Homeસાહિત્યવિશ્રંભકથા-નિબંધ-મયૂર ખાવડુ

વિશ્રંભકથા-નિબંધ-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: કરોળિયાનું જાળું વિસ્મયનું એક અલગ જ વિશ્વ છે. દિવાલ પર ચોંટી ગયેલા નિરાકાર જાળાઓનો સર્જનહાર કરોળિયો ભાગીને ચોપડાના કબાટની પાછળ લપાય જાય છે. એણે રચેલી વિચિત્ર આકૃતિઓનો વૈભવ કબાટના બેઉં પડખા પર લટકી રહ્યો છે. પંખાની હવાના કારણે તેની સ્થિતપ્રજ્ઞતામાં પડતી ખલેલને જોઉં છું. એ રોજ અથાગ મહેનત તો કરે છે, પણ તેનાથી એવું જાળું બનતું નથી, જે તેના કોઈ પૂર્વસૂરીએ બનાવ્યું હતું. જે એક સમયે તેણે આશ્ચર્યચકિત મુખે નિહાળ્યું હોય. મિત્રોને વાત કરી હશે. મિત્રોની વાત માની એણે બૂંગિયો ફૂંક્યો હશે. તોપણ શક્ય છે કે, આ ભવમાં એવા જાળાનું સ્વપ્ન સ્વપ્ન બનીને જ રહી જાય! કારણ કે આપણા ઘરમાં રહેતું આ અષ્ટપાદી જંતુ તો સાદી જાળ રચનારું છે, જટિલ નહીં. આવી વૈજ્ઞાનિક સમજ એને ક્યાંથી હોય. એ તો મિત્રોએ રચેલા અંધકારના અભિપ્લવમાં અટવાય ક્યાંક ખોવાઈ જાય, પછી મોડે મોડે આગન્તુક બને.

કોઈ કરોળિયો સાવરણીની અડફેટે ચડી જાય. કોઈ ટેબલ નીચે કે કબાટ નીચે છુંદાઈ જાય. કોઈ વખત બાથરૂમમાં આવેલી ત્સુનામીથી બચવા દોડાદોડી કરતો હોય. તો કોઈ માયાળું હ્રદયનું ઘરની બહાર કાઢી મૂકે. આનાથી વિપરિત, ક્યારેક કોઈ ફૂંક મારી ફંગોળી દે. આ બધી કરોળિયાના જીવનમાં આવતી મહામારી છે. એક પીઢ કાચબાએ અન્ય જળચરોને કહ્યું, ‘મહામારી આવવાની હોય છે ત્યારે સમુદ્ર કાળો થઈ જાય છે. એક ઘટ્ટ કાળા પદાર્થનું આવરણ સમુદ્ર પર ચાદરની જેમ પથરાય જાય છે.’ આજે એ બધા જળચરો મરી ગયાં છે. નવા જળચરોને એ કાચબો કાળા સમુદ્રની ‘મહામારીની’ કથા સંભળાવ્યા રાખે છે. ભલે એની વાત કોઈ માનતું ન હોય. કરોળિયાને તો મહામારીની કથા કહેનારું કોણ? જાણે અને બીજાને કહેવા જાય ત્યાં જ ઉકલી ગયો હોય.

કરોળિયાનું જાળું પ્રતીકાત્મક રીતે કેટલું બધું શીખવી દે છે. નાનપણમાં ઉત્તેજન આપવા કહેવાતી તેની વાર્તાઓમાંથી, આજે ઠેકઠેકાણે નગરકીર્તન થઈ રહ્યું છે. કરોળિયો માણસના તત્વજ્ઞાનનો ભોગ બન્યો છે. એણે કંઈક અલગ કહ્યું અને આપણે કશુંક અલગ સમજીને કહી રહ્યા છીએ. આપણા તત્વજ્ઞાનનો વિષય એ ખરેખર એના માટે તો જઠરાગ્નિનો વિષય છે.

તાઈવાનથી આવેલી બુદ્ધની તસવીરની પાછળ એણે પોતાનું રહેઠાણ બનાવ્યું છે. બે વર્ષથી મેં એ તસવીરને છંછેડી નથી. હવે દિવાળીમાં તેના ઘરમાં ભૂકંપ આવવાનો છે. ભવિષ્યમાં આવનારી આ સમસ્યાની આગોતરી જાણકારી માટે તેણે કોઈ યંત્ર બનાવ્યું હશે? જીવ-જંતુઓ કેટલા નિશ્ચિત હોય છે. ભૂતકાળમાંથી એ કંઈ બોધપાઠ લેતો નથી, અન્યોને જગ્યા નિષિદ્ધ હોવાનું જણાવતો નથી. ભવિષ્યની તેને ચિંતા નથી. વર્તમાનમાં જીવવું. જ્યારે આવશે ત્યારે જોયું જશે. ઉપાધિનો લોટ અત્યારથી ક્યાં દળવો.

આજે અતીતની સ્મૃતિઓનું જાળું કરોળિયાના જાળાની સાથે એકાએક ગૂંથાવા લાગ્યું છે. શેરીની વચ્ચે વરસાદના કારણે એક ખાબોચિયું ભરાયું હતું. એ ખાબોચિયાનું સર્જન અજાણ્યા વાહને કરેલું. નોટબુકની વચ્ચેના પાનાં ફાડી હોડી બનાવી અને એ હોડીમાં આ વખતે મંકોડાની જગ્યાએ કરોળિયાને બેસાડવાનો પાપી મનસૂબો ઘડ્યો. હોડી ડૂબી ગઈ. રહી ગયો તો એમાં દેખાતો એક પાતળો તાંતણો. અડકતા ફટ કરતો તૂટી ગયો. કરોળિયાના મૃત્યુનો સંતાપ આર.કે.નારાયણના સ્વામીના મંકોડાની માફક ચારેબાજુથી ઘેરી વળ્યો. થોડીવાર પછી સામે જોવ તો હરદાસભાઈના મકાનની દિવાલ પર એ ચડી રહ્યો છે.

મારા ઘરમાં રાતના ટ્યૂબલાઈટના પ્રકાશમાં તેણે કરેલી કારીગરી દેખાય. દેખાય અને તુરંત કોઈ અગોચર સૃષ્ટીમાં અલોપ થઈ જાય. જો આપણી કાયામાં ક્યાંય અટવાય તો તેની દિવસભરની મહેનતને મૂળસોતું ઉખેડી નાખીએ.

જૂના અખબારો ફંફોસું તો તેમાં ગોઝારી અકસ્માતની ઘટના ઉપર જ કરોળિયો પોતાના અષ્ટપાદ ફેલાવીને પડ્યો હોય. એ મરી ગયો હોય. કોઈ કોઈ વખત તો શ્રદ્ધાંજલિના પાનાં પર જ દમ તોડી, મફતમાં શ્રદ્ધાંજલિ પ્રકાશિત કરાવી, અખબારના માલિકને ઠેંગો બતાવતો હોય. જ્યારે પણ મંજૂષામાં રહેલા જૂના અખબારોમાંથી સંદર્ભ શોધવા હાથ આગળ ધરું ત્યારે ત્યારે ગુલઝારનું સ્મરણ થઈ આવે છે.

ये वादा था कोई भूखा नहीं रहेगा कहीं

वो वादा देखा है अख़बार में लपेटा हुआ

તાજેતાજો ઘાણવો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments