિનેત્રી ટીના મુનીમ જે નેન્સી નામની નાયિકાનું પાત્ર ભજવી રહી છે તેનો ગુલાબની પાંખડીઓની જેમ કરમાયેલો ચહેરો દેખાય છે. તેનો ભાઈ હાથમાં વાયોલિન લઈ કર્કશ સંગીત વગાડી રહ્યો છે. તેની માતાનું પરાણે ગાયન એ વાયોલિન વાદનને વધારે ભયજનક બનાવે છે! બે ઘરનું વાતાવરણ એક સાથે દર્શાવી બાસુ ચેટર્જી પાત્રોનો પરિચય કરાવે છે. નેન્સી શા માટે મૂંઝાયેલી દેખાતી હતી એ પણ દિગ્દર્શકે ફિલ્મની ચાલીસ મિનિટ બાદ દર્શાવી દીધું. એટલે કે ટાંગેલી બંદૂકને ફોડી ખરાં.

આપણા માટે એ આશ્ચર્યનો મુદ્દો બની રહે છે કે 13 એપ્રિલ 1979માં રિલીઝ થયેલી ફિલ્મ તેના સમય કરતા આગળ રહી અને રૂઢીચુસ્તતાના કર્દમથી ખદબદી રહેલા સમાજમાં, આ બધું કેવી રીતે દેખાડી શકી? બાસુ ચેટર્જી માટે પણ આ દુવિધા જ હોવી જોઈએ? કદાચ એમણે હિન્દુ કે મુસ્લિમ પરિવારની જગ્યાએ ખ્રિસ્તી એટલા માટે જ પસંદ કર્યું હશે, કારણ કે તેઓ સમય કરતા આગળ હોય છે. અંગ્રેજી ફિલ્મોમાં તે સ્વતંત્રતા આપણને દેખાય છે. આપણો એ સમયનો સમાજ પણ જનસંખ્યા વધારતા વધારતા એવી દંભી વાતો કરતો જ હતો કે, ‘બાપ રે…. અંગ્રેજી ફિલ્મોમાં તો સાવેય ઉઘાડું ઉઘાડું બતાવે.’ આવું જ ખટ્ટા મીઠામાં પણ કર્યું, જ્યાં પારસી પરિવારમાં ઢળતી વયે બે પાત્રો લગ્ન કરે છે. બાતો બાતો મેંમાં મારિયા બનતી શોભીનીસિંહનું એક માત્ર એવું ઉત્કટ દૃશ્ય છે અને તેને આજના ઉલ્લુ વેબ સિરીઝના જમાના પ્રમાણે ઉત્કટ તો બિલકુલ ન કહેવાય. પસંદગીનો કુંવર! આ વાત જ ફિલ્મમાં કેન્દ્રસ્થાને છે. અને ફિલ્મને સમય કરતા આગળ લઈ જાય છે. નેન્સી અને ટોનીનું મિલન નેન્સીના અંકલ ટોમે કરાવ્યું છે. મારિયા છોકરાઓ ફેરવવામાં માને છે. બાકી ઘરમાં વારંવાર વાવાઝોડું બની ત્રાટકતી લીલા મિશ્રાનો ઉદ્દેશ્ય તો ફિલ્મ જોનારાઓને ખ્યાલ જ છે.

આ ફિલ્મમાં એ સમયની બેરોજગારી અને કમાણીની સમસ્યા પણ દેખાશે. ત્રણસો રૂપિયા જેટલો પગાર ધરાવતો છોકરો છોકરી સાથે લગ્ન કરે એ પરવડે નહીં. ઉપરથી સ્ત્રી સમાનતાની નહીં પણ સ્ત્રીની આધુનિકતાની વાત કરતી આ ફિલ્મમાં હીરો અમોલ પાલેકર કરતા હિરોઈન ટીના મુનીમ વધારે કમાય છે. પૂરાં સાતસો રૂપિયા. ભાવિ સાસુને પસંદ નથી કે જમાઈ ફક્ત ત્રણસો કમાઈ એટલે જમાઈ જ્યારે તેમને થોડા મહિનાઓમાં એક હજાર થઈ જશેની વાત ઉચ્ચારે છે ત્યારે તેમના ચહેરા પર હરખ વર્તાય છે. હવે પ્રેમ મોટો કે પૈસો?

દર્શક તરીકે અને તર્ક લગાવતા આપણું મન કહે કે ફિલ્મમાં મોટી ભૂલ થઈ ગઈ છે. જે અમોલ પાલેકર ઘરની પ્રથમ મુલાકાતમાં કહે છે કોફી પસંદ નથી તે બીજી મુલાકાતમાં કોફી પીવાનું કહે છે. બેઉંમાં તફાવત છે. કોઈના ઘરે પહેલી વખત મુલાકાત લઈએ ત્યારે સહજ રીતે ‘ના’ પાડવી એ આપણો રિવાજ છે. કોઈ ધાર્મિક ગ્રંથમાં આવું લખેલું નથી, છતાં આપણે કહીએ છીએ. બીજી વખત તો સામે સ્ત્રી છે. પ્રેમિકા. પીતા ન હોય તોપણ પીવડાવવી પડે.   

ધ્યાનથી નિરીક્ષણ કરતા જ્યાં જ્યાં અભિનેતા રણજીત ચૌધરી ઉર્ફ સૈબ્બી પરેરા વાયોલિન પ્લે કરે છે ત્યાં ત્યાં હાસ્ય અને કરુણ પ્રકારનો પ્રસંગ સર્જાય છે. એ વાયોલિન માત્ર હસાવવા પૂરતું નથી કે સૈબ્બીની મજાક ઉડાવવાની વસ્તુ નથી. એનું પાત્ર જ સંગીતનું સર્જન કરવા માટે છે. ખાસ કેટલીક જગ્યાએ બેકગ્રાઊન્ડનું. અભિનય મારી મચડીને કરવામાં કે કરાવવામાં નથી આવ્યો. એ કોઈ પાડોશમાં બનેલી ઘટનાની જેમ નિતાંત ચાલ્યો જાય છે. આનંદ આપવાનું કર્મ કર્યે જાય છે. સાવ નાની વાત છે પણ તેનું સ્વરૂપ મોટું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments