Presentation-Team Chabuk-Creative Desk: મહિલારોપ્ય નામના નગરમાં વર્ધમાન નામનો એક વાણીયાનો દીકરો રહેતો હતો. તેણે એવું ભેજું દોડાવ્યું કે ખોબલે ને ખોબલે ધન એકઠું કરી લીધું. ઘરમાં કોઠિયું અને ભંડકિયા ભરી લીધા. ધન એટલું કે આખું ગામ ખરીદી લે, પણ વાણીયાના દીકરાને સંતોષ નામની જરાય વસ્તુ નહીં. જેટલું ધન એકઠું કરે ઓછું જ લાગે. ઓછું જ લાગે. હજુ વધારે ધન કમાવવાની લાલસા ઉત્પન્ન થઈ.
ધન ભેગા કરવાના છ જ ઉપાયો છે. ભીખ, રાજસેવા, ખેતી વિદ્યા, સૂદ અને વેપાર. જેમાં સૌથી સારું સાધન વેપારનું છે. વેપારના પણ ઘણા પ્રકાર છે. એમાં ઉત્તમ પ્રકાર છે પરદેશથી વસ્તુઓનો સંગ્રહ કરી દેશમાં વેચવી. વધારે રૂપિયા કમાવાની લાલસામાં વર્ધમાને પરદેશમાંથી વસ્તુઓ ખરીદી અને સંગ્રહ કરી દેશમાં વેચવાનો નિર્ણય કર્યો. આ માટે નગરની બહાર જવું પડે. વર્ધમાન આ માટે પણ તૈયાર હતો. મથુરા જવાના માર્ગ માટે તેણે પોતાનો રથ તૈયાર કર્યો. રથમાં આગળ શરીરથી ખડતલ અને સિંહને ઊભી પૂંછડીયે ભગાડી દે તેવા બે બળદ હતા. એક બળદનું નામ સંજીવક અને બીજાનું નામ નન્દક.
વર્ધમાનનો રથ જ્યારે યમુના નદીના કિનારે પહોંચ્યો તો સંજીવક નામનો બળદ કીચડમાં ફસાઈ ગયો. નીકળવા માટે ધમપછાડા કરવા લાગ્યો પણ નીકળી ન શકે. નીકળવાની ઉત્તેજનામાં ને ઉત્તેજનામાં તેનો એક પગ ભાંગી ગયો. બળદનો ટાંટીયો ભાંગી ગયો છે એ જોઈ વર્ધમાન તો દુ:ખી દુ:ખી થઈ ગયો. બે દિવસ અને ત્રણ રાત સુધી તેણે બળદના સ્વસ્થ થવાની પ્રતીક્ષા કરી.
સારથીથી ન રહેવાયું, તેણે પોતાના માલિક વર્ધમાનને શિખામણ આપતાં કહ્યું, ‘માલિક, જંગલ ગીચ છે. જંગલી જાનવરોનો ખતરો છે. બચવાની કોઈ આશા દેખાઈ રહી નથી. સંજીવક સાજો અને તાજોમાજો થાય એમાં તો ઘણો સમય નીકળી જશે. આ બળદ માટે પોતાના જીવનને મૃત્યુના મોઢામાં શું કામે નાખવા ઈચ્છો છો?’
વર્ધમાનને પણ સારથીની વાત યોગ્ય લાગી. વર્ધમાને તેના કેટલાક રક્ષકો સંજીવકની સેવામાં લગાવી દીધા, જેથી સંજીવકને ઉની આંચ ન આવે અને આગળ નીકળી ગયો. રક્ષકો નીકળ્યા બીકણા. રાતમાં સિંહ અને દીપડાની ગર્જના અને તમારાના અવાજ માત્રથી બે દિવસમાં ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા.
રક્ષકો વર્ધમાન સામે જઈ મગરના આંસુ સારતા બોલ્યા, ‘માલિક સંજીવક તો ભગવાનને પ્યારો થઈ ગયો. બીચારો બળદ! કેટલો સારો હતો… કેટલો હુષ્ટપુષ્ટ…. ને કેટલો દેખાવડો… તેની આત્માને શાંતિ મળે એટલે અમે અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા.’
વર્ધમાન રક્ષકોની વાત સાંભળી દુ:ખી દુ:ખી થઈ ગયો. હવે બીજો રસ્તો ક્યાં હતો? થવાનું હતું એ તો થઈ ગયું. સારથી અને રક્ષકોએ માલિક વર્ધમાનને દુ:ખમાંથી ઉગારવા માટે કંઈ કેટલાય શુભ શુભ વેણ કહ્યા.
આ બાજુ યમુના નદીના તટમાંથી આવતી શીતળ હવાની લહેરખીઓએ સંજીવકને ઊભો કરી દીધો. એ તો જંગલની હવા અને યમુના નદીના તટમાં ઉગતું મુલાયમ ઘાસ ખાઈ ખાઈને તગડો થઈ ગયો. એનું શરીર તો ઔર નિરખી પડ્યું. સિંહને શિંગડું મારે તો ભોંય ચાટતો કરી દે એવો બળશાળી થઈ ગયો. ખાઈ ખાઈ ને જંગલમાં રહેતા રહેતા એનો અવાજ એટલો પહાડી થઈ ગયો કે છુપાઈને કાઢે તો ગમે એવો શેરખાં જાનવર ઢીલોપોચો થઈ જાય. આખો દિવસ બસ ખાવું, યમુના નદીનું પાણી પીવું અને આસાપસ રહેલી ગીચ ઝાડીઓમાં પોતાના શિંગડા નાખી માથું ખંજવાળવું.
એક દિવસની વાત છે. યમુના નદીના કિનારે પિંગલક નામનો સિંહ પાણી પીવા માટે આવ્યો. એણે આઘેથી સંજીવકની ગંભીર રાડ સાંભળી. આટલી ઊંચી અને બીવડાવી દેતી રાડ સાંભળીને ભયભીત થતાં એ ઝાડીઓમાં પાણી પીધા વિનાનો જ છૂપાઈ ગયો.
સિંહની સાથે બે શિયાળ હતા. એકનું નામ કરટક અને બીજાનું નામ દમનક. બેઉં સિંહની આગળ પાછળ જ રહેતા હતા. જ્યારે સર્વશક્તિમાન માલિકની આ સ્થિતિ જોઈ તો પહેલા બંનેને વિશ્વાસ જ ન આવ્યો. આશ્ચર્યચકિત્ત થઈ ગયા. આજ સુધી તો કોઈ દિવસ તેમણે માલિક પિંગલકની આવી સ્થિતિ જોઈ નહોતી.
દમનકે પોતાના ભાઈબંધ કરટકને પૂછ્યું, ‘મિત્ર, આપણો માલિક તો વગડાનો રાજા છે. જંગલનું એક એક જાનવર તેનાથી ડરે છે અને આજ એની જ આવી હાલત? આટલી તરસ લાગી હતી છતાં તે યમુના નદીના તટ પાસે જઈ પાણી પીધા વિનાનો પાછો ફરી ગયો. આ ભયનું કારણ શું?’
કરટકે કહ્યું, ‘દમનક! કારણ કંઈ પણ હોય, આપણે શું ? બીજાની વાતમાં હસ્તક્ષેપ કરવું ઠીક નથી. જે આવું કરે છે, તે એ વાંદરાની જેમ જ પીડાદાયક મોતને ભેટ છે, જેણે બીજાઓનાં કામમાં કુતુહલવશ વ્યર્થ હસ્તક્ષેપ કર્યો હતો.
દમનકે પૂછ્યું, ‘એ વળી કઈ વાત?’
કરટકે કહ્યું, ‘સાંભળ…’
(ક્રમશ:)
તાજેતાજો ઘાણજો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત