Team Chabuk-Literature: નિબંધમાં જે મોકળાશ રહેલી છે એવી સાહિત્યના અન્ય કોઈ પ્રકારમાં નથી રહેલી. આપણા સાહિત્યકારો પણ નિબંધમાં જેવા ખીલે છે તેવા ભાગ્યે જ અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ખીલ્યા હશે. ભલે એમની હથોટી હોય. ભલે એમને પુરસ્કાર મળ્યા હોય. ભલે એમની વાચકો દ્વારા ખૂબ જ સરાહના થઈ હોય.
સુરેશ જોષીના નિબંધો, દિગીશ મહેતા, ઉમાશંકર જોશી, કાકા સાહેબ કાલેલકર, મહેન્દ્રસિંહ પરમાર અને હમણાં જ જે બે નિબંધ સંગ્રહોની પ્રશંસા કરતા ભાવકો થાકતા નથી તે મારો અસબાબ અને બનારસ ડાયરી સહિતના નામ લઈએ તેટલા ઓછા છે. સર્જકને એ નિબંધ ન રચે ત્યાં સુધી અઘૂરો જ લેખવો. અને એ નિબંધ રચશે જ. વહેલા કે મોડા. અખબારોના કેટલાક તંત્રી લેખોમાં પણ ઘણી વખત લલિત નિબંધની ઝલક જોવા મળી જાય છે. ખાસ ગુજરાત સમાચારના તંત્રી લેખમાં. જે અનુભવી કલમાર્થી દિલીપ ભટ્ટ લખે છે.
આ નિબંધમાં આજે ચરિત્ર નિબંધોની વાત કરવી છે. ચરિત્ર નિબંધોને બીજા શબ્દમાં રેખાચિત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવાય Pen Portraits. જેમાં એક પાતળી ભેદરેખા રહેલી છે. કેટલાક ચરિત્ર નિબંધો એ કક્ષાના હોય છે કે વિવેચકો તેને વાર્તામાં ખપાવી દે છે. તેનું કથાવસ્તુ અને ઘાટ એ પ્રકારે ઘડાયું હોય કે આપણને લાગે આ વાર્તા જ હોવી જોઈએ. જોકે રેખાચિત્ર તો કોઈના જીવનનો લેખકનાં જીવનમાં પડેલો પડઘો હોય છે. એ જોરથી પડે છે અને શાંત થઈ જાય છે. લેખકે ખૂદ તેને પકડવો પડે છે. જો નથી પકડતો, તો તે બે વખત અવાજ કરી ચાલ્યો જાય છે. પછી પાછો નથી ફરતો.
ચરિત્ર નિબંધ જેની બીજી ઓળખ રેખાચિત્ર છે તે લખનારાઓની સંખ્યા પણ ઓછી છે. આખેઆખા સંગ્રહો લખ્યા હોય તેમાં વિનોદ ભટ્ટ, અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ અને જોસેફ મેકવાનના નામને યાદ કરવા પડે. અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટે નામરૂપમાં જે ચરિત્રો આલેખ્યા છે તે બાદમાં રેખાચિત્રો ઘડવાનું એક કોષ્ટક બની ગયું. માળખું બની ગયું.
અનિરૂદ્ધ તેમના ચરિત્રોમાં પાત્રને ઉપસાવે. કોઈ કસાયેલા વાર્તાકારે જેમ માનવ શરીરનું એકડે એકથી નિરીક્ષણ કર્યું હોય તેમ આપણી સામે પ્રસ્તુત કરે. અને પછી તેની સાથે થયેલા અનુભવને આપણી સામે રાખે. એક પણ અનુભવ નબળો ન હોય. વિનોદ ભટ્ટના વિશિષ્ટ શૈલીમાં લખાયેલા ચરિત્રો હસાવે. આનાથી ઉલટું જોસેફ મેકવાનનું, જેમનું એક એક ચરિત્ર આપણને રડાવતું જાય.
જોસેફ મેકવાનથી એક વાત યાદ આવી. એમની પન્નાભાભી નામની વાર્તા છે. એ હકીકતે ચરિત્ર નિબંધ હતો, પણ ઉમાશંકર અને દર્શક સહિતના વિદ્રાનોએ તેને વાર્તા ગણાવી. જેથી બાદમાં તે પન્નાભાભી નામના વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ થઈ. આ વાતનો પન્નાભાભી પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક જોસેફ મેકવાને ખૂદ ઉલ્લેખ કરેલો છે.
જેમ આત્મકથાઓમાં જે તે વ્યક્તિનું આખેઆખું જીવન સમાયેલું હોય છે તેનાથી વિપરિત ચરિત્ર નિબંધમાં લેખક પોતાને થયેલા જે તે વ્યક્તિ સાથેના કેટલાક સંઘર્ષમય કે પછી કેટલાક વિનોદી અનુભવો કાગળમાં ઉતાર્યા હોય છે.
આવા બે ઊચ્ચકક્ષાના સંપાદિત કરેલા ચરિત્ર સંગ્રહો આપણી સામે છે. બંને સાહિત્યકાર મણિલાલ.હ.પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. મણિલાલજીનું નામ આવ્યું છે તો કહી દઉં કે હાલમાં તેઓ ફરી સમાચારમાં છે. એકત્ર ફાઉન્ડેશનમાં તેમણે ગુજરાતી સાહિત્યના અત્યાર સુધીના શ્રેષ્ઠ નિબંધ સંગ્રહો સંપાદિત કર્યા છે. વાંચજો અને અભ્યાસ કરજો. આ પહેલા મણિલાલ.હ.પટેલે જ ગોવાલણીથી 2018 સુધીની ગુજરાતી વાર્તાઓ પણ એ જ પ્લેટફોર્મ પર સંપાદિત કરી મૂકેલી હતી.
મણિલાલજીનો મને પ્રથમ પરિચય થયો પીટીસી થયેલી વહુ નામની વાર્તાથી. એક સર્જકે તમારા સુધી પહોંચવા કેટલો સંઘર્ષ કરવો પડે. મને મણિલાલજી ખૂબ મોડા સાંપડ્યા. મેં એમના સંપાદિત કરેલા સંગ્રહો વાંચ્યા છે. તેઓ વાર્તાનું જેટલું સરસ સંપાદન કરી જાણે છે એટલું જ સરસ તેમણે ચરિત્ર નિબંધોનું એ પણ બે વખત સંપાદન કર્યું છે.
પહેલું સંપાદન તેમનું આર.આર.શેઠ પ્રકાશનના પુસ્તક અમર રેખાચિત્રો અસ્તિત્વની ઓળખનો અરિસોમાં છે. છવ્વીસ રેખાચિત્રો છે. રેખાચિત્રોની બાંધણી કેવી હોય. એ કેવી રીતે ઘડાય. ગુજરાતી સાહિત્યના અનેક સર્જકોએ પોત પોતાની રીતે પોત પોતાની શૈલીથી રેખાચિત્રોને ઘાટ આપ્યો છે. દરેક ચરિત્ર એક અલગ અસર છોડી જાય છે. આ સિવાય મણિલાલજીએ પ્રશિષ્ટ ગુજરાતી રેખાચિત્રો નામના પુસ્તકમાં પણ કેટલાક અલગ રેખાચિત્રો સંપાદિત કર્યા છે. બે રેખાચિત્રોનાં પુસ્તકો સંપાદિત કર્યા હોવા છતાં બેઉમાં અલગ અલગ રેખાચિત્રો છે. અહીં સ્વામી આનંદ અને અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટનાં ચરિત્રો વાંચ્યા પછી મગજમાંથી ખસવાનું નામ નથી લેતા.
કેટલાક ખ્યાતનામ પુરુષો પર ચરિત્ર નિબંધો લખવામાં આવ્યા છે. એ એટલી અસર નથી ઉપજાવતા જેટલી સામાન્ય લોકો પર લખાયેલા ચરિત્રો ઉપજાવે છે. ધબકતા માણસમાં રસ હોય તો આ બેઉં ચરિત્ર સંગ્રહો વાંચવા. વાંચવા સિવાય તેનો પૂરતો અભ્યાસ પણ કરી શકશો, કારણ કે આ બેઉં પુસ્તકમાં સંપાદકે રેખાચિત્ર કેવું હોય ? એ કેવી રીતે લખાય ? તેની આખી બનાવટ કેવી રીતે હોય ? વાર્તાથી તે કેવી રીતે અલગ પડે ? આ તમામ વાતો મૂકી છે. નિબંધોમાં જો કોઈ સૌથી શ્રેષ્ઠ હોય તો એ ચરિત્ર નિબંધ ઉર્ફ રેખા ચિત્રો છે. કોઈના અસ્તિત્વની ઓળખનો એ અરિસો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત