Homeસાહિત્યવાર્તા વિશ્વ : સઆદત હસન મન્ટોની દિવાલ પર માથું પછાડવા મજબૂર કરતી...

વાર્તા વિશ્વ : સઆદત હસન મન્ટોની દિવાલ પર માથું પછાડવા મજબૂર કરતી દસ લઘુકથાઓ

અનુવાદ – Team Chabuk

મુરઘો છે

ગાડી ઊભેલી હતી.

ત્રણ બંદુકધારીઓ એક ડબ્બા પાસે આવ્યા. બારીની અંદર જોઇને એમણે મુસાફરોને શું પૂછ્યું,  ‘કેમ કોઈ મુરઘો છે ભાઈ.’

એક મુસાફર બોલતા બોલતા રોકાઈ ગયો. બાકીના લોકોએ જવાબ આપ્યો, ‘જી ના.’

થોડા સમય પછી ચાર ભાલા સાથે લોકો આવ્યા, બારીની અંદર જોઈને મુસાફરોને પૂછ્યું, ‘શું ભાઈ કોઈ મુરઘો છે.’

એ મુસાફર જે પહેલા કંઈક બોલતા બોલતા અટકી ગયો હતો, તેણે જવાબ આપ્યો, ‘અરે ખબર નહીં ભાઈ….. તમે અંદર જઈને સંડાસમાં જોઈ લો.’

ભાલા ધારકો અંદર દાખલ થયા. સંડાસ તોડ્યું તો એમાંથી એક મુરઘો નીકળ્યો.

એક ભાલાવાળાએ કહ્યું, ‘હલાલ કરી નાખો.’

બીજાએ કહ્યું, ‘ના, અહીં નહીં. ડબ્બો ખરાબ થઈ જશે.’

માફ કરજો

છરી પેટને ચીરીને નાભીની અંદર સુધી ચાલી ગઈ.

પાયજામાનો નાડો પણ કપાઈ ગયો. તેના મોઢામાંથી એકાએક અલ્લાહ માટેના શબ્દો સરી પડ્યા.

‘ચૂચૂચૂચૂ……. ભૂલ થઈ ગઈ.’

હંમેશાં માટેની રજા

‘પકડો પકડો… જો ભાગે નહીં.’

શિકાર થોડી ભાગાભાગી પછી પકડી લેવામાં આવ્યો. ભાલા તેના શરીરની અંદર ખૂપી જ જવાના હતા ત્યાં તેણે ગળગળા થઈને કહ્યું, ‘મને ન મારો… મારો નહીં મને… હું રજા પર મારા ઘરે જાઉં છું.’

હલાલ અને ઝટકો

મેં તેના શરીરની મોટી રગ ઉપર છરી રાખી અને ધીમે ધીમે તેને હલાલ કરી નાખ્યો.

‘આ તે શું કર્યું.’

‘કેમ.’

‘તેને મારી કેમ નાખ્યો?’

‘મજા આવે છે આ રીતે.’

‘મજા આવે છે ના છોકરા, તારે ઝટકો મારવાની જરૂર હતી.’

અને હલાલ કરનારની ગરદનને એક ઝાટકો લાગી ગયો.

હેવાનિયત

મહા મહેનતે મિયાં-બીવી ઘરનો થોડો સામાન બચાવવામાં સફળ થયા. જુવાન છોકરી હતી. તેની કોઈ ખબર ન પડી. નાની બાળકી હતી જેને માએ પોતાની છાતી સરસ ચાંપીને રાખી હતી. એક ભૂરી ભેંસ હતી તેને બોલાવી હાંકીને લઈ ગયા. ગાય તો બચી ગઈ પણ તેનું વાછરડું ન મળ્યું. મિયાં-બીવી, તેમની નાની છોકરી અને ગાય એક જગ્યાએ છૂપેલા હતા.

કાળી ડિબાંગ રાત્રી હતી. બાળકીએ બીને રડવાનું શરૂ કર્યું. શાંત વાતાવરણમાં જાણે કોઈ ઢોલ પીટવા લાગ્યું. માએ ડરીને બાળકીના મોઢા પર હાથ રાખી દીધો. ક્યાંક દુશ્મન સાંભળી ન લે. અવાજ દબાઈ ગયો. બાપે બચાવ કરવા માટે માથે મોટી ચાદર ઢાંકી દીધી.

થોડાં સમય પછી દૂરથી કોઈ વાછરડાનાં ભાંભરવાનો અવાજ આવ્યો. ગાયના કાન ઊભા થઈ ગયા. તે ઊભી થઈ અને અંદર જ દોડવા લાગી. તેને શાંત કરવાના ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા.

અવાજ સાંભળીને દુશ્મન આવી ગયો. દૂરથી મશાલોની આગ દેખાઈ રહી હતી. બીવીએ પોતાના મિયાંને ગુસ્સામાં કહ્યું, ‘તમે શું કરવા આ હેવાનને તમારી સાથે લઈ આવ્યા ?’

આંખ પર ચરબી

‘‘આપણી જાતના લોકો પણ કેવા છે….

પચાસ ડુક્કર ખૂબ મુશ્કેલીથી શોધીને આ મસ્જિદમાં કાપ્યા છે.

મંદિરોમાં ધડાધડ ગાયનું માંસ વેચાઈ રહ્યું છે.

પણ અહીં સુવરનું માંસ ખરીદવા માટે કોઈ આવતું જ નથી.’’

ભૂલને ઉડાવી દો

‘કોણ છો તું ?

‘તું કોણ છો ?

‘હરહર મહાદેવ… હરહર મહાદેવ?

‘હરહર મહાદેવ? ’

‘પ્રમાણ શું છે ? ’

‘પ્રમાણ.. મારું નામ ધર્મચંદ છે? ’

‘આ કોઈ પ્રમાણ નથી? ’

‘ચાર વેદો સહિતની કોઈ પણ વાત મને પૂછી લો.’

‘અમે વેદને નથી જાણતા… તારું પ્રમાણ આપ. ’

‘શું ? ’

 ‘પેન્ટ ઢીલું કરી નાખ ? ’

પેન્ટ ઢીલું થયું તો કાગારોળ મચી ગઈ.

‘મારી નાખો. મારી નાખો ?’

‘ઊભા ર્યો ઊભા ર્યો…. હું તમારો ભાઈ છું…. ભગવાનના સમ હું તમારો ભાઈ છું. ’

‘તો આ શું છે ? ’

‘જે વિસ્તારમાંથી આવું છું એ આપણા દુશ્મનોનો હતો એટલે મજબૂરીમાં મારે આ કરવું પડ્યું… ફક્ત મારો જીવ બચાવવા માટે… એક જ વસ્તુ ભૂલથી થઈ ગઈ છે બાકી બધું ઠીક છે.’

‘તો ભૂલને ઉડાવી દો.’

ભૂલ ઉડી ગઈ અને ધર્મચંદ પણ ઉડી ગયો.

આશ્ચર્ય

લૂંટેલો માલ મેળવવા માટે પોલીસે છાપા મારવાનું શરૂ કર્યું. લોકો ડરીને લૂંટેલો માલ રાતના અંધારામાં બહાર ફેંકવા લાગ્યા. કેટલાક એવા લોકો પણ હતા જેણે કાયદાના ડરથી પોતાનો સામાન બહાર ફેંકી દીધો.

એક માણસને ભારે મૂંઝવણ થઈ. તેની પાસે ખાંડની બે થેલીઓ હતી, જે તેણે કરિયાણાવાળાની દૂકાનેથી લૂંટેલ.

એક થેલી તો રાતના અંધકારમાં કે કૂવામાં ફેંકી આવ્યો. જોકે બીજી ઉઠાવીને કૂવામાં નાખવા ગયો તો પોતે પણ પડી ગયો.

રાડારાડ સાંભળીને લોકો એકઠા થઈ ગયા. કૂવામાં રાંઢવા નાખવામાં આવ્યા. બે યુવાનો નીચે ઉતર્યા. એ માણસને બહાર કાઢી લીધો.

પણ બે કલાક પછી તે મરી ગયો.

બીજા દિવસે લોકોએ પાણીનો ઉપયોગ કરવા માટે કૂવામાંથી કાઢ્યું તો એ ગળ્યું હતું.

એ રાતે જ તે માણસની કબર પર દિવાઓ સળગી રહ્યા હતા.

ખોટનો ધંધો

બે મિત્રોએ મળીને દસ-વીસ છોકરીઓમાંથી એક છોકરી પસંદ કરી અને બ્યાંસી રૂપિયા આપીને તેને ખરીદી લીધી. રાત પસાર કરીને એક મિત્રએ તે છોકરીને પૂછ્યું, ‘તારું નામ શું છે?’

છોકરીએ તેનું નામ બતાવ્યું અને તે ભોંચક રહી ગયો, ‘અમને તો કહ્યું હતું કે તું બીજા ધર્મની છો.’

છોકરીએ જવાબ આપ્યો, ‘એણે ખોટું બોલ્યું હતું.’

આ સાંભળી એ દોડીને પોતાના મિત્રની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ઓલા હરામીએ આપણી સાથે દગો કર્યો. આપણા જ ધર્મની છોકરી પકડાવી દીધી. ચાલો પાછી કરી આવીએ.’

જેલી

પરોઢના છ વાગ્યે પેટ્રોલ પમ્પની બાજુમાં હાથલારીમાં બરફ વેચનારાને કોઈએ છરો ખૂંપી દીધો. સાત વાગ્યા સુધી તેની લાશ રસ્તા પર રઝળતી રહી અને તેના પર બરફ પાણી બની ટપકતું રહ્યું. સવા સાત વાગ્યે પોલીસ લાશ ઉઠાવીને લઈ ગઈ. બરફ અને લોહી ત્યાં રસ્તામાં જ પડ્યા રહ્યા. એક ઘોડાગાડી ત્યાંથી પસાર થઈ. બાળકે લોહીના ચમકતા થરને જોયા. તેના મોઢામાં પાણી આવી ગયું. બાળકે એની માનું બાવડું ખેંચીને આંગળી વડે એ તરફ ઈશારો કર્યો, ‘‘જો મમ્મી જેલી.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments