Presentation-Team Chabuk-Creative Desk: ગોમાયુ નામનું એક શિયાળ જંગલમાં ભૂખ્યું તરસ્યું ભાટકતું હતું. રખડતાં રખડતાં એ એક યુદ્ધના મેદાનમાં પહોંચી ગયું. જ્યાં બે સૈન્યો વચ્ચે યુદ્ધ શાંત પડી ગયું હતું. યુદ્ધના એ મેદાનમાં વચ્ચોવચ્ચ અલમસ્ત ઢોલ પડ્યો હતો. ઢોલની આસપાસ રહેલી ઝાડની શાખાઓ હવાથી તેના પર પ્રહાર કરતી હતી અને ઢોલ ધ્રજબાંગ…. ધ્રજબાંગ…. ધ્રજબાંગ…. ધ્રજબાંગ…. ધ્વનિ કાઢતો હતો.
ઢોલમાંથી આવતો આ અગોચર અવાજ સાંભળીને ગોમાયુ તો ડરી ગયો. ગોમાયુએ મનમાં વિચાર્યું – આ ભયાનક અવાજ કરનારું જાનવર મને પેટમાં પધરાવી જાય એ પહેલા મારે અહીંથી ભાગી છૂટવું જોઈએ. એ ભાગતું જ હતું કે ત્યાં બીજો વિચાર પનપ્યો કે, ભય કે આનન્દના ઉદ્વેગથી કોઈ કામ ન કરવું જોઈએ. સૌ પ્રથમ તો ભયનું કારણ તપાસવું જોઈએ.
આ ખ્યાલને મનમાં પકાવતો એ મંથર ગતિએ ઢોલની સમીપ જવા લાગ્યો. નજીક જતાં એણે જોયું અને જાણ્યું કે વૃક્ષની શાખાઓ તેના પર પડી અવાજ કરી રહી હતી. ગોમાયુએ પોતાનો પગ માર્યો તોપણ એમાંથી એવો જ અવાજ આવતો હતો. ગોમાયુએ વિચાર્યું કે, કેવું ભલું જાનવર છે. હું હાથ મારું છું તોપણ કંઈ નથી કરતું. આ જાવનરને તો કેટલાય સમય સુધી ખાઈ શકાશે. જોતો ખરી, કેવું તગડુ દેખાય છે, લોહી અને માંસ પણ વધારે હશે.
ગોમાયુએ જોરથી દાંત ઢોલ ઉપર માર્યા અને આગળના બે તીક્ષ્ણ દાંત નીચે પડી ગયાં. ગોમાયુના મોઢામાંથી લોહી વહેલા લાગ્યું, પણ એ પાછળ હટવા નહોતું માગતું. એણે ખૂબ પ્રયાસ કર્યો ત્યારે ઢોલ ફાટ્યું અને અંદર જોયું તો કંઈ હાથમાં ન આવ્યું. એમાં લોહી, માંસ કાંઈ હતું જ નહીં.
*******
‘એટલે હું કઉં છું મહારાજ કે માત્ર શબ્દોથી ભયભીત ન થાવ.’
દમનકની આ વાર્તા પર પિંગલકે કહ્યું, ‘મારા તો બધા સાથીઓ એ અવાજથી ભયભીત થઈ અહીંથી ભાગી નીકળવાનું વિચારી રહ્યા છે. એમને કઈ રીતે રોકુ?’
દમનકે જણાવ્યું, ‘મહારાજ એમાં એમનો કોઈ વાંક નથી. સેવક હંમેશાં એના માલિકનું જ અનુકરણ કરતો હોય છે. એ જ તો સંસારનો પરાપૂર્વથી ચાલ્યો આવતો નિયમ છે. થોડો સમય પ્રતીક્ષા કરો, ધીરજ ધરો, પછી જુઓ. હું હમણાં જ આ શબ્દનું સ્વરૂપ જોઈને આવું છું, ત્યાં સુધી તમે સાહસથી કામ લો.’
પિંગલકે દમનકની વીરતા પર કહ્યું, ‘તું ત્યાં જવાનું સાહસ કેવી રીતે કરી શકે છે? મને તો અવાજ માત્રથી જ કંપારી છૂટી જાય છે.’
દમનકે કહ્યું, ‘માલિકના આદેશનું પાલન કરવું એ જ તો સેવકનું કર્તવ્ય હોય છે. તમે કહો, તો આગમાં કૂદી જાઉં. સમુદ્રમાં તરાપ મારી જાઉં. અને આ? આ તો એક સામાન્ય અવાજ છે.’
પિંગલકે કહ્યું, ‘દમનક તો તું જા, જા અને એ શબ્દની ઓળખ પ્રાપ્ત કરી અહીં લાવ. તારા માર્ગમાં કોઈ અડચણ ન આવે અને તું તારા ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરે તેવા હું આશિર્વાદ આપું છું.’
દમનકે મહરાજા પિંગલકને પ્રણામ કર્યા અને યમુના નદીની દિશા બાજુ નીકળી પડ્યો. દમનકના ગયા પછી પિંગલક વિચારમાં સરી પડ્યો, ‘મારે દમનકને બધી વાત કહેવાની જરૂર નહોતી. એ ક્યાંક આ વાત જાણી બીજા પક્ષની સાથે ભાઈબંધી કરી મળી જાય અને મારા પર આક્રમણ કરવાનું વિચારી લીધું તો? હા, મારે દમનકનો ભરોસો નહોતો કરવો જોઈતો. આ તો પદચ્યુત છે. એનો બાપ મારો પ્રધાન હતો. એક વખત સન્માનિત થઈને અપમાનિત થયેલો સેવક વિશ્વાસપાત્ર નથી હોતો. એ જીવનપર્યંત: પોતાના અપમાનનો બદલો લેવાની આગમાં સળગ્યા કરે છે. હું કોઈ બીજા સ્થાને જઈ દમનકની પ્રતીક્ષા કરું છું.’
પિંગલક દમનક શું કરે છે એ જોવા બીજા રસ્તે ચાલ્યો ગયો. દમનક જ્યારે અવાજની દિશાનો પીછો કરતો પહોંચ્યો અને બળદ સંજીવકને જોયો તો તેના જીવમાં જીવ આવ્યો કે, હાશશશ, બીજું કોઈ ભયંકર જાનવર છે નહીં. દમનકના મનમાં ખૂરાફાતિ વિચાર આવ્યો કે હું સન્ધિ વિગ્રહથી મહારાજ પિંગલકને વશમાં કરી શકું છું. મુસીબતમાં ફસાયેલો રાજા જ મંત્રીઓના વશમાં હોય છે.
એ પાછો પિંગલકને મળવા માટે ચાલ્યો ગયો.
પિંગલકે દમનકને સજીવન આવતો જોયો અને પૂછ્યું, ‘દમનક તે એ જાનવરને જોયું?’
દમનકે નિરાશ અને થોડા ડરતાં ડરતાં ભાવે કહ્યું, ‘હા, મહારાજ.’
‘ખરેખર?’
‘હા.’ દમનકે પિંગલકને ફરી કહ્યું, ‘માલિકની સામે હું થોડો ખોટું બોલું, હું તો આપની પૂજા કરું છું.’
‘તો તો તે જોયું જ હોય.’ પિંગલકે કહ્યું, ‘તને ન જ મારે, કારણ કે મહાન વ્યક્તિ તો મહાન શત્રુ પર જ પરાક્રમ દેખાડે છે. સાવ… ફોફા જેવા નબળા ઉપર નહીં. તોફાન મહાકાય વૃક્ષોને જ જમીનદોસ્ત કરી દે છે, નાના છોડવાઓને નહીં.’
દમનકે કહ્યું, ‘લ્યો તયે હું તો નબળો, ફોફા જેવો, પણ જો તમારી આજ્ઞા હોય તો હું એ મહાપરાક્રમીને પણ તમારો પરમ સેવક બનાવી દઉં! શું કહો છો?’
‘કેવી રીતે?’ ઊંડો શ્વાસ લેતા પિંગલક તેના આસન પરથી સફાળો ઊભો થઈ ગયો.
દમનકે કહ્યું, ‘બુદ્ધિના બળ ઉપર તો ભલભલા ઘૂંટણીયે પડી જાય માલિક.’
પિંગલક દમનકની વાત પર ઓળઘોળ થઈ ગયો, ‘આજથી તું મારો પ્રધાનમંત્રી, મારા રાજ્યમાં ઈનામ આપવા અને દણ્ડ દેવાનો અધિકાર તારો છે.’
પિંગલક પાસેથી આ વાત સાંભળ્યા પછી દમનક પહોંચી ગયો બળદ સંજીવક પાસે, ‘એય ડોબા સંજીવક, ચાલ મારા માલિક તને બોલાવે છે.’
‘કોણ માલિક?’ સંજીવકે પૂછ્યું.
‘પિંગલક…’ દમનકે કહ્યું.
‘એ કોણ?’ આશ્ચર્ય સાથે સંજીવકે પૂછ્યું.
‘મહારાજા પિંગલક સિંહ, જેનાથી આ આખું વન થરથર કાંપે છે.’
દમનકની વાત સાંભળ્યા પછી તો સંજીવકના ટાંટીયા ધ્રૂજવા લાગ્યાં. એણે ડરતાં ડરતાં કહ્યું, ‘મિત્ર, હું ત્યાં આવીશ, પણ પહેલા તારા મહારાજ પાસેથી મારા માટે અભય વચન લઈ લે.’
‘વાત તો તારી સાચી છે, હું હમણાં આવું.’ કહેતો દમનક પિંગલક પાસે ઉપડ્યો.
પિંગલક પાસે જઈ કહે, ‘મહારાજ એ કોઈ સામાન્ય બળદ નથી. સ્વયં પ્રભુએ તેને યમુના નદીના ઘાટ પર પાણીમાં તરવા અને લીલું ઘાસ ખાવા માટે મોકલ્યો છે. આ વાત એણે ખૂદ મને કહી.’
પિંગલકે ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતાં કહ્યું, ‘તારી અને એની પણ વાત સાચી દમનક, કોઈ પ્રભુએ મોકલેલું જાનવર જ આટલું સાહસી હોય, નહીં તો મહારાજા પિંગલકના જંગલમાં આવી રીતે સ્વતંત્ર કેમ ઘુમી શકે? એ પણ ભયમૂક્ત થઈને? જેની ગર્જના મને ડાલા માથાને ડરાવી દે. પછી તે શું કર્યું દમનક?’
‘મેં તો કહ્યું મહારાજ કે અહીં ચાંમુડા માતાનું વાહન સિંહ રહે છે. તું પણ તેનો મહેમાન બન. આનન્દ કર અને ઘાસ ચર, એ તારું સ્વાગત કરશે. દયાળું છે અમારા માલિક.’
‘પછી એણે શું કહ્યું દમનક?’
‘એણે વાત માની લીધી અને કહ્યું કે, તારા સ્વામી પાસેથી અભય વચન લઈ આવ તો હું તેની રાજસભામાં આવીશ. તારો સ્વામી જે ઈચ્છે એ હું કરીશ.’
‘ખૂબ સરસ દમનક, ખૂબ સરસ… અતિ ઉત્તમ કાર્ય કર્યું તે. હવે તું તેને અભય વચન આપી મારી રાજસભામાં લઈ જ આવ.’
મનમાં વિચારતો દમનક ઉપડ્યો કે આજે તો મારો દિવસ બની ગયો, સ્વામી તો ખરેખર મારાથી અતિ પ્રસન્ન છે.
દમનકે સંજીવકને કહ્યું, ‘મારા સ્વામી અભય વચન આપવા માટે તૈયાર થઈ ગયા છે, પણ ત્યાં જઈ છકી ન જતો, મિત્રતાનો સંબંધ નિભાવજે. હુંય તારા સંકેતથી રાજ્ય ચલાવીશ. આપણે બેઉં ભેગા થઈને રાજલક્ષ્મીનો ભોગ કરીશું.’
પિંગલકે સંજીવકનું સ્વાગત કર્યું. તેને હર હંમેશ તેની સાથે રહેવાનું કહ્યું. વનમાં હવે દમનક અને કરટક શાસન ચલાવતા હતા, જ્યારે પિંગલક અને સંજીવક રખડ્યા કરતા હતા. જેની સાથે રહીએ એવા થઈએ. સંજીવકની સાથે રહી રહી પિંગલક તેના જેવો થતો જઈ રહ્યો હતો. મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે પિંગલકે સંજીવક સિવાયના તમામ જાનવરોની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. દમનક અને કરટકની એક નહોતી ચાલતી.
સંજીવક સાથેની મિત્રતાના કારણે પિંગલકે શિકાર પણ ઓછો કરી દીધો. દમનક અને કરટક માટે આ મોટી વ્યાધી પેદા થઈ. એ તો પિંગલકે કરેલા શિકાર પર જ પેટ ભરતા હતા. ઉછીનું ભોજન ન મળતા તેમનો દેહ ગળવા લાગ્યો. તે આ ઉપાધિમાંથી નીકળવાનો રસ્તો વિચારવા લાગ્યા.
દમનકે કરટકને કહ્યું, ‘ભાઈ, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. રાજાની સંજીવક સાથે ભેટ શું કરાવી, એ તો આપણને ભાવ જ નથી આપતો.’
‘ભૂલ તો તારી જ છે. તે જ બેઉંની મિત્રતા કરાવી હતી, હવે તું જ બંન્નેને છૂટા કરવાનો કોઈ ઉપાય ખોજ. એવો ઉપાય કે આ બંને મિત્ર શત્રુ થઈ જાય.’ કરટકે ઊંચા અવાજે કહ્યું.
દમનકે દાંત કચકચાવીને કહ્યું, ‘મેં જ ભેગા કર્યા હવે હું જ છુટ્ટા પાડીશ.’
‘ધ્યાન રાખજે ક્યાંક છૂટા પાડવામાં તારું કલ્યાણ ન થઈ જાય.’ કરટકે ચેતવ્યો.
‘હું કાંઈ કાચો ખેલાડી નથી. મને બધું આવડે છે.’
‘સંજીવક પણ બુદ્ધિશાળી છે મિત્ર દમનક.’
‘હું તેના કરતાં પણ બુદ્ધિશાળી છું. શસ્ત્ર કરતા બુદ્ધિ ચડિયાતી હોય છે મિત્ર કરટક. જેવી રીતે સોનાની માળાથી કાગડાની પત્નીએ સાંપને મરાવ્યો હતો.’
કરટકે પૂછ્યું, ‘એ કેવી રીતે?’
દમનકે કહ્યું, ‘લે, સાંભળ.’
(ક્રમશ:)
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત