Homeસાહિત્યલોકો મને ઘણીવાર પૂછે છે કે હું વાર્તા કેવી રીતે લખું છું?...

લોકો મને ઘણીવાર પૂછે છે કે હું વાર્તા કેવી રીતે લખું છું? : મન્ટો

મોહન દાંડીકરે મન્ટો પર ખૂબ કામ કર્યું છે. છેલ્લે મોહનભાઈએ કરેલો એમની વાર્તાઓનો અનુવાદ વાંચેલો. મન્ટોના કેમેરામાં ઝિલાયેલી છબીઓ એ તેમની મન્ટો શ્રેણીનું ખૂબ ચર્ચામાં રહેલું પુસ્તક છે. આજે સમાચાર બુકમાં મન્ટોના કેમેરામાં ઝિલાયેલી છબીઓમાંથી મોહન દાંડીકરે લખેલ મન્ટો વિષયની કેટલીક વાતોને સવાલ જવાબ રૂપે અલગ તારવીએ. માની લો કે મન્ટોનું આ પુસ્તક વાંચ્યા પછી મોહન દાંડીકરે લખેલ સંસ્મરણોને સવાલ-જવાબના ફોર્મેટમાં ઢાળવમાં આવે તો કયા સવાલો હોઈ શકે ?

મન્ટો કેવો દેખાય છે ?

ઊંચો, પાતળો ગોરોગોરો, હાથ પરની નસો ઉપસેલી, પગો એકદમ પાતળા પણ બેડોળ નહિ. મોં પર ધુંધવાટ, અવાજમાં બેચેની, લખવામાં વ્યાકુળતા, વ્યવહારમાં કટુતા, ચાલવામાં ઝડપ – સઆદત હસન મન્ટોને પહેલીવાર જોયેલા ત્યારે મારા મન પર આવી છાપ પડેલી. પણ આ પછી તરત જ એક અનુભવ થયો છે. અને તે છે એમનું મસ્તક. મન્ટોના મગજનું ચોકઠું એના મગજની જેમ મોટું છે અને વિચિત્ર પણ! મોટા ભાગે પ્રતિભાશાળી વ્યક્તિઓના મસ્તકનું ચોકઠું પેલી તસવીરોની સાથે વધુ બંધબેસતું હોય છે. જેમને પશ્ચિમના ચિત્રકારો શેતાનનું ચોકઠું બતાવે છે. એટલે કે માથું મોટું અને વાળ કાનપટ્ટીની પાછળથી ગાયબ થતા. મન્ટોનું મસ્તક શેતાનના મસ્તકની સાથે બંધબેસતું નથી. મન્ટોનું મસ્તક મોટું છે. રૂપેરી પડદા જેવું. નીચેથી પહોળું ઓછું. ઉપરથી વધુ. વાળ સીધા, લાંબા અને ઘટ્ટ. આંખોમાં એક જાતની ચમક છે, ચંચળતા છે. નિર્ભિક કઠોરતા છે.

~પુસ્તકમાં રહેલ કૃષ્ણચંદ્રની પ્રસ્તાવનામાંથી

પ્રશ્ન :1 વાર્તાઓ કેવી રીતે લખે છે ?

લોકો મને ઘણીવાર પૂછે છે કે હું વાર્તા કેવી રીતે લખું છું? એના જવાબમાં હું કહું છું કે હું મારા રૂમમાં જઈને સોફા પર બેસી જાઉં છું. પછી કાગળકલમ લઉં છું. પછી ‘બિસ્મિલ્લાહ’ બોલું છું. પછી વાર્તા લખવાની શરુઆત કરું છું. એ વખતે મારી ત્રણે દીકરીઓ ધમાચકડી મચાવ્યા કરતી હોય છે. એમની સાથે હું વાતો પણ કરું છું. એમના લડાઈઝઘડા પણ પતાવું છું. કોઈ મુલાકાતી આવે તો એની સરભરા કરું છું અને વાર્તા પણ લખું છું.

હવે વાર્તા કઈ રીતે લખું છું તેનો જવાબ આપું તો હું જે રીતે ભોજન કરું છું, સ્નાન કરું છુ, સિગારેટ પીઉં છું અને ઝખ મારું છું, એ રીતે વાર્તા પણ લખું છું. અને કદાચ મને પૂછવામાં આવે કે હું વાર્તા શા માટે લખું છું ? તો કહીશ કે મને જેમ દારૂ પીવાની ટેવ પડી ગઈ છે, તેમ વાર્તા લખવાની ટેવ પડી ગઈ છે. વાર્તા ન લખું તો મને એમ જ લાગ્યા કરે કે મેં કપડાં નથી પહેર્યાં.

પ્રશ્ન :2 પાકિસ્તાનમાં કેવું લાગે છે ?

હું જાણું છું. મારું વ્યક્તિત્વ ઘણું મહાન છે. ઉર્દુસાહિત્ય જગતમાં મારું ઘણું મોટું નામ છે. જો આ બૌદ્ધિક સજ્જતા ન હોત તો જીવવું વધુ મુશ્કેલ બની જાત. પણ મારે માટે એક કડવું સત્ય છે કે હું મારા દેશમાં, જેને લોકો પાકિસ્તાન કહે છે તે દેશમાં, મારું અસલી સ્થાન શોધી શક્યો નથી. એ કારણે મારો જીવ ગૂંગળાયા કરે છે. એ કારણે ક્યારેક હું પાગલખાનામાં હોઉં છું અને ક્યારેક હું હોસ્પિટલમાં હોઉં છું.

પ્રશ્ન :3 તમારા સમકાલીનો તમારી મજાક ઉડાવે ત્યારે કેવું લાગે ?

સાચું કહું છું, એ વખતે મને ખૂબ જ દુખ થયું, જ્યારે મારા કેટલાક સમકાલીનોએ મારા આ પ્રયત્નની ‘સિયાહ હાશિયે’ની મજાક ઉડાવી હતી. મને ટુચકાબાજ, ધૂની, અશ્લિલ અને પ્રત્યાઘાતી કહેવામાં આવ્યો હતો. મારા એક મિત્રે તો ત્યાં સુધી કહી દીધું કે મેં મુડદાંના ખીસામાંથી સિગારેટના ટુકડા, વીંટીઓ અને એવી જ બીજી બીજી વસ્તુઓ કાઢી લીધી છે. એ મિત્રે મારે નામે એક ખુલ્લો પત્ર પણ પ્રગટ કર્યો છે.

પ્રશ્ન :4 નવા અને જૂના સાહિત્યકાર વિશે શું વિચારો છો ?

આજનો સાહિત્યકાર આજથી 500 વરસ પહેલાંના સાહિત્યકારથી મૂળભૂત રીતે જુદો નથી. દરેક વસ્તુ પર નવાજૂનાનું લેબલ સમય લગાડે છે, માણસ નહીં. આજે આપણે નવા લેખકો કહેવાઈએ છીએ. આવનારો સમય આપણને જૂના કહી વખારમાં નાખી દેશે. એનો અર્થ એ નહીં કે આપણે વ્યર્થ જીવ્યા. ઘડિયાળનો કાંટો જ્યારે એક પરથી ખસીને બે પર જાય છે. ત્યારે એકનો કાંટો નકામો નથી બની જતો. ઘડિયાળનો કાંટો આખો ચકરાવો પૂરો કરીને ફરી પાછો એ જ આંકડા તરફ આવે છે. ઘડિયાળનો એ સિદ્ધાંત છે. દુનિયાનો પણ એ જ સિદ્ધાંત છે.

પ્રશ્ન :5 ઠંડાગોસ્તને લઈ તમારા પર કેસ થયો છે એ વાતની કેવી રીતે ખબર પડી ?

અસંખ્ય તંત્રીઓને એ વાર્તા આપેલી હતી. એક દિવસ મેં ઉડતી ઉડતી વાત સાંભળી કે છાપો માર્યો છે અને પોલીસ ‘જાવેદ’ વિશેષાંકની નકલો લઈ ગઈ છે. મેં કેટલાક ઓળખીતાઓને પૂછ્યું. કોઈકે આ સમાચારની પુષ્ટિ કરી તો કોઈકે કહ્યું કે અરે જવા દોને, આ તો ‘જાવેદ’વાળાના પ્રચારાત્મક સ્ટંટ છે. એ વખતે જાવેદના માલિક નસીર અનવરનો પત્ર આવ્યો. લખેલું હતું કે…

‘મન્ટો સાબ. એક સમાચાર સાંભળો. આજે પોલીસે ‘જાવેદ’ની ઓફિસે છાપો માર્યો. તપાસ કરતાં વધેલા ઘટેલાં કેટલાંક લખાણો કબજે કર્યા. બાકીનાં કાગળોની તપાસ કરતાં રવાનગી રજિસ્ટર પરથી જાણવા મળ્યું કે તમામ અંકો હિન્દુસ્તાન પાકિસ્તાનના જુદાં જુદાં સ્થળોએ રવાના કરી દીધા છે. પછી તો બધું તમારી સામે જ છે.

પ્રશ્ન :6 છોકરીઓ સાથે તમારા સંબંધ કેવા રહ્યા ?

મારા જીવનમાં બે ત્રણ છોકરીઓ આવી હતી, પણ તે મારી કામવાળીઓ હતી. એમની સાથે મારી ટકરામણ એ રીતે જ થઈ હતી, જેમ સડક પર ચાલતાં ચાલતાં બે આંધળાં એકમેક સાથે ભટકાઈને પાછા પોતપોતાને રસ્તે ચાલતા થઈ જાય તેમ. હું ખૂબ જ પ્રામાણિકપણે એવો અનુભવ કરી રહ્યો હતો કે હું ગમે તે બની શકું પણ પતિ નહીં બની શકું. એ પત્રકારત્વ અને વાર્તા જેવો મામલો નથી.

પ્રશ્ન : 7 જીવનનાં અકસ્માતો વિશે ?

મારા જીવનમાં ત્રણ મોટા અકસ્માતો બન્યા છે. એક મારા જન્મનો, બીજો મારાં લગ્નનો અને ત્રીજો હું વાર્તાકાર બન્યો તે. હું છેલ્લા અકસ્માતમાંથી હજુ પસાર થઈ રહ્યો છું.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments