Homeતાપણુંપ્રધાનમંત્રીના મંત્રીમંડળમાંથી ડો હર્ષવર્ધન સહિતના મંત્રીઓની આ કારણે વિકેટ ઉડી ગઈ

પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાંથી ડો હર્ષવર્ધન સહિતના મંત્રીઓની આ કારણે વિકેટ ઉડી ગઈ

Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનો આજે વિસ્તાર કરવામાં આવશે. એ પહેલા ઘણા મંત્રીઓને સાયોનારો કહેવાનો વારો આવ્યો છે. આવજો કહેનારા મંત્રીઓમાં ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રિયો, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. આ મંત્રીઓના રાજીનામા પાછળનું શું કારણ છે એ જોઈએ. જોકે સૌથી મહત્વનું કારણ તો એ જ ગણી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કામથી નાખુશ હતા. ખાસ ડોક્ટર હર્ષવર્ધનની કામગીરીથી.

થાવરચંદ ગેહલોત

સમાચારમાં સૌથી પહેલા ચમક્યા સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી થાવરચંદ ગેહલોત. થાવરચંદ ગેહલોત પાસે રાજ્યસભામાં નેતા સદન અને બીજેપી પાર્લિયામેન્ટ્રી બોર્ડના સદસ્યનું મહત્વનું પદ હતું. તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના રાજ્યપાલ આ પહેલા ગુજરાતના વજુભાઈવાળા હતા. જેમનો કાર્યકાળપૂર્ણ થયો છે. જ્યારે કર્ણાટકના રાજ્યપાલ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમનું મંત્રી તરીકેનું પત્તુ કપાશે.

ડો હર્ષવર્ધન

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે મોદી સરકાર ઘેરામાં આવી હતી અને ચારે બાજુથી તેમના પર ટીકાનો વરસાદ થયો હતો એ પછી તમામ દોષનો ટોપલો ડો.હર્ષવર્ધન પર ઢોળી દેવામાં આવે તે સાફ છે. હર્ષવર્ધન પાસે આ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજીનું મંત્રાલય પણ હતું. એટલે કે હર્ષવર્ધનનાં રાજીનામાથી બે મોટા વિભાગ ખાલી થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં ડોક્ટર હર્ષવર્ધનની કામગીરી હોળી વિનાના સુકાની જેવી થઈ ગઈ હતી. સરકારને તેમના કારણે અઢળક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જેથી કેબિનેટ વિસ્તરણમાં ડો હર્ષવર્ધન સૌથી મોટું નામ છે.

બાબુલ સુપ્રિયો

પશ્ચિમ બંગાળના આસનસોલના સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપી દીધું છે. તેઓ રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી હતા. એવી વાત સામે આવી રહી છે કે બાબુલ સુપ્રિયો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેઓ પોતે મેદાનમાં ઉતર્યા હતા અને 50 હજારના ભારે વોટથી તેમનો પરાજય થયો હતો. તેમની કામગીરી સિવાય તેમની લોકપ્રિયતામાં પણ ઓટ આવતી દેખાઈ હતી.

દેબોશ્રી ચૌધરી

પશ્ચિમ બંગાળની રાયગંજ લોકસભા સીટથી બીજેપી સાંસદ દેબોશ્રી ચૌધરીને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી હતા. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે તેમને પશ્ચિમ બંગાળમાં બીજેપી મહત્ત્વનું પદ આપી રહી છે.

રમેશ પોખરિયાલ નિશંક

ઉતરાખંડના હરિદ્વારથી સાંસદ રમેશ પોખરિયાલ નિશંકને પણ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. ગત દિવસોમાં રમેશ પોખરિયાલ નિશંકને કોરોના થઈ ગયો હતો અને તેઓ એક મહિના સુધી હોસ્પિટલાઈઝ રહ્યા હતા. તેઓ ખરાબ સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપી રહ્યા છે.

સંતોષ ગંગવાર

ઉત્તર પ્રદેશના બરેલીથી સાંસદ સંતોષ ગંગવારને પણ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. તેઓ શ્રમ અને રોજગાર મંત્રીપદનો સ્વતંત્ર હવાલો ધરાવતા હતા. કોરોનાકાળ સમયે સંતોષ ગંગવારનો એક લેટર ખૂબ વાઈરલ થયો હતો. જેમાં તેમણે પોતાની જ યુપી સરકારની કડક શબ્દોમાં આલોચના કરી હતી. પાર્ટી વિરુદ્ધની પ્રવૃતિ એ પણ નજીક આવી રહેલી ઉત્તરપ્રદેશની ચૂંટણીના સમયે કેન્દ્રને યોગ્ય નહીં લાગી હોય. તેમની જગ્યાએ લખમીપુર ખીરીથી સાંસદ અજય મિશ્રાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

સંજય ધોત્રે

મહારાષ્ટ્રની અકોલા લોકસભા સીટથી સાંસદ સંજય ધોત્રેને પણ રાજીનામું અપાવી પદત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓ સૂચનાની સાથે પ્રોદ્યોગિકી મંત્રાલયના રાજ્ય મંત્રી હતા. તેમના કામથી ખૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુશ ન હોવાનું કારણ સામે આવ્યું છે. તેમને સંગઠનમાં અન્ય જવાબદારી આપી શકાય છે.

રતન લાલ કટારિયા

હરિયાણાના અંબાલાથી સાંસદ રતન લાલ કટારિયાએ પણ રાજીનામું આપી દીધું છે. તેઓ જળશક્તિ મંત્રાલયના રાજ્ય મંત્રી હતા. તેમની જગ્યાએ સિરસાથી સાંસદ રમેશ દુગ્ગલ કાર્યભાર સંભાળશે.

પ્રતાપ સારંગી

ઓરિસ્સાના બાલાસોરથી સાંસદ પ્રતાપ સારંગીને પણ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમની સાથે પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલનના રાજ્ય મંત્રી હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments