ગોવાબાપાઃ ચાબુક આપણા ગુજરાતમાં ચૂંટણી પતી ને માંડ આળસ મરડવાનું વિચારતો હતો ત્યાં જ આ બંગાળમાં ચૂંટણી આવીને ઊભી રહી ગઈ છે. આજે તો પ્રધાનમંત્રી મોદી પણ બંગાળનો ગઢ જીતવા કોલકત્તામાં પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના જાણીતા બ્રિગેડ ગ્રાઉન્ડમાં કોરોનાની વચ્ચે મોદી સાહેબે હકડેઠઠ જનમેદનીને સભા સંબોધી હતી. તને તો ખબરને ચાબુક મોદી સાહેબ જ્યાં સભા કરવા જાય ત્યાંનો પહેલાં એટલો અભ્યાસ કરીને જાય કે લોકોને લાગે કે મોદી સાહેબ તો આપણી ભૂમિના જ છે. આજે પણ મોદી સાહેબે બંગાળી ભાષામાં એટલી બધી વાતો કરી કે બંગાળના લોકોને મોજ પડી ગઈ.
હવે મુળ વાત તને કરું, મોદી સાહેબની સભા ચાલુ થઈ તે પહેલાં અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા. થોડીવાર પછી પ્રધાનમંત્રી સ્ટેજ પર આવ્યા અને પોતાના અંદાજમાં 68 મિનિટ સુધી બોલતા જ રહ્યા. સામે લોકોની ભીડ જોઈને તો મોદી સાહેબ બોલી ગયા કે ઘણાયને તો આજે બીજી મે હોય તેવું લાગી રહ્યું છે. ચાબુક બીજી મેએ પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ છે હો યાદ રાખજે.
મિત્રો માટે જ કામ કરું છું અને મિત્રો માટે જ કામ કરીશઃ નરેન્દ્ર મોદી
ચાબુક અવારનવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આરોપ લાગે છે કે તેઓ તેમના અમુક દોસ્તો માટે કામ કરી રહ્યા છે. આ આરોપનો જવાબ આજે પ્રધાનમંત્રીએ પોતાની કોલકત્તાની રેલીમાં આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ગરીબીમાં મોટો થયો છું તેથી ગરીબો જ મારા પાક્કા મિત્રો છે અને બંગાળના મારા આ મિત્રો માટે જ હું કામ કરી રહ્યો છું અને આ મિત્રો માટે જ કામ કરતો રહીશ. પ્રધાનમંત્રીએ આટલું કહીને ગરીબો, વંચિતો, દલિતો, શોષિતો, પીડિતો તમામને પોતાના મિત્રો ગણાવ્યા.
ચાબુક પ્રધાનમંત્રીએ મમતા બેનર્જીને ફૈબા કહી દીધા બોલ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મમતા દીદી જનતાએ તમને દીદીના રૂપમાં પસંદ કર્યા હતા પરંતુ તમે તો એક જ ભત્રીજાના ફૈબા બનીને રહી ગયા. બંગાળના લાખો ભત્રીજાના બદલે તમે પોતના જ ભત્રીજાની લાલચ પૂરી કરવામાં કેમ લાગી ગયા. શું તમે પણ કોંગ્રેસના ભાઈ-ભત્રીજા વાદના સંસ્કારને છોડી ન શક્યા.
ચાબુક પહેલા આ નીચેનો ફોટો જોઈ લે

થોડા દિવસ પહેલાં મમતા દીદી સ્કૂટી શીખી રહ્યા હતા ત્યારનો આ ફોટો છે. પ્રધાનમંત્રી સ્કૂટી શીખવા પર બોલ્યા કે, થોડા દિવસ પહેલાં તમે સ્કૂટી શીખી રહ્યા હતા ત્યારે બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે તમે કુશળ રહો, તમને ક્યાંય વાગે નહીં. સારું થયું તમે પડ્યાં નહીં નહીંતર જે રાજ્યમાં સ્કૂટી બની છે તે રાજ્યને તમે દુશ્મન બનાવી લેત. તમારી સ્કૂટી ભવાનીપુર જવાની જગ્યાએ નંદીગ્રામ તરફ વળી ગઈ. અમે નથી ઇચ્છતા કે કોઈને વાગે પરંતુ તમે જ નક્કી કર્યું કે સ્કૂટી નંદીગ્રામમાં જઈને જ પડે.
એટલે કે પ્રધાનમંત્રીએ કહી દીધું કે દીદી તમે નંદીગ્રામથી હારશો જ. જોઈએ શું થાય છે એ તો.
ચાબુક હવે પ્રધાનમંત્રી આટલું બધું બોલ્યા હોય તો મમતા દીદી થોડા ચૂપ બેસી રહે. એમણેય પ્રધાનમંત્રી પર પ્રહારો કર્યા. પ્રધાનમંત્રીને જવાબ આપતા મમતા દીદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી પહેલાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ પર બોલે, તેના પર કેમ ચૂપ છે. મમતા દીદીએ તો એમ પણ કહી દીધું કે, મેં કોઈ દિવસ એવા પ્રધાનમંત્રી નથી જોયા જે આટલું ખોટું બોલતા હોય. જુઠ બોલે કૌવા કાટે.
હવે ગોવાબાપા તમારું બંગાળ પુરાણ પત્યું હોય તો ગુજરાતમાં પાછા આવો.
હાલ્ય ચાબુક ગુજરાત માટે તને એક સારા સમાચાર સંભળાવું. આજે જાહેરાત થઈ કે આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાવાની છે. એ સિવાય બીજી અનેક મેચ અમદાવાદમાં રમાશે. ગુજરાતના ક્રિકેટ રસીયાઓને તો મોજ મોજ..
ફરી પાછું બંગાળ તરફ જવું પડશે ચાબુક.
લે પાછા કેમ બંગાળ હાલ્યા બાપા તમેય. માંડ ગુજરાતમાં આવ્યા તા
પણ ચાબુક હું જે કહેવા જઈ રહ્યો છું એમાં ગુજરાત અને બંગાળને સંબંધ છે.
હા તો બોલી નાખો ગોવાબાપા.
વાત એમ છે ચાબુક કે ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ પાટકરે એક નિવેદન આપ્યું છે. રમણભાઈએ કહ્યું કે જો બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી યોજવાનો વિચાર થઈ શકે છે. ટૂંકમાં રમણભાઈનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-ભાજપ થઈ ગ્યું છે ને બંગાળમાં પણ જો ડંકો વાગી જાય તો આ ગરમ માહોલમાં ચૂંટણી કરી નાખવી સારી. નહીંને મતદારોનો મૂડ ફરી જાય તો ? એટલે કે લોઢું ગરમ છે ત્યાં હથોડો મારી દેવો સારો ચાબુક.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત