Homeતાપણુંહાર્દિક પટેલનો જોરદાર વિરોધ, 'જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય',...

હાર્દિક પટેલનો જોરદાર વિરોધ, ‘જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય’, ‘હાર્દિક જાય છે’ના બેનર લાગ્યા

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આવતીકાલે મતદાન યોજાશે. એ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક જાય છે, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો દ્વારા સમાજના ગદ્દાર હાર્દિક પટેલનો વિરમગામમાં વિરોધ કરવામાં આવશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલાં વિરમગામની અંદર હાર્દિક પટેલ વિરુદ્ધમાં સૂત્રો લખેલાં બેનરો લગાવવામાં આવ્યાં છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડિયાએ થોડા દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરી અને જે ઓબીસીની મુખ્ય માંગણી હતી તેની જગ્યાએ 10% ઈબીસીની લોલીપોપ પકડાવી અને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે જે ખોટી છે. લાખો પાટીદાર યુવાનો રોડ ઉપર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા.

હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ લીધી છે, આજે પણ અનેક યુવાનો કોર્ટ-કચેરીના ધક્કા ખાય છે. હાર્દિકે આશરે 200થી 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે અને હવે પોતે દિલ્હીથી સોલિસિટર અને ઊંચી ફી આપી વકીલો પાસે પોતાની અલગ ચાર્જશીટ બનાવડાવી પોતે કેસમાંથી નીકળવાની વાત કરે છે. ત્યારે અમે હાર્દિક પટેલનો ખુલ્લો વિરોધ કરીશું. વિરમગામમાં જઈ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ગદ્દાર છે. કારણ કે હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે કમિટમેન્ટ કર્યું હતું કે બે મહિનામાં હું 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ.

હાર્દિક પટેલ લોભ લાલચ અને હોદ્દા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે અને તેણે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ પરંતુ તેણે એક પણ કામ કર્યું નથી. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોઈ મિટિંગ નથી બોલાવી અને કહ્યું નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. હાર્દિક પટેલ ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં આવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો વિરોધ ભાજપની સામે જ હોય કારણ કે તેણે પાટીદાર સમાજની મા, બેન, દીકરીઓ સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું છે. લાખો દીકરા ઉપર ખોટા કેસ કરી અને જેલમાં નાખ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કરી અને પોતાના લોભ લાલચ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.

ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા લલિત કગથરા, લલિત વસોયા હોય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે તેની સાથે અમારે કોઈ નિસબત નથી. તેઓ જીતે એવા અભિનંદન કારણ કે તેઓ સમાજની માટે લડત લડી રહ્યા છે. પાટીદાર સમાજ પર જે પાર્ટીએ અત્યાચાર કર્યો છે તેમની સામે તેઓ લડી રહ્યા છે. તેઓએ શરણાગતિ નથી સ્વીકારી પરંતુ તેઓ લડત લડી રહ્યા છે અને આ લડતવીરોને અમારું સમર્થન છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો અને અમારા દસ યુવાનોનો ભોગ લીધો છે, માટે ભાજપ સામે અમારો વિરોધ છે અને જ્યાં સુધી ન્યાયિક લડત લડાશે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments