Homeસાહિત્યવાર્તા વિશેષ : મન્ટોની ‘‘ખોલી દો...’’

વાર્તા વિશેષ : મન્ટોની ‘‘ખોલી દો…’’

લેખક-સઆદત હસન મન્ટો
અનુવાદ – Team Chabuk

અમૃતસરથી સ્પેશિયલ ટ્રેન બપોરના બે વાગ્યે ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરામાં પહોંચી. રસ્તામાં ઘણા માણસોના કાસળ નીકળી ગયા. કેટલાક ઘાયલ થયા અને કેટલાક અહીંથી ત્યાં ભટકી ગયા.

સવારના દસના ટકોરે કેમ્પની ઠંડી જમીન પર સિરાઝુદ્દીને આંખો ઉઘાડી અને પોતાની ચારેબાજુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના એક ઉમળતા સમુદ્રને જોયો તો તેની સમજવાની અને વિચારવાની શક્તિ વધારે ઘરડી થઈ ગઈ.

એ મોડે સુધી આકાશને એકધારો તાકતો રહ્યો. આમ તો કેમ્પમાં હડબડી મચેલી હતી. પણ ઘરડા સિરાઝુદ્દીનના કાનમાં તો જાણે ધાકુ પડી ગયું હતું. એને કશું સંભળાતું ન હતું. કોઈ એને જોતું તો વિચારતું કે એ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો છે, પણ એવું નહોતું. એની ચેતના લુપ્ત હતી. તેનું સમગ્ર અસ્તિત્વ શૂન્યમાં લટકેલું હતું.

ગંધારા આકાશની સામે કોઈ કારણ વિના જોતા જોતા સિરાઝુદ્દીનની આંખોએ સૂરજ સામે બાથ ભીડી. ઘાટો પ્રકાશ તેના અસ્તિત્વના રગ રગમાં ઉતરી ગયો અને એ સફાળો બેઠો થયો. તેના મગજમાં કેટલીય તસવીરો ભાગવા લાગી. લૂંટ-આગ, ભાગમ-ભાગ, સ્ટેશન, શેરીઓ, રાત અને સકીના… સિરાઝુદ્દીન એકદમ ઊભો થઈ ગયો અને ગાંડાની જેમ તેણે ચારેબાજુ ફેલાયેલા માનવ સમુદ્રમાં ખાંખાખોળા કરવાની શરૂઆત કરી દીધી.

ત્રણ કલાક સુધી તે ‘સકીના-સકીના’ ગાંગરતો કેમ્પની ધૂળને ફાકતો રહ્યો. પણ તેને પોતાની જુવાનજોંધ દીકરીની ભાળ ન મળી. ચારેબાજુ ઉત્પાત મચેલો હતો. કોઈ પોતાના બાળકને શોધતું હતું. કોઈ મા, કોઈ પત્ની, કોઈ દીકરી. સિરાઝુદ્દીન થાકી હારીને એક બાજુ બેસી ગયો અને માથા પર જોર આપીને વિચારવા લાગ્યો કે સકીના તેનાથી ક્યારે અને ક્યાં વિખૂટી પડી ગઈ. પણ વિચારતા વિચારતા તેનું મગજ સકીનાની માની લાશ ઉપર જ અટકી જતુ હતું. જેના બધા આંતરડા બહાર નીકળી ગયા હતા. તેનાથી આગળ તે કંઈ વિચારી ન શક્યો.

સકીનાની મા મરી ગઈ હતી. તેણે સિરાઝુદ્દીનની આંખોની સામે છેલ્લા શ્વાસ લીધા, પણ સકીના ક્યાં હતી, જેના વિશે એની માએ મરતા વખતે કીધું હતું, ‘મને મૂકી દો અને સકીનાને લઈને જલ્દી અહીંયાથી ભાગી જાવ.’

સકીના એની સાથે જ હતી. બેઉં ઉઘાડા પગે ભાગી રહ્યા હતા. સકીનાનો દુપટ્ટો પડી ગયો હતો. એને ઉઠાવવા માટે તેણે ઊભું રહેવું પડ્યું હતું. સકીનાએ જોરથી રાડ પાડતા કહ્યું હતું, ‘અબ્બાજી છોડી દો.’ પણ દુપટ્ટો ઉઠાવી લીધો હતો…. આ વિચારતા વિચારતા તેણે પોતાના કોટના ફુલેલા ખિસ્સા તરફ જોયું અને હાથ નાખી એક કપડું કાઢ્યું, સકીનાનો જ દુપટ્ટો હતો. પણ સકીના નહોતી?

સિરાઝુદ્દીને પોતાના થાકેલા મગજ ઉપર અધમણ ભાર આપ્યો. એ કોઈ અંતિમ પરિણામ સુધી ન પહોંચી શક્યો. શું તે સકીનાને પોતાની સાથે સ્ટેશન સુધી લઈ ગયો હતો ? શું તે તેની સાથે જ ગાડીમાં સવાર હતી ? રસ્તામાં જ્યારે ગાડી ઊભી રાખવામાં આવી હતી અને વિદ્રોહીઓ અંદર ઘુસી ગયા હતા તો શું તે બેભાન થઈ ગયો હતો, ને ત્યાં એ સકીનાને ઉઠાવીને લઈ ગયા ?

સિરાઝુદ્દીનના મગજમાં સવાલ જ સવાલ હતા. જવાબ એક પણ નહોતો. તેને સહાનુભૂતિની જરૂર હતી. જો કે ચારે બાજુ જેટલા પણ માણસો હતા બધા વિડંબણામાં હતા. એક એક ને સહાનુભૂતિની જરૂર હતી. સિરાઝુદ્દીને રડવાનું ઈચ્છ્યુ, પણ આંખોએ તેની સહાયતા ન કરી. આંસુ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા હતા.

છ દિવસ પછી જ્યારે તે માંડ માંડ કરીને બેઠો થયો, તો સિરાઝુદ્દીન એ લોકોને મળ્યો જે તેની મદદ કરવા તૈયાર હતા. આઠ સ્વયંસેવક જુવાનિયા હતા. એમંની પાસે લાકડીના મોટા દંડા હતા, બંદૂકો હતી. સિરાઝુદ્દીને એમને લાખ લાખ દુવાઓ આપી અને સકીનાનો ચહેરો કહી બતાવ્યો, ‘સફેદ રંગ છે અને ખૂબ જ સુંદર છે. મારા ઉપર નહીં એની મા પર ગઈ છે… ઉંમર સતર વર્ષની આળેગાળે… આંખો મોટી મોટી…. વાળ કાળા… જમણા ગાલ ઉપર મોટું તલ… મારી એકમાત્ર સગી દીકરી છે. ગોતી દો અલ્લાહ તમારું ભલું કરશે.’

જુવાનિયાઓએ ભાવનાપૂર્વક ઘરડા સિરાઝુદ્દીનને વિશ્વાસ અપાવ્યો કે જો તેની દીકરી જીવતી હશે તો થોડાક જ દિવસોમાં તેની પાસે હશે.

આઠે જુવાનિયાઓએ પ્રયત્ન કર્યો. જીવ હથેળી ઉપર રાખીને એ અમૃતસર ગયા. ઘણા પુરુષો અને સ્ત્રીઓને બચાવી બચાવીને સુરક્ષિત સ્થળ પર લાવીને રાખ્યા. દસ દિવસ પસાર થઈ ગયા પણ સકીના ન મળી.

એક દિવસ આવા જ એક કામ માટે અમૃતસર લારી પર જઈ રહ્યા હતા કે રસ્તામાં તેમને એક છોકરી દેખાણી. લારીનો અવાજ સાંભળીને એ દોડી, એણે ભાગવાનું શરૂ કર્યું. જોયું તો ખૂબ જ સુંદર હતી. જમણા ગાલ ઉપર મોટું તલ હતું. એક છોકરાએ તેને કહ્યું, ‘બી માં બી માં…. તારું નામ સકીના છે ?’

છોકરીનો રંગ વધારે પીળો પડી ગયો. એણે કોઈ જવાબ ન આપ્યો, પણ જ્યારે બધા જુવાનિયાઓએ એને વિશ્વાસ અપાવ્યો અને તેની બીક દૂર કરી તો તેણે માની લીધું કે તે સિરાઝુદ્દીનની જ દીકરી સકીના છે.

આઠેય સ્વયંસેવક જુવાનિયાઓએ સકીનાને બધીય બાજુથી દિલાસો આપ્યો. એને ખવડાવ્યું, દૂધ પીવડાવ્યું અને લારીમાં બેસાડી દીધી. એકે પોતાનો કોટ ઉતારીને એને આપી દીધો, કારણ કે દુપટ્ટો ન હોવાના કારણે તે ખૂબ જ મૂંઝવણ અનુભવી રહી હતી અને વારંવાર પોતાના બંને હાથેથી છાતીને ઢાકવાના પ્રયાસમાં લાગી હતી.

કેટલાય દિવસો પસાર થઈ ગયા – સિરાઝુદ્દીનને સકીનાની કોઈ ખબર ન પડી. એ દિવસભર અઢળક કેમ્પો અને ઓફિસોમાં આટાફેરા મારતો રહ્યો, પણ ક્યાંય તેની છોકરીની ભાળ ન મળી. રાતે એ ખૂબ મોડે સુધી પેલા સ્વયંસેવક જુવાનિયાઓની સફળતા માટે પ્રાર્થના કરતો રહ્યો. જેમણે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે જો સકીના જીવતી હશે તો થોડા દિવસોમાં જ એને શોધી કાઢીશું.

એક દિવસ સિરાઝુદ્દીને કેમ્પમાં એ સ્વયંસેવક જુવાનિયાઓને જોયા. લારીમાં બેઠા હતા. સિરાઝુદ્દીન ભાગતો ભાગતો તેમની પાસે આવ્યો. લારી ચાલવાની જ હતી કે તેણે પૂછ્યું, ‘દીકરા, મારી સકીનાની કંઈ ખબર મળી?’

બધાએ એકસાથે કહ્યું, ‘પડી જશે…. પડી જશે…’ અને લારી ચલાવી દીધી. સિરાઝુદ્દીને એક વખત ફરી જુવાનિયાઓની સફળતા માટે પ્રાર્થના કરી અને તેનું હૈયુ કેમેય કરીને હળવું થઈ ગયું.

સાંજના ટાણે કેમ્પની નજીક સિરાઝુદ્દીન બેઠો હતો. તેની બાજુમાં જ કંઈક હલચલ થઈ. ચાર જણ કંઈક ઉઠાવીને લાવી રહ્યા હતા. એણે ભાળ મેળવી તો ખબર પડી કે રેલવે લાઈનની બાજુમાં એક છોકરી બેભાન પડી હતી. લોકો એને ઉઠાવીને લાવ્યા છે. સિરાઝુદ્દીન તેની પાછળ પાછળ જવા લાગ્યો. લોકો છોકરીને હોસ્પિટલવાળાઓને સોંપી પોતાના રસ્તે પડ્યા.

થોડી વખત એ એમ જ હોસ્પિટલની બહાર ખોળેલા લાકડાના ખંભા સાથે ટેકો દઈ ઊભો રહ્યો. ને પછી ધીમે ધીમે અંદર ચાલ્યો ગયો. રૂમમાં કોઈ નહોતું. એક સ્ટ્રેચર હતું. જેના પર એક લાશ પડેલી હતી. સિરાઝુદ્દીન ટૂંકા-ટૂંકા ડગલે એની તરફ વધ્યો. રૂમમાં અચાનક અજવાળું થયું. સિરાઝુદ્દીને લાશના પીળા પડી ગયેલા ચહેરા પર ચમકતું તલ જોયું અને રાડ પાડી ઉઠ્યો – ‘સકીના…’

ડોક્ટર, જેણે ઓરડામાં અજવાળું કર્યું હતું એણે સિરાઝુદ્દીનને પૂછ્યું, ‘શું થયું?’

સિરાઝુદ્દીનના ગળામાંથી હળવેથી બસ એટલું જ નીકળ્યું, ‘જી… હું… જી… હું… આનો બાપ છું.’

ડોક્ટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ તપાસી અને સિરાઝુદ્દીનને કહ્યું, ‘બારી ખોલી દો.’

સકીનાના જડ શરીરમાં ચેતનાનો સંચાર થયો. નિર્જીવ હાથોથી તેણે નાળો ખોલ્યો અને સલવાર નીચે ઉતારી દીધી. ઘરડો સિરાઝુદ્દીન ખુશ થઈ રાડો પાડવા લાગ્યો, ‘જીવતી છે-મારી દીકરી જીવતી છે ?’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments